spoof sort of Parody ...

Spoof Sort of Parody

by Harsh Pandya

આપણે ત્યાં સ્પૂફ પ્રકારનું સાહિત્ય પ્રમાણમાં ઓછું લખાય છે. તમને ગમતા લેખક/કવિની ભાષા, લેખ રજુ કરવાનો અંદાજ અને મર્મ પકડીને બિલકુલ એ જ રીતે લખવાનો કસબ મહેનત માંગી લેતી વસ્તુ છે કેમકે એ માટે તમારે જે-તે લેખક/કવિને સાંગોપાંગ વાંચવા પડે છે. અહીં એવી જ રીતે લખાયેલો એક પીસ છે. મારા ગમતા લેખકો તો ઘણા છે, પરંતુ જેમને રીતસર ચાવી જ નાખ્યા છે એવા બે લેખકોની સ્ટાઈલમાં એક કોમન મુદ્દા ઉપર લખવાની જુર્રત કરું છું. તમે લખાણ વાંચીને પારખી જ જશો કે એ બે લેખકો કોણ છે.. 

Disclaimer: આ કોઈ કોપી નથી, આ પીસ એમને મારા દ્વારા અપાયેલી અંજલિ તો છે જ, પણ એના કરતાંય ઋણસ્વીકાર વધુ છે. એક વાંચકનો, એના લેખક તરફનો, જેને વાંચીને ખુમારી, નિખાલસતા અને પ્રામાણિકતા જેવા લાઈફના મૂળભૂત મૂલ્યોનો સતત પરિચય થયા કર્યો છે.

તા.ક. : - આવો પ્રયાસ મારી પહેલા કિન્નરભાઈએ કરેલો હોવાનું મારી જાણમાં છે. બાકી પણ ઘણાએ આવો પ્રયાસ કર્યો જ હશે એવું માની લઉં છું.

1.  બ્યુટી ઓફ જોય ઈઝ જોય ફોરેવર...

જોહન કીટ્સ. અંગ્રેજી સાહિત્યમાં અમર થઇ ગયેલો જીવડો. યુવાન ઉમરે દરેક ટીનેજરની જેમ બેફામ પ્રેમમાં પડેલો. અને આપણા સદાબહાર કવિ રાવજી પટેલની જેમ ટી.બી.ના રોગમાં સાહિત્ય એ એક ઝળહળતો અને તેજપુંજવાળો કવિ ગુમાવી દીધો. રીયલ લાઈફમાં ફેની નામની ફટાકડીના પ્રેમમાં પડેલો અને એ પ્રેમે એની અંદરના કવિજીવને પણ આળસ મરડીને બેઠો કર્યો. પ્રેમ, જે આજે ય લેખકો-કવિઓનો શરાબ પછીનો ફેવરીટ વિષય [સબ્જેક્ટ, યુ સી] છે. પર્સનલ ફેવરીટ કાવ્ય ‘બ્રાઈટ સ્ટાર’માં જોહને ફેની માટે દિલ નીચોવીને લાગણીઓ નીતારી દીધી છે. સોનેટ પ્રકારનું કાવ્ય હોવા છતાય પ્રેમની લહેરખીઓ ઠંડક પણ પહોંચાડે અને વિરહ હોય તો ઝાળ પણ લગાડે. ફેની પણ ધૂની લગતા આ કવિની કવિતાઓને બદલે ખુદ કવિને જ પ્રેમ કરવા લાગેલી. ફેનીના ઘરની બાજુમાં જ હોવા છતાય એ વખતના ચોખલિયા-ચોવટિયા થનગનભુષણ સમાજથી બચતા રહેવું પડતું, જે એનાથી સહન ન થતું. ફેનીને એ પત્રો લખતો. પત્રો શું? દિલ જ કાપી કાપીને લેટરમાં મોકલાવતો હતો. ફેની બીજા મર્દો સાથે હસે બોલે તો એક સાચા પ્રેમીની જેમ એને કાળજે ચીરા પડતા, જે એના પત્રોમાં ડોકાતું. પઝેઝીવનેસ અને પ્રેમની પકડાપકડીમાં એનું સાહિત્ય છપાવા લાગ્યું, નામ કમાવા લાગ્યો પણ ધીમે ધીમે ટી.બી. એ જોર જમાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ફેની ઇચ્છવા છતાય એની સંભાળ ન લઇ શકી. ઇટલી જઈને હવાફેર કરવાનો મિત્રોનો આઈડિયા કામ ન લાગ્યો અને ૨૬ વર્ષની ધુંઆધાર ઉંમરે એણે જિંદગીને અલવિદા કહી દીધું. પણ જતા જતા એ પોતાની પાછળ અમર થયેલું સાહિત્ય મુકતો ગયો. પ્રેમ, કેટલું નાનું નામ?અને કેટલી પ્રબળ અસર? ‘ટાયટેનીક’ની રોઝ અને જેક, એકબીજા માટે અને સાથે જ રહેવાનું. હરપળ, હરદમ. સ્વજન અને પ્રિયજન, બેય આપણા પ્રેમના ભૂખ્યા હોય છે, હંમેશા. એ તરસતી નિગાહોની પાછળ અતુટ પ્રેમ હોય તો એ તમારી જિંદગીનું સૌથી મોટું ઇનામ છે રીડરબિરાદર. હેવ ફન. લવ એન્ડ બી લવ્ડ. ...

