ઉત્સવ

ઉત્સવ
~હાર્દિક વ્યાસ


ઉત્સવનું વાતાવરણ છે. દીવાળીની રાત છે. શહેરનાં રસ્તાઓ અને ગલીઓ રોશનીથી ઝળહળે છે. ઘરોની દિવાલો, કાંગરાઓ અને ગોખલાઓમાં દીવડાઓ ઝગમગ થાય છે. ઘરોને પ્રકાશથી નવડાવ્યા હોય એવું પ્રતીત થાય છે. ચારેય બાજુથી ફટાકડાં ફૂટવાનાં અવાજો આવે છે. સૌનાં આંગણામાં સૌ આવડે એવી રંગોળી બનાવવામાં લાગ્યા છે. શહેર જાણે રોશનીમાં ઝબોળાઈને નીતરતું હોય એવું લાગે છે.

શહેરનાં મોટા ચોક પાસે આવેલી પીરબાબાની દરગાહ પાસે ફૂટપાથ પર એક કુટુંબ રહે છે. ધનજી, એની પત્ની રાજી, છ-સાત વરસનો દીકરો જીવો(જીવલો) અને પાંચ-છ વરસની દીકરી લખમી.

ધનજી છૂટક મજૂરી કામ કરીને કમાય છે. રાજીએ ચારેક ઘરનાં ઘરકામ બાંધ્યા છે. લખમી રાજી સાથે જાય અને જીવો ધનજી સાથે. બન્ને પોતાની 'કરીઅર' બને એ માટે શક્ય એટલી મહેનત અને ઈમાનદારીથી મા-બાપનાં કામ શીખે છે.

રાજીને ઊભડક પગે બેસીને કાંઈક કરતી જોઈને ધનજી બોલ્યો, " ઓ ય... હું કરેસ? (મતલબ - શું કરે છે?)". રાજીએ જવાબ આપ્યો,
" મારા એક શેઠાણી કે'તા 'તા કે દીવાળીની રાય્તે રંગોળી પૂરીયે તો ઘરે લખમી આવે."

"આ એક તો સે.. હવે કેટલી લખમી ઝોવે સે તારે!!"

રાજી થોડીક શરમાઈ ગઈ..

"ઈ લખમી નય.."
પછી જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો ઘસીને બોલી, "આ લખમી.."

"આવશે ઈ યે આવવાની હશ્યે ત્યારે.." ધનજી સ્હેજ અચકાઈને બોલ્યો.
.
જીવો અને લખમી રમતા 'તા.. ત્યાં એક રોકેટ ઉડ્યુ.. ફટ્ટ્ટ્ટ.. અને આકાશમાં તારામંડળ ફેલાઈ ગયું..

નગર શેઠનાં દીકરાઓએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી હતી.. મોટા ચોકથી થોડે દૂર એક મેદાનમાં નગર શેઠનાં દીકરાઓ ફટાકડા ફોડતાં ત્યારે શહેરનાં ઘણા બાળકો-વડીલો એ જોવાનો આનંદ લેતાં.. જીવો અને લખમી પણ અત્યારે એનો જ આનંદ લઈ રહ્યા હતાં. એમને એમ જ થતું કે પોતે આનંદ લઈ શકે એટલા માટે જ એ લોકો ત્યાં મેદાનમાં આતશબાજી કરતાં.. અને એ લોકો આતશબાજીની સાથે જ ઉછળી ઉછળીને બૂમ-બરાડા પાડતાં.. પોતે ફોડ્યા હોય એટલો જ આનંદ ફટાકડા જોઈને લેતાં..

અચાનક જીવાની નજર સામેની મીઠાઈની દુકાન પર ગઈ અને એ બોલ્યો, "લખમી.. પેંડો ખાવો સ?" લખમીએ લોલુપ નજરે ડોકું હલાવી હા પાડી.. જીવો તરત ધનજી પાસે ગયો અને કહ્યુ, "બાપા.. પેંડો ખાવો સ.." ધનજી એ જવાબ આપ્યો, "ભૂખ લાગી હોય તો તારી બા પાંહે ઝઈને શ્યાક રોટલા ખાઈ લે.. પેંડો નો ખવાય.. ઉધરહ થાહે.." છોકરાઓને તગેડી મૂક્યા ધનજીએ.. એને ય ઈચ્છા તો હોય જ પણ ખવડાવે કેવી રીતે.. પૈસા ક્યાં? એ ય વિચારતો 'તો કાંઈક મેળ પડે તો મીઠું મોઢું કરાવું બધાય ને..

