કસરત ના કરવાના દશ કાયદેસરનાં બહાનાઓ

કસરત ના કરવાના દશ  કાયદેસરનાં બહાનાઓ
~અંકિત સાદરીયા 

આજકાલ બધાને ખબર છે કે આ બેઠાડુ જીવન માં કસરત બહુ જ જરૂરી છે પણ આપણે એટલા આળસુ છીએ કે કસરત ના કરવાના અને બીજા ને ના કરવા દેવાના બહાના ગોતી જ લેતા હોઈએ છીએ. તો આ નીચે નું લિસ્ટ વાંચો (થોડું મજાક માં હો ! )  -

કસરત ના કરવાના 10 કાયદેસરનાં બહાનાઓ
pc  - turner.com

  • વહેલી સવારે કસરત કરો તો જ ફાયદો થાય -
    (મને સવારમાં 5 વાગે ઉઠાડજો હો , જો 5:05 વાગે ઉઠાડો તો ઘડિયાળમાં જોવે "અરે યાર મોડું થઇ ગયું , હવે કાલ  વાત !!" )
  • યાર હમણાં ચા પીધી, ચાઇ પી ને 2 કલાક કસરત ના કરાય
    (ઓલા ખેતરમાં કામ કરતા મજૂરો શું ચા પી ને 2 કલાક આરામ કરતા હશે ? )
  • જમવાની પહેલા અને પછી 2 કલાક કસરત ના કરાય
    (અલ્યા ભાઈ, તું દર 2 કલાકે ખાધા રાખે તો ક્યારે કસરત કરીશ !! )
  • સવારે કસરત કરું તો આખો દિવસ ઓફિસે (કે દુકાને ) થાક લાગે
    (સવારે તું કસરતના નામે અડધો કે એક કિલોમીટર ચાલી આવ તો પણ ઘણું) 
  • પ્રોપર ટ્રેઈનર વગર એકસરસાઈઝ ના કરાય !
    (એક તો તારે 15 મિનિટ થી વધુ એક્સરસાઇઝ કરવી નહિ , 6 પેક બોડી તારાથી બને એમ નથી તો ટ્રેનર ને  તારે શું કરવો છે ? ) 
  • પ્રોપર ડ્રેસ અને સૂઝ વગર કસરત ના કરાય
    (આમાં ને આમાં આખું વર્ષ કસરત કર્યા વગર કાઢી નાખે )
  • યાર એકલા એકલા કસરત કરવાની ના મજા  આવે , કોઈક સાથે આવે તો ચાલુ કરીએ
    ( કસરત તારા માટે છે કોઈને આવવું હોઈ તો આવે અને ભાઈ તારે કસરત કરવાની છે સેક્સ નહિ કે કોઈ જોઈએ ! ) 
  • કસરત કરીએ તો વજન વધે ! -  કસરત કરીએ તો ભૂખ લાગે અને ભૂખ આપણાથી કંટ્રોલ થાઈ  નહિ , એટલે વજન વધે
    ( તાલિયા  ! શું લોજીક છે. જીમ માં ના જા તો કાંઈ નહિ પણ 1-2 કિલોમીટર ચાલ તો ખરી )
  • મારા જેવા પાતળા લોકો ને કસરત ની શું જરૂર ? આમ જે હોઈ એ પણ જતું રયે !
    (કસરત પાતળા થવા માટે જ નો હોઈ ખાલી, સ્ટ્રોંગ બનવા અને સારી હેલ્થ માટે પણ જોઈએ )
  • ટાઈમ જ ક્યાં છે ?
    (આમાં જ ટાઈમ જતો રહેશે ! )
આવા હજુ બહાનાઓ તમને ખબર હોઈ તો કમેન્ટ માં લખો. કસરત કરતા રહો અને હસતા રહો.


અંકિત સાદરીયા
સેક્શન - અસ્તવ્યસ્ત
www.ankitsadariya.in

JVians Discussion ... મારા સપનાનું ભારત

દેશની આઝાદીનાં 70 વર્ષના અવસર પર JViansમાં " મારા સપનાનું ભારત " આ વિષય પર મૅમ્બર્સ એ પોતાના સપના શૅર કર્યા ...


મારા સપનાનું ભારત

                       

--------------------------------

Dhaval Khatsuriya :

મારા સપના નું ભારત...

સપનામાં તો સારું જ જોવાનું હોય... દેશ માટેનું સપનું જોવું હોય... તો વિચારીને જ ગદગદ થઇ જવાય....

ભ્રષ્ટાચાર રહિત દેશ એ સૌથી પેલો વિચાર...
બેરોજગારી અને ગરીબી દૂર થવી એ બીજો..
વિશ્વ માં ભારત નં ૧ બને એ ત્રીજો... આ સામાન્ય વિચારો તો હોય જ....
ઉપરાંત લોકો ની વિચારસરણી.... આજે દેશમાં ઘણે અંશે સારું છે પણ ઉચ્ચ-નીચના જે ભેદભાવો છે એ હજી લોકોના મગજમાં થોડા અંશે તો છે જ.. આ કાષ્ટ ઉંચી અને આ કાષ્ટ નીચી... આ કાષ્ટ આવું વિચારે અને આ કાષ્ટ આવું... આવું ઘણા ખરા લોકોના મગજ માં હોય જ છે... એ દૂર થવું જોઈએ.. માણસ બધા સરખા જ હોવા જોઈએ...

બીજું લોકોના વિચાર સ્ત્રી માટે અને પુરુષ માટે પણ હજી ઘણા વિચિત્ર છે.... સ્ત્રી કરતા પુરુષોનું મહત્વ વધુ.. એ કંઇક વિચિત્ર લાગે મારા સપના માં...

આજે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ સવલત મળતી હોય તો એ સવલત મળે એ માટે કોઈ પણ જાતના ખોટા ડોક્યુમેન્ટ બનાવે છે...આવું કરવાથી જરૂરિયાત વાળા લોકો વંચિત રહે અને જે સક્ષમ લોકો લાભ લે..  એ વાત મને બહુ જ ખૂંચે છે....

અયોધ્યા માં શું બનાવવું મંદિર કે મસ્જિદ એ વિચારવામાં અને એ ઝઘડામાં ઘણા વર્ષો જતા રહ્યા પણ ત્યાં એક હોસ્પિટલ "રામ રહીમ" બનાવી નાખીએ એવું કોઈ નથી વિચારતા....

રાજકારણ એ હદે ગંદુ થઇ ગયું છે કે કોઈ બાળક નેતા બનવા નથી ઇચ્છતો... આ ગંદકી દૂર થાય... એવું મારા સપનાના ભારતમાં છે...

લોકો વિવાદ ક્યાંથી થાય છે એ શોધવાને બદલે વિકાસ ક્યાંથી થશે એ વિચારતા થાય એવું મારુ સપનાનું ભારત છે....

--------------------------------

Naimish Patel:

૭૦ વર્ષ પેહલા અડધી રાતે જેમ દેશ આઝાદ થયો એમ આજે અડધી રાતે  *હું “૧૫મી ઓગસ્ટ”*  એક સપનું જોંઉ છું... *“મારા સપનાનું ભારત”*...

મને મારા સપનામાં  કોઈ સ્કુલ કે સરકારી મેદાન દેખાય છે - લાલ કિલ્લો દેખાય છે – પરેડ કરતી મારી સેના દેખાય છે – મારું રાષ્ટ્રગીત સંભળાય છે.
મને સપનામાં દેખાય છે કે સવારે ૮:૩૦ વાગ્યે નાના-નાના બાળકો, વર્ષો પેહલા પોતાની કોમ માટે આંદોલનમાં ઉતરેલા લોકો, વેપારી મિત્રો, રેલવે કે  બેન્કની હડતાલમાં ઉતરેલા કર્મચારીઓ, દેશના તમામ નાગરિકો  અને પોતાની ફરજ સમજીને હાજર રેહનારા મોટા-મોટા  ઓફિસરો પોતાનો સમય નીકાળી રાષ્ટ્રગીત વગાડીને - ધ્વજવંદન કરે છે અને પોતાને ભારતીય ગણાવતા થઇ ગયા છે...
હું જોઉં છું કે ૯:૦૦ વાગ્યે ટ્રાફિક સિગ્નલ પર કોઈ ૧૦ વર્ષનું બાળક નથી કે જે  મારો  ધ્વજ ૧૨-૧૫ રૂપિયામાં વેંચે કે નથી કોઈ શેઠિયો કે જે  ગાડીનો અડધો કાંચ ઉતારીને એ લેવા માટે ૨-૫ રૂપિયાનું  બાર્ગેનીંગ કરે....
“વાહ મારું ભારત...“
ત્યાંથી થોડી આગળ જાવ છું તો દેખાય છે કે ૧૦-૧૧ વાગ્યાની આસપાસ ચાર રસ્તા પર વગર ટ્રાફિક પોલીસે  સિગ્નલ પર વગર હોર્ન વગાડયે  ઉભેલા લાઈન-બંધ વાહનો અને સીટ બેલ્ટ - હેલ્મેટ પેહરેલા વાહન ચાલકો...જાહેર રજા હોવા છતાં સાંજના સમયે  લોકો ફેમિલી સાથે પિક્નિક પર નથી  - રેસ્ટોરન્ટમાં વેઇટિંગમાં  જમવાની રાહ જોવાતી એની જગ્યાએ બધા રેસ્ટોરન્ટ ખાલી છે

