યાદો ખખડાવે જયારે ઘરનું બારણું




યાદો ખખડાવે જયારે ઘરનું બારણું નસીબદાર છો, પાછા જવા માટે તમારા પાસે ઘર છે ! ~ સંકેત


એ દિવસ જરા સ્પેશ્યલ હતો પ્રાચી માટે. પપ્પાનો બર્થડે હતો. એ પપ્પા જેની ગોદમાં રમીને એ મોટી થઈ હતી. જેની આંગળીએ પહેલીવાર એણે ચંદ્ર જોયો હતો. એ પપ્પા જે એને ખભા પર બેસાડીને દશેરાનો સળગતો રાવણ જોવા લઈ જતા. એ પપ્પા જેણે એને સાઈકલ શિખવાડી હતી. એ પપ્પા જેણે ગણિતના દાખલા શિખવાડી શિખવાડીને એને પાસ કરાવી હતી. એ પપ્પા જેણે એની દીકરી માટે છોકરાં જોવાનું શરું કરી દીધું હતું. એ પપ્પા જેણે એને ગૌરવ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સમાજ શું કહેશે! એ પપ્પા જેને છોડીને એ ગૌરવ સાથે સાત વર્ષથી રહેવા માંડી હતી. એ પપ્પા જેણે સોગંદ ખાઈ લીધાં હતાં કે એ ક્યારેય વાત નહીં કરે પ્રાચી સાથે, મોઢું ય નહીં જુએ. જેણે પ્રાચીને કહી દીધું હતું કે એના માટે આ ઘરનો દરવાજો હંમેશ માટે બંધ છે. એ દરવાજો જયાં ઊભા રહીને એણે મમ્મીની રાહ જોઈ હતી. એ દરવાજો જેનો કિચુડાટ એને હજુય યાદ હતો. અને એ ઘર, એની ફર્શ જયાં એના ઘૂંટણ ચંપાયેલા, એ બારી જ્યાંથી એ ચંદ્ર જોયા કરતી, એ અગાશી જયાં ઊનાળામાં મમ્મી પથારી કરી આપતી, એ તારા જોતાં જોતાં સૂઈ જતી અને સવારનો સુરજ એને જગાડી દેતો અને નીચે જઇને ઘડિયાળમાં જોતાં હજુ સાડા છ માંડ વાગ્યા હોતા, એ ઘર જયાં શેરીમાં આવતાં શાકવાળાને ત્યાંથી એણે પહેલીવાર મફત કોથમીર લીધેલી, મમ્મી એ શીખવાડેલું ! પહેલીવાર લોહી જોઈને ગભરાઈ ગયેલી ત્યારે મમ્મીએ મનનો બોજ હળવો કરેલો, મમ્મીની રસોઈ શિખવાની જીદ સામે પપ્પાની લાડકી બનીને એ પોતાનું જ ચલાવતી, એ ઘર જયાં એનાં બર્થડે પર પપ્પાએ એને પિંક કલરની સાઇકલ લઈ આપેલી, અને એ શેરીની સહેલી જેની સાથે એ દિવસે એ ખરા બપોરે રખડેલી. એ ઘર જયાં મમ્મીએ કપાળ પર તાવ ઠારવા આખી રાત ભીના પોતા મૂકેલા, એ ઘર જે કૉલેજ જવા માટે એને છોડવું પડેલું, જયાં પાછા જવા માટે એ રાહ જોતી રજાઓની...પણ બધું બદલાઈ ગયું હતું. એ ઘરે એ હવે ક્યારેય જઈ શકવાની નહોતી. એ માહોલ, એ પગથિયાં, એ માણસો, એ ગલીઓ,સબંધો બધું હવે જાણીને ય અજાણ્યા કરવાના હતા.

"મમ્મી... બહુ ભૂખ લાગી છે..."
પાછળથી દોડીને આવતી પ્રાચીની નાનકડી દિકરીએ દફતર બેડ પર ફેંક્યું. ગ્રે કલરનું ફ્રોક, વ્હાઇટ શર્ટ, ચીપકવેલા વાળ, એ આંખો...પોતાની દિકરીને સ્કૂલ યુનિફોર્મમાં જોઈને એને પોતાની જ યાદ આવી ગઈ. દડદડદડ આંસુ ટપકી ગયા-ઓચિંતો વરસાદ આવે એમ!

