Guest Post by Abhishek Agravat ..... ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....



ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....-Abhishek Agravat  
·   
રખડવું યુવાન જીવના શોખમાં હોય છે. બાળપણના માસૂમ દિવસોમાં થતી રખડપટ્ટીનું ક્ષેત્રફળ વધીને બાજુના મહોલ્લાં સુધીનું રહેતું. રસ્તો ભટકેલું કૂતરું બીજા વિસ્તારમાં જઇ ચડે અને ત્યાં જ જન્મેલાં અને જવાન થયેલાં અને પોતાની ધાક જમાવીને બેઠેલા કૂતરાંઓના હાવભાવ જોઇને જે એની હાલત થાય તે જોવા જેવી હોય છે. જાદૂઇ જીનથી સીધી ન થયેલી એની પૂંછડી નવા મહોલ્લાના પોતાની જાતને શેર સમજતાં કૂતરાંઓને જોઇને ટટ્ટાર થઇ જાય છે. રૂંવે-રૂંવેથી બિચારો સૉરી કહેતો હોય એવું લાગે. આપણામાંથી કોઇક માથાભારે એવો નીકળતો જે ગમે ત્યાં રમી આવતો.એ ઓલરાઉન્ડર હોય.આખા ગામના છોકરાં એના ભાઇબંધ હોય.બાકી મોટાભાગે સૌ પોતાની શેરી સુધીના વિસ્તારમાં રમતાં-રખડતાં.  
ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....
યુવાનીની રખડ્ડપટ્ટી અડધીરાતે દોસ્તો સાથે શહેરના રસ્તાઓ પર  બાઇક લઇને રખડવાથી માંડીને દેશ-વિદેશના પ્રવાસો સુધી વિસ્તરતી હોય છે. જેને પોતાની દ્રષ્ટીના દેશમાં જ્ઞાતિ,જાતિ અને ખોખલાં રિવાજોના આવરણો હટાવવા છે એના માટે પ્રવાસો અનિવાર્ય છે. ચાહે ગઇસદીનો મોહનદાસ ગાંધી હોય કે કોઇપણ દેશના કરન્ટ પ્રધાનમંત્રી, પ્રવાસો વિના એની પ્રતિભાને અજવાળું ન વિસ્તર્યુ હોત. એક પુસ્તકોનો પ્રવાસ અને બીજો ભૂમિનો પ્રવાસ માણસને વ્યક્ત્તિ બનાવે છે. દરરોજ આપણા ઘરની બારી ખખડાવતો સુરજ ચીઠ્ઠી લીધા વિના પાછા ફરતા ધૂમકેતુના અલીડોસાની માફક જતો રહે છે. પંખીઓ દરરોજ આપણી આસપાસના વૃક્ષો પર એની સૂરમયી મૌજ  રેલાવતાં હોય છે. લોકોની અવરજવર,અડધીરાતની સૂમસામ સડક,આપણા જ શહેરના પ્રસિદ્ધ લોકેશન....આપણા માટે આકર્ષણના માધ્યમો નથી કારણ કે એ રૂટીનમાં આવે છે. પ્રવાસ એ છે જે આ બધી જ ઘટનાઓને નવી નજરે જોવાનો મોકો પુરો પાડે છે. બદલેલી હવા શ્વાસ બદલાવે છે. બદલેલા શ્વાસ અહેસાસ બદલાવે છે અને અહેસાસો જ્યારે કુદરતના અનેક સોપાનો અનુભવીને આપણી અંદર એકત્રિત થવા માંડે છે ત્યારે આકાર લે છે હૃદયની વિશાળતા.
જેની સાથે કોઇ નાતો નથી એવા કોઇ બિનગુજરાતી માણસને ત્યાં કડકડતી ઠંડીમાં બેસીને તમે ચાય પીધી છે ?  જેના રસ્તાઓથી તમે વાકેફ નથી એવા કોઇ પ્રદેશમાં ભૂલા પડીને ત્યાંના કાયમી રહેવાસીને ત્યાં એના આગ્રહને લીધે રાતવાસો કરી  એની ખાતેરદારીથી હરખાયને ગળગળાં થવાનો અનુભવ લીધો છે ક્યારેય? કોઇ એવી સાંજ છે તમારા અનુભવમાં જેમાં કોઇ અન્ય મુલ્કની નદીને કાંઠે બેસીને તમે વગર કારણે આંખો ભીની કરી હોય? પર્વત પાછળથી ડોકિયું કરતાં સવારના કૂણા તડકાને જોઇ એવી અનુભૂતિ થઇ છે કે કુદરતે અજવાળાની પ્રસૂતિ કરી છે કે શું ? જે આપણા જેવી ભાષા બોલતાં નથી,જે મોટાભાગની જિંદગી આપણી જેમ જીવતાં નથી,જેની સ્મસ્યાઓના ઢંગ અલગ છે,એના તહેવારો,રિવાજો,રસ્તાઓ અને મિજાજ અલગ છે એવા લોકોના સંપર્કમાં આવવાથી આપણી અંદરની સંકુચિતતાઓના નિર્વાણ થાય છે. ધર્મથી માંડીને ધતિંગ સુધીની વ્યાખ્યાઓ વ્યક્તિગત બનવા માંડે છે. ખબર પડે કે જીંદગીનો કોઇ અર્થ આવો પણ શક્ય છે. રોજિંદી જીંદગી છબછબીયાંની ગલીપચી આપી શકે,ધૂબાકો મારવાની મસ્તી અનુભવવા ઘરનો ઉંબરો કૂદવો અનિવાર્ય છે.   

ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....
અહીં અગત્યનો મુદ્દો એ પણ છે કે પ્રવાસ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો નહીં. આપણા ચિત્તનું અને હિતનું કંઇક જડે એ પ્રવાસની ફલશ્રુતિ છે. નાની ટેકરી પરથી વહેતા અને રસ્તા પરથી નીકળી જંગલમાં આગળ વધતાં ઝરણાંને સંપૂર્ણ રીતે જોવાને બદલે એના ફોટા જ લીધા કરવા એ કોઇ બુધ્ધિની વાત નથી. આપણે ત્યાં થતાં હનીમૂનો હવે એક મેજર ફોટો સેશનથી વિશેષ કંઇ રહ્યાં નથી. હોટેલને આરામ પુરતી જગા માની જ્યાં હોઇએ એ સ્થળ,શહેર કે વિસ્તારની પ્રત્યેક દિશાને જોઇ લેવાનો,જાણી લેવાનો,મહેસૂસ કરી લેવાનો વિલાસ ન જાગે ત્યાં સુધી એ મુલાકાત છે,પ્રવાસ નથી. રસિકતાથી બધું નિહાળવું પર્યટન સાથે પ્રણયનો નાતો બનાવે છે. અને પ્રવાસની ખરી મજા પછી જ જાગે છે. 
આપણે પ્રવાસની નોંધ કરી શકીએ પણ પ્રવાસને લીધે અંદર જાગેલા અજવાશની નોંધ કરવી શક્ય નથી. આપણા બજેટમાં,આપણને પોસાય એવી રીતે અનેક પ્રવાસો અને ટ્રીપ આયોજિત થતી જ હોય છે. એનો લાભ લઇને આપણે આપણને વિસ્તારવાના છે. જો કે મોટાભાગે મુદ્દો પૈસાનો હોતો જ નથી....મુદ્દો હોય છે ક્યાંક રખડવા જવાના પાગલપનની અછતનો. ખાનાબદોશીનું ઘેલું લાગવું જોઇએ. બચતનું યોગ્ય આયોજન અને કુદરતના અસંખ્ય રસોને પીવાની ભૂખ હોય તો બધું જ ગોઠવાઇ જાય.
        સ્વર્ગનું સરનામું કોઇને ખબર નથી. બની શકે એ આ જ પૃથ્વી હોય.  

(ગેસ્ટ પોસ્ટ by   Abhishek Agravat  )

 અભિષેક જૂનાગઢના વતની છે.  હાલ સચિવાલય , ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ક્લાર્ક તરીકે કાર્યરત છે.  તરૂણાઇમાંથી યુવાનીમાં બદલાતી ઉંમરનાં મનોભાવોને રજુ કરતું એમનું પહેલું પુસ્તક " મહોબ્બત....." ૨૦૧૪માં નવભારત સાહિત્ય મંદીર  દ્વારા પ્રકાશિત થયેલ છે, તેમાં ૪૩ અલગ અલગ પ્રકરણોમાં અભિષેકે  મહોબ્બતનાં મિજાજને બહુ અસરકારક રીતે આલેખ્યો છે. પ્રવાસના શોખીન એવાં અભિષેક લેખક અને ઉમદા વાંચક પણ છે.


JVians Discussion (group post) : છેલ્લા 24 કલાક ....

ક્યારેય વિચાર્યું છે કે જો તમને પહેલાં જ ખબર પડી જાય કે તમારી પાસે હવે જિંદગી ના છેલ્લા 24 કલાક જ છે તો તમે શું કરો?!  
એક વખત ગ્રુપમાં ફરઝાનાએ પૂછ્યું કે, જો બધાને ખબર પડી જાય કે હવે જીવનનાં છેલ્લા 24 કલાક જ બાકી છે તો તમે એ કેવી રીતે વિતાવશો?
અને પછી ગ્રુપમાં ચર્ચા થઈ એ વિષય પર...
અને જિંદગીના છેલ્લા 24 કલાક વિષે ગ્રુપનાં સભ્યોએ દિલ ઢોળ્યું. એ વિચારો અહીં પ્રસ્તુત છે...


chella 24 kalak
છેલ્લા 24 કલાક 


ફરઝાના સિવાણી :


રોજની જેમ સવારે વહેલી જાગી , routines પતાવી , મને ગમતો ડ્રેસ પહેરી , મસ્ત મૅકઅપ કરીશ ( I love it yaar 😋) ....

