જીતવું જરૂરી નથી ? - Guest Post by Bhupendrasinh Raol


જીતવું જરૂરી નથી ? - રાઓલ ભૂપેન્દ્રસિંહ આર



આપણે ટીવીમાં સારેગામા કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે ઇન્ડિયન આઇડોલ જેવા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ જોતા હોઈએ છીએ ત્યારે નોંધ્યું હશે કે કે કોઈ સ્પર્ધક બહાર ફેંકાઈ જાય ત્યારે ત્યાં બેઠેલા જજ કે પધારેલા વિશેષજ્ઞ મહેમાન પેલા રડતા સ્પર્ધકને કહેતા હોય છે કે જીતવું જરૂરી નથી ભાગ લીધો અને આટલે પહોંચ્યા તે મહત્વનું છે. એમ કરીને આશ્વાસન આપતા હોય છે. બહુ વખત પહેલા હું આવો એક નાના બાળકોનો પ્રોગ્રામ જોતો હતો. લીટલ ચેમ્પ કરીને આ પ્રોગ્રામમાં મહેમાન તરીકે સંગીતનો ‘સ’ જાણતા ના હોય એવા એક ફેમસ બાબા પધારેલા. વિરોધાભાસ જુઓ કે જીતવું જરૂરી નથી એવી સુફિયાણી સલાહ આપી પછી એમની વાત કહેતા બોલ્યા કે નાનપણથી વિચારેલું કે એકવાર જીંદગીમાં પ્રથમ આવવું છે. પ્રથમ આવવું મતલબ ક્યાંક ને ક્યાંક તો લડાઈમાં જીતવું છે અને વાનરો તે ૫૦૦ લાખ વરસથી કરી રહ્યા છે. 

નેચરલ સિલેક્શને આપણું બ્રેન જ એવી રીતે બનાવેલું છે કે જ્યારે આપણે પ્રથમ આવીએ ત્યારે ખુશી કે આનંદ ગિફ્ટ રૂપે મળે છે. મતલબ પ્રથમ આવીએ કે કોઈ જીત મેળવીએ કે કોઈના ઉપર હાવી થઇ જઈએ અંગ્રેજીમાં કહું તો ડોમિનન્ટ ફિલ કરીએ ત્યારે બ્રેનમાં સિરોટોનીન નામનું ન્યુરોકેમિકલ સ્ત્રવે છે જે ખુશીની અનુભૂતિ કરાવતું હોય છે. ૧૯૮૦મા આ વાત શોધાઈ વૈજ્ઞાનિકો દ્વારા, જે હજુ સભ્ય સમાજમાં જોઈએ તેવી પ્રચલિત નથી થઈ. ભારતમાં તો માનવી જ મૂશ્કેલ છે.

આ કુદરતી હરીફાઈ કુદરતનું જલદી ન સમજાય તેવું ગરમ ગરમ ધૂમ્મસ છે. એની પાછળનો હેતુ તો સારો જ હશે. હમેશાં સામાજિક આપખુદી social dominance ઈચ્છતા બ્રેનને આપણે કાબુમાં રાખવું એક બહુ મોટી ચેલેન્જ છે. કોઈ ધાર્મિક, અધ્યાત્મિક પ્રવચનો, સલાહ, સૂચનો, ઉપદેશો અહીં કામ લાગતા નથી. અનાસક્ત યોગ અને ગીતાના પ્રવચનો ઠોકી ઠોકી કોઈ મહાત્મા પોતે જ એ લાઈનમાં પ્રથમ બની ધનના ઢગલા પર બેસી જતો હોય છે.


જીતવું જરૂરી નથી, મહત્વાકાંક્ષા સારી નહિ, અહંકાર નહિ સારો, બધા પાપનું મૂળ જ તે છે, વગેરે વગેરે ઉપદેશો આપનારાઓની મહત્વાકાંક્ષા બહુ મોટી હોય છે. આવા ઉપદેશો આપી તેઓ એક જાતનો માર્ગ ચોખ્ખો કરતા હોય છે કે અમને એકલા દોડવા દો, અમારા ઉપદેશ સાંભળી જેટલાં હરીફો ઓછા થઈ જાય તેટલું સારું..
જીતવું જરૂરી નથી ?

એટલે નંબર વન બનવાના કુદરતી આવેગો એ અગવડ ભરેલું સત્ય છે. એને સમજવાથી એક તો વ્યર્થ સંઘર્ષથી દૂર રહી શકાય અને વધુ સારી સિરોટોનીન લાગણી અનુભવી શકાય. લાખો વર્ષથી વારસામાં મળેલી ન્યુરોકેમિસ્ટ્રીને અવગણવાથી કોઈ ફાયદો નથી. 