"શું થયું મમ્મી? તું કેમ રડે છે?" દિકરીએ કૌતુકથી પૂછ્યું. આંસુંઓ રોકાતા નહોતા.

"કંઈ નહીં, ચાલ તારું લંચબોક્સ બતાવ, ખાધું'તું કે નહીં તે બપોરે!?" એણે મન માંડ વાળ્યું.
આ ય મારું જ ઘર છે ને! અહિં મારી દિકરી છે, ગૌરવ જેવો લવિંગ પતિ છે, સુંદર ઘર છે, ઠીક-ઠાક પૈસો ય છે, બધું સેટલ્ડ છે... પણ પછી પાછો વિચાર આવ્યો... પણ પપ્પાને શું વાંધો હતો! માની કેમ ન ગયા! કેમ !

પ્રાચીનો મોબાઈલ વાગ્યો, વિચારો તૂટ્યા, એ ઊભી થઈ, મોબાઈલની સ્ક્રીન જોઈ, એનાં શહેરનો કોડ નંબર હતો... એનો અંગુઠો આશા અને આશા તૂટવા વચ્ચે ગભરાયો થોડી સેકન્ડ, અને છેલ્લે સ્ક્રીન પર ફરતું લીલું ચકરડું એણે માંડ ખેંચ્યું, કાન માંડ્યા, અને સામેથી અવાજ આવ્યો,

"પ્રાચી..."
અને પ્રાચીનાં ગળામાંથી તીવ્ર રૂદન-ચીસ સાથે માંડ માંડ શબ્દો નીકળ્યા...
"પ...પ્પા...!!"