  કલી (my youngest sis) ના હાથ ની ચા પી , મૉમ , ડૅડ , કલી ને બહુ બધું વ્હાલ કરીશ ... રડવું આવશે જ તો રડી લઇશ મન ભરીને , મને આટલી સરસ લાઈફ આપવા બદલ મૉમ-ડૅડને tight hug કરીને thnx કહીશ ... મારી બેન નાએલા જે abroad  છે એની જોડે ફોન થી વાત કરીશ ...😃😃


સૌથી પહેલાં મને ભાવતી બધી જ ચૉક્લેટ્સ ઝાઝી બધી buy કરીશ એટલે ૨૪ કલાક માં જ્યારે મન થાય ત્યારે ખાઈ શકાય અને પછી પેટ ભરીને આઇસ્ક્રીમ ખાઈશ as  my breakfast અને lunch માં એ આવી રીતે આઇસ્ક્રીમ જ ખાઈશ 😂😂😂😂😂....


મારી બધી જ બુક્સ અહીં સ્ટેટ લાઇબ્રેરી છે ત્યાં આપી ને નજીક માં જ કબ્રસ્તાન છે તો જો શક્ય હોય તો મારી કબર ની જગ્યા એ પસંદ કરતી આવીશ ...ત્યાં થી અમે જે ભાડા ના ઘર માં રહેતા ત્યાં જઇશ , અત્યારે તો આખું નવું બાંધકામ થઇ ગયું છે પણ જમીન તો એ જ છે જ્યાં હું જન્મી , બેસતાં શીખી , ચાલતા શીખી , બોલતા શીખી 😊😊
..ત્યાં થોડીક વાર શાંતિથી બેસી ને પછી ચોપાટી એ પંહોચીને દરિયામાં પગ બોળીશ ને દરિયા જોડે એક સૅલ્ફી લઇ ને fb પર share કરીશ ...😎😎😂

પછી એક મસ્ત પાળી પર દરિયા સામે બેસીને અમુક frnds છે એમની જોડે વાતો કરીશ , ને એ ઈન્સાન જે મનની સાથે જોડાયેલો છે એને Sorry , thnx કશું નહીં કહું , બસ એટલું જ કહીશ કે " તારા વગર ત્યાં ગમશે નહીં , એટલે નવરો થા કે આવી જજે " !!!
😍😍😍😘

ત્યારબાદ JV ને એક msg કરીશ,  .... અને એમાં લખીશ કે એમનાં શબ્દોએ બહુ મદદ કરી છે મને જે તે સમયે(slight smile emoticon...)


પછી ચાલતા ચાલતા કબ્રસ્તાન સુધી જઈશ અને બાકી નો સમય ત્યાં જ પસાર કરીશ !!!


અંકિત સાદરિયા :

મને જો 24 કલાક મળે ને તો ..

૨ - ૩ કલાક બધા જ નજીક ના વ્યક્તિઓ વિશે લખવા પાછળ ગાળું..

પછી.. અડધો દિવસ મારા ભાઈ અને મારી થવા વાળી ધર્મપત્ની સાથે ગાળું ..

રાત્રી ના સમયે હું મારા મમ્મી અને પપ્પા સાથે વાત કરવા માં પસાર કરું ..

ને છેલ્લા શ્વાસ નજીક આવે ને બસ દારૂ પી ને સુઈ  જઉં ..

ડૉ. મેઘના ભટ્ટ : 

મારા મૉમ અને ડૅડ સાથે સમય વીતાવું. આમ તો 24 કલાકમાં ઘણું થઇ શકે, પણ મારે આ જ જોઈએ છે... મૉમ-ડૅડ સાથે વાતો..


હાર્દિક વ્યાસ :

મને અત્યારે (સાંજના 7-8 વાગ્યે) ખબર પડે છે, કે મારી પાસે છેલ્લા 24 કલાક છે..
તો હું સૌથી પહેલાં ઘણી બધી ચોકલેટ લઈ આવું. મારા ઓળખીતાં તમામ બાળકોને ઘેર બોલાવું.
4 કલાક માટે હવાઘર ભાડે લઈ આવું. મોજથી જલસા કરવા દઉં. પછી ચોકલેટ આપીને જ પોત પોતાનાં ઘેર જવા દઉં. પપ્પા અને મમ્મીનાં પગ દબાવું.

લગભગ રાત્રિનાં 2 વાગ્યે મારી પ્રેમિકા (વાઈફ) પાસે જાઉં.. એ જેમ કહે એમ કરું. નાચું, ગાઉં, જે કહે એ. પછી ખુબ વાતો કરું. ખબર નહિં કેમ મને વાતો હમેશા અધુરી જ લાગે છે.

સવારે દીકરાને જગાડું. જાતે તૈયાર કરું. નાસ્તો બનાવું જેવો આવડે એવો. બધા સાથે નાસ્તો કરું.

નોકરીમાં બંક મારું. એક સોશિયલ ફંક્શનનું કારણ આપું. પપ્પા-મમ્મીને એ બધુ કહું, જે કહી નથી શકાયું. દીકરાને પણ સ્કૂલમાં બંક કરાવું. એની સાથે રમું. અતિશય રમું. જે કહે એ રમું. બપોરે મમ્મીનાં હાથની રસોઈ જમું.. ગરમ ગરમ રોટલી ઉતરતી જાય એમ. લગભગ 25 જેટલાં લેટર લખું. એવા સગા-વહાલાઓને કે જેમને હું વ્હાલો છું. બીજા 25 લેટર દીકરા માટે લખું, જે એ સમજણો થતાં વાંચે. સાંજે ઘરે દરબાર ભરું. જે મને વહાલા હોય એવાં પણ અને જેમને હું વહાલો હોઉં એવા પણ. બધાની સાથે રમું, જમું, ભમું, ગપાટા મારું. વાઈફને એક હગ આપું. દીકરાંને એક વખત તેડી લઉં. મારા સૌથી પહેલાં અને સારા ભેરુ-મારા નાનાભાઈ સાથે ચા પીઉં, ગામમાં બાઈક ઉપર એની સાથે રખડુ. ત્પયાર પછી પપ્પાને જોક્સ કહું હસાવું અને છેલ્લે મમ્મીનાં ખોળામાં માથું મુકીને સુઈ જાઉં..
ઓહ્હ...
ઘણું બધું બાકી રહી જાય છે પણ એની વાત પછી..
આફ્ટર ઓલ ઈટ ડીપેન્ડસ ઓન પ્રાયોરીટી... ધીઝ આર માય ફર્સ્ટ પ્રાયોરીટીઝ.
.
.
જો કે સભાન અવસ્થામાં છેલ્લી ક્ષણોની ખબર પડ્યા પછી આ લખ્યા મુજબ કરવાની તાકાત હોય કે નહિં એ નથી જાણતો..
પણ .
અત્યારે જ ઈશ્વર પાસે એ વખતની સ્વસ્થતા માગી લઉં છું..
May God bless me.


ફોઝિયા ઇરફાન :

આમ તો એક દિવસમાં શું શું કરવું એ વિચારવામાં જ નીકળી જાય😀😀
પરંતું હવે જ્યાર deadline જ છે તો મારી સૌથી પહેલી પ્રાયોરીટી સ્વાભાવિક રીતે મારા સંતાનો હશે... વધારે વખત બચ્યો નથી કે રોજની જેમ લેક્ચર આપું. પરંતું એટલું જરૂર કહીશ કે...

"લાઇફમાં કદી યે 'સૉરી' કે 'થેન્ક્સ' બોલવામાં શરમ રાખવી નહિં"
બસ આ બે શબ્દો યોગ્ય સમયે બોલતાં આવડી જશે તો બધું તરી જશો.
બહુ વહાલ કરીશ એમને...

મારા હસબન્ડ કે જેમની સાથે મેં લાઇફનો બેસ્ટ તબક્કો પસાર કર્યો છે,  એમની સામે મન ભરીને એક્સપ્રેસ કરીશ કે એ મારા માટે શું છે..

એમનાથી હું દરેક રીતે સુખી અને સંતુષ્ટ છું.. મારી લાઇફ ખૂબસૂરત બનાવવામાં એમણે કોઈ જ કચાશ નથી રાખી.. અને મારી માટે હી ઇઝ ધ બેસ્ટ પરસન અૉફ માય લાઇફ. (એ સમજશે કે ફરી ગયું ફોઝિયાનું અથવા મને કંઈક પૈસા-બૈસા જોઈએ છે..😛😛)

અમુક ફ્રેન્ડ્સ અથવા નજીકની વ્ચક્તિઓ જેમની સાથે મારે સમય પસાર કરવો હતો અને કરી શકાયો નથી એમની સાથે ફોન પર છેલ્લું કન્વર્ઝેશન..
મારી લાગણીઓ વ્યક્ત કરીને પછી બધું જ ભૂંસી નાખવાનું😀😀😀

મૉમને ત્યાં જઈ બધાને લાસ્ટ હગ અને ફેમિલિ સાથે ડિનર.. મારા બાળકોને મારી સાથે શોપિંગ કરાવીશ અને એક એક એવી ગિફ્ટ આપીશ જે એ લોકો લાઇફ ટાઇમ ઉપયોગ કરી શકે..

