દિવાળી આવી કે દેવાવાળી - Dhaval Khatsuriya

દિવાળી આવી કે દેવાવાળી -  Dhaval Khatsuriya


ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જ્યાં વિવિધ ધર્મના વિવિધ તહેવારો ઉજવાય છે. માટે અહીંની પ્રજા ઉત્સવપ્રિય રહી છે. તમામ તહેવારો ખુબ જ હોશથી ઉજવાય છે.
એમાંય શ્રાવણ માસથી દિવાળી સુધીમાં અનેક તહેવારો છે. શ્રાવણ માસ પૂરો થાય ત્યાં સુધીમાં રક્ષાબંધન, સાતમ આઠમ, અને અંતમાં ભાદરવી અમાસ (સૌરાષ્ટ્ર માં વિશેષ મહત્વ), પછી ગણપતિ ઉત્સવ ત્યારબાદ શ્રાદ્ધ અને પછી નવરાત્રી. આ બધા તહેવારો પુરા થાય ત્યાં સુધીમાં જ માણસ પોતે એટલો આર્થિક રીતે નિચોવાઇ ગયો હોય કે વધ્યું ઘટ્યું દિવાળીમાં રહે..
અને દિવાળીમાં તો આ બધા તહેવારોમાંથી સૌથી વધુ ખર્ચ થતા હોય, જો કે એક બાજુ એવી પણ છે કે આ બધું ચાલે છે એટલે જ દિવાળી તહેવાર દેખાય છે. દિવાળી હોય એટલે લોકોના ઘર ઝગમગતા હોય. અનેક વસ્તુઓ ઘરમાં નવી આવતી હોય અને અમુક વસ્તુઓ ભંગારમાં જતી હોય. ખુબ બધી ખરીદી કરવાની હોય. બજારોમાં ભીડ હોય..
ખર્ચમાં કોઈ કાપ નહિ.. કપડાંના ખર્ચાઓ, સાજ-શણગારના ખર્ચાઓ, મકાનના સુધારાવધારાના ખર્ચાઓ, બાળકોના ફટાકડાના ખર્ચાઓ, કલરકામ, સુંદર સુંદર ભોજન બનાવવાના ખર્ચાઓ તો કરવાના જ.
આવી કપરી પરિસ્થિતિમાં માણસ જાય ક્યાં.... આવક ઘટે અને ખર્ચ વધે ત્યારે બધું તંત્ર વિખાય જાય છે...  રોજની ૨૦૦-૩૦૦ રૂપિયા ખર્ચ કરતી ગૃહિણીઓ ઓચિંતા રોજના ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા વાપરતી થઇ જાય છે. રોજ સાંજે બજારમાં જવાનું થતું હોય.

એક દિવસ શૂઝ તો એક દિવસ કપડાં... પોતે તો ઠીક પોતાના મકાનને પણ નવુ બનાવી દે છે માણસો...
ઢગલાબંધ ખરીદી અને મુઠ્ઠીભર પગાર.. એમાંય આ વર્ષે દિવાળી અને નવરાત્રી બંને મોટા તહેવારો ઉપરાંત દશેરા અને શરદ પૂનમ બધા ખર્ચાળ તહેવારો બધા જ એક સાથે એક જ અંગ્રેજી મહિના ઓક્ટોબર મહિનામાં જ આવ્યા એટલે એક મહિનાના પગારમાં બધા તહેવાર કેમ કાઢવા એ વિચારે જ પુરુષો મુંજાઇ ગયા છે.
અત્યાર સુધી આ બધા તહેવારો અલગ અલગ અંગ્રેજી મહિનામાં આવતા એટલે બે પગારમાં બધું ગોઠવાઈ જતું...ઘરમાં પિતા પોતાના સંતાનો અને મહિલાઓની ખરીદી થઇ જાય પછી પોતાનું વિચારતો હોય છે પણ આ વર્ષે એ ખાલી વિચારવાનું જ રહી જાય એમ છે છતાં લોકો પોતાની અનુકૂળતા મુજબ દિવાળી ઉજવે જ છે.. અને ઘણા એવું વિચારીને જ માથે દેવું કરે કે દિવાળી પછી દઈ દઈશ.
અને પછી લાગે છે પોતાની દિવાળી આવી કે દેવાવાળી...

Dhaval Khatsuriya
dhaval5790@gmail.com

Share this

0 Comment to "દિવાળી આવી કે દેવાવાળી - Dhaval Khatsuriya"

Post a Comment