અને... રાતે એકલી  નિર્ભયા પણ ભય વગર આઝાદીથી ફરી શકે છે..
૧૬મી ઓગષ્ટની સવારે સામાન્ય નાગરિક સરકારી ઓફિસોના ધક્કા ખાતો નજરે નથી ચડતો કે નથી મારો રાષ્ટ્ર ધ્વજ ગાડીઓના વ્હીલ નીચે કચડાતો...
હું જોઉ છું કે લોકો ભગવો- કેસરિયો કે લીલા રંગથી અલગ થવા કરતા આ કલરથી તિરંગાને જ અપનાવી લીધો છે... સરદારને ફક્ત પાટીદાર કે ભીમરાવને દલિતો પૂરતા સીમિત ના રાખતા મારા દેશવાશીઓ એને આઝાદ ભારતના લડવૈયા તરીકે ઓળખે છે... કોમવાદ અને સ્વાર્થની વૃતિ મારો ભૂતકાળ બની ગઈ છે..
વરસો પહેલાની જેમ આજે મારો ભારત દેશ એક અખંડ ભારત છે અને જેના લીધે મારા જવાનોને દેશની સીમાં પર દિવસ-રાત જાગતા ફરવું પડતું નથી. મારી સંસદમાં દરેક રાજકારણીઓ એક થઈને દેશના ગદ્દારો અને આતંકવાદીઓને સજ્જા-એ-મોત આપવા માટે એકમત છે.
મારા દેશના  યુવાધન પાસે બેરોજગારી કે ગરીબી નથી. પોતાની બુદ્ધિથી બીજા દેશના લોકોને ભારતમાં આવવા મજબુર કરે છે. મારી બુદ્ધિ, ક્ષમતા કે કાબેલીયતને  બહાર જવાની જરૂર નથી..
ભારતના લોકો પાસે રોડ-રસ્તા અને ટેકનોલોજી અવ્વલ નંબરની છે. ૭૦ વર્ષ પેહલા મળેલી આઝાદીની કિમંત આજના યુવાનને છે.
મારો દેશ મદારી – પુજારી કે મંદિરોના દેશ કરતા વિકસિત ટેકનોક્રેટ દેશ છે...  જેના લીધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર પર છે...
એટલે જ હું ૧૫મી ઓગસ્ટ શાંતિથી સુઈ શકું છું કેમ કે મારા શાંત અને સ્વચ્છ ભારતના નાગરિકને પોતાની ફરજનું સંપૂર્ણપણે ભાન છે અને ભારતીય હોવાનો ગર્વ અને અભિમાન છે....

લીખીતિંગ
-૭૦મી ૧૫મી ઓગસ્ટ...

--------------------------------

Ankit Sadariya :

મારા સપના નું ભારત

👉હુ જે જે લોકોને, કર્મચારીઓને, નેતાઓને મળું અને એ જે બોલે એનાં પાર કોઈ શંકા વગર વિશ્વાસ મુકી શકુ.
👉આસપાસમા પોલીસ ને જોઈને ડરના બદલે સલામતી અનુભવું
👉રસ્તામાં ક્યાંય નાક આડો હાથનાં રાખવો પડે
👉 જે ભી સરકારી કામ કરાવવાનું હોઇ એની પ્રોસિઝર ખબર હોઇ અને એ પ્રોસિઝર પ્રમાણે કામ થાઈ જાય
👉મીડિયા દેશને પોઝિટિવ માર્ગે લઇ જાય તેવી ડિબેટ કરે
👉 પીવાનું પાની, ખોરાક અને હવા શુદ્ધ મળે
👉ભલે ભૌતિક સુખ સગવડ ની વસ્તુઓ મોંઘી થાય પં બેઝિક જરૂરિયાત સસ્તી થાય.

અને છેલ્લે બસ દેશમા રેવા ની મજા આવ્યાં કરે 😃

---------------------------------

Hardik Vyas:

મારા સપનાનું ભારત

.
👉🏼શિક્ષણ બધા માટે ફરજીયાત અને સુલભ હોય. બાળકોને સાચું અને સમાજ ઉપયોગી શિક્ષણ મળે.

👉🏼સ્વચ્છતા હોય. (સરકાર અને જનતા બન્નેની જવાબદારી)

👉🏼મીડિયા રાષ્ટ્ર હિતમાં જવાબદારીથી કામ કરે.

👉🏼વ્યક્તિ અંગત રીતે કોઈ પણ ધર્મ પાળે, જાહેર જીવનમાં એ માત્ર ભારતીય હોય.

👉🏼બધા જ જ્ઞાતિ-ધર્મો એકબીજા કરતાં ચડિયાતાં દેખાવાનાં બદલે એકબીજાને સ્વીકારીને, ભેદભાવ વગર, સહયોગથી રહે.

👉🏼કાયદો પણ કોઈનાં તુષ્ટિકરણ વગર સૌ માટે સમાન હોય.

👉🏼સિટીઝન ચાર્ટરનો કાયદો બધા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં લાગૂ થાય. (કાર્યની પ્રોસીજર અને સમય મર્યાદા જાહેર હોય.)

👉🏼જનતાની ખરીદ શક્તિ વધે અથવા જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થાય.

👉🏼ગંગા અને ગોદાવરીને વોટર ગ્રિડથી જોડવામાં આવે (સરદાર પટેલનું સપનું). જેથી પાણીની તંગી અને પૂરની સમસ્યા બન્નેનું નિવારણ શક્ય બને.

👉🏼સોનેરી ઇતિહાસ કરતાં સોનેરી ભવિષ્ય તરફ વધુ ધ્યાન અપાતું હોય.

હું આ ભારત બનાવવા માટે મારાથી બનતાં પ્રયત્નો કરવાનાં શપથ લઉં છું.

------------------------------

Foziya Irfan:

મારા સ્વપ્નનું ભારત.....






નજરમાં ને મગજમાં વિકૃતિ વિનાનું...બસ

---------------------------------

Dhara Daxini :

મારા સ્વપ્ન નું ભારત..

જ્યાં રાત્રે 2 વાગ્યે મારે મારી બહેન કે બહેનપણી સાથે બહાર નીકળવું હોય તો મમ્મી પપ્પા એ ચિંતિત સ્વરે
"ભાઈ અથવા કોઈ છોકરા ને સાથે રાખજે" ની સલાહ ન આપવી પડે..!

જ્યાં ભણતર નો અર્થ ખરેખર सा विद्या या विमुक्तये જ થતો હોય અને શિક્ષણ અકલ્પનિય રાજકારણ ના સકંજા માંથી મુક્ત હોય..!

જ્યાં મન અને રસ્તા એટલા સ્વચ્છ હોય કે 'સ્વચ્છ ભારત' અભિયાન ની જરૂર ન પડે..!

જ્યાં મકાન ના નામ 'માતૃ / પિતૃ કૃપા' રાખવાની બદલે અથવા સમાન્તર ઘર માં જ માતા પિતા સાથે રહીએ. એમની કૃપા આપોઆપ જ વરસશે..!

જ્યાં આગળ વધવા વાળા ને એક સમયે સહકાર ભલે ના મળે, પણ ટાંટિયાખેંચ ની વૃત્તિ તો નહીં જ હોય..!

અને અંતે, એક એવું રાષ્ટ્ર જ્યાં માણસ ને એમ ના કહેવું પડે કે " ભાઈ, તું માણસ થા. "..!!

--------------------------------

તમે પણ અમને ચોક્કસ જણાવો કે કેવું છે તમારા "સપનાનું ભારત".

શિક્ષણ અને સમાજ.. (N.E.E.T & CLEAN-2 હોઁ..,)




શિક્ષણ અને સમાજ (N.E.E.T & CLEAN-2 હોઁ..)
By મૌલિક પંડ્યા


"જાગ્યા ત્યારથી સવાર.."  આ ઉક્તિ અનેકવાર સૌ એ વાંચી, સાંભળી અને કોઈકવાર પરાણે અર્થવિસ્તારની જેમ માથે પડવાથી કે પોતાની ગ્લાનિ છુપાવવાની ભાવના સાથે સંભળાવી પણ હશે. તેમ છતાં પણ આ ત્યાં સુધી શાશ્વત છે જયાં સુધી આપણે ઊંઘવાનું નહિં ભૂલીએ. (અહીં ઊંઘવાના સ્થૂળ મતલબને લઇને Insomnia ના કોઈ દર્દીએ મારો સંપર્ક કરવો નહીં જ..) મારો કહેવાનો મતલબ છે કે અજ્ઞાનની ઘોર નિંદ્રામાં સરવાનું અને હવેના સમય પ્રમાણે તો જ્ઞાન-સમજણ હોવા છતાં અજ્ઞાનનો હઠાગ્રહ રાખી, પરાપૂર્વથી ચાલતી નીતિ-રીતિનો દાખલો આપતાં રહીને 'જાણી જોઈને' અજ્ઞાનની ગર્તામાં ખાબકવાનું છોડવાનો છે. અહીં અજ્ઞાન શબ્દનું વારંવાર પુનરાવર્તન હું દરેક કુરિવાજ, માન્યતા, રૂઢિ, પ્રચલન, બદી, વ્યસન, માનસિકતા અને વ્યવહાર એવા અને બીજા અનેક જાણ્યા-અજાણ્યા પણ સભ્ય સમાજ માટે 'દૂષણો' માટે કરી રહ્યો છું.

 વાર્તાના ગતાંકની જેમ આપણે અગાઉ N.E.E.Tની આવશ્યકતા અને બાળકનાં જન્મથી એની સાથે જોડાતી આધુનિક માતા-પિતાની અનેક વિડંબનાઓનો ઉલ્લેખ કર્યો. (ઉલ્લેખ મેં મારી મતિ મુજબ કર્યો અને આપે વાંચી-સમજી સહકાર આપ્યો એમ જ હોઁ..) અહીં આપણે શિક્ષણના માધ્યમથી આગળ વધીને મનગમતાં વિષયો સાથે Graduationથી લઇને મનગમતાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડી મનગમતાં પાત્ર સાથે લગ્ન સુધીની વાત કરવી છે.