2. પ્રેમ – ક્ષણથી નમો અરિહંતાણમ...

    પ્રેમની વ્યાખ્યા કરવી લેખક માટે મુશ્કેલ છે. કલાકાર માટે પ્રેમ શોધવો કદાચ વધુ સરળ છે. એ જેટલો કલામાં ખૂંપતો જાય એટલો એ પ્રેમતત્વની નજદીક પહોંચી શકે છે. જિંદગીની જયાફતો ખાલી રમ-વ્હીસ્કી કે વોડકાના કાચના ગ્લાસમાં જ નહિ, શરાબ સાથે ઠલવાતા વિષાદમાં ય હોય છે. મૌતની નોક પર ગુઝરતી જિંદગી બડી ખુબસુરત લાગે છે. ઈશ્વર સરસ ઠેસ સાથે આપણો હીંચકો ઝુલાવી દે છે ત્યારે મનુષ્યની આ પૃથ્વી ઉપરની પામરતાનો અહેસાસ થાય છે. પ્રેમ અને સત્ય બંને વિરોધીતાઓ છે. જ્યાં સત્ય છે ત્યાં પ્રેમ ટકી ન શકે કેમકે પ્રેમની શરૂઆત દેહથી અને અંત આત્માથી થાય છે. અને જ્યાં દેહ છે, ત્યાં જૂઠની મોહતાજી કેળવી લેવી પડે છે. આયનામાં જોઇને ચહેરા હસે છે, પણ કરચલીઓ દેહના-મનના ભોગની સાક્ષી પૂરે છે. સ્ત્રી આખી જિંદગી વ્યસ્ત રહી શકે છે. પ્રેમ કરીને, કરી લઈને, કરવા દઈને. પુરુષની જૂઠ બોલવાની ઔકાત એના પ્રેમની ઈમારતની ઊંચાઈ નક્કી કરે છે. અમુક હદ સુધી જૂઠ ચાલી પણ જાય છે. સ્ત્રીના પ્રેમનો હિસાબ સમજી લેવો જરૂરી છે. એ પ્રેમ માટે શરીર સોંપે છે. બજારુ ઔરતને પણ એક તબક્કે પ્રેમની જરૂરત પડે જ છે, એ સત્ય જયારે એને સમજાય જાય છે એ પછીથી એની દુનિયા બદલાય જાય છે. પ્રેમની શાશ્વત ચેતના મૃત શરીર સાથે ચાલી જતી નથી. એ સંતાનો કે પ્રિયજનમાં જીવતી હોય છે. સ્થિર થયેલી આંખોના પોપચા બંધ કરવા, જે શરીરની ઉષ્મા રાતે અને દિવસે અનુભવાતી હોય એની ઠંડક ઈશ્વરમાં વિશ્વાસ અને અવિશ્વાસ બંને લાવી દે છે. વહેવા મથતા આંસુઓ અસ્થિ સાથે નદીમાં વહી જાય છે. અને એક અહેસાસ શરીરમાંથી નીકળી જતો દેખાય છે, અનુભવાય છે. સાથે ગુઝારેલી એ રંગીન શામો, એ જમતી વખતે આવતી ઉધરસ અને તે અંબાવેલો પાણીનો ગ્લાસ, ધર્મ, શાસ્ત્રો બધું બકવાસ લાગે છે. એકમાત્ર સત્ય એ છે કે તું ચાલી ગઈ છે.કાયમને માટે. પણ હું તને એટલો જ પ્રેમ કરું છું અને નમો અરિહંતાણમ બોલી લઉં છું, ધીમા અવાજે,જેથી તું જાગી ન જાય.

HARSH PANDYA


-------------------------------------------------------------------------------------------------
 Harsh Pandya , born in Bhavnagar nd working at Ahmedabad is a reader cum writer.
Gappa and Golgappa is his fav paastime ...
 manhar87@gmail.com

Share this

3 Responses to "spoof sort of Parody ..."

  1. Just WOW!
    too good an attempt and I can surely connect with the content and style..
    Keep Writing.. It's a nice spoof that obviously is a tribute to their writing..

    ReplyDelete
  2. We got the perfect spoofer on the job... સરસ

    ReplyDelete
  3. Just SUPERB....
    .
    Keep Writing bro...

    ReplyDelete