***

ઘર! ઘર શું હોય છે ઘર !? આપણું ઘર! આપણાં સંબંધો, પરિવાર, ભાવનાઓ, યાદો, માહોલ, વસ્તુઓ, ઘરની દિવાલો 'ને ઈંટો 'ને હવા 'ને ફર્શ... આ તમામનો સરવાળો એ તમારું ઘર છે. આ બધાંમાં આપણી આખે આખી જાત સંઘરાયેલી છે. ઘર એટલે એ જગ્યા જયાં આપણે જેવા છીએ, એવા છીએ! ઘર એટલે દર વખતે ખાસ અવાજ કરતો દરવાજો, ઘર એટલે આડાઅવળા ફેંકી દીધેલા ચપ્પલ, ઘર એટલે એ બારી જ્યાંથી તમારી નાનપણની કૌતુક આંખોએ પહેલી વાર ચાંદ જોયો હોય, ઘર એટલે એ ફર્શ જયાં ત્રણ પૈડાં વાળી તમારી સાઈકલના અદ્રશ્ય લિસોટા છે, ઘર એટલે દરરોજ તમારી પથારી પર આવતો તડકો રોકી લેતી મમ્મી, ઘર એટલે તમારા કપાળ પર કાયમી નિશાન બનાવી જતી ચોટની યાદ, ઘર એટલે મમ્મીને પાણીનો કરાતો ઓર્ડર, ઘર એટલે તમારી આળસ સંઘરી લેતી ચાદર, તમારું અસ્તવ્યસ્ત જીવન, ઘર એટલે પપ્પા સાથે મરાતો બજારનો આંટો, ઘર એટલે ભાઈબંધ સાથે ચાર વાગ્યાની ચા, ઘર એટલે વરસાદમાં પાણીએ નહાતું છજુ, ઘર એટલે સાતમાં ધોરણની મળી આવતી નોટબુક, ઘર એટલે ઉત્તરાયણની અગાશી, ઘર એટલે બાજુની ગલીમાં રમાતું હતુ એ ક્રિકેટ, ઘર એટલે ફેમિલી સાથે જોવાતું ટીવી, ઘર એટલે મમ્મીનાં હાથની રસોઈ, ઘર એટલે પપ્પા સાથેની ચર્ચાઓ, ઘર એટલે ભાઈ સાથેનું મુવી, ઘર એટલે તમારી નિશાળ. નિશાળે નહીં જવાના કજીયા, ઘર એટલે શેરીમાં બનેલાં ભાઈબંધ, ભાડે ફેરવાતી સાઈકલ, ઘર એટલે ખૂણા પરની પાનની દુકાન, ઘર એટલે તમે રવિવારે જતા એ ગાર્ડન, ગલીઓમાં ઝાપટતા એ નાસ્તો, ઘર એટલે નજીકની દુકાન જ્યાંથી મહેમાન માટે તમે આઈસ્ક્રિમ લાવેલા, ઘર એટલે આગળ ભણવા છોડી દીધેલું શહેર, નોકરીના ટેન્શનમાં રાહત આપતી ટેબ્લેટ, કોઈકવાર પાછા ફરો ત્યારે "તું તો ઓળખાતો ય નથી" કહેવાવાળા લોકો એટલે ઘર, જયાં તમને ચીન્ટુ, મોન્ટી, સોનુ, પીન્ટુ કહે એ લોકો એટલે ઘર, વાગેલી છરી પર લગાવાયેલી હળદર એટલે ઘર, ઘર એટલે કોઈ નવો પરિવાર બનાવવા તમે જેને પિયર કહ્યું એ જમીન 'ને જ્યાં તમારા બાળકોએ માટી ખૂંદી એ ફળિયું, ઘર એટલે તમારા પહેલા ક્રશનું શહેર! ઘર એટલે તમારી ગલીનાં કૂતરાં. ઘર એટલે જુના કામવાળા બહેન, ઘર એટલે તમારી પહેલી શેવિંગ, ઘર એટલે ગણિતનું ટ્યુશન, ટ્યુશનનાં ફેમસ સર, ઘર એટલે પાછળનું મંદીર, ઘર એટલે તમારા પાડોશી, સાઈકલના પેડલે ભૂલા પડી ગયેલાં એ ગલીઓ, ઘર એટલે તમારા પપ્પાનાં ભાઈબંધ, મમ્મીનાં માસીની દિકરી, ઘર એટલે તમારા શહેરનો ઇતિહાસ, ઘર એટલે તમે પેટ્રોલ પુરાવતા એ પમ્પ, ઘર એટલે તમારો જૂનો વાળંદ, ઘર એટલે "હવે ઘણું બધું બદલાઈ ગયું છે" કહેતો તમારા શહેરમાં રહેતો ફ્રેન્ડ, ઘર એટલે તમારા મૂળિયાં. ઘર એટલે માત્ર દિવાળી પર મળતાં ભાઈબંધ, ઘર એટલે તમારા ગામની બોલી 'ને તમારા ગામની ગાળો, ઘર એટલે તમારા મમ્મી પપ્પાનાં લગ્નનું આલ્બમ, લોખંડનો હવે ભંગાર થઈ ગયેલો કટાઈ ગયેલો પલંગ, એકાદ ભેજવાળી દિવાલ એટલે ઘર, પાછળ વગડાનો બાવળ એટલે ઘર. ઘર એટલે હાશ! ઘર એટલે નિરાંત!

 સર્વસામાન્ય નિયમ છે કે કોઈ ચીજ જ્યારે આપણી પાસે હોય ત્યારે એનું અસ્તિત્વ આપણું દિમાગ ફોર ગ્રાન્ટેડ લઈ લે છે, પણ જ્યારે એ ચીજનો અભાવ વર્તાય ત્યારે એની મહત્તા, એનાં હોવાની ઘટના એક અલગ આયામ અને આકાર લઈ લે છે. પછી માણસ એ નહીં હોવાની શક્યતાઓ પાર વધું ગાઢ વિચારો કરી શકે છે. એમ, ઘરની મહત્તા ઘરથી દૂર જાઓ ત્યારે સમજાય છે. હોમ-સિકનેસમાં કવિતાઓ લખાઈ જાય છે. સ્ત્રીઓ તો બબ્બે ઘરને બખૂબી જીવે છે. એની ભાવનાઓના કેનવાસ પર એ બન્ને ઘરની યાદો ચીતરી શકે છે. સરહદ પર બંદૂક લઈને ઊભેલા સૈનિકની આવી ભાવનાઓ ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. પણ પેલું કહેવાય છે ને લાઈફ ઈઝ અ બિચ્ ! ઉપર વાર્તામાં જે વાત છે એમ ક્યારેક આપણાં ઘર સાથેનો નાતો કાયમ માટે તૂટી જતો હોય છે. ભારત-પાકિસ્તાન પાર્ટીશન પછી કેટલાંય લોકોનાં મનમાં પોતાનું ઘર હંમેશ માટે સંઘરાયેલું હશે! અને જર્મની છોડીને ભાગતાં યહૂદીઓનાં મનમાં પણ! અને સંજાણ બંદરે આવેલાં પારસીઓનાં દિલોમાં પણ! તમારું નાનપણનું ઘર, તરુણાવસ્થાનું ઘર એ તમારા પહેલા સિરિયસ પ્રેમ જેવું હોય છે.જો તમારા પાસે પાછા જવા માટે ઘર છે તો તમે નસીબદાર છો. બાકી એ ક્યારેક બસ યાદો બનીને ઝહનમાં આંટો મારી જાય છે- જૂની પ્રેમિકાની જેમ!