આપણે બીજી વ્યક્તિમાં આ પ્રથમ બનવાનો કે જીતવાનો કુદરતી આવેગ છે તેની હસી ઉડાવી મજાક કરીશું. પણ આપણે પોતે તો શરીફ હોઈએ નીતિવાન હોઈએ તેમ એ આવેગ આપણામાં છે જ નહિ તેવું માનીશું અથવા એને રેશનલાઈઝ કરીશું. કોઈ વાજબી કારણ ખોળી કાઢીશું. હવે આવું સતત કરવામાં ચીડ ગુસ્સો અને રોષનો જાતે જ ભોગ બની જવાના. બીજી તકલીફ એ થાય કે આ કુદરતી આગ્રહપૂર્વકની ક્રિયાને યોગ્ય રસ્તો ના મળે તો સિરોટોનીન સ્રાવ સાવ ઘટી જવાને કારણે અંદર ને અંદર ગૂંગળાઈ જવાનું થાય. સાથે સાથે નૈતિક રીતે મહાન છીએ તેવું બતાવવા કોઈ પણ કિંમતે સંઘર્ષ ટાળી જબરજસ્તી કરનારને, ગુંડાને(bullies) શરણે થઈ જવાના. એકલદોકલ તો ઠીક ક્યારેક આખો સમાજ આવું કરતો હોય છે. ભારત એનું બહુ મોટું ઉદાહરણ છે. જેટલા પણ આક્રાન્તા આવ્યા ભારત પોતે નૈતિક રીતે અધ્યાત્મિક રીતે મહાન છે, યુદ્ધખોર નથી તેવું બતાવવા સંઘર્ષ ટાળી હમેશાં શરણે થઈ ગયું છે. હજુ કશો ફરક પડ્યો નથી.

શા માટે સામાજિક પ્રભાવ, સત્તા, સત્તાધિકાર મળે ત્યારે બ્રેન સિરોટોનીન આનંદની ભેટ શું કામ આપતું હશે? સસ્તન પ્રાણીઓએ હુમલાખોરથી બચવા ગ્રૂપમાં રહેવાનું શરુ કર્યું. જેથી સાઈડ બાય સાઈડ મજબૂત અને નબળા પ્રાણીઓ સાથે જીવી શકે અને બચી શકે. તેઓએ બ્રેન પણ એવું ઇવોલ્વ કર્યું કે જે બીજા સાથે સતત સરખામણી કર્યા કરે. એમાં લાગે કે કોઈ ફાયદો નથી તો બ્રેનમાં કોર્ટીસોલ નામનાં રસાયણનો સ્રાવ થશે તે દુઃખ આપશે અને વધુ પીડા સહન કરવી એના કરતા પાછા વળો ભાઈ. અનેલાગે કે આપણે મજબૂત સ્થિતિમાં છીએ તો બ્રેનમાં સિરોટોનીન સ્રાવ થઈને આનંદ આપશે જેથી તે આનંદ તરફ પાછો વધુ પ્રયત્ન કરવાનું મન થાય. એનો મતલબ એ નથી કે સતત સંઘર્ષ કરવો. ઉલટાનું સસ્તન પ્રાણીઓ બને એટલો સંઘર્ષ ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. ફક્ત જીત મળે એવું લાગતું હોય ત્યારે જ સંઘર્ષમાં ઉતરતું હોય છે. ક્યારેક ખોરાક કે મેટિંગ ઓપરચ્યુનીટી ભલે ગુમાવવી પડે પણ શારીરિક ઈજા વધુ ખતરનાક નીવડતી હોય છે તો તેનાથી બચો.

આપણે સભ્ય સમાજ સહકાર અને સહાનુભૂતિની વાતો કરીએ છીએ. પ્રાણીઓ એનાથી મજબૂત પ્રાણીને શરણે જાય છે ત્યારે સહકાર કે સહાનુભુતિ નહિ મજબૂરી હોય છે. આપણે ત્યાં મહાવરો છે ભય વિના પ્રીત નહિ. તે અમસ્તો નથી પડ્યો. તમે નબળા હો તો જબરાને શરણે સર્વાઈવ થવા થઈ જવાના  અને એને સહકાર સાથે સદભાવ પણ આપવાના જ છો. છતાં ભય વગરનું પણ એક સામાજિક જોડાણ પણ હોય છે. તેને માટે ઓક્સીટોસીન રસાયણ જવાબદાર છે. પ્રેમ અને વિશ્વાસનું જનક આનંદદાયક આ રસાયણ છે. આનું કડવું સત્ય એ છે કે તે ટોળાની માનસિકતા પેદા કરે છે. તમને હમેશાં ટોળામાં રહેવાનું જ ગમે છે. ટોળા બહાર નીકળો સમૂહ બહાર નીકળો એટલે તરત બ્રેનમાં પીડાદાયક કોર્ટીસોલ સ્રાવ થવાનો. ટોળામાં ઘૂસ્યા એટલે તરત શાંતિ.