પછી ઘેર આવીને એક લેટર લખીશ ઇરફાનને સંબોધીને.. કે મારા ગયા પછી તમે જલદી બીજા મેરેજ કરી લેજો.... લાંબા સમય સુધી શોક પાળવાની જરૂર નથી.. કેમ કે મને ખબર છે.. એમને પાર્ટનર વગર દરેક રીતે અગવડ પડશે એટલાં
ડિપેન્ડેડ છે..(I know કે ચાહે કોઈ પણ આવી જાય એમની લાઇફમાં.. હું ભૂલાઈ જાઉં એવી તો નથી જ 😀😀..મારી જગ્યા એ મારી જ રહેશે મારા પછી પણ.. 😜😜 ભલે ને આરામથી વ્યવસ્થિત રહે મારા પછી પણ..😝😝

હવે છેલ્લે.. ન્હાઈ ધોઈ સારા કપડાં પહેરીશ..નમાઝ પઢીશ અને અલ્લાહનો શુકર અદા કરીશ આટલી સારી લાઇફ આપવા બદલ અને સાથે સાથે તૌબા કરીશ મારા ગુનાહો માટે..  કલમા પઢીશ અને લાંબા સજદામાં જઈ દુઆ માંગીશ કે હવે મારી જાન આમ જ નીકળી જાય સહજતા થી.. કોઈ પણ તકલીફ વગર કે રીબાયા વગર.. એવી રીતે કે કોઈને ખબર ના પડે..

બસ...


મૌલિક પંડ્યા :

હું મમ્મી પપ્પા ને મારી વ્હાલી બેનડી સાથે મસ્ત બપોર નું ભોજન આરોગુ .. અને એમને એ બધુ જ અભિવ્યક્ત કરું જે મેં કયારેય નથી કર્યું... (આ આમ તો બધાં જ કહેતા હોય છે અને બધા આ વાત કરવા જેવી પણ ખરી..!) ..

૨ - ૩ કલાક આ રીતે ગાળ્યા પછી નજીક ના દોસ્તારું ને એક આલા ગ્રાન્ડ પાર્ટી આપું અને મસ્ત પકવાનો  ખાઈ - 'પી' ને એક લેક્ચર આપું અને કહું કે એમની શું અહેમિયત છે મારી જિંદગીમાં (અને કોઇ એને ટલ્લી થયા પછીનો બફાટ નહિં સમજે કેમકે હું વગર પીધે આવા લેક્ચર અને સલાહ આપતો હોઉં છું.. 😆)

૨-૩ કલાક એ રીતે ગાળ્યા પછી એક સુંદર મજ્જાનો પત્ર મારા આખ્ખા જીવનસફરને લગતો લખું .. (તફડાવેલો નુસ્ખો છે હો ભાઈલોગ
.!).. અને જેમને મળી નથી શકવાનો એમને ફોન કરીને હળવો થાઉં..

આમ કરતા આખર માં ૨ કલાક ની જોરદાર ઊંઘ લઈ, આ બધાનો થાક ઉતારી કોઈ નિર્જન વન માં પુસ્તકો સંગીત અને બસ એજ હું એકલો ફક્કડ ગિરધારી..

આખરના બધા જ કલાકો ની શરૂઆતમાં ઉપ્પરવાળા સાથે વાત, ફરિયાદ અને આભારવિધિ નો કાર્યક્રમ ('હમ દિલ દે ચુકે સનમ'ના સલ્લુભાઈ ની જેમ..😂😄) પતાવી ને.. વાંચતા નાચતા..અલવિદા..

ચિતાર ઓધારિયા : 


Last 24 hours!
શરૂઆતની કલાકોમાં મારા પરિવારને મારા investments વિશે જણાવી દઉં, એમની ભાવિ આર્થિક સુરક્ષા માટે .... એક કલાક એમની સાથે વીતાવી અને કોઈ માનવ રહિત જગ્યાએ પહોંચીને મનને નિર્વિચાર પરિસ્થિતિમાં લાવવાનાં પ્રયત્ન સાથે એકાંતમાં મરવાનું પસંદ કરીશ.


પુનિત ત્રિવેદી : 

મારી વાત કરું તો જો મારા આખરી 24 કલાક હોય તો હું મારાં અંગત લોકોને જણાવી જ ન શકું.કારણ આખી ઝિંદગીમાં કોઈ 'દિ આખા પરિવાર સાથે શાંતિથી બેસીને, હગ કરીને કે હળવાશની પળોમાં જીવ્યો જ નથી. અંગત કારણોસર કોઈ દિવસ આટલાં લાગણીવેડા કર્યા ન હોય... તો એ લોકો પણ અચંબો પામે જ એ સ્વાભાવિક છે. અને વડીલો ખીજાય એ અલગ. મારાં ફેમિલિમાં હું એક જ પુરુષ, મારા દીકરા (ઉમર-1.5 વર્ષ) ને બાદ કરતાં. માટે મારા ઘર, કુટુંબ અને સગા-વહાલાને એક્સપ્રેસ કરવું તો બહુ જ દૂર છે. હા, મારી વાઇફ માટે હું એક એન્વલોપમાં લેટર લખીને મૂકીશ. એમાં બધું લખેલું હશે જે એણે મારા પછીનાં ફ્યુચરમાં કામ લાગશે. એ સિવાય મારા ક્લાયન્ટસ માટે વિગતે ચર્ચા કરીને એનું એક ફોલ્ડર PCમાં રાખીશ. (જેમાં ફી બાકી છે એ લિસ્ટ પહેલા લખીશ...😝😝) મારી બહેન ને કદાચ મારા જડ વલણનાં કારણે કોઈ દિવસ પ્રેમ નથી કર્યો તો એની સાથે 5 મિનિટ વાત કરીશ. વધારે વાત ન કરી શકું...

આ બધુ કરવામાં I think મારે વધી ને 3-4 કલાક થાય એ પછી મારા દૈવતને હું બહુ બધુ વ્હાલ કરીને મારા ગુરુજી(મારાં DP વાળા દાદા) ને ત્યાં જાઉં અને બસ દાદાની છત્ર છાયામાં જ રહું... આ વિશ એટલાં માટે નથી કે જન્મારો સુધરે પણ દાદાનાં સાન્નિધ્યમાં જેટલો સમય વધું રહેવા મળે એ એક લહાવો લેવાની ઈચ્છા છે માટે બાકીનો સમય દાદાસાથે રહીશ..
#મારી વાઇફ પોતે મારી લાઇફ પાર્ટનરની સાથે એડ્વોકેટ અને એસોસિએટ પણ હોઈ આર્થિક વ્યવહાર એને બધી ખબર હોય અને આર્થિક પ્લાનીંગથી પણ માહિતગાર છે જ માટે એ ઇશ્યુ નહિં આવે ચર્ચા માટે. હા, દાદા પાસે દતા પહેલા મારાં ઘરે મારા પપ્પાનાં ફોટા પાસે 2 મિનિટ અંગત વાત કરી લઈશ અને અર્ધા કલાકમાં મારુ ધાર્યું કરીશ અને પછી દાતાનાં શરણે જઈશ....
હોપફુલી આ લખ્યું છ એ કરી શકું એવી દાદાને પ્રાર્થના કરીશ.


કુણાલ જોષી :

મારી મૃત્યુ પેલ્લા ના છેલ્લા 24 કલાક..

આહહ્હહ્હહઃ.. આ તો એક શીર્ષક થઇ ગયું..

પેલ્લા તો હું હવા માં ઉડવા લાગુ કેમ કે 24 કલાક પછી હું સાચે જ આ દુનીયા નાઈ હોવ એવું જાણી ને હું એટલો હલકો થઇ જાઉં કે ગુરુત્વાકર્ષણ નું બળ પણ ના લાગે મને...

હું સમય શરૂઆત ની ઘોષણા થાય એની સાથે જ પેલ્લા તો એવું કૈક કરું કે એની માને 100-200 માણસ નું ટોળું ભેગું થઇ જાય અને મને પૂછે શું થયું શું થયું.. (સેલેબ્રિટી જેવી ફીલિંગ તો આવે) ને પછી 2 મિનિટ માં આવું એમ કહી ને ત્યાં થી પલાયન થઇ જઉં..

મમ્મી પપ્પા અને બની શકે એટલા વધારે કુટુંબીજનો સાથે એક કવોલિટી સમય પસાર કરું.. જેથી મારા ગયા પછી એમને વસવસો ના રહે.. મમ્મી પપ્પા પાસે મેં કરેલા કરતૂતો નો કન્ફેસન કરું જેથી મને વસવસો ના રહે..