આપણી શિક્ષણવ્યવસ્થાની બદીઓ, ટ્યુશનપ્રથા અને ઉપરથી આડોશ-પાડોશની દેખાદેખી કે સગાં-સંબંધીઓના ઉદાહરણથી અપાતાં વિવિધ દબાણો - આ પ્રક્રિયાઓમાંથી થઇને બાળક કે જે હવે પુખ્ત ઉંમરે, જાતે નિર્ણય કરવા સક્ષમ બન્યું હોવું જોઈએ - તેના સ્નાતક-અનુસ્નાતક (Graduation-Post Graduation જ સ્તો..!)ના વિષયોનો નિર્ણય લેવાય છે. ખાટલે મોટી ખોડ કહો કે કમનસીબી, અહીં આ યુવા હૈયાઓની ઈચ્છાને છેલ્લા ક્રમનું પણ મહત્વ હાલની તારીખે પણ મોટાભાગના કિસ્સાઓમાં અપાતું નથી. ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારતને તેનાં ભવ્ય ભૂતકાળની યાદો અપાવતાં સુવાક્યો અને સરકારશ્રીની અનેક યોજનાઓ, તેમનાં હેતુઓ ત્યારે ધૂળમાં મળેલી લાગે જ્યારે આઝાદીના આટલાં વર્ષે પણ ભારતનું યુવા ધન પસંદગીના વિષય સાથે ભણવા માટે આઝાદ નથી. શહેરી વિસ્તારોમાં અને અમુક વિકસિત માનસિકતા ધરાવતાં કુટુંબોના આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદાહરણો જો કે રણમાં મીઠી વીરડી સમાન છે.  વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા મળે, બાળપણથી જ કુતૂહલવૃત્તિ કેળવવામાં મદદ મળી હોય, વિશ્વનાં સાંપ્રત પ્રવાહો અનુસાર સારા-ખરાબ અને સાચાં-ખોટાં જ્ઞાનની સમજ વિકસે તો આપણી શિક્ષણ પદ્ધતિની 'પુરાની હવેલી'નો ઢાંચો જે ચોક્કસપણે નબળો છે- તે સુધારવાની, કૈંક નવું કરવાની અને વિચારવાની ધગશ સાથે સફળતાથી દુનિયામાં ડંકો વાગે ને!! (સાલું ભાવનાઓમાં વહીને લાંબુ વાક્ય. લખાઈ ગયું.. શું? કોઈ નહીં વાંચે/સમજે એમ?? અરે એકાદ સ્પાર્ક થાય તો'ય ગંગા નાહ્યાના ભાવથી અને કાંઇ ના થાય તો મારી હૈયા વરાળને ઠારવા આ મંચ પરથી લખું છું અને Hopeful પણ ખરો કે એક દિવસ સોનાનો સૂરજ ઉગશે..!) 

અહીં તો જુના-પુરાણા અભ્યાસક્રમોના પોપટ-પાઠ પછી ટૂંકામાં ટૂંકા રસ્તે, વગર મહેનતે કે ઓછી મહેનતે બધાંને Settled Business કે White collar job કરવી છે, પછી કળા, વિજ્ઞાન, રમત-ગમત, સંગીત કે અન્ય મનગમતાં ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનાં સપનાં માત્ર કાગળ પર રહે છે- પ્રસિદ્ધ અને ચીલાચાલુ એવી Tried & Tested career ને follow કરતા લોકો (ઘેટાંઓનુ ટોળું..) 'સામાજિક વ્યવસ્થાનું માળખું ભાંગ્યું છે' થી લઇને શહેરીકરણ, પ્રદૂષણ, મોંઘવારી, ગરીબી, નિરક્ષરતા, નૈતિક મૂલ્યોના અધ:પતન અને આતંકવાદની ઠાલી ચર્ચાઓના થૂંક ઉડાડશે; દંભના ઓથા હેઠળ જીવન જીવી જશે.
હા, આ તમામ સમસ્યાઓથી બચાવી શકનાર તત્વ છે - પ્રેમ.. મનગમતાં જીવનસાથીને પસંદ કરવાની પ્રક્રિયા અથવા લગ્ન.. ગમે તે સ્થિતિમાં ઉછેર થયો હોય, ગમે તે આર્થિક પરિસ્થિતિ હોય, કોઇપણ માધ્યમમાં અભ્યાસ કર્યો હોય, કોઇપણ ક્ષેત્રમાં Job/Business હોય (ઘણીવાર ના પણ હોય..!), કોઇપણ જ્ઞાતિ-જાતિ કે રંગનાં માણસને એક Minimum (કેમ કે એમાં પાછું maximum જેવું બી કૈં ન હોય!) ઉંમરના એક પડાવ પછી જે હોર્મોનલ ચેન્જીસ અને હૃદયનાં ધબકારના તાલબદ્ધ નાદે, જે પ્રેમ નામનું અમર ઔષધ લાધે, એ આ તમામ બંધનોને તોડી-ફગાવી, નવું ભાવ-વિશ્વ જગાવવા સમર્થ છે. આ પ્રેમને લીધે લગ્નો અથવા જીવન સાથે વિતાવવાની ઘટના અથવા ઘણી વખત તેને લીધે મળતો સબક - એ તમામ દર્દોની દવા છે. આજકાલની fast lifeને લીધે આવેલી સમસ્યાઓ જેવી કે નાનપણથી બધી ઇતર પ્રવૃતિઓ સાથે અભ્યાસમાં પણ સતત સારા performanceનું tension, સારી career અને ત્યારબાદ તેમાં પ્રગતિ માટે targetનું pressure, સતત ભાગદોડ વચ્ચે family life પર ધ્યાન ના અપાવાથી stress, આ બધું જ સુખી, સફળ જીવન માટે જરૂરી હશે, પરંતુ સાચો આનંદ પરિવાર- મિત્રો સાથે મળીને આ ખુશીઓ વહેંચવાથી મળે છે એ આપણે બધાંએ ક્યાંક ને ક્યાંક અનુભવેલું છે.

આ મૂળ તત્વ જે બધાં સાથે આનંદ આપે એ જ પ્રેમ.. જુદાં જુદાં વ્યસનોથી આભાસી અને ટૂંકાગાળાની શાંતિ કે સતત depression અને જુના વ્યાધિ જેવા જ્ઞાતિ-પ્રથા, નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, સ્ત્રીઓને અબળા માનવી કે સતત એવો વ્યવહાર કરવો - આ તમામને દૂર કરવાની કે પાયાનાં સુધારાઓ માટેનું સાધન એકમાત્ર - પ્રેમ છે.

પ્રેમની બહોળી વ્યાખ્યામાં માનવમાત્રને સમાન ગણી, પોતાનાં પરિવાર, કાર્યક્ષેત્ર, પડોશીથી માંડીને દરેક પ્રત્યે પ્રેમ ને કરુણા સતત, અવિરત આસપાસ પ્રસરીને વિકસ્યા કરે એવી મંગલ-કામના સાથે વિરમું છું.. મળતાં રહીશું.. 



(સહેજ પણ એવું નથી કે આવી શાણપણની વાતો, આદર્શો, કંઇ કેટલાંય મહાપુરુષો કહી ગયાં, કંઇ કેટલાંય હજારો વર્ષો જૂની માનવ પ્રજાતિમાં અનેક ધર્મોએ આ જ વાત અનેક સિદ્ધાંતો સ્વરૂપે કરી છે છતાં યુગોથી માનવી ઉલ્ટાનો વધુને વધુ નિમ્ન કક્ષાએ જતો જાય છે એટલે આ બધું નકામું, અર્થહીન છે! ઉપરની દુનિયા કે ઉપરવાળામાં ભરોસો હોય કે નાસ્તિક હો, સ્વયં પર ભરોસો રાખીને જાત સુધારીશું તો આ સ્વપ્ન બિલકુલ અવાસ્તવિક નથી જ હોઁ કે..! એટલે જ શિક્ષણથી ચાલુ કરીને આ વાત છેક અહીં સુધી મેં લંબાવી, લાંબી વાત કોઈ વાંચશે કે નહીં-નો ભય હોવાં છતાં.. :-) )

અભિપ્રાયોનું સ્વાગત છે..
pmaulikb@gmail.com
-મસ્તમૌલાની બેફિકરી વાતો
12/08/2016

JVians Discussion - દોસ્તો સાથેની યાદો :)

હજુ હમણાં જ ફ્રેન્ડશીપ ડે  ગયો, બધા એ પોતાના જુના કે સાથેના દોસ્તારુંને યાદ કરી લીધા. દોસ્તો સાથે આપણી કેટલી યાદો જોડાયેલી હોઈ છે, નઈ !  તો વાંચો આવી જ ખાટીમીઠી અમારા JVians  મિત્રોની  દોસ્તો વિશે ની વાતો.




---------------------------------
Ankit sadariya patel:

બધા લોકો પોતાના 4-5 બેસ્ટ ફ્રેન્ડ વિષે લખે છે , મારે તો એવું છે ડૅશ વિષે લખું તો બીજા 10 ને ખોટું લાગી જાય. 😂😂
તો પણ અલગ અલગ ઉંમરે મળેલ અલગ અલગ ફ્રેન્ડ્સ છે 
પ્રાઈમરી ના 3 ખાસ ફ્રેન્ડ કે જે હું ચોથા  ધોરણ માં હતો ત્યારથી મારુ સેટિંગ કરાવવા ની ટ્રાય  કરતા 😛😛
પછી હાઈસ્કૂલ ના ફ્રેન્ડ કે જેની સાથે 2 વરસ હું ક્રિકેટ જ રમ્યો છું

