Guest Post : હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી


હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી

“હવે જેલના ભજીયામાં પહેલા જેવી મઝા નથી રહી”. 

અમદાવાદમાં રહેતા હશે એમને ખબર હશે કે આરટીઓ પાસે જેલના કેદીઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વિક્રય કેન્દ્ર છે અને ખાસ કરીને ત્યાના ગોટા-ભજીયા ખુબ વખણાય છે. પરંતુ અમે જેલના આ ભજીયાને વખાણ્યા એ એમનાથી ખમી શકાયું નહીં કે ગમેતેમ પણ એમણે ઉપર મુજબ લાગણી વ્યક્ત કરી.
અમે પૂછ્યું: ‘કેમ તમને શું ફેરફાર લાગ્યો?’
‘જે ફેરફાર હોય એ, પણ પહેલા જેવા નથી બનતા એ હકીકત છે’
‘પણ એનું કોઈ કારણ હશે ને?’
‘કારણ તો હોય જ ને, એમાં બનાવનાર કેદીઓ કંઈ આજીવન કેદવાળા થોડા હોય કે એકનો એક હાથ રહે?’
‘પણ તો આટલા વરસોથી બદલાતું જ હશે ને, તોયે ગમે તે સમયે આવો, લાઈન લાગેલી હોય છે’.
‘લાઈન લાગે એટલે ભજીયા સારા એવું થોડું છે, એમ તો મુંબઈની ચાલ સિસ્ટમ છે ત્યાં સંડાસમાંય લાઈન લાગે છે, તે સંડાસ સારું થઇ ગયું?’ વડીલે છેલ્લી કક્ષાની દલીલ કરી.
‘ધારો કે લાઈન એ પ્રમાણ નથી, પણ અમારા જેવાને તો ભજીયા સારા જ લાગે છે’
‘એનું કારણ છે કે તમને સારા શું એ ખબર નથી’
‘તો તમે કહો સારા એટલે કેવા?’
‘એવું વર્ણન ન થાય, તાજમહાલ જોવાનો હોય, એના વર્ણનથી ખબર ન પડે કે તાજમહાલ કેવો છે’
--
 ગાંઠીયા તો અસલ સૌરાષ્ટ્રના જ. ગમે તે ગામમાં જાવ, એકાદો તો અસલ ગાંઠીયા બનાવનાર તમને મળી જ આવે, શું?’
‘એટલે અમદાવાદમાં આટલી જગ્યાએ ગાંઠીયા મળે છે એ બધાં નાપાસ એમ?’
‘એમ જ સમજો, આ તો અટાણે ખાવાની ટેવ પડી એટલે ખાવા પડે છે, શું?’. એમણે ઉપકાર કરતા હોય તેવા ભાવ સાથે કહ્યું.
‘પણ અમદાવાદમાં ગાંઠીયા બનાવનારા અને વેચનારા કાઠીયાવાડથી આવ્યા છે, અને એવું એમની દુકાનમાં લખે પણ છે’
‘ગમે તે હોય, કદાચ ત્યાના ‘બી’ ક્લાસ કારીગરો અહીં એક્સપોર્ટ કરતાં હોય, શું?’
‘પણ એવું તો શું વધારાનું છે ત્યાના ગાંઠીયામાં, અહીં પણ ચણાના લોટમાં બને છે અને સિંગતેલમાં તળે છે. અને કપડા ધોવાનો પાવડર કદાચ બીજો નાખતા હોય એવું બને’ અમે તપાવવાની યથાશક્તિ કોશિશ કરી.
‘અરે, અહી સંભારો, ચટણી કંઈ મઝા નો આવે, શું?’
‘અરે કાચા પપૈયાના છીણમાં મરચું નાખવાનું બીજું શું, એમાં સૌરાષ્ટ્ર હોય કે અમદાવાદ પપૈયા અને એ પણ પાછાં કાચા, એના ટેસ્ટમાં શું ધૂળ ફેર પડે?’
‘તોયે ફેર પડે છે, શું?’
‘શું ફેર પડે છે?’
‘એ તો ત્યાના ગાંઠીયા ખાધા હોય એને ખબર પડે, કોઈએ કહ્યું છે કે ગાંઠીયા એ ચણાના લોટમાં લખેલી કવિતા છે, શું?’