આમ અચાનક ખબર પડી હોય એટલે મને કાંઈ બીમારી નથી એવું તો મને સમાજ પડે જ તો જો પોસીબલ થાય ને તો હું કોઈ સાચે જ જરૂરિયાત મંદ હોય ને એને મારા શરીર નું કોઈ અંગ દાન કરું.. સ્પેશિયલી મારી આંખો.. એટલે મૃત્યુ પછી પણ એ સારી સારી વસ્તુ ઓ જોઈ સકે.. 😉😍😉

અમુક ઇચ્છાઓ જે અધૂરી છે અને જો હું તેમને પુરી કરવા સક્ષમ હોવ તો એ પુરી કરું.. જેમ કે બંજી જમ્પિંગ.. કઈ પણ એડ્વેન્ચરિયસ.. જેના ફોટો જોઈને કોઈ પણ કહે હતો સાલો જોરદાર ઉલ્ટી ખોપડી..

ઉધારી હોય કે દેવું હોય તો એ ચૂકતે કરું અને લેણું હોય તો એ માફ કરું જેથી પાછળ થી કોઈ મગજમારી નઈ.. ટૂંક માં પ્રેમ ચોપરા ના ડાયલોગ જેવું થઇ જવાનું.. નહાયેગા ક્યાં નિચોડેગા ક્યાં.. 😜😜

થોડો સમય એકાંત માં પસાર કરું ને મેં કરેલી ભૂલો અને સારા કામો બંને ને યાદ કરુ.. એના પરથી થોડી લખાણપટ્ટી કરીને મુકતો જાઉં.. કૈક ઉપયોગી નીવડે કદાચ..

છેલ્લે મોબાઈલ તો ફોરમેટ કરવો જ પડે ને.. મારા બેકઅપ વિસે બધા જાણે જ છે.. એટલે એમાં કઈ વધારે કેવા જેવું નઈ..

લાસ્ટ માં એક વરઘોડો કાઢું જેથી.. કેમ કે મારા ફ્રેન્ડ્સ માટે પણ કંઈક મારી જવાબદારી બને છે કે નઈ.. એમનેમ થોડું જતું રહેવાય..

આ બધું પતે પછી મસ્ત ઘરે આઈને મોમ સાથે ખોળા માં માથું મૂકીને વાતો કરતા કરતા દેહ ત્યાગ કરું..

बस इतना सा ख्वाब हे ...



કેતન શેખલિયા :

ફરઝાનાએ બહુ અઘરો વિષય આપ્યો છે. આવા જ એક ભળતા વિષય ઉપર મુંબઈ માં એક પ્રવચન શ્રેણી યોજાયેલી છે. વિષય હોય છે "જો આ હોય મારું અંતિમ પ્રવચન" . અંતિમ પ્રવચન કરવું કદાચ સેહલું છે. પણ જો આપણા જીવનનો અંતિમ દિવસ હોય તો શું કરી શકાય એ કેહવું ખુબ અઘરું છે.

મારા વિષે પ્રમાણીકતાથી કહું તો મને કદાચ ઈશ્વરે એટલી સમજણ અને સ્વસ્થતા નથી આપી કે મને ખબર પડે કે આ છેલ્લો દિવસ છે તો પણ હું એને સારી રીતે નોર્મલી જીવી શકું, એ વાત હું બરાબર જાણું છું, અને સ્વીકારું પણ છું. છતાય સ્વસ્થ થઇને જીવવાનો પ્રયત્ન સફળ રહે તો હું મારા પરિવાર સાથે રહું બધા સાથે મોજ મસ્તી કરું મારાથી દુર એવા મારા સ્વજનો સાથે ફોન પર વાત કરી લવ (એમને અંતિમ દિવસની હકીકત જણાવ્યા વગર જ). જમવાનું તો જે રૂટીન હોય એ પ્રમાણે જમી લવ અને હા જીવન દરમિયાન જે વ્યક્તિઓ એ આપણને પ્રેરણા અને હુંફ આપી હોય એ બધાને મનોમન વંદન કરી લવ. અને જેમની મારે માફી માંગવી જોયે એ બધાની મનોમન માફી પણ માંગી લવ(કારણ કે કોલ કરીએ અને હકીકત જણાવીને માફી માંગીએ તો કદાચ એ લોકો પણ દુખી થાય). એન્ડ છેલ્લે મોરારી બાપુની કથા સાંભળવા બેસી જાવ, કારણ કે મારા માટે છલ્લામાં છેલ્લી પેઈનકીલર એ છે. જેથી છેલ્લી અવકાશયાત્રની તૈયારી બરાબર થઇ શકે...😃😂😅


રવિ યાદવ :

જો મારી પાસે હવે છેલ્લા ૨૪ કલાક જ હોય ને તો પેલી ૨ કલાક તો મારે વિચારવામાં જ જાય કે સાલું હજુ તો જિંદગીમાં કઈ કર્યું જ નથી ને મરી જવાનું ? સ્વીકારી જ નાં શકું કે હું "હતો" થઇ જવાનો છું. એટલે પેલી ૨ કલાક તો મને પોતાને કન્વીન્સ કરવામાં જાય કે જો હું મરી જવાનો જ છું તો પછી અત્યારસુધી જેમ મોજથી રહું છું એમ જ રહું ને ખોટી બળતરા શું કામ કરું.

સૌથી પહેલું કામ અમી જોડે ઝઘડો કરવાનું કરું. અને કોઈ એવું રીઝન આપું કે જેનાથી એ મારાથી દુર થઇ જાય.. કારણ કે જો હું એની જોડે પ્રેમથી વાતો કરીશ ને એવું કરીશ તો એ મારા ગયા પછી કઈ પણ કરી શકે એમ છે... જે હું ઈચ્છતો નથી.. એટલે એવું કૈક કારણ આપું કે મને કોઈક બીજી જોડે પ્રેમ છે ને હું તને ઘરમાં લાવવા નથી માંગતો ને અથવા તો મને કોઈક બીમારી છે અથવા તો છેલ્લે એમ પણ કહી દઉં કે હું ગે છું અને કશું કરી શકું એમ નથી .... ગમે તેમ કરીને ઝઘડો કરી લઉં... એના મગજમાં નફરત ઉભી કરું જેથી કરીને એ મને જલ્દીથી ભૂલી જાય અને પોતાની નવી જિંદગી શરુ કરી શકે... કારણ કે માણસને સારી વાતો કરતા ખરાબ વાતો વધારે યાદ રહેતી હોય છે. તો એવી જ રીતે અત્યારસુધીનો બધો પ્રેમ એવા ઝઘડાથી પૂરો કરી જ શકાય. અને એ ઉપરાંત એના પાપાને પણ થોડુક ઉલટું સીધું કહી દઉં જેથી કરીને એને પણ એમ લાગે કે આં તો સાવ હલકટ માણસ છે એમ. એટલે એ પણ અમી માટે કોઈક સારો છોકરો શોધવા લાગે.

મોમને કહું કે મસ્ત દાળ-ભાત બનાવો .... દબાવીને ૩ થાળી ભરીને દાળ-ભાત ખાઉં... હહાહાહ.. એક બાજુ ૩૨ પકવાન મુકો અને બીજી બાજુ દાળ-ભાત મુકો... મારો જીવ દાળ-ભાતમાં જ હોય. મોમને કશું જ નાં કહું. પાપાને કશું કહેવાનું બાકી રાખ્યું નથી. બધી જ ખબર છે મારી એટલે મારે કઈ કન્ફેશન કરવા જેવું છે જ નહિ. ઓપન બુક છે મારી લાઈફ. હા એમની સાથે વાતો નાં કરું. કારણ કે એ વખતે મારી કેપેસીટી નથી કે હું કંટ્રોલ કરી શકું. કારણ કે દરેક નાની નાની વાત પણ ઘરે કઈ દેવાની આદત છે એટલે એ વાત જો થઇ જાય તો મારી પહેલા તો કદાચ મારી માં દુનિયા છોડી જાય. એ ડરથી રેગ્યુલર જે બિહેવ કરું એ જ બિહેવ કરીને ઘરેથી નીકળી જાઉં.

મારા ભાઈને ખાલી કહી દઉં કે તારે શું કરવાનું છે અને શું નથી કરવાનું અને શું ધ્યાન રાખવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યા પડ્યા છે. ક્યા ખાતામાં કેટલા પૈસા છે, બધા પાસવર્ડ શું છે. બધાયની લાઈફ પોલીસી અને મારી પોલીસીનું શું કરવાનું બધી ડીટેઇલ આપી દઉં જેથી એ ક્યાય પાછો નાં પડે.

મારા અમુક અમુક લોકોને ફોન કરું ને મોજથી વાતો કરું. જોક્સ કરું કે જેથી થોડી વાર લોકો હસે.
મારો ભાઈબંધ લાલ્યો (રવિરાજ) એને લઈને બાઈક લઈને નીકળી જાઉં ક્યાંક એકલી જગ્યામાં.. ત્યાં બેસીને "અલાહ વારીયા" ગીત સાંભળું.. જે ગીત હાલની તારીખે પણ સાંભળતા સાંભળતા આંખનાં ખૂણા ભીના થઇ જાય છે. હવે તો એ લાલો અહિયાં દુબઈ આવી ગયો છે તો પણ એ ગીત સાંભળુંને આંખ ભીની થઇ જાય છે. (મુલ્લો ઓળખે છે રવિરાજને) એને બધી વાત કરી દઉં કે છેલ્લો સમય છે એમ. તું સાથે રહેજે મારી. તું ધ્યાન રાખજે મોમ ડેડનું.