આ રસાયણો એટલું બધું ગુડ ફીલિંગ કરાવતા હોય છે કે તમે સતત એને ચાહ્યા કરતા હોવ છો. મતલબ સુખની લાલસા વધતી જાય છે. સતત આનંદ મળે તેવી ઈચ્છા થયા જ કરતી હોય છે પણ તકલીફ એ છે કે આ રસાયણો સતત સ્રાવ થવા ઇવોલ્વ થયેલા જ નથી. એટલે જે જાણીને બેઠા છે બુદ્ધ મહાવીર કે કૃષ્ણ જેવા તેઓ સુખ અને દુખની પાર જવાનું કહેતા હોય છે. આ મહાપુરુષોને બ્રેન કેમેસ્ટ્રીની ખબર નહોતી. આ તો હમણા ૧૯૮૦મા ખબર પડી પણ અનુભવ મોટો શિક્ષક છે. અનુભવથી આ લોકો કહેતા હશે કે તમે સતત સુખ ના મેળવી શકો તેમ સતત દુઃખ પણ ના મેળવી શકો તો પછી એને પાર જાઓ. મહાવીર રાગ/વિરાગ નહિ વીતરાગ કહેતા. બુદ્ધ પ્રેમ અને ઘૃણા થી ઉપર ઉઠી કરુણાની વાતો કરતા તો કૃષ્ણે અનાસક્ત યોગની વાતો કરી. એટલે આપણે સતત સારું સારું અનુભવવા માંગતા હોઈએ છીએ પણ બ્રેન તે માટે ઇવોલ્વ થયેલું નથી. બ્રેન સતત સુખ આપતા રસાયણો છોડી શકે નહિ. અને દરેક માણસ તરફ વિશ્વાસ રાખવો સર્વાઈવલ માટે જોખમી છે. એટલે જ્યારે જ્યારે આપણે સિરોટોનીન અને ઓક્સીટોસીન જેવા રસાયણોને લીધે સારી લાગણી અનુભવીએ છીએ હર્ષ થાય છે તે અનુભવ બ્રેન ભવિષ્ય માટે ગાંઠે બાંધે છે. અને તે રીતે તમે કાયમ પ્રવૃત્ત થવા બ્રેનમાં એક ન્યુરલ રાજમાર્ગ બનાવો છો. ભૂતકાળના અનુભવો ભવિષ્ય માટે કામ લાગતા હોય છે. દાખલા તરીકે તમે નાના બાળક છો અને ઘરમાં કશું તોડ્યું તો તેના બદલે પિતા કે માતા તરફ થી સજા મળી કે ઠપકો મળ્યો. આ એક સામાજિક અસ્વીકાર થયો. બ્રેન તરત કોર્ટીસોલ રસાયણ સ્રાવ કરશે તમે દુઃખી થવાના. એમાંથી તમે શીખવાના કે ઘરમાં કશું તોડવું નહિ. પેઈન એવોઈડ કરો. ઘરમાં તમે માતા કે પિતાને હેલ્પ કરી સારું કામ એમના હિસાબે કર્યું તમને રીવોર્ડ મળશે શાબાશી મળશે, થોડું વહાલ મળશે. કશું મીઠાઈ જેવું ખાવાનું આપશે. એટલે બ્રેન તરત ઓક્સીટોસીન સ્રાવ કરશે પ્રેમ અને વિશ્વાસ વધશે આનંદ આનંદ.. આમ બ્રેનમાં ન્યુરોન્સ કનેક્ટ થઇ એક રાજમાર્ગ બનાવશે. ભવિષ્યમાં આનંદ મેળવવા તે કામ લાગશે. કે ઘરમાં કશું તોડવું નહિ પણ હેલ્પ કરવી.