પછી દશમાં ધોરણ માં સ્કૂલ બદલાવી હોઈ , એના ખાસ  ફ્રેન્ડ કે જે સારા કોન્ટેક્ટ માં છે , જયારે એકલું લાગે કે વાત કરવાનું મન થઇ ત્યારે બેધડક વાત કરી શકું।  એક વર્ષ જ સાથે ભણ્યા હોવા છતાં છેલ્લા 10 વર્ષ થી કોન્ટેક્ટ માં છે।  ફ્રેન્ડ જ નહિ ફેમિલી બની ચુક્યા છે
પછી 11-12 માં ફ્રેન્ડ્સ બનેલા જેમાં 3-4 જયારે પણ મળી જાય  ફૂલ ટુ  કોમેડી ! 😄
કોલેજ ફ્રેન્ડ્સ , અમારું 12 જણા  નું ગ્રુપ હતું , બધા ખાસ , રોજ રાતે રાજકોટ કોટેચા ચોક અમારો અડ્ડો ! એ ચાર વરસ સાચી જિંદગી જીવેલી 😊 પહેલી વાર કોઈ છોકરી ને ગર્વ થી ફ્રેન્ડ કહી શકું એવી ફ્રેન્ડ મળી. બોવ જ ધમાલ મચાવેલી
પછી હૈદરાબાદ , ત્યાં પણ 15 જણા  નું અમારું ગ્રુપ। 200 જણા  ના ક્લાસ માં અમારું વર્ચસ્વ. આખા હૈદરાબાદ ને ગુજરાત બનાવી દીધેલું। એ 6  મહિના ગોલ્ડન ડે  હતા.. કોઈ મને 6 મહિના આપે તો એ ફ્રેન્ડ્સ સાથે હું પાછો હૈદરાબાદ જવા નું પસંદ કરું
પછી બેંગ્લોર , અહીં અમે 3 ફ્રેન્ડ છીએ અત્યારે  રૂમ  મેટ્સ, બોવ રખડ્યા , સાથે ભણ્યા , સાથે કેરિયર બનાવ્યું લાઈફ અહીં થી બદલી.
આ ઉપરાંત સોસાયટી ના ફ્રેન્ડ્સ જે ફેમિલી ફ્રેન્ડ્સ છે। .. કઈ પણ કામ પડે ત્યારે વગર કીધે આવી જાય 😊
------- આ બધા ફ્રેન્ડ્સ મારા ફેસબુક માં ક્યારેક જ દેખાય છે 😛😛---------
અને હવે ખાસ ફેસબુક અને વોટ્સ એ ફ્રેન્ડ્સ જે બોવ જ ઇમ્પોરટન્ટ છે જે મને લખવા માટે એન્કરેજ કરે છે   એમના લીધે લખવાનું પેશન જળવાય રહ્યું છે હા તમે બધા મને ફેસબુક વોટ્સઅપ ની આભાસી દુનિયા માં મળેલા બેસ્ટ ફ્રેન્ડ્સ 😘😘😘
--------
અને એક ખાસ ફ્રેન્ડ જે 10 ધોરણ ના ટ્યુશન ક્લાસ માં મળી હતી પછી ગાયબ થઇ ગયેલી અને હવે આખી જિંદગી "બેસ્ટ" ફ્રેન્ડ બની ને જિંદગી બદલવાની છે 😊😉😉
---------------------------------

Bela ben:
જીવનના દરેક સ્ટેજ પર અલગ અલગ મિત્રો મળતા રહ્યા છે. પણ આજ સુધી ના તો ક્યારેય ફ્રેન્ડશીપ ડે નથી ઉજવ્યો કે નથી એમના વિષે કાંઈ લખ્યું.
સ્કૂલમાં અમે ચાર બેનપણીઓ...
1. મોના : દોસ્તી ક્યારેય સોશિઅલ કે ફિનાનીસીયલ બેઝ પર નથી એનું જીવંત ઉદાહરણ. ખૂબ શ્રીમંત ઘરની પણ ક્યારેય એ ભાવનો એહસાસ નથી થયો. સોમ થી શનિ રોજ મળીયે, સાથે ચાલીયે, ઢગલો વાતો અને મસ્તી કરીયે. મૂવી જોવા જઈએ. પ્રેમાળ ન કૅરિંગ સખી.
2. જાગૃતિ : સ્કૂલમાં અમારી દોસ્તી ની મિસાલ અપાતી. પાકી બેનપણી પણ કહે છે ને કે ગેરસમજ થી દૂરી આવે એવુજ થયું અને નજર લાગી અમારી દોસ્તીને. થોડો સમય દૂર રહ્યા અને હિજરાતા રહ્યા પણ જેવી એની ગેરસમજ દૂર થઇ એ પછી ક્યારેય કોઈ અંતર નથી.
3. શિલ્પા : આ બહુજ ક્યુટ મરાઠી મુલગી સ્કૂલ કૉલેજ પછી ખોવાઈ ગઈ અને મારા પ્રયત્નોથી પછી જડી ગઈ. હવે રોજ વ્હૉટ્સપ પર મળીયે.

*********************
કૉલેજમાં પણ ચાર સખીઓ મળી. બધી બહારગામ છે પણ અમદાવાદ આવે ત્યારે બધા એન્જોય કરીયે.
1. બીના : સુંદર, સમજુ અને પ્રેમાળ સખી.
2. નયના : ઓછું બોલવાવાળી પણ કૅરિયરપર ધ્યાન આપવાવાળી. 
આજે ખૂબ સફળતા સાથે જજ છે.
3. સુનિતા : જીગરી દોસ્ત. અમે બહુ મસ્તી કરતા.
4. શૈલા : મારી જીગરજાન સખી જે  મારી લાઈફમાં આવ્યા બાદ હું ખૂબ સ્ટ્રોંગ બની. મારી સુખ દુઃખ ની સહેલી. એ ત્રણ બેહનો છે, પણ એના ફ્લેટ્સમાં બધાને એમજ હતું કે હું એની બેન છું. એના પપ્પાને બધા પૂછતાં કે તમારી ચોથી દીકરી કેમ આટલી અલગ દેખાય છે??

*********************
મારા કઝીન ના લગ્નમાં જાનમાં જતા એક ખૂબજ સુંદર ગ્રીન આંખોવાળી પરી જેવી છોકરી મનીષા મળી. અંતાક્ષરી રમતા અને મસ્તી કરતા બેનપણા થઇ ગયા. પછી એ મુંબઈ ગઈ ત્યારે અમારી પાસે ફોન નહોતા એટલે લેટર લખતા. વેકેશનમાં એ અહીં આવતી ત્યારે બહુજ મસ્તી, વાતો, હરવું ફરવું અને રાતે મમ્મી ઘાંટો પડે ત્યારે જ સુતા. આજે પણ મુંબઈ જવું તો મળ્યા વગર ના રહીયે. ફોન પર બહુ ઓછી વાતો થાય પણ બંનેમાંથી કોઈ એક મુશ્કેલ સમયમાં હોય તો બીજાનો ફોન આવી જ જાય. દિલ સે દિલ કો રાહ હોતી હૈ યા ટેલીપથી જેવુંજ કૈક.

*********************
જોબની શરૂઆતમાં જ મુંબઈ હેડ ઓફીસના મેનેજર મકરંદ શિરોડકર ને મળી અને આજે  પણ દોસ્તી અકબંધ છે.

જોબના સમય દરમ્યાન રાજેશ સુબ્રમણ્યમ ક્લાઈન્ટ તરીકે પહેલા મળ્યો. કહે છે ને દોસ્તીમાં ઉંમર, સ્ટેટ્સ નથી જોવાતું. મારાથી ઉંમરમાં ઘણો નાનો પણ જોબ, સ્ટેટ્સ, એજ્યુકેશનમાં ખુબ આગળ. એકદમ હસમુખો અને સરળ. Any time રેડી ટુ હેલ્પ. એક એવો મિત્ર જ્યાં મને ક્યારેય સ્ત્રી પુરુષ ની મર્યાદા નથી નડી. લડું, ઝગડું, હક્કથી બર્થડે ગિફ્ટ્સ માંગુ. એ ફોરેઇન ટ્રીપ પર જાય ત્યારે નાના બચ્ચાંની જેમ ગિફ્ટ્સની ડિમાન્ડ કરું. દરેક મુશ્કેલ સમયમાં એને મારો સાથ આપ્યો છે અને હજી આપે છે. એની સાથે હંમેશા મારી જાતને સેફ હેન્ડ માં છું એનો એહસાસ કરું. ઈન શોર્ટ ખુબજ પ્યારો અને જીગરજાન સખો.
"Your friend is the man who knows all about you, and still likes you."
Rajesh is one of them.

*********************
ફેસબુક અને વોટ્સઅપ દ્વારા પણ ઘણા બધા મિત્રો મળ્યા, બધા વિષે લખીશ તો તમે બધા કંટાળી જશો. એટલું ચોક્કસ કહીશ કે ફેસબુકથી મળેલા છોટુ ફ્રેંડ્સ મને ખૂબ વહાલ કરે અને મને જે ના આવડે તે બધુજ શીખવાડે છે. જેમાં આરાધના તોમર, કોમલ જોધાની, નરેશ થડાણી અને મૌલિક પંડ્યા આવે છે. આ ગ્રુપથી જ મૌલિક મળ્યા છે. હું મારી ઘણી બધી પ્રોબ્લેમ્સ શેર કરું કે ગ્રુપમાં બધા બહુ સરસ લખે છે. મને કઈ નથી આવડતું. હું ગ્રુપને લાયક નથી. નર્સરી જેવું બી લખતા નથી આવડતું ત્યારે ઓલવેઝ મોટીવેટ  કરે કે જેવું આવડે એવું લખો પણ પાર્ટિસિપેટ કરો.

