she Recalls ...



 She Recalls

by Farzana Sivani










24/11/2016
Thursday

 અંગદ,

ઘણાં દિવસે આ પત્ર લખી રહી છું ...  આજકાલ કશું જાણે અસર જ નથી કરતું કે પછી જાણે નાની નાની વાતોએ અસર કરે છે !! વાતો, વિચારો અને યાદો ભરડો લે છે અને યાદ આવી જાય છે એ દિવસો જે ભાવનાત્મક રીતે તારી ને મારી માટે સંઘર્ષના દિવસો હતાં... એકબીજાના સાથ અને લાગણીના ભરોસે આપણે જીંદગીનો સૌથી મોટો જુગાર ખેલી નાખ્યો હતો અને આજે જોઇએ તો એ જુગાર આપણે અત્યાર સુધી તો હજુ જીતેલાં જ છીએ ...

યાદ આવે એ દિવસો જ્યારે તું માત્ર એક દોસ્ત હતો અને હું એક અટવાયેલી, મૂંઝાયેલી, દિશાહીન સ્ત્રી !!!  તારા માટે કોઇની આંખોના આંસુ એટલે જાણે મનનો મૂંઝારો !! મને હેરાન થતી , પરેશાન થતી જોઇને અચાનક જ તું દોસ્તમાંથી ખાસ દોસ્ત બની ગયો હતો ... બંનેની લાઇફમાં ખાલી જગ્યાઓની પૂર્તિ અનાયાસે જ આપણે ભરી દીધી હતી, કોઇ કારણ વગર, કોઇ ઇરાદાઓ વગર, કોઇ આશાઓ કે અપેક્ષાઓ વગર, ઝાઝું બધું વિચાર્યાં વગર, દુનિયા-સમાજ-પરિવાર આ બધું ગૌણ બની ગયું હતું જાણે એ સમય દરમિયાન !! એક જ વાત યાદ હતી, યાદ છે, ખુશ રાખવાં છે એકબીજાને, ખુશ રહેવું છે!! કોઇ બંધનો વગર, કોઇ શરતો વગર બસ ફીદા થઇ જવું એક્બીજા માટે આ માત્ર સંજોગ કે નિર્ણય નહીં, તારી ને મારી નિયતિ બની ગઇ હતી અને આપણે બંને એ આપણી નિયતિ સ્વીકારી અને નિયતિએ જે ભાગ ભજવવાં માટે આપ્યાં, આપણે એ ભાગ પુરી ઇમાનદારીથી ભજવ્યાં !!

સહેલું ન્હોતું કશું !! ના તારા માટે ના મારા માટે !! કેમકે એક એવી પરિસ્થિતિ નિર્માઇ હતી કે જેમાં તારે અને મારે સદા માટે એકબીજાના થઇને રહેવાનું હતું કોઇ પણ જાતની સામાજિક સ્વીકૃતિ વગર .. તારે ને મારે સદા માટે એક્બીજાથી દૂર થઇ જવાનું હતું અને છતાં સતત જોડાયેલાં રહેવાનું હતું .. તારે ને મારે સદા માટે આ બધું સ્વીકારી લેવાનું હતું કોઇ પણ જાતની શંકાઓ, ધારણાઓ કે સવાલો વગર !!
 
સવાલ એક્બીજાને બસ એક જ પુછવાનો હતો , " શું મહત્વનું છે આપણા માટે ?? એકબીજાને બધું જ આપી શકીએ અથવા કશું જ ના આપી શકીએ એ કે પછી બંને એકબીજા માટે જે અનુભવીએ છીએ એ ??" અને આ સવાલ એક્બીજાને પુછ્યાં વગર જ આપણે એનો જવાબ આપતાં થઇ ગયાં હતાં, એકબીજાના એકબીજા તરફના વર્તન અને વ્યવ્હારમાં !! એ કદાચ પરાકાષ્ઠા હતી આપણાં એકબીજા પરના ભરોસાની !! અને એ ભરોસો ઉત્તરોતર વધુ ને વધુ મજબુત થયો છે  એનો સદા ગર્વ રહ્યો છે અને રહેશે !!

થોડા દિવસોથી આ બધું અમસ્તાં જ યાદ આવી રહ્યું છે.. એક લાંબો સમયગાળો આપણે સાથે વિતાવ્યો છે હવે એમ કહી શકાય, અને આ સમય દરમિયાન જીવનનાં અને તારા ને મારા સંબંધનાં કેટકેટલાંય ચડાવ-ઉતાર આપણે પસાર કર્યાં... તારી જીંદગી, તારી સમાજીક જવાબદારીઓ, તાર પોતાના સંબંધો અને હું , સાચું કહું તો આ બધાંમાં જો તાલમેલ બેઠો અને આટલાં વર્ષો સુધી સફળતાપુર્વક ટકી રહ્યોં એનો મોટાભાગનો શ્રેય તને જ જાય છે !!
આહ , ના ચીડાતો કે કેમ અત્યારે આ બધું યાદ કરી રહી છું .. બસ અચાનક જ એ ક્ષણો ફરીથી જીવી લેવાનું મન થઇ રહ્યું છે ,,, શું તને પણ આવું થાય છે ક્યારેય ?? થતું હશે, પણ તારી આદત મુજબ તું ચૂપ જ રહેતો હોઇશ ,,, હુહ !!
મને ગમશે આપણો ઈતિહાસ વાંચવો તારા શબ્દોમાં..

શિયાળાની સવારોએ ટૂંકી હોય છે , મોડું થઇ રહ્યું છે ..
ચલ , આવી હમણાં..
તારી સનાની યાદ !!


24/11/2016
"With Love, from Me."
by Farzana Sivani
farzanasivaniblogpost@gmial.com

Share this

0 Comment to "she Recalls ..."

Post a Comment