એનાથી ઊલટું પણ થઈ શકે. તમે તોડફોડ કરો માતાપિતા ઢીલા હોય ગભરાઈ જાય તમારા શરણે થઈ જાય તમારી માંગ ઘટિત કે અઘટિત સ્વીકારી લે બ્રેન સિરોટોનીન સ્રાવ કરશે તમને આનંદ મળશે. તમે ડોમિનન્ટ ફિલ કરશો. ન્યુરોન્સ આ અનુભવ કામ લઈ સર્કીટ બનાવશે ભવિષ્યમાં તમે કશું જોઈતું હશે તો ઘરમાં તોડફોડ કરશો. તકલીફ ત્યારે થશે જ્યારે તમે તમારી માંગ સ્વીકારવા બહાર કોઈ સાથે તોફાન કરશો તો માર પડશે. તે વખતે તમને થશે આ દુનિયાને શું થયું છે? દુનિયા તમારા અનુભવો મુજબ ચાલતી નથી. બહાર ડગલેને પગલે અલગ લોકો અલગ અનુભવ લઈને ફરતા હોય છે. બહાર તમારી તોડફોડને લીધે ઘરમાં જે સહકાર મળતો હતો તે ના મળે. માતા આગળ દાદાગીરી કરી સિરોટોનીન ઓક્સીટોસીન આનંદ મેળવતા હતા તે પત્ની પાસેથી ના મળે. પત્નીના કદાચ પગ દબાવવા પડે તે માટે. તે વખતે લાગે આ સંસાર અસાર છે.


એવું જ માતાપિતાનું પણ હોય છે. પુત્ર આગળ દાદાગીરી ધાકધમકી વાપરી હોય તે પુત્રવધૂ આગળ ના ચાલે ઘરમાંથી નીકળવાનો વખત આવી જાય. પત્ની આગળ જોહુકમી કરી સિરોટોનીન આનંદ મેળવીએ છીએ તે ઓફિસમાં બોસ આગળ ના મેળવાય. ઉલટાનો બોસ આપણને ધમકાવી આનંદ મેળવતો હોય છે. સુખ અર્પતા રસાયણો આપણે હમેશાં નોર્મલ વહ્યા કરે તેમ ઇચ્છતા હોઈએ છીએ પણ તેમ બને નહિ ત્યારે આ દુનિયાને શું થયું છે તેવું થાય છે. આ રસાયણો આપણી સર્વાઈવલ નીડ ને અનુકુળ કશું થાય  ત્યારે જ સ્ત્રવે છે તે આપણને ખબર હોતી નથી. સતત તમે સુખી રહી ના શકો સતત તમે દુઃખી પણ ના રહી શકો. આ ના સમજાય ત્યારે લોકો સંસાર છોડી ભાગી જતા હોય છે પણ કરોડો વર્ષથી ઉત્ક્રાંતિ પામેલું બ્રેન તો સાથે જ લઈ જતા હોય છે એટલે ત્યાં પાછો નવો સંસાર વસાવી લેતા હોય છે.


ફરી પ્રથમ બનવાની હોડ શરુ, ફરીથી જીતવું જરૂરી બની જાય છે.

----------

લેખક  પરિચય
રાઓલ ભૂપેન્દ્રસિંહ આર

વતન માણસા, જીલ્લો ગાંધીનગર. સ્કૂલ સુધી અભ્યાસ વિજાપુરમાં, બીકોમ કર્યું વડોદરા એમ એસ યુનિમાં. પિતાશ્રી વકીલ હતા. વાંચન શોખ વારસામાં એમના તરફથી મળ્યો. થોડા વર્ષ ખેતી પણ કરેલી પછી વડોદરા સ્થાયી. ૨૦૦૫મા ઈમિગ્રેશન ફાઈલ પર અમેરિકા. ૨૦૧૦મા બ્લોગ લખવાનું શરુ કરેલું. બ્લોગ ખુબ પ્રસિદ્ધ થયેલો ને છે. એમાંથી બે પુસ્તકો પણ પબ્લીશ થયા. ૧) કુરુક્ષેત્ર મારા વિચારોનું ૨) માનવમન એક ચક્રવ્યૂહ જેની પ્રસ્તાવના જય વસાવડાએ લખી છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ, સામાજિક અને ધાર્મિક પાખંડો વિરુદ્ધ લખવાનું ચાલુ જ છે.

બ્લોગ- http://raolji.com/    

Share this

2 Responses to "જીતવું જરૂરી નથી ? - Guest Post by Bhupendrasinh Raol"

  1. વાહ, મગજના કોમપઁલિકેશનસનું આટલું સચોટ તારણ..તમે વૈજ્ઞાનિક વિદ્વાન છો સર...!
    દુનિયા તમારા અનુભવો મુજબ ચાલતી નથી. બહાર ડગલેને પગલે અલગ લોકો અલગ અનુભવ લઈને ફરતા હોય છે. આખો ખેલ સમજાય ગયો..it's ok to be measured by your achievements or failures..રસાયણો તો વહેતા જ રહેશે...બસ ડેમ ના બાંધવાની તકેદારી રાખવાની છે.

    ReplyDelete