ત્યારબાદ કોઈક કોલગર્લને બોલાવીને એની જોડે સેક્સ કરું. મન ભરીને.... હું વર્જિન રહીને મરવા માંગતો નથી. (આ વાત પર કોઈએ વિરોધ કરવો નહિ કેમ કે આ રીયલમાં ઈચ્છા ધરાવું જ છું.) યાર સ્ટોરીમાં આવા સેક્સ સીન લખી લખીને કંટાળ્યો તો રીયલમાં તો અનુભવ લઈને જ મરું ને.

એ પછી લાસ્ટ વિશ એ છે કે કોઈક ૨-૪ એવા તત્વોને પકડું કે જેણે કોઈ લેડી પર બળાત્કાર કર્યો હોય. એને પકડીને એને ઢોર માર મારું... એનું ગુપ્તાંગ કાપી નાખું... સાલાને એટલો મારી મારીને જાહેરમાં લટકાવું. અધ્મારો થાય ત્યાં સુધી જીવતો રાખું ને પછી એને મારી નાખું ને મોટું બોર્ડ ચીપ્કાવું કે હવે છે કોઈ જેને રેપ કરવાનો શોખ હોય. એ આવી જાય. એ પછીની હાલત આવી થશે જેની કોઈ જવાબદારી મારી રહેતી નથી. આ વિડીઓ બનાવીને વાઈરલ કરી દઉં.

બસ હવે આટલું કરું પછી કઈ પોલીસ થોડો મને છૂટો ફરવા દેવાની છે. એ લઇ જશે અંદર. અને ત્યાં ૨૪ કલાક પુરા થશે એટલે અપુન હાલતા.. પણ એનું પરિણામ એ આવશે કે પબ્લિક જાગી જશે કે જેણે કોઈને સજા આપી એને પોલીસએ આવું કર્યું. કદાચ રેપ વિરુદ્ધ નવા કાયદા આવી જાય.

બસ આટલું જ.
છેલ્લે એક લેટર લખતો જાઉં એમાં ખાલી એટલું જ લખું કે "મારા મરી ગયા પછી દહાડાનો કે જમણવારનો ખર્ચો કરતા નહિ એ બધો જ કોઈક છોકરાની ફી ભરવામાં આપી દેજો અને મારી બંને કીડની અને આંખો દાન કરી દેજો."


સંકેત વર્મા :

સૌથી પહેલા મારા મમ્મી-પપ્પા પાસે દોડી જાઉં. અને એમને ચસોચસ ભેટી પડીને એ બધું કહી દઉં કે જે આજ સુધી હું કહી શક્યો નથી. એમનો પ્રેમ, એમનું વ્હાલ, એમનો સપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ બધું કહી દઉં. કહી દઉં કે હું એમને અનહદ પ્રેમ કરું છું. દિલ ફાડીને ચાહું છું. એમના વિનાનું જીવન કલ્પતા કંપારી છૂટે છે. કહી દઉં કે એમના પર મેં કરેલા ગુસ્સાનો મને પાછળથી કેવો અફસોસ થાય છે. મારા ભાઈને કહી દઉં કે એ મને કેટલો વ્હાલો છે. મારા તમામ ડિયર ફ્રેન્ડઝને મળવા બોલાવી લઉં અને બધા સાથે એક છેલ્લી ચાની ચૂસકી લઈ લઉં. મારા પુસ્તકો...જેણે મને નાનેથી મોટો થતો જોયો છે એ સફારીના અંકો, સ્કૂલ માંથી ભેટ મળેલા પુસ્તકો, જિંદગીના અલગ અલગ તબક્કે મેં ખરીદેલા પુસ્તકો, જેણે મારી સાથે જિંદગી વિતાવી છે, એમને મળીને કહી દઉં કે બસ હવે તમારા પરથી ધૂળ સાફ કરવા આ હાથ નથી આવવાના. બક્ષી દુનિયામાં નથી. પણ જયભાઈ છે. એમને એક છેલ્લો કૉલ કરીને કહું કે આ જીવેલા વર્ષોમાં જે સંકેત જીવ્યો એમાં ક્યાંક તમારા જેવા લેખકોનો ય નાનો ફાળો છે. થેંક્યું. રહેમાનના ગમતાં ગીતો સાંભળી લઉં. ગુલઝારની કવિતાઓ બે ચાર વાંચી લઉં. મારા કીબોર્ડ પર મનગમતી ધૂનો વગાડી લઉ. ગળું ફાડીને ગાઈ લઉં. દુનિયાને મન ભરીને જોઈ લઉં. કારણકે ભૂરું આકાશ, સફેદ વાદળ, લીલું ઘાંસ, કથ્થાઈ માટી, કાળા માથાનો માણસ, એના બનાવેલા બિલ્ડીંગો, વાહનો, રસ્તાઓ બધું, અને સૃષ્ટિના રંગો...આ બધું આંખ બંધ થતાં જ એક કાળી, શાંત, અનંત ચાદર પહેરી લેશે. અને મમ્મીના હાથની રસોઈ ખાઈ લઉં. અને એ ખાસ ધ્યાન રાખું કે એ મને આગ્રહ કરી કરીને પરાણે જમાડે. મારા ના પાડવા છતાં મારી થાળીમાં બે રોટલી વધુ મૂકી દે. એકાદ આલા દરજ્જાની વાઈન ટેસ્ટ કરી લઉં. મનગમતી મીઠાઈઓ ખાઈ લઉં. અને વચ્ચે એ યાદ કરતો જાઉં કે આ છેલ્લા ચોવીસ કલાકમાં ય દરરોજના ચોવીસ કલાક જેવી, બધી મોજ કરી લેવાની ઉતાવળ ન થઇ જાય. મોજ કરવામાં મોજ માણવાની ચૂકાઈ ન જાય. એકાદ વાર રોઈ લઉં. ફેસબૂક પર છેલ્લી સેલ્ફી અને છેલ્લું સ્ટેટ્સ અપલોડ કરી દઉં. મોટા ભાગનો સમય મમ્મી પપ્પા સાથે વિતાવું. અને છેલ્લી ક્ષણો આવતી જાય ત્યારે જ્યાંથી હું આવ્યો છું એ મારી માંના ખોળામાં માથું નાખીને, એને વળગી પડીને સૂઈ જાઉં, અને આ જિંદગી કરતાંય વધું રહસ્યમય, ક્યારેય ન જોયેલી, ન અનુભવેલી, ન ખેડેલી એ મોતની વાટે નીકળી પડું.
...અને હા, આમાં વચ્ચેની એ અમુક કલાકો, જે લખાઈ નથી એ સાવ અંગત ક્ષણો, હું કોની સાથે વિતાવીશ, કેવી રીતે વિતાવીશ, ક્યાં વિતાવીશ... મેં ફક્ત મારી જાતને જ કહ્યું છે !

---------

જો તમને પણ ખબર પડે આ 24 કલાક તમારી જિંદગીના છેલ્લા 24 કલાક છે , તો તમે શું કરશો ? 

Expressions of Life: ચાર લઘુકથાઓ


Expressions of Life: ચાર લઘુકથાઓ 
~ સંકેત વર્મા 

૧. હાશ !

એણે જ ફોનનું લાલ બટન દબાવી દીધું. 
ફોન કદી ઉપાડશે જ નહિ. અને ટાઈમ પર આવશે નહિ. બસ, હું આવી જઈશ, હું આવી જઈશ કહ્યે રાખશે. રોજે રોજ હું કહેતી ય નથી. આજે ઍનિવર્સરી છે. 10 વર્ષ પૂરાં થયા છે. છતાં આજનો દિવસ એના માટે તો કઈં સ્પેશ્યલ છે જ નહિ. બસ એક સવારનું સૂકું 'હેપ્પી ઍનિવર્સરી' અને 'આઈ લવ યુ'. 
આવી હોય મૅરિડ લાઈફ!? ટેવાઈ જવાની, વધુ પડતા પરિચિત થઇ જવાની, કૅરલેસ થઇ જવાની. પ્રેમમાં ય આળસુ થઇ જવાની...ખબર નહિ પ્રેમ છે કે નહિ. બસ ટેવ પડી ગઈ છે કદાચ. એવું તે શું કામ છે! એક દિવસ...એક દિવસ ન નીકળે!?
કહેશે તમારા માટે જ કરું છું ને...પણ મારા માટે માત્ર કામ જ કરવાનું છે? પૈસા જ કમાવાના છે? દોઢ કલાક થયો! કોઈ ફોન નહિ, ન તો મેસેજનો રિપ્લાય...
ડોરબેલ વાગી અને એના વિચારો અટક્યા. 
હાશ ચલો આવ્યો. એણે દરવાજો ખોલ્યો.
અને સામેવાળા પાડોશી દેખાયા!
"અરે ભાવના, નીચે ચાલ જલ્દી, બાજુવાળા કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે અહીં નીચે જ રોડ પર. 108 બોલાવી છે!"
રસ્તા પર 108માં લઇ જવાતું લોહીથી રંગાયેલું, ચગદાયેલું જડ શરીર બધા જોતા રહ્યા. 
ત્યાં જ ભાવનાના ખભે પાછળથી કોઈ એ હાથ મુક્યો, "શું થયું?!"
અને ભાવના એને ચસોચસ ભેટી પડી. આંખ કચકચાવીને મીંચી દીધી અને એનું એક આંસુ ગાલ પરથી સરકીને એના ખભા પર પડ્યું અને શર્ટના કાપડમાં શોષાઈ ગયું. 