‘સારું ત્યારે તમે કવિ સંમેલન ચલાવો, અમારે કોઈના ગાંઠિયાની નકલ નથી કરવી એટલે જ અમે ફાફડા અને પાપડીની શોધ કરી છે’
--
રોજ અમારી આજુબાજુ કોઈનું કોઈ કચકચ કરતુ મળે છે કે :
‘દિવાળીમાં હવે પહેલા જેવી મઝા નથી રહી’
‘હવે ખાડાના દાલવડા પહેલા જેવા નથી રહ્યા’
‘પુરુષોત્તમભાઈને અમે જે સાંભળ્યા એ તમે સાંભળ્યા જ નથી’
‘આઈસ્ક્રીમ? હવે તો એમાં ખાલી ફીણ આવે છે’
‘કાંકરિયા? ગેટ કરી નાખ્યા પછી પહેલા જેવી મઝા નથી રહી’
‘નવી ફિલ્મોમાં હવે જૂની ફિલ્મો જેવી મઝા નથી રહી. સ્ટોરી જેવું કશું હોતું જ નથી’.
‘વિરાટ કોહલી સારું રમે છે, પણ તેંદુલકર જેવો ગ્રેસ નથી એનામાં’.
--
અત્યારે યુવાનો પેક નુડલ્સ અને બનમાં બટર નાખીને ખાય છે, પણ આ મસ્કા બન કાલની મહાન આઈટમ બની જશે. ભવિષ્યમાં કોઈ એમ પણ કહેશે કે હવે પહેલાના જેવા બન પણ નથી રહ્યા અને પહેલાના જેવા બટર પણ. બધું આર્ટીફીશીયલ છે. ખબર નહીં સંતો, મોટીવેશનલ સ્પીકર્સથી માંડીને કેટલાય લોકો દિવસ રાત જ્ઞાન વહેંચે છે પણ હજુ માણસ કાલ છોડીને આજમાં જીવી નથી શકતો. રાજકોટમાં કેવી ચા મળે છે, એની વાત કરતાં ગળગળો થઈ ગયેલ નવયુવાન અમદાવાદની કટિંગ ચા, કે જેને લોકો હોંશે હોંશે પીવે છે, તેની મઝા નથી લઇ શકતો. આવતીકાલે આજનો યુવાન વડીલ થશે એટલે આજે જે વાતોમાં વડીલોને મઝા નથી આવતી તેવી જ કોઈ વાતને ઘરડો થતા પોતાના બાળકો આગળ મહાન બતાવશે.
--
સંત અધીરેશ્વરની અજ્ઞાનવાણી
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ એને ડેટોલ યાદ આવે તો સમજજો કે એ માણસ  પ્રેક્ટીકલ છે.  

- Adhir Amdavadi


About Writer


Dr. Devanshu Pandit, professor in CEPT university is also known as Adhir Amdavadi. He is currently writing a humour column in Times of India Group Gujarati newspaper Navgujarat samay. The title of his column is Cutting with Adhir Badhir Amdavadi. He started writing when in college, but formally he was invited to write for Mumbai Samachar, Asia's oldest newspaper in 2010, column name "Lat ni lat ane vat ni vat". It continued for five years. He enjoys emense popularity among youth on social media. 

In 2016 he published his first gujarati humour book, Cheeze Dhebra, which has got overwhelming response from Gujarati readers.

Blog www.adhir-amdavadi.com અધીર અમદાવાદીના હાસ્યલેખ ||
e-mail: devanshu@cept.ac.in  devanshupandit@gmail.com (personal)

Share this

0 Comment to "Guest Post : હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી "

Post a Comment