હું મારી જાત ને ખૂબ નસીબદાર માનું છું કે મને આટલા સારા મિત્રોની દેન મળી છે.
👯👬Hαρργ ƒяïεทδรнïρ δαγ👬👯
---------------------------

Hardik vyas:

પપ્પાને ટ્રાન્સફરેબલ જોબ હોવાનાં કારણે અલગ અલગ જગ્યાએ રહ્યા હોવાથી સ્કૂલ ઘણી બદલાઈ છે. ફ્રેન્ડ્ઝમાં પણ ઘણી વરાયટી મળી છે. નામજોગ ઉલ્લેખ શક્ય નથી. પણ મને એટલું જ સમજાયું છે. દોસ્તી એ કોઈ સંબંધ નથી.. કોઈ પણ સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ પૂરુ પાડતું પરિબળ છે. રીલેટીવ્ઝ પણ ફ્રેન્ડ હોઈ શકે છે.. અને ફ્રેન્ડ્ઝ રીલેટીવ્ઝ બની શકે છે.. દા.ત. મારા મમ્મીનાં એક સમયનાં બેન્ચમેટ અને ખાસ ફ્રેન્ડ અત્યારે મારા સાસુમાં છે...
ફ્રેન્ડ્ઝ સાથે અનેક મસ્તી, મજાક, લાગણીઓ જોડાયેલાં હોય છે. 
અત્યારે મૂડ મસ્તી વાળો છે. એટલે એક પ્રસંગ શેર કરવો છે.
આઠમા ધોરણમાં હું ભણતો હતો, ત્યારે ક્લાસમાં એક ફ્રેન્ડ ભણતો જીજ્ઞેશ.. અગિયારમા ધોરણમાં મારી સ્કૂલ બદલાઈ અને પછી સંપર્ક ઘટી ગયો હતો. અત્યારે એની સાથે કોઈ સંપર્ક નથી.. કોન્ટેક્ટ મળતાં પણ નથી...
નોર્મલી મારી ફિલ્લમ ઉતરી હોવાનાં પ્રસંગો બનતા નથી હોતાં .. પણ આજે એવો એક પ્રસંગ જીજ્ઞેશ સાથેનો યાદ કરવો છે..
અમે વડવા(ભાવનગરનો એક જૂનો વિસ્તાર)માં રહેતાં.. ત્રણ માળનું જૂનવાણી મકાન અમારું.. એ પણ નજીકમાં જ રહે.. અમે મારા ઘરે સાથે ભણીએ.. 
એક વખત અમે ત્રીજા માળે વાંચતા હતાં.. મને ત્યારે નવો નવો યોગાસનનો શોખ વળગેલો.. એ દિવસે વાંચતાં વાંચતાં મને અખતરા સૂઝ્યા અને મેં મારો એક પગ ગરદન પર ચડાવ્યો.. અને પગ ફસાઈ ગયો.. મેં એને તરત કીધું.. અલ્યા પગ સલવાઈ ગયો.. બહાર કાઢ.. અને એ મારી સામે જોઈને કહે.. અહાહા કેવું આહ્લાદક દ્રષ્ય છે.. હું એનું ચિત્ર દોરીશ.. મારા મનમાં મણ મણની સુરતી પ્રગટી.. મેં કીધું મને છોડાવ પછી ચિત્ર દોરજે.. તો કહે નહિં.. પહેલાં ચિત્ર દોરીશ.. મેં કીધું .. ત્યાર પછી હું તને બહુ મારીશ.. તો કહે, તું મારવાનો હો તો હું તને ત્યાર પછી ય નહિં છોડાવું.. અંતે મેં એને કીધુ ભાઈ નહિં મારું.. પણ છોડાવજે.. 
અંતે એણે મારું ચિત્ર દોર્યું અને પછી મને છોડાવ્યો.. 
.
અને મેં વચન ભંગ કરીને એને માર્યો ય ખરો..
.
બધા મિત્રો મહત્વનાં જ છે .. પણ આજે ખબર નહિં કેમ આ પ્રસંગ જ યાદ આવે છે..
.
.
યાર, મિસ યુ .. ક્યાં છે તું?

---------------------------------


kunal joshi:

फ्रेंडशिप डे 👬 और नागपंचमी 🐍 एक साथ है,,
समझ में नही आ रहा है ..🤔
पहले किसकी पूजा करूँ *सांपों* की या *आस्तीन के सांपों* की...
હા હા હા હા હા ...
*Jokes A Part..  હો ..*
મિત્રો ની બાબતમા કદાચ મારા જેટલું ધનવાન કોઈ નહીં હોય ..
જ્યારથી મિત્રો બનાવતો થયો ત્યારથી બસ એવા એવા મિત્રો માલ્યા છે ને બસ વાતજ ના પૂછો..
મિત્રતા એ એકજ એવો સંબંધ છે કે જેમા દરેક એટલે દરેક પ્રકાર ની લાગણી આવી જાય છે.. પછી એ ઝગડા ની હોય, કે હરીફાઈ ની, કે મદદ ની, કે પ્રેમ ની, કે બલીદાન ની...
મારો સ્વભાવ હંમેશા મળતાવડો રહ્યો છે ને મને મિત્રો હંમેશા મારા થી ઊંધા જ માલ્યા એટ્લે કે સુપર ડૂપર કોમ્બિનેશન .. હુ મસ્તી કરૂ તો મને ટોકે .. ને હુ કંઇક સમજાવું તો કવઃ વેવલાવેડા બંધ કર...
મને બધાં જ પ્રકાર નાં ભાઈબંધ અને બેનપણીઓ મલ્યા છે .. પણ આજ સુધી મને સિગરેટ પીવાવાલાએ નાતો ટ્રાય કરવા કીધું નાતો ટકિલા ની ૨ ચુસ્કી મારવા કીધું.. એની સામે મારી જોડે ડુંગળી લસણ વગર નું ખાવાનું ખાધું અ નફાનું..
*એક નાનો પ્રસંગ કહું છું..*
મારી બહેન નાં લગ્ન હતાં અને બધી જવાબદારી મારી હતી એમ કહું તો ચાલે .. એમા જમણવાર ની વાત છે.. આગલા દિવસે રાતે હોલ પર રસોઈ બની રહી હતી ને અમે મિત્રો બેઠા હતા.. એવામા રસોઇયા એ અમને સમોસા નો માવો ચાખવા આપ્યો અને બસ પછી અમારાં બધાની ઉંઘ ઊડી ગઇ.. ભયંકર તિખ્ખો માવો હતો.. લવીંગીયા મરચા ને પરખવા મા રસોઇયા ની ભુલ થઈ.. રાતે ૩ વાગ્યા હશે ને સવારે ૧૧ વાગ્યા નો જમણવાર.. હુ થોડો ટેન્શન મ આવી ગયો.. પણ મિત્રો કઈ થોડા ચુપ બેસે.. રસોઇયાને પૂછીને શુ કરી શકાય એ પુછ્યું અને ગયા બજારમા .. ૩ વાગે કરીયાણા ની દુકાન ખોલાવીને જરુરી વસ્તુઓ લઇ આવ્યાં.. બસ.. બધુ થાળે પડી ગયુ ને બીજા દિવસે રસોઈમા સૌથી વધું વખાણ સમોસા નાં થયાં ..
આવા એક નહીં અગણિત પ્રસંગો છે મિત્રતા નાં.. ભાઈબંધી નાં.. લખીએ એટલું ઓછું જ પડવાનું છે.. એટલે છેલ્લે એક શેર મુકીને પુરુ કરુ છું..


*ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,*

*ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે*
*મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,*
*ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે*

– *અનિલ ચાવડા*


-----------------------------



Viraj bhatt :

આટલી મોટી દુનિયામાં તમને તમારાજ જેવું કોઈ અચાનક જ મળી જાય , જે ને એ પહેલા ક્યારે પણ જોયું ના હોય અનુભવ્યુંના હોય,  એવું તમારીજ પ્રતિકૃતિ સમું કોઈ બીજું ખોળિયું તમને જોવા મળે... કેવી મજેદાર વાત છે નહીં ??
 જે તમે વિચારતા હો એજ એનું પણ મંતવ્ય નીકળે .. જે તમારી પસંદ હોય એ એને ખબર જ હોય. વિચરોનો તાલમેલ પણ ગજબનો હોય. તમે મેસેજ ટાઈપ કરતા હો ,ને એનો એજ  ટાઇમ પર કોલ આવી જાય. દુનિયાની એકજ એવી વ્યક્તિ જેને તમારું નામ  પેલે ધડાકે ક્યારેય યાદજ ના આવે પણ જે તમને કાયમ ગાળ દઈને જ બોલાવતી હોય , ને જો એ તમારું નામ બોલે તમને પણ ભયંકર નવાઈ લાગે કે .  જાણે કઈ ખોટું લાગ્યું છે કે શું??જાણે એના મોઢે ગાળ ખાવા ટેવાઈ ગયા હોઈએ..
જે ગેમેં તેટલું દૂર હોય પણ કાયમ નજીક લાગે , જેની સાથે પેટ પકડી ને હાસિયે, જેને આપનો મોટો પ્રોબ્લેમ પણ ઠેકડી જેવો લાગે .. ને  જેનો ખભો કાયમ   રેડીજ હોય  તમારું મન ઠાલવવા માટે , જેને વિચાર્યા વગર બધુજ કહી શકાય . જેની પાસે શબ્દોની કોઈ ગોઠવણ ના કરવી પડે , જેને બધુજ કહી દીધા પછી શાંતિ થઇ જાય . જેને ના કહો ત્યાં સુધી પેટમાં કાંઈક થયા જ કરે . તમારા ઘર માં જે કાયમ વાગોવાયેલું રહેતું હોય . જે તામારા બોયફ્રેન્ડ , કે  ગર્લફ્રેંડને સહેજ પણ  ગમતું ના હોય , અને તમારા બ્રેકઅપ પછી તમારા પર બિન્દાસ્ત હસતું  ... ને નફ્ફટ ની જેમ પૂછી લેતું હોય  'તારું પાક્કું પૂરું ને??  તો હું  ટ્રાય મારુ તો વાંધો નઈ ને ???... જે આપના નવા કાપડનું ઉદઘટન કરતુ હોય .. કાયમ આપના ઘરમાં  જેની બે રોટલી ની ગણતરી થતી જ હોય..   આપણી ' માં ' ની પાસે જે હીરો બની આપણે વિલન સાબિત કરી દેતું હોય. , એને પાસ કરીને આગળ ના ધોરણમાં લઇ જવાની સંપુર્ણ જવાબદારી જાણે આપણી જ હોય ...
આટલું વહાલું આપણુંજ બીજું સ્વરૂપ...  ઇશ્ર્વર દ્વારા નિર્માણ થયેલી  ' માં' પછીની જો કોઈ બીજી નિસ્વાર્થ રચના હોય તો એ છે ''મિત્ર ''.
                                         વિરાજ ભટ્ટ પંડ્યા
                                          ભાવનગર.