૨. વનિતા

"પણ વનિતા, આમ ક્યાં સુધી ચાલશે! એક દિવસ તો તારે ઘરે કહેવું જ પડશે આ બધું!" માનુષીએ કહ્યું. 
"અત્યારે નહિ," વનિતાએ જવાબ આપ્યો, "રાઈટ ટાઈમે બધું કહીશ."

માનુષી અને વનિતા પાક્કા ફ્રેન્ડ્સ હતા. નાનપણથી જ. એક જ શહેરમાં, એક જ સ્કૂલમાં અને હવે એક જ કૉલેજમાં. કૉલેજના છેલ્લા દિવસો હતા અને વનિતાના મા-બાપ એને પરણાવવા ઉતાવળા હતા. માંગા આવ્યે જતાં હતા. પણ વનિતા કોઈકના પ્રેમમાં ક્યારનીય ભીંજાઈ ચુકી હતી અને એ બેમાંથી કોઈ કોરા રહીને જિંદગી સુકવી નાખવા માંગતા નહોતા.  એટલે જ માનુષી વનિતાને આ બધા વિષે ઘરે વાત કરી દેવાનું કહ્યા કરતી. 

"રાઈટ ટાઈમની રાહ જોવામાં સમય સરકી જશે હાથમાંથી. સાચો સમય આજે જ છે, અત્યારે જ, રાઈટ નાઉ!" માનુષીએ કહ્યું, "તારામાં હિંમત ન હોય તો હું વાત કરું અંકલ-આન્ટીને.."

"ના! તું વચ્ચે ન આવીશ. બધું બગડી જશે! ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ફોર મી.  તું મમ્મીને જાણે છે ને! અને આ વાત તો એવી છે કે કોઈપણ મા-બાપ..." આગળ બોલવાની જરૂર નહોતી. 

એ દિવસે સવારમાં વધુ એક માંગુ આવ્યું હતું. વનિતા સવારથી પપ્પાને ટાળી રહી હતી. એ બસ ઘરના દરવાજાને ખોલી જ રહી હતી, ત્યાં પપ્પાએ કહ્યું,
"વનિતા, રાહુલ નામ છે છોકરાનું." 
"પપ્પા, મારે તમને બેય ને કઈંક કહેવું છે...મમ્મી..." એનામાં ઓચિંતા જ હિંમત આવી ગઈ અને હવે એ પાછી પાની કરવા માંગતી નહોતી. 
"હા, બોલ ને," મમ્મીએ રસોડામાંથી બહાર આવતા આવતા જ કહ્યું. 
"મારે આ કોઈ છોકરાઓ સાથે લગન નથી કરવા." વનિતાએ કહી દીધું. 
"લગન નથી કરવા! આ શું!" પપ્પાએ જરા આશ્ચર્યથી પૂછ્યું. 
"મને કોઈ બીજું ગમે છે," એ નજર નીચી રાખીને બિન્ધાસ્ત બોલતી ગઈ. 
"બીજું કોઈ ગમે છે!?! શું બોલે છે તું!" મમ્મીએ નજીક આવી એનું બાવડું ઝાલીને પૂછ્યું, "કોણ છે એ? કોલેજનો જ હશે કોઈ! આ જુઓ પહેલથી જ કહેલું, છોકરીની જાત છે, આટલી આઝાદી ના આપો, પણ અમારું સંભાળે કોણ..." ચાલુ રહી ગયેલા નળની જેમ એના મોમાંથી ખીજ નીકળવા માંડી, "બહુ શોખ હતો ને! માલી દીકલી, માલી દીકલી કરતા'તા! ભોગવો હવે...અરે કોણ છે એ?! બોલ તો ખરા!" 
"એક મિનિટ શાંતિ રાખને તું!" પપ્પાએ પ્રવાહ તોડીને જરા નરમ અવાજે વનિતાને પૂછ્યું, 
"બોલને બેટા, કોણ છે? સારો છોકરો હોય તો મને વાંધો નથી!"
"હા, બોલ કોણ છે!? શું છે નામ?!" મમ્મીએ પૂછ્યું. 

"માનુષી." 
વનિતાએ નામ કહી દીધું અને બધાં સવાલો અટકી ગયા.  


૩. તક
  
દૂર દિવાદાંડીની લાઈટ ઝબૂકતી હતી. ખારો પવન એની લટોને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. એ કિનારે બેઠી બેઠી દરિયાનો ઘૂઘવાટ સાંભળી રહી હતી. 
શું રહ્યું હતું જીવનમાં! બાપને એ છોડીને આવી હતી, પ્રેમીએ તરછોડી દીધી હતી. ગામ આખું ત્રાસી નજરે જોયા કરતું અને પીઠ પાછળ બોલ્યા કરતું. છીનાળ છે, ચાલું છે, રાંડ છે...
કોને સમજાવે એ! બાપને સમજાવી શકી નહિ અને પ્રેમી સમજ્યો નહિ એને. એને થયું એ બહુ ખુશ થશે સાંભળીને કે એ બાપ બનવાનો છે. પણ એણે તો અંદર ઊછરતા પ્રેમને કોઈકનું પાપ કહી દીધું. કેટલું આસાન હતું એના માટે! ખરેખર તો એ પોતે જ કોઈને સમજી શકી નહોતી. પોતાની જાતને ય નહિ. બધું મુગ્ધાવસ્થાની મૂર્ખાઈમાં તબાહ થઇ ગયું હતું. હવે બસ એકલતા રહી હતી, ચુપકીદી રહી હતી અને અંદરથી ચીરી નાખતી શાંતિ રહી હતી. લોકોની કૂથલી સાંભળી લેવાની, નાલાયકી સહન કરી લેવાની, અંદર ઉછરતા 'પાપ'ને પેટમાં પાળવાની ટેવ પડી ગઈ હતી. બધું જ અંદર ઘૂંટાયા કરતું હતું વિના અવાજે, વિના વિરોધે. એને ડર લાગતો, આ પેદા થનાર સાથે ય દુનિયા આવો દગો કરશે તો! કે આ પેદા થનાર પોતે કોઈ સાથે આવું કરશે તો! રોજ રાતે સમુદ્રકિનારે આવીને એ જીવવા અને મરવાનું નક્કી કર્યા કરતી. 
એણે પોતાના પેટ પર હાથ મુક્યો, ઘડીક અટકી અને પછી ચાલવા માંડી સમુદ્ર તરફ. લહેરો વચ્ચે. એ ચાલતી ગઈ અને સમુદ્ર એને ઘેરતો ગયો, ફંગોળતો ગયો. અને એક ક્ષણે દરિયાની અસિમિત ખારાશ એ ગળી ગઈ અને બધું જ પહેલાં કરતાંય વધુ શાંત થઇ ગયું... 
...દરિયાનો ઘૂઘવાટ સંભળાઈ રહ્યો હતો, આજુબાજુ કેટલાય લોકોનો કોલાહલ હતો. એનું શરીર દરિયાની રેત પર સળવળી રહ્યું હતું, કેટલાક મદદગારો એના બાવડાં ઝાલી રહ્યાં હતાં, દૂર ક્ષિતિજે સૂર્યોદય થઇ રહ્યો હતો, એની અધખૂલી આંખોમાં એની ચમક હતી, હોઠ પર જરા હિંમતભર્યું સ્મિત હતું, દરિયાએ એને કાનમાં કહ્યું હતું,
"મેં તારી કૂખમાં તોફાન મૂક્યું છે!