થોડા દૂર જઈને લખમી બોલી, "ભાઈ.. હું 'ને બા કામ કરવા ઝાઈ ને ન્યા એક શેઠની સોકરી મારી બેન પણી થય ગય સે.. ઈ કે'તી તી કે અમારે ક્રિસમસમાં જે ઝોતુ હોય ઈ લખીને મોજામાં મૂકી દેવાનું હવારે ન્યા ઈ વસ્તુ પડી હોય.. આપડે પેંડો મોજામાં તો નો મૂકાય એટલે મોઢેથી ગણપત દાદાને કયી દયી.. ઈ દેશે પેંડા.."

અને ખબર નહિ શું સૂઝ્યું કે બન્ને બાજુની એક બિલ્ડિંગ પાસે પહોંચ્યા અને ટાંકીનાં વધારાનાં પાણીનાં નિકાલ માટે રાખેલી પાઈપ પાસે જઈને એમાં મોં રાખીને બોલ્યા.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.."

અને એક બહુ મોટું કામ પત્યુ હોય એમ ખુશ થઈને બન્ને કૂદતાં કૂદતાં ચાલ્યા ગયા. "ગણપતિ દાદા પેંડા આપશે"ની આશામાં..

     *     *     *     *     *     *

Image courtesy : Farzana Sivani


ઉત્સવ એટલે?
ભારત ઉત્સવ પ્રધાન દેશ કહેવાય છે. નાના હતાં ત્યારે ઉત્સવ વિષયે નિબંધ લખતાં.. ઉત્સવોનાં પ્રકારો, મારો પ્રિય ઉત્સવ અને એની વિશેષતાઓ અને વગેરે વગેરે. પણ હકીકતમાં ઉત્સવ એ કોઈ ખાસ દિવસ કે સમય નથી. એ આપણી માનસિક અવસ્થા છે.

ઉત્સવ એટલે ઊરમાં ઉત્સાહ-ઉમંગ ઉછળતો હોય.. હૈયે હરખની હેલી હિલોળા લેતી હોય.. મનની માલીકોર મેળા ભરાતા હોય, મીઠડા મંગલગીત મંડાતા હોય.. આંખમાં કસુંબાની મસ્તી હોય પણ ઊંઘ ન હોય.. બધું રંગીન ભાસતું હોય.. રજે રજ રાસલીલામાં રત્ હોય એવું લાગતું હોય..

હોળી હોય કે દીવાળી, ઈદ હોય કે નાતાલ, નવરાત્રિ હોય કે સાતમ-આઠમનો મેળો કે પછી કોઈ પણ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ઘર-ઘરનો મેળાવડો હોય, યારો-દોસ્તોની મહેફિલ હોય કે પછી જલસો હોય.. જ્યાં માણસ માણસને કોઈ પણ રીતે (મન, કર્મ અથવા વચનથી) મળતો હોય.. અને એ મિલન આનંદદાયી હોય.. એ તમામ ઘટના ઉત્સવ છે.

ઉત્સવ એ સર્વત્ર ખુશહાલીનું પ્રતીક છે.. આનંદની અભિવ્યક્તિ છે.