---------------------------------

Tejas Lakhani :


મિત્રો,
આ શબ્દ સાંભળતા જ મન પ્રફુલ્લિત થઈ જાય. ફ્રેંડશિપ ડે બાબતે ઘણુ લખાય છે ઍટલે હૂ સીધો જ મારા જીવનમા મિત્રોના મહત્વ વિષે વાત કરીશ.
મારા જીવનનો 33% જેટલો ગાળો મે રાજકોટ, પુણે, મુંબઇ જેવા શહેરોમા ગાળ્યો હોય, મારા જીવનમા મિત્રોનુ ઍક આગવુ સ્થાન છે. 
વિશાલ, રથિન, રીના, ભૂમિ, પલ્લવી, સુજાતા, આરતી, હાર્દિક, દેવાંગ, અમીન, મનીષ ઍવા ઘણાજ લોકો વિવિધ રીતે મારા જીવનનો ઍક હિસ્સો બન્યા છે. 
વિશેષ મને ઍ કહેવુ ગમશે કે આપણા સૌના લાડીલા જયભાઇ વસાવડા નો પણ મને સંપર્ક મારા મિત્ર રથિન દ્વારા જ થયો હતો, અને અમો 2-3 વખત કોસ્મોપલેક્ષ મા સાથે મૂવી પણ જોયા છે, સારા વિચારોની આપ-લે મિત્રો સાથે જ થાય છે...
આ પ્રસંગે મને ઍક વાત યાદ કરવી અચૂક ગમશે, પુણેમા IT કંપનીમા જોબ કરતો હોય, ઘણા મિત્રો મરાઠી, ઍમાથી 2-4 સાવ નજીક, સાથે ટ્રૅકિંગમા જવુ, મુવીમા જવુ, સાજા-માંદા હોય ખડે-પગે મિત્રો ઉભા હોય, મારા ઘરેથી નાસતાનુ પાર્સલ સીધુ ઓફિસે આવે, તો મારી પહેલા તો બધા મિત્રો અડધો નાસ્તો પુરો કરી જાય...
હમણા થોડા દિવસો પહેલા જ ઍક મિત્ર સાથે ફોન પર વાત થઈ તો કહે 
"સાલે અભી તુજે યાદ કર રહે થે, બહુત મિસ કરતે હે"
મને ઍમ કે આ તે લોકોની મારા પ્રત્યેની લાગણી હશે પણ પછી પેલીઍ ચોખવટ કરી કે :
તેરે નાસ્તે કો બહુત મિસ કરતે હે
આને કહેવાય મિત્રતા, સીધી બાત, નો બકવાસ....
મિત્રો ઍ હોય જે તમારી ભુલ તમારી સામે કહે અને તમારા વખાણ તમારી પાછળ તમારી ગેરહાજરીમા કરે.
બધા દોસ્તોને સલામ.

------------------------------------------

તમે પણ તમારી આવી મીઠી યાદો ને કમેન્ટ માં શેર કરી શકો છો. 

"She Misses .... "

She Misses

 

ફરઝાના સિવાણી




image captured by : Keval  Chandpa






 08/08/16
Monday.


વ્હાલા અંગદ ,

કેમ છે તું ?? યાર, મને તો તારી બહુ જ યાદ આવે .. ખાસ કરીને આ વરસાદની ઋતુમાં !!!  યાદ છે તને ?  મુશળધાર વરસતાં વરસાદમાં આપણે નીકળી પડતાં બાઇક પર , શેરીથી રોડ અને રોડથી  હાઇ વે સુધી ...અને પછી ગરમાગરમ ભજીયાં અને તારી ફૅવરીટ આદુવાળી ચા ... અહાહાહા... માથાથી પગની પાની સુધી તરબોળ થયાં પછી મને ચઢતી ટાઢ અને તું તારી હથેળીઓ એકબીજા જોડે ઘસીને મારાં ગાલ પર મુકીને મને ગરમાવો આપવાની ટ્રાય કરે ત્યારે થાય આવો વરસાદ રોજ્જે પડે તો કેવી મજા આવે ...


પાછા ફરતી વખતે તને પાછળથી વેલીની જેમ વીંટળાઇને બેસતી હું ત્યારે દુનિયાની કોઇ જ પરવાહ ન્હોતી રહેતી ... લોકો જોતાં હોય તો ભલે ને જુએ , તારા ને મારા માટે તો એ સમય દરમિયાન જાણે ' સારા જહાં હે તેરે લિયે , મેરે લિયે ' હતું. સન્નન કરતોક પવન શરીરમાંથી લખલખું પસાર કરે અને હું તને વધુ જોરથી વળગી જતી અને તારા ખભા પર મારું માથું ઢાળી દેતી ને તું તારા હોઠ મારાં કાન સુધી લાવીને ધીમેથી બોલતો,  " અલી, ઘરે તો પંહોચવા દે !!" અને હું આંખો મીંચીને જ શરમાઇ રહેતી ... બસ આ કોર્ષ પતે કે હું તારી પાસે આવી જાવ એવું મન થયાં કરે છે આ વરસાદમાં તો !!! ;) :D

કહેવાય છે ને કે મિલનની અસલી મજા તો વિરહ પછી જ હોય , તો બસ આપણે ય એ મજાના હકદાર થઇશું અને વિરહ - મિલન બધું જ વિસરી જઇને હંમેશની જેમ સના અંગદમય થઇ જશે અને અંગદ સનામય !!!

અરે હા, તને ખબર કાલે અમને એક નવો જ પ્રોજૅક્ટ આપ્યો છે જેમાં મારે સિંધુ સંસ્કૃતિનાં લોકોના પોશાકો વિશે નિબંધ લખવાનો છે . એટલે હવે તો ફુલ ટાઇમ લાઇબ્રેરી હો ... મહેનત છે પણ મને મજા બહુ જ પડે છે અને બકા મહેનત તો શેમાં નથી ? અને કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી આ વાત મારા નાનીમાં કહેતાં હોં !!!

તેં પેલી જમીન વિશે વાત કરી તો આપણે એ જમીન વેંચીએ નહીં અને એમાં પાક લેવડાવીએ તો ?? કોઇ ભાગીદાર રાખી લઇએ જેને ખેતીનું બધું જ્ઞાન હોય અને પોતે ફુલ ટાઇમ ત્યાં જ રહીને બધું સંભાળી શકે , વચ્ચે વચ્ચે તું એ આંટો મારી આવે એમ ... અને રહી કાકાને એમનો ભાગ આપવાની વાત તો કાકાને પણ આ વાતમાં સમજાવી શકાય ને એમના હિસ્સા મુજબ એમને દર વર્ષે થતી કમાણીમાંથી ભાગ આપી શકાય... આ વાત પર વિચાર ચોક્કસ કરજે .

અરે હા, કાલે હું અહીંની એક બજારમાં ગઇ હતી , ગઇ તો હતી અમસ્તા ચક્કર મારવાં પણ ત્યાં જ એક શૉ રૂમનાં ડીસ્પલેમાં સરસ મજાનાં ટી'ઝ જોયાં , તને ગમે છે ને એવાં જ એટલે તારા માટે લાવી છું બે ટી-શર્ટસ અને કુરીયરમાં મોકલીશ એકાદ બે દિવસ પછી તો તું નીચે વાળા આંટીને કહી રાખજે કે તું ઘરે ના હોય ત્યારે કુરીયર કલૅકટ કરી લે .. હોં ને !!! અને કાજુ કતરી પણ લાવી , મારા માટે હોં કેમ કે તું યાદ આવે ત્યારે તારી પસંદ , તારી આદતો , તારો સ્વભાવ , તારી ટીખળો બધું જ તો યાદ આવી જતું હોય છે ...!! અને એક ડાયરી પણ લાવી છું , રોજ બરોજ ના ખર્ચાના હીસાબો રાખવાં માટે ... આજકાલ હું બહુ ખર્ચા કરું છું યાર એવું લાગ્યાં કરે છે મને , તો આમ ડાયરીમાં લખું તો મને ખ્યાલ રહે ને એમ !!

ચલ , હવે રાતનાં ૨ વાગી રહ્યાં છે , હું સુઇ જાવ નહીંતર તું જ કહીશ કે હું તને મારા સપનામાં નથી આવવાં દેતી ...   :P :P

સાંભળ , મારા અંગદનું ધ્યાન રાખજે જેમ હુ તારી સનાનું રાખુ છું !! :)
ઝાઝું બધું વ્હહ્હ્હ્હ્હ્હાલ્લ્લ્લ્લ્લ... 
ટાટા ...

તારી સના.









08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com

FRIENDS


FRIENDS
~હાર્દિક વ્યાસ

FRIENDS


"The definition of friend is someone who is on your side. An example of a friend is an ally in a protest. Friend is defined as a person that you are fond of, with whom you talk or spend time. An example of a friend is the person you have known a long time and trust."
~ www.yourdictionary.com

"A friend is a person who you like and enjoy being with."
~merriam-webster

"A friend is a favored companion."
~merriam-webster

"A friend is a person attached to another by feelings of affection or personal regard."
~www.dictionary.com

"A friend in need is a friend indeed."
~English Proverb


આ ઉપરાંત

"મિત્ર ઐસા કીજીયે જૈસે સિર કો બાલ,
કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ."
.
"મિત્ર ઐસા કીજીએ ઢાલ સરીખા હોય,
દુઃખ વખતે આગળ રહે 'ને સુખમાં પાછળ હોય."
.
"તાળી મિત્ર સો મળે, શેરી મિત્ર અનેક;
જે પર સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક."


આવી અનેક વ્યાખ્યાઓ દોસ્તો વિશે અલગ અલગ ભાષાઓમાં અને ડિક્શનરીઓમાં છે. પણ મને ઘણી વખત એવું લાગે છે, કે દોસ્ત અને દોસ્તીની વ્યાખ્યા આટલી ન હોઈ શકે. બીજા શબ્દોમાં કહું, તો ગમે એટલી વ્યાખ્યાઓ આપીએ દોસ્તો અને દોસ્તીને સમજાવવામાં અધૂરી જ લાગે. પરંતુ સરળતાથી જોઈએ તો દોસ્તીને કોઈ વ્યાખ્યાની જરૂર જ નથી.