૪. ડર

એ રૂમમાં દાખલ થયો. દરવાજો બંધ કર્યો. 
ઘરની એકમાત્ર ખુલ્લી બારીમાંથી સામે પડેલું રાઇટિંગ ટેબલ સ્પોટલાઇટમાં ચમકતું હતું. એ ચેર પર બેઠો, પેન હાથમાં લીધી અને કાગળ પર અક્ષરો માંડવાનું શરુ કર્યું. 
કાગળ અને પેન ખરખર અવાજ કરવા માંડયા. જાણે કોઈની જિંદગીની ગોસિપ. શબ્દો એક પછી એક કાગળ પર ઉતરવા મંડ્યા. અને પછી સતહ છોડી હવામાં ઊડવા લાગ્યા. શબ્દોને પકડવાની કોશિશ વ્યર્થ હતી. 
એનો 'હું' કાગળને છોડીને હવામાં ઓગળવા મંડ્યો. આકાર બદલવા મંડ્યો, શાહી ધુમાડો બનતી ગઈ. કાળો રંગ સફેદી પકડવા માંડયો.  એ જેમ જેમ લખતો ગયો, એનું બચપણ, તરૂણાવસ્થા, જવાની બધું કાગળ છોડીને હવામાં ફેલાતું ગયું. બધા રંગો ઊડી ગયા હતા. માત્ર બે જ રંગોની દુનિયા રહી ગઈ હતી. શબ્દોનો કાળો રંગ 'ને ધુમાડાનો સફેદ! ઘર આખું એ ધુમાડાથી ભરાઈ ગયું હતું. એની જીવેલી જિંદગીનો ધુમાડો! એનો દમ ઘૂંટાવા લાગ્યો. પણ એ લખતો રહ્યો. બારીમાંથી અમુક લોકો જોઈ રહ્યા હતા કે આ શાનો ધુમાડો છે? હવે તો કાગળ સળગી રહ્યો હતો. અને પેને પણ આગ પકડી લીધી. પેન ઓગળીને આંગળીઓને દઝાડવા માંડી. ચામડી કાળી પડવા માંડી અને પછી હાથ સળગવા માંડયો. પોતાની જિંદગીની વાત કહેવામાં લોહી બાળીને રાખ પેદા કરવાની હતી. હવે એનાથી સહન ન થયું. પડતો,આખડતો, ખાંસતો, ઘૂંટાતો એ ખુરશીમાંથી ઉભો થયો અને જલતા બદને ઘરની બધી બારી અને બારણાં ખોલવા મંડ્યો. બધો ધુમાડો ઘરની બહાર ફેલાતો ગયો. આસપાસ કોઈને ખાંસી આવવા માંડી 'ને કોઈ વળી ધુમાડાની સુગંધ લેવા લાગ્યું. કોઈને બસ શું સળગી રહ્યું છે એ જોવામાં મજા પડી ગઈ! સળગતા શરીરને જોવા દુનિયા હંમેશા ભેગી થાય છે. જીવતું હોય તો તમાશો અને મરેલું હોય તો ચિતા! એ જલતો રહ્યો...જલતો રહ્યો...વિતેલા વર્ષો ફરી જીવવા...એ ખુશી અને એ પીડા અને એ પ્રેમ અને પૂર્વગ્રહો અને ગુનાહો અને મિત્રતાઓ અને દુશ્મનાવટો, એ નિરાશા, એ આશા, બધા સુખો ને દુઃખો, એ હોંસલો, એ વિશ્વાસઘાત, પડી ભાંગતી અને લડી લેતી જાત, છેતરાઈ જતી અને છેતરી લેતી જાત... એ બધું રાખ અને ધુમાડો કરીને, ફૂંક મારીને ફેલાવવું...કઠિન હતું...

...અને એની આંખો ખુલી ગઈ, અંધારા ઓરડામાં પીળો બલ્બ ઝટ ઝબૂકે એમ. એણે બાજુમાં પડેલો ફોન ઉઠાવ્યો. પબ્લિશરનો બે દિવસ પહેલાનો મેસેજ ફરી વાંચ્યો,

"So what u thought? Ur autobiography will be a sure hit! Ur readers r waiting... M sure u r in."


એણે રીપ્લાય પર ટેપ કર્યું, અને એની આંગળીઓ, જેમાંથી હજુય સળગેલા માંસની વાસ આવતી હતી, Y અને N પર ધ્રુજતી રહી !


(કપ્સ ઑફ ટી by સંકેત વર્મા, 14/06/16, varmasanket1987@gmail.com)

N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ


N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ
-મૌલિક પંડ્યા
સા વિદ્યા યા વિમુક્તયે

વિષ્ણુપુરાણના પ્રસ્તુત શ્લોકનો અર્થજે બંધન (કોઇપણ પ્રકારનું હોય શકે) માંથી મુક્તિ અપાવે તે વિદ્યા. શ્લોકનો અર્થવિસ્તાર તો લગભગ બધા લોકો વિદ્યાર્થીકાળથી ગોખી લે છે પરંતુ, મોટાભાગના તે અમલમાં આજીવન મૂકી શકતાં નથી. સામાજિક કુરિવાજો, રૂઢિગત (વાસી, તદ્દ્ન ખોટી કે દેખીતી અને સ્વયં સ્પષ્ટ ગેરવાજબી) પરંપરાઓના બોજ તળે સમગ્ર જીવન વીતાવી દે છે. અત્યારના સમયમાં વ્યક્તિના ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ (ચોખલિયાઓ માટે પાછી ચારિત્ર્યની વ્યાખ્યા ચામડીના રંગ, કપડાંની લંબાઇ કે ધાર્મિક માન્યતાઓ સંબંધિત હશે, જે અહીં કોઇ મહત્વ ધરાવતાં નથી, હોં કે!..) માટે સૌથી અગત્યની બાબત હોય તો તે છે- શિક્ષણ..

અહીં શિક્ષણની વાત નીકળતાં  સમગ્ર વિશ્વમાં ભારતનો ભવ્ય-સુવર્ણ ભૂતકાળ અને સોને કી ચીડિયા વાળી મનોવૃત્તિના તારક મહેતા....” ફેઇમ મી.ભીડેના અનુજો હમારે ઝમાનેમેં...’ થી ચર્ચા આરંભશે અને Gen-next ને બોર કરશે. (ઉફ્ફ! એક વાક્યમાં આટ-આટલા ઉપમા અને સંદર્ભો..!) અરે સુજ્ઞજનો! ભૂતકાળની વાત ગમે તેટલી સારી, સાચી કે અભિભૂત કરનારી હશે પણ હાલના સમયમાં બિલકુલ અપ્રસ્તુત છે. અત્યારે તો પેઢી માં-બાપ બની છે કે જે નાનપણથી Playschool-preschool માં અને ટ્યુશનપ્રથામાં મોટી થઇ છે. મેકોલેથી માંડીને હાલની શિક્ષણપદ્ધતિ અને તેની ખૂબીઓ-ખામીઓ વિશે ફરી ક્યારેક નિરાંતે વાત માંડીશુ.

પરંતુ, હાલ મારું ધ્યાન જે બાબતે ખેંચ્યું (અને બ્લોગલેખનના પ્રથમ પ્રયાસમાં આટલો ભારે ભરખમ વિષય પસંદ કરવા મજબૂર કર્યો જે આત્મઘાતીપગલું સાબિત થઇ શકે હોં કે..!) હોય તો છે N.E.E.T. (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ). તેનો ટૂંકો ઇતિહાસ જોઇએ તો ૨૦૧૨માં UPA સરકારના સમયગાળામાં મેડીકલ (M.B.B.S. અને B.D.S.)માં વિદ્યાર્થીઓને સમગ્ર દેશમાં એક સમાન ધારાધોરણો વાળી એક પરીક્ષા દ્વારા તમામ સરકારી, ખાનગી મેડીકલ કોલેજોમાં પ્રવેશ આપવાનો ઉમદા હેતુ તેની પાછળ હતો. તેની સામે ખરેખરા અર્થમાં આડખીલી કોઇ હોય તો બધાં રાજ્યોમાં અલગ અલગ અભ્યાસક્રમો તથા સ્થાનિક ભાષામાં અપાતું શિક્ષણ હતું. સિવાય ખાનગી કોલેજ સંચાલકોએ પોતાની મનમાની ફી તથા મેનેજમેન્ટ અને અન્ય ક્વોટાના રૂપકડાં નામે ઉઘરાવાતી ફી ગુમાવવાના ડરથી તથા લઘુમતિ હિતોના રક્ષણના નામે રાજનીતિ કરનારી અને અનામતના નામે અરાજકતા ફેલાવી રોટલા શેકનારી કહેવાતી બૌદ્ધિકોની જમાતએ મળીને N.E.E.T નહિં યોજાવા દેવા સબબ ચુકાદો મેળવી લીધો. આમ છતાં ઊજળી બાજુ હતી કે સારો વિચાર સરકાર બદલાવા સાથે બદલાયો નહિં અને ૨૦૧૬માં આખરે N.E.E.T-PG કે જે અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી હતી તેની જેમ N.E.E.T-UG જે સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવા ફરી માળખું ઘડાયું. વર્ષો બાદ પણ સમસ્યાઓ અને વિરોધ એના રહ્યા. કાયદાકીય રીતે અનેક ગુંચવાડાઓ બાદ ૧લી મે ના રોજ N.E.E.T-1 લેવાઇ (MCI = મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાયેલ AIPMT = ઓલ ઇન્ડીયા પ્રિ-મેડીકલ ટેસ્ટએ ..) અને અનેક અવરોધો અને અસમંજસને લીધે ફક્ત જે વિદ્યાર્થીઓ પહેલા તબક્કામાં પરીક્ષા ના આપી શક્યા તેમના માટે MCI N.E.E.T-2 નું આયોજન વર્ષ પૂરતું કરાશે. સિવાય રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોના વિરોધને શમાવવા ભારત સરકારે જાહેરનામું બહાર પાડી વર્ષ પૂરતી રાજ્યો અને ખાનગી કોલેજ સંચાલકોને પોતાની અલગ એન્ટ્રેન્સ ટેસ્ટ મારફત એડમિશનની છૂટ આપી છે.