     *     *     *     *     *     *

ઉત્સવ હતો, દીવાળીનો, પણ ભાલચંદ્રભાઈને રજા નહોતી. લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન માટે અૉફિસે જવાનું હતું. પાછલાં મહિનાનો પગાર આખ્ખો વપરાઈ ગયો હતો. બોનસ હજી મળ્યું નહોતું. મળવાની શક્યતાઓ પણ નહોતી. એકની એક દીકરી આસ્થા માટે એક ફ્રોક અને નામ પૂરતી મિઠાઈ સિવાય કોઈ ખરીદી નહોતી થઈ. શેઠને ધંધામાં ખોટ ગઈ હતી એટલે બોનસ મળવાની શક્યતા નહોતી. ચોપડા પૂજન માટે અૉફિસ ગયા ત્યારે આસ્થા પણ સાથે આવી હતી. પૂજા પૂરી થઈ ગઈ. બધા એકબીજાને તહેવારોની શુભેચ્છા આપીને છૂટા પડતા હતાં ત્યાં એક આશ્ચર્યજનક જાહેરાત કરતાં શેઠ બોલ્યા, "આપણને મુંબઈની એક મોટી કંપનીનું કામ મળ્યું છે. એની ખુશીમાં બોનસ પેટે એક પગાર અને મીઠાઈ કૅશીયર પાસેથી લઈને જજો." ખુશ ખુશાલ થઈને બધા છૂટા પડ્યા.

ઘરેથી નીકળતી વખતે બા એ કહ્યું હતું કે બોનસ મળે તો ઠાકોરજીને ચઢાવો અને મીઠાઈ ધરાવજે એ ભાલચંદ્રભાઈને યાદ આવ્યું. એ પ્રમાણે હવે પછીનો કાર્યક્રમ મનમાં એ ગોઠવતાં હતાં. ત્યાં આસ્થાએ પૂછ્યું,

"આ સીડી ક્યાંની છે પપ્પા?"

"એ અગાશીમાં જાય છે બેટા."

"હું ત્યાં જોવા જાઉં?"

પોતે પણ ઘણા સમયથી અગાશીમાં નહોતા ગયા.. વિચાર્યું એક આંટો મારી લઉં.

"હા, ચાલ હું પણ આવું છું."

અગાશીમાં જતાં જ ધ્યાન ગયું.. ટાંકીમાંથી વધારાનાં પાણીનાં નિકાલ માટેનો પાઈપ દિવાલ પાસેથી ખૂલી ગયો છે. જોવા માટે એ ત્યાં ગયા. પાઈપ માંથી કાંઈક અવાજ આવતો હતો. કાન લગાવીને સાંભળ્યું.. તો સંભળાયું.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.." તરત જ નીચે જોયું એમણે.. બે બાળકો પાઈપમાં કાંઈક બોલતાં હતાં.. ખબર નહિં એમને શું થયું.. દીકરીને તેડીને દોટ મૂકી.. ઝડપથી પગથિયા ઉતરી ગયા.. બન્ને બાળકો કૂદતાં કૂદતાં પીરબાબાની દરગાહ પાસે પહોંચીને ફટાકડા જોવા લાગી ગયા હતાં.. એમને શું સૂઝ્યું કે તરત મીઠાઈની દુકાને જઈને ઘર માટે મીઠાઈ ખરીદી. સાથે બે પેકેટ મીઠાઈનાં ચઢાવા માટે લીધા.


પછી ત્યાંથી પીરબાબાની દરગાહ પાસે જઈને ધનજી, રાજી અને બાળકોને એક પેકેટ મીઠાઈ આપી.. ધનજીનાં ચહેરા પર ગદ્ગદ્ થયાનાં ભાવ, રાજીનાં ચહેરા પર મૌગ્ધ્ય અને આશ્ચર્ય નાં ભાવ અને બાળકોનાં ચહેરા પર નિર્ભેળ આનંદ જોઈને મનમાં આનંદ ઉછળતો હતો. એ આનંદનાં બે ટીપાં આંખમાંથી પણ વહી નીકળ્યાં. મેદાનમાં નગરશેઠનાં દીકરાઓ હજી આતશબાજી કરી રહ્યા હતાં. બાળકો મીઠાઈ ખાતાં ખાતાં એ આતશબાજી કૂદી કૂદીને માણી રહ્યા હતાં.. બધે જ ઉત્સવ છવાઈ રહ્યો હતો..



"હાર્દ" Remembers :

"જો આપણે એમાં ભાગ લઈને એને માણી નથી શકતા અને માત્ર જોઈને જ ખુશ થઈએ છીએ, તો એ આપણા માટે ઉત્સવ નથી... માત્ર મનોરંજન છે."

~ શાહબુદ્દીન રાઠોડ સાહેબ




હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 30/11/2016
e-mail id : haardhits@gmail.com




Share this

6 Responses to "ઉત્સવ"