કોઈ સંબંધ હોય તો એની વ્યાખ્યા હોય પણ દોસ્તી એ કોઈ સંબંધ નથી. કોઈ સંબંધમાં પણ દોસ્તી હોઈ શકે અને કોઈ સંબંધ વગર પણ દોસ્તી હોઈ શકે.

હકીકતમાં
"Friendship is a relationship status between two or more persons."

કોઈ પણ સંબંધ જન્મથી હોય છે અથવા કોઈ લાગણીથી બંધાયેલો હોય છે. પણ એમાં કોઈ બંધન હોય છે એટલે જ એને સંબંધ કહ્યો હશે કદાચ. પરંતુ દોસ્તીમાં કોઈ બંધન નથી આવતું. એમાં આવે છે સ્વીકાર, સુમેળ અને નિખાલસતા. એમાં હાથ મિલાવવાં કરતાં ખુલ્લા હાથની તાલી વધું મહત્વની છે. કોઈ પણ સંબંધ.. એ જન્મનો હોય કે લાગણીનો કે પછી જુનૂનનો.. એ બંધાઈ ગયા પછી એ કેટલો લાંબો સમય ટકે છે એનો આધાર વ્યક્તિઓ વચ્ચેની સમજણ પર છે. અને એ સમજણ એટલે દોસ્તી. એ સમજણમાં મસ્તી, મજાક, લાફ્ટર, ક્રાય, કેયર, એન્ગર એટસેટ્રા એટસેટ્રા બધુ શેયરીંગ આવી જાય.

આપણે કોઈ મુસીબતમાં હોઈએ, કોઈ આનંદદાયક ઘટના ઘટી હોય, કોઈ સ્પેશીયલ અચીવમેન્ટ હાંસિલ કર્યું હોય, ભીડમાં પણ એકલતા સતાવતી હોય અથવા મનગમતું એકાંત હોય અને ઘણી બધી વાતો શેયર કરવા જેવી હોય... ત્યારે જે નામ આપણા જેહનમાં આવે એ દોસ્ત.. એ એક પણ હોય અને અનેક પણ.. અને પ્રસંગે પ્રસંગે અલગ અલગ પણ હોય...

પરંતુ એ હકીકત છે કે એમની હાજરી માત્રથી મુસીબત (એટલીસ્ટ આપણા મનમાંથી) ગાયબ થઈ જાય છે, આનંદ અનેક ગણો થઈ જાય છે, અચીવમેન્ટની ફીલીંગનો ગ્રાફ સીધો ચઢે છે, આપણે મૌન રહીને પણ અનેક વાતો શેયર કરી લઈએ, અને એ સદેહે નહોય અને એમની સ્મૃતિ ટકોરા મારે ત્યાં એકલતાં આમ-ચપટી વગાડતાંમાં ગાયબ થઈ જાય છે.

દોસ્તો નાના બાળકનાં કપાળ પરનાં કાળા ટપકા જેવા હોય છે. કોઈ અનિષ્ટ દોસ્તોની હાજરીમાં આપણને પરેશાન કરી નહિં શકે. અને કદાચ એ પરેશાન કરે તો પણ એ પરેશાની દોસ્તો વચ્ચે વહેંચાઇ જશે.

જ્યારે સમય તમાચા મારીને આપણો ગાલ લાલ રાખતો હશે, ત્યારે દોસ્તો એને ગલીપચી કરીને ગુલાબી બનાવતા હશે. ખરાબ સમય ચૂસી ચૂસીને ફિક્કા પાડતો હશે, ત્યારે એ જ દોસ્તો (તમાચા મારીને પણ) લાલી આપતા હશે. મુસીબતોનાં પહાડ તો શું.. પર્વતમાળાઓ આવી ચડી હોય, ત્યારે દોસ્તોને પૂછીએ, કે હવે શું કરવું.. તો સાલાઓ કહેશે, "પહાડ આવી ચડ્યા હોય, તો ચાલો સાથે મળીને ટ્રેકિંગ કરીએ."

જ્યારે બંને બાજુ થી પીસાઈને પરિસ્થિતિ સેન્ડવીચ જેવી થઇ હોય ત્યારે એ બદમાશો એની ઉપર ખાટો-મીઠો ટોમેટો સોસ અને સ્પાઈસી ચીલી સોસ લગાવીને કહેશે.. "લેટ્સ એન્જોય.."

અને જો ક્યારેય હતાશ થઇ જઈએ, જીંદગી પ્રત્યે સંપૂર્ણ નીરસ બની જઈએ.. ત્યારે એ દોસ્તો કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું.. એમ જ્ઞાન આપશે પરંતુ શુધ્ધ સુરતી સંસ્કૃતમાં...

દોસ્તો બહુ કાબેલ ચોર હોય છે. 'નીંદ ચુરાયી અને ચૈન લૂટ લિયા' ટાઈપનાં ચોર નહિં. બધાની નજર સામે આપણી લોન્લીનેસ.. આપણી હતાશા.. ચોરીને લઈ જશે અને કોઈને ખબર પણ નહિં પડે.

આપણી પરિસ્થિતિ વગર કહ્યે પારખી લેવાની તાકાત દોસ્તોમાં હોય છે. અને એ પરિસ્થિતિને અનુરૂપ ખભે ધબ્બો મારવો કે ખભો ધરવો(રડવા માટે), ગળે પડવું કે ગળે મળવું(ભેટવું) એ દોસ્તો વગર કહ્યે સમજી જતાં હોય છે. વખત આવ્યે જીવ દાવ પર લગાવે અને આપણો વખત આવ્યે જીવ લગાવીને દાવ કરે.

કેટલું પણ લખીશું દોસ્તો માટે.. એ અધૂરુ જ લાગશે. પણ સૌથી મહત્વની વાત એ કે દોસ્ત વગરનું જીવન એ સુગંધ વગરનાં સુંદર ફૂલ જેવું છે. સારુ દેખાય ખરું પણ અનુભવાય નહિં. ક્યારેક ત્રાસદાયક લાગે તો પણ અનિવાર્ય અનિષ્ટની જેમ એમને સ્વીકાર્યે જ છૂટકો.



હાર્દ ક્વોટ :

"દોસ્તીનો સંબંધ બાંધવા કરતાં સંબંધમાં દોસ્તી જાળવી રાખવી વધુ જરૂરી છે."



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 07/08/2016
e-mail id : haardhits@gmail.com


લેખન અને લેખક સાથે આલેખન ! Guest Post by Murtaza Patel

લખતાં પહેલાં , લખતી વખતે અને લખ્યાં બાદ લેખકના, ખાસ કરીને નવું નવું લખતાં થયેલા લેખકના મન અને મષ્તિસ્કમાં ઘણાં બધાં સવાલો , વિડંબણાઓ , પરેશાનીઓ ઉદભવતી હોય છે.. 

કયારે લખવું , કેવું લખવું , ક્યાં વિષયો પર લખવું , લખાઇ ગયેલું લોકો સુધી પહોંચશે કે નહિં અને લોકોને પસંદ આવશે કે નહિં વગેરે, વગેરે , વગેરે ... 


તો આજે એના વિશે થોડી વાત કરીએ , ચલો ....


લેખન અને લેખક સાથે આલેખન

કયારેક એવું થાય કે ઘણાં બધાં વિચારો એકસામટા મગજમાં આવવા લાગે અને એ સમયે તમે નક્કી જ ના કરી શકો કે લખવાની શરૂઆત કયાંથી કરવી ?? અને કયારેક તદ્દન આનાથી ઊંધુ જ થાય. જાણે કે એકદમ શૂન્યાવકાશ !! કયારેક આ પરીસ્થિતિ અમુક કલાકો પૂરતી હોય તો કયારેક અમુક દીવસો પૂરતી ... 

આ તો દરેક લખનાર માટે એક સામાન્ય પરિસ્થિતિ છે. એને નાથવાની પણ બહુ સરળ રીત છે. હંમેશા એક નાનકડું નોટપેડ હાથવગું રાખવું. જ્યારે પણ કોઈ આઈડિયા, વિચાર, સજેશન કે સોલ્યુશનનો મગજમાં ચમકારો થાય ત્યારે એ નોટપેડમાં તુરંત ઠપકારી દેવું. તે સમયે કોઈ મહુર્ત કે પરિસ્થતિ ન જોવી. 
(યેસ! ખાસ કરી ન્હાતી વખતે પણ આવું કરી શકાય. કારણકે આઈડિયા-વિચારો ચંચળ છે. અને હાથની કલમ વડે પકડી શકાય છે.) 

 એક વાર આખું લખાણ લખતા પહેલા માત્ર તેની શરૂઆત પણ આ રીતે કરીએ તો થોડાં જ સમયમાં આખેઆખું લખાણ સર્જી શકાય. ‘ટીપે ટીપે..સરોવર ભરાય, ટપકે ટપકે લેખ લખાય ! ક્યારેક લખનારની પાસે એક અલ્ટિમેટ ક્ષણ આવે છે. જેને વિશ્વના એક પ્રખર કૉપીરાઈટરે ‘યુરેકા પોઈન્ટ’ નામ આપ્યું છે. આ ક્ષણે એવું મહેસૂસ થાય કે  ‘હાશ ! આ કાંઈક મસ્ત મજાનું, દિલને સંતોષ થાય એવું લખાયું છે.’ જો આવું થાય ત્યારે સમજી લેવું કે અટકી જવાનો સમય આવી ગયો. અને જો એવું ન થાય ત્યારે નવા વિચારોને યુરેકા-પોઈન્ટ મળવાની હજુ વાર છે. એ માટે...જેમ લખાતું જાય એમ લખતા રહેવું. નોન-સ્ટોપ !