 ***

એન્ટન ચેખવની એક વાર્તા છે, "વાંકા". એને ટૂંકાવીને જરા ફેરફાર સાથે અહીં લખી છે: નવ વર્ષના આરવને એ રાતે દાદાની બહુ યાદ આવતી હતી. આજે દિવાળી હતી. મમ્મી તો ક્યારે એને એકલો છોડી ગયેલી એ એને ખબર પણ નહોતી, બસ ધૂંધળૂ વહાલ યાદ આવતું. પણ દાદા સાથે ઉજવેલી દિવાળી આજે એને બહુ યાદ આવતી હતી. પોતાનું ઘર, ઘરનું ફળિયું, એની નાની સાઇકલ, ભાવતી મીઠાઈઓ, એના પ્રિય બિસ્કીટ, ફટાકડા બધું. ઘરથી દૂર એનાં નવા મમ્મી-પપ્પા સાથે એને જરાય ગમતું નહીં. અહિં એને ભાવે એ બિસ્કીટ પણ મળતાં નથી એમ નવા પપ્પાએ એને કડકાઈથી કહેલું, અને એકવાર નવી મમ્મીએ કહેલું કે આ તારું ઘર નથી. એને દાદાને કહેવું હતું કે અહીંથી લઈ જાય એને, પાછો ઘરે. એનાં ઘરે. કોઈકે કહેલું કે સંદેશો કંઈ એમનેમ ન પહોંચે, કાગળ લખીને કહેવું પડે! માંડ ઘરમાંથી જૂનો કાગળ ગોતી એણે છાનોમાનો દાદાને કાગળ પણ લખી નાખ્યો હતો મહામહેનતે, બસ નવા મમ્મી-પપ્પા આવે એ પહેલા પોસ્ટબૉક્સમાં એને નાખી આવવાનો હતો. આજે તો નાખી જ આવવો હતો. એણે કાગળની ગડી વાળી, ગડી ઉપર નખ ખેંચીને ધાર આપી અને કવરમાં કાગળ નાખીને દોડ્યો પોસ્ટબૉક્સ તરફ. લાલ પોસ્ટબૉક્સ બરાબર ઉપર ચમકતી સોડિયમ લાઈટમાં એને બરાબર દેખાયું, અને એ કવર અંદર નાખવા જ જતો હતો, ત્યાં એને યાદ આવ્યું, પેલા ભાઈએ કહયું હતું, કાગળ ક્યાં મોકલવો છે એ ય લખવું પડે એનાં પર! એને હાશ થઈ કે હજુ કાગળ નાખ્યો નહોતો. ફટાફટ પેન્સિલ કાઢી અને કવર પર એણે લખી નાખ્યું,
"To,
 મારા દાદા,
મારું ગામ."

 અને ખુશ થઈ દોટ મૂકી એણે. નવા મમ્મી-પપ્પા હજુ આવ્યાં નહોતા. એને હાશ થઈ. અને કાલ સવારની, નવા વર્ષની, દાદાની, રાહ જોતા જોતા એ શાંતિથી સૂઈ ગયો.


"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com


Share this

4 Responses to "યાદો ખખડાવે જયારે ઘરનું બારણું "