 (કદાચ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેમ કે, વિરોધમાં સામેલ થયેલા મોટાભાગના વાલીઓ N.E.E.T ના લાભ-ગેરલાભ વિશે કશું જાણતા હોવા છતાં તેમના વિરોધથી સરકાર વિરોધી સૂર બુલંદ બનતો જતો હતો,જો કે આપણો મુદ્દો બિલકુલ રાજકીય નથી હોં કે!!!)  આવતા વર્ષથી પ્રાદેશિક ભાષાઓમાં N.E.E.T લેવાશે તેમ કહી ફરજિયાત પણ બનાવી છે. બાબતે મુખ્ય મુદ્દો કે જેણે મારા દિલોદિમાગ પર કબજો લઇ લીધો છે છે કે   (તમને થશે આટલી લવારી બાદ મુખ્ય મુદ્દો..!?? :D) ગુજરાત સરકારે લખાઇ છે ત્યારે સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવાની જાણે વિદ્યાર્થીઓ-વાલીઓ પર મોટો ઉપકાર કર્યો હોય તેમ વટભેર જાહેરાત કરી છે પરંતુ, ખુદ શિક્ષકની ભૂમિકા ભજવી ચૂકેલ માન.મુખ્યમંત્રીશ્રીશાળા પ્રવેશોત્સવ’, ‘ગુણોત્સવ’, કન્યાકેળવણીની વિવિધ યોજનાઓ કેમધ્યાહન ભોજનછતાં આપણાં રાજ્યના સતત કથળતા શિક્ષણસ્તર પ્રત્યે સબળ અને નક્કર તબક્કાવાર કે આયોજનબદ્ધ પગલાં નથી વિચારી શકતા ત્યારે કામ વાલીઓની જવાબદારી થઇ જાય છે. આમ પણ બાળકને સાચું શિક્ષણ આપવાની જેટલી જવાબદારી સરકાર, શિક્ષકો કે શાળાની છે તેનાથી વિશેષ માતા-પિતાની હોય છે. નાનપણથી મૂલ્યોના સંસ્કારરૂપી સિંચન દ્વારા અને જે શાળાના અભ્યાસક્રમોમાં (ભારતમાં ખાસ) ક્યારેય નથી અપાતુ એવું PRACTICAL LIFE  બાબતનું શિક્ષણ અત્યારના સમયમાં માતા-પિતાથી વધુ સારી રીતે તે વળી કોણ સમજાવી-શીખવી શકવાનું? હાલની શિક્ષણ પદ્ધતિની અનેકવિધ સમસ્યાઓ વિશે ખૂબ લખાયું, બોલાયું છે પરંતુ, ખાસ કંઇ અમલમાં મૂકાયું નથી તે હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. આથી પરિસ્થિતિમાં રહીને શકય સુધારા સૂચવવાનો વિનમ્ર પ્રયાસ કરુ છું. (અને પણ મારા લખાણથી કોઇ બહુ મોટી ક્રાંતિ સર્જાશે એવી કોઇ ફાંકા-ફોજદરી વિના હોં કે..!)

      નાનપણથી દેખાદેખીમાં કે બીજાની સલાહથી બાળકના અભ્યાસનું માધ્યમ નક્કી કરી માં-બાપ પ્રથમ અને પાયાની ભૂલ સુધારી શકે છે. અનેક નિષ્ણાંતોએ ઊંડાણપૂર્વકની ચર્ચા-વિચારણાના અંતે અને સાયન્ટિફિક રિસર્ચ બાદ જે નિષ્કર્ષ તારવ્યો છે, અનુભવીઓ અગાઉ અનેક વાર કહી ચૂક્યા છે ( બાબતમાં પુરોગામીઓથી સહમત!) કે બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું. એનાથી બાળકની આંતરિક સૂઝ વિકસે છે અને મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. આજકાલ social media પર પોતાના બાળપણની વિવિધ મેદાન પરની રમતો, સમૂહ ભાવના કે તેના લીધે આજીવન ટકી રહેલ મિત્રતાના senti મેસેજીસ અને મામાના ઘરે વેકેશનમાં જવાના દિવ્ય આનંદની વાતો કરી હરખઘેલાં થતાં યંગ પેરેન્ટઝ ભૂલી જાય છે કે પોતાના કુમળા માનસવાળા ભુલકાંઓને પોતે નાનપણથી કે .ઇંચની આભાસી દુનિયા તરફ ધકેલે છે. મારા મત મુજબ મુગ્ધાવસ્થા એટલે કે બાળકના ભોળપણની અવસ્થામાં એના પોતાના રસ કે વિશેષ પ્રતિભા સિવાય પરાણે તેને રેસનો ઘોડો બનાવી માતા-પિતા બીજી ગંભીર ભૂલ કરે છે. અનેકવિધ ટી.વી. રિયાલીટી શૉના લિટલ ચેમ્પસની ડાન્સીંગ, સીંગીંગ, એક્ટીંગ, મેમેરી પાવર કે અન્ય સ્પોર્ટ્સને લગતી સ્કીલ્સ જોઇને ભલે લોકો હરખાતાં અને વખાણતાં હોય અને માં-બાપ પણ પોરસાતા હોય પરંતુ, તેનાથી જીવનનો એક વાર મળતી નિર્દોષ આનંદની અને પરમ સમાધિથીય દુર્લભ એવી પળો બાળક પાસેથી આપણે ઝૂંટવી લેતા હોઇએ છીએ.

      આગળજતાં, ટ્યુશનપ્રથાએ રચેલ માયાજાળમાં બાળકો ફસાય છે. નિ:શંકપણે જે-તે સમયે શિક્ષણનું સ્તર સુધારવામાં મદદરૂપ ટ્યુશનપ્રથા હવે માત્ર કમાવાનું સાધન બની ગઇ છે. બહુ જૂજ અપવાદોને બાદ કરતાં હવે ડૉક્ટર્સની જેમ વિદ્યાના રખેવાળો તેની ઘોર ખોદવા બેઠા છે. આપણે ગ્રેડેશન સિસ્ટમને અધકચરી અપનાવીને વ્યવસાયને નાથવાના બદલે N.E.E.T. જેવી અનેક મહત્વની પરીક્ષાનો ખોટો હાઉ ઉભો કરી વધુ વિકરાળ સ્વરૂપ આપ્યું છે. આવી પરીક્ષાઓ માટે ખરેખર જો અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે સમજણપૂર્વક ભણાવાય તો અલગથી કોચીંગની જરૂર નથી હોતી. ખાસ કરીને ગુજરાતના વાલીઓ-બાળકો રાષ્ટ્રીય કક્ષાની આવી નામાંકિત કોલેજો કે અભ્યાસક્રમોમાં એડમિશન માટેની પ્રક્રિયાથી કાં તો અજાણ હોય છે અને કાં તો અરસિક! મેડીકલ-ઇજનેરીની ખ્યાતનામ કોલેજોમાં સારી તૈયારી સાથે વટભેર પ્રવેશ મેળવીને લાયકાત સાબિત કરવી તો દૂર પણ સિવાયના કોર્સીસમાં તાત્કાલિક ફાયદો પણ નથી દેખાતો એટલે દૂર ભાગે છે વેપારી માનસના ગુજ્જુભાઇઓ..! કારણથી વિવિધ સવલતો તથા અન્ય રાજ્યોની સરખામણીમાં સંપન્ન ગુજરાતીઓનું સાહસ અને યોગદાન ધંધાના વિકાસ સિવાય સિમીત રહ્યું છે. ગુજરાતના સરેરાશ (મોટેભાગે ગુજરાતી માધ્યમના તમામ) વિદ્યાર્થી હંમેશા અંગ્રેજી ભાષાના ભ્રામક દુષ્પ્રચારને કારણે અને અમુક ભેજાંગેપ લોકોની માનસિકતાના કારણે રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનની કોઇપણ હરીફાઇમાં સમર્થપણે ભાગ નથી લઇ શકતાં ગુજરાતની સ્થાપનાના ૫૬ વર્ષે પણ વરવી વાસ્તવિકતા છે.!  બધાંના પાયામાં બાળકને નાનપણથી સ્વયં શિસ્ત, કાયદાનું પાલન, જાત મહેનત અને પ્રચલિત રૂઢિઓ માન્યા વિના પોતાની જાતે ઝઝૂમીને, ભલે વારંવાર નિષ્ફળ જઇને પળ પોતાના રસ્તે લડત આપવાની ખુશી સાથે જીવન પસાર કરવાની કળા નથી શીખવાડી છે. જીવનમાં માત્ર પૈસા અને ભૌતિક સુખ-સગવડો સર્વસ્વ નથી પરંતુ, યોગ્ય માત્રામાં અર્થોપાર્જન કરવાની સાથોસાથ જિંદગીને ચસોચસ જીવી લેવાની, માણી લેવાની કળા આધુનિક માં-બાપો હવેની પેઢીને વારસામાં આપી શકે છે.

 મારા અને આપણાં સૌના લાડીલાં જય વસાવડા સરના વ્યાખ્યાનમાં સાંભળેલી વાત રીપીટ કરું તો આજકાલના પેરેન્ટસ સંતાનો વતી અડધી-પોણી જિંદગી જીવી દેતાં હોય છે. (બાય વે, પેરેન્ટીંગના પરફેક્ટ કોચીંગના પર્યાયસમી, પોતાના અનુભવોથી સમૃદ્ધ અને જેનું લે-આઉટ જોયા પછી અભણને {અહીં અસરિક સમજવું હોં કે..!} પણ વાંચવાની ઇચ્છા થાય તેવું JV સરનું પુસ્તકમમ્મી-પપ્પામાર્કેટમાં આવી ગયું છે જેની વ્હાલસભર નોંધ સાથે વિરમું છું.)
Photo courtesy: bergencounty.com
 (..ક્રમશ:..)
(Views & Comments are welcomed હોં કે!,)
મસ્તમૌલાની બેફિકરી વાતો
#Maulik Pandya (14/06/2016)
pmaulikb@gmail.com