હવે વાત કરીએ  લખાણમાં વપરાતાં અલંકારીક શબ્દો , વિશેષણો , ઉપમાઓ , લાંબાલચક વર્ણનો ઈત્યાદીની ....જે લખાણ ૮ વર્ષના નાનકડા માસૂમ બાળકથી લઇ ૮૦ વર્ષના મેચ્યોર્ડ બાળકને પણ વાંચવામાં રસ પડાવે એવું ટૂંકું, સરળ, સુપાચ્ય લખાણ વધારે અસરકારક. જે ટચલી આંગળી દ્વારા દિલ પર ‘ટચ’ આપે એવું લખાણ વધુ વંચાય છે, સંભળાય છે. બાકી બધું...બમ્પર !

પોતે જે ભાષા રોજીંદા જીવનમાં વાપરે છે, એ જ લખાણમાં વાપરે. એમાં જ મૌલિકતા, ક્રિયેટીવીટી આવી ગઈ સમજવું. બસ ! પછી લેખક અને લેખન પોતાની સફળતાનો રસ્તો આપમેળે બનાવી લેશે.
જો બાત દિલસે નિકલેગી વહ દિલ તક પહોંચેગી. It’s all about મા‘ટ્રુ’ ભાષા.”


"મને લખાણ પણ મિની-સ્કર્ટ જેવું રાખવું ગમે. જેટલું ટૂંકું એટલું જોવું-વાંચવું વધારે ગમે.”-મુર્તઝાચાર્ય.

હવે વાત કરીએ પુસ્તકોની અસરોની .. લોકોના માનસ કે સ્વભાવ પર પુસ્તકો કેવી અને કેટલી અસર કરે છે તો એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી એ કે પુસ્તક ક્યારેય દેશી-વિદેશી ન હોય. એ ગ્લોબલ જ હોય. ભાષા બદલાતી રહે. અગત્યનું એ જ છે કે તે પુસ્તક તમારી અંદર રહેલાં ‘તું’ ને ઝણઝણાટી આપે, હલાવે, કાંઈક પરિવર્તનનો રસ્તો બતાવે, તમારી અંદર ધમાલ મચાવે, મોજ-મસ્તી કરાવે. ત્યારે સમજવું કે ઓલરેડી ‘પરિવર્તન થઇ ગયું.’ તે લખાણની સાથે જોડાયેલાં લેખક, વાચક, પબ્લિશર, ડીલર સફળ થયાં.

અને બીજી વાત ખાસ એ યાદ રાખવી કે કોઈપણ બાબતમાંથી શું, કેટલું, ક્યારે, કેવું અને કઈ રીતે લેવું એ વ્યક્તિગત બાબત છે. એક વ્યક્તિને કોઈ બાબત પોતાના માટે ‘ઢોલ’ જેવી લાગે ને બીજીને ‘ઢેલ’ જેવી. ત્રીજીને ‘ઢાલ’ જેવી તો ચોથીને ‘ઢીલ’ જેવી લાગી શકે, ખરું ને? – ત્યારે સમજુ અને અનુભવી વ્યક્તિને શબ્દોની સાકર કે સેકેરિનના સ્વાદની પરખ હોય છે. અને તે સૌ તેમની રીતે માપી લેતા હોય છે.

મોટિવેશન બીજાંને આપવા કરતા ‘ખુદને’ આપતા રહેવું. (યેસ ! આ બાબતે સેલ્ફિશ થવું વધારે જરૂરી છે.) આપણી જ લાઈફને જોઈ બીજાંવને ‘મોટ્ટી’વેશન મળે તો જ્ઞાન, અનુભવ, સમજણ બધું લેખે લાગશે. બાકી બધું...ઈલ્લે ઈલ્લે !”


માર્કૅટીંગ વિશે વાત કરીએ તો સેલ્ફ-માર્કેટિંગ જેવું કશું નથી. જો લખાણ (માર્કેટિંગની ભાષામાં ‘કન્ટેન્ટ’) જ ‘દમદાર’ હશે તો તે પોતાની મેળે ‘દિલદાર’ વાચક શોધી લેશે. હા, પણ એ માટે આજના મોડર્ન ટુલ્સ અને પ્લેટફોર્મ્સનો સહારો લેવો જ રહ્યો.


માત્ર લખીને બેસી રહેવું એ કરતા કન્ટેન્ટનો વિવિધ સ્વરૂપે ફેલાવો કરવો ઘણું અગત્યનું કામ છે. જે માટે લેખક (કન્ટેન્ટ મેકર)ને એ યુક્તિ-પ્રયુક્તિ શીખતા-એપ્લાય કરતા રહેવું પડશે.”

ત્રીજી વાત એ કે નવા લેખકોએ પોતાનાં સાહિત્યને સુધારવાં, મઠારવાં અને એનો પ્રસાર કરવાં માટે પુષ્કળ રીડિંગ અને રાઈટિંગ કરવું’ એ Pre-internet era નો ટ્રેન્ડ હતો.
Post-Internet & Mobile eraમાં, કન્ટેન્ટ-મેકરને આ બંને ઉપરાંત, અવનવી વ્યક્તિઓને, બાબતોને સાંભળવી, જોવી અને ઓબ્ઝર્વ કરવાની પણ જવાબદારી આવી છે.
અને એ માધ્યમો (મલ્ટીમીડિયા)જ તેમને પોતાના કન્ટેન્ટને સુધારવા, મઠારવા અને પ્રસાર કરવામાં મદદ કરે છે. જરૂરી એ જ છે કે તે બાબતોની સાથે ભળતા રહી તેનો સુચારુ ઉપયોગ કરવો.”

દરેક લેખક દરેક ક્ષણે વાચક હોવાનો. લખવા-વાંચવા-જોવા-સાંભળવા માટે જે કોઈ ક્ષણો અનુકૂળ હોય તે મજાની ક્ષણ, એ જ તબક્કો. બાકી બધું બારાખડી અને કક્કો.

ચોથી વાત એ ધ્યાનમાં રાખવાં જેવી કે નવું નવું લખતાં થયેલાં લેખકો પાસે પોતાના લખાણની ભૂલો કે ઉણપ સુધારવાં માટે વાંચન વધારવા અને અનુભવે શીખવા સિવાય બીજો કોઇ રસ્તો નથી.


જે સિદ્ધહસ્ત લેખક (કન્ટેન્ટ-મેકર) પોતાને પહેલા અને તેના ઓડીયેન્સને પછી ઉચ્ચ-કક્ષાએ રાખી કોઈપણ ક્રિયેટિવ સર્જન કરે છે, તે પોતાના સર્જન વિશે ઓલમોસ્ટ સભાન હોવાનો. પોતાની પ્રોડક્ટને સતત બેટર બનાવનાર મેકર અને માર્કેટર બીજાં પાસેથી શીખતો રહે છે. એ પછી સ્ટિવ જોબ્સ હોય, જેક મા કે ધીરુભાઈ.”

અને સૌથી મહત્વની વાતજે લખાણ તેના લેખકના સાચા ‘લખ્ખણ’ને, અનુભવને, સમજણને વાચકના મન-મગજની સાથે સાથે દિલ પર પણ અસર કરાવે તે સારું લખાણ. અને એમાંય ‘હેવી’ વાતને મનોરંજક ફેક્ટર્સ સાથે ‘હળવી’ બનાવી પેશ કરે તે લખાણ નાનકડી કંપનીના પ્યુનથી લઇ દેશના પ્રેસિડેન્ટ સુધી પણ પહોંચી શકે છે. 

સુર્ષ્ટિનું દરેક સર્જન હળવે હળવે થાય છે. કોઈ ઉતાવળ નહિ, શાંતિથી સહજતાથી. તો માણસ જ્યારે જન્મે છે ત્યારથી કે તેના અંત સુધીની સફર દરમ્યાન જે કાંઈ ઘડે છે, તે તેના ઘડામાં ઉતરતું રહે છે. જેનાથી જ સ્તો દરેકનું ‘પાણી મપાય’ છે.
આ વાત નાનકડી છે, પણ એ માટે એક આખી ઝિંદગી ખર્ચવી પડે છે. Devotion, You See!”

- મુર્તઝાભાઈ પટેલ 



મુર્તઝાભાઈ પટેલ વિશે...

જેનું માઈન્ડ ‘માર્કેટિંગ’ના મેડિકેશન માટે સતત દોડતું હોય અને બ્રેઈનમાં ‘બિઝનેસ’નો ડોઝ બનતો રહેતો હોય એવા

મુર્તઝા પટેલને ઇન્ટરનેટ પર વેપારના માધ્યમે વાંચવાની એક અલગ મઝા છે. વ્યવસાયે ‘માર્કેટિંગ મદદગારર’ અને ‘ટ્રેન્ડ-

સ્પોટર’ તરીકે પોતાનો અડ્ડો જમાવનાર મુર્તઝાભાઈ માર્કેટિંગને લગતા વિવિધ પાસાંઓનું આલેખન સમયાંતરે કરતા રહે

છે.

માર્કેટિંગ! એ પછી વેપારમા હોય કે વ્યવહારમાં..આ શબ્દ તેમના લોહીમાં વહે છે. એના વિશે સતત અભ્યાસ, લખવું,

ક્રિયાઓ-પ્રક્રિયાઓ, ધમધમતા ઉદ્યોગ-સાહસિકને ઓનલાઈન-માર્કેટ જાંબાવવા કે પછી મધમધતા જોબ-માર્કેટમા કારકિર્દી

જમાવનાર વિદ્યાર્થીને કોચિંગ, ટ્રેઇનિંગમાં મદદ કરી મશગૂલ રેહવું તેમનું એક પેશન છે.

એમની સાથે ખુલ્લા દિલે વાત કરો તો તમે પણ તમારા વ્યવસાય કે કેરિયરના પ્લેટફોર્મ પર ખીલતા રહો એની ગેરેંટી.

સંપર્કસૂત્ર:
ફેસબૂક પર: https://www.facebook.com/MurtazaPatel.vepaar.net
ટ્વિટર પર: https://twitter.com/netvepaar
વોટ્સએપ પર: +20 122 2595233