Guest Post - સ્વજન સરખી ટ્રેન by Ankit Desai



સ્વજન સરખી ટ્રેન
by Ankit Desai


બાલ્કી સા’બની લેટેસ્ટ રીલિઝ ‘કી એન્ડ કા’માં અર્જુન કપુરને ટ્રેન બહુ પસંદ હોય છે. એક ડાયલોગમાં એ કરીનાને કહે છે, ‘મૂઝે ટ્રેન બહોત પસંદ હૈ…’ અને પછી કરીના સાથે એ સેટલ થાય ત્યારે પોતાના આખા ઘરમાં ટ્રેનમાં કે રેલવે સ્ટેશનો પર હોય એવું ઈન્ટિરિયર કરાવે. કેટલાક લોકોને આ બાબત અસ્વાસ્તવિક લાગી શકે, પણ ટ્રેન પ્રત્યેનો લગાવ એટલે શું? એની તો એને જ ખબર હોય, જે ટ્રેનમાં ડેઈલી અપડાઉન કરતા હોય કે દિવસના અમુક કલાક ટ્રેનમાં પસાર કરતા હોય!

એ ફિલ્મ જોયેલી ત્યારથી ટ્રેન પ્રત્યેના વળગણ વિશે લખવાની મને ઈચ્છા હતી, કારણ કે ટ્રેન સાથેનો મારો સંબંધ હવે એક દાયકાનો થવાનો એટલે સ્વાભાવિક ટ્રેન સાથે મને ભાવનાત્મક લગાવ હોવાનો. પરંતુ એક યા અન્ય કારણોસર લખી શકાયું નહીં અને પછી વાત સમૂળગી ભૂલી ગયો. ટ્રેન સાથે નાતો બંધાયેલો છેક 2007માં… ગ્રેજ્યુએશન કર્યું તો ટ્રેનમાં ચાર વર્ષ વાપી ટુ વલસાડનું અપડાઉન કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સુરત ભણવાનું થયું તો દર વિકેન્ડમાં ઘરે જવા કે ઉઘડતા અઠવાડિયે ઘરેથી સુરત આવવા ટ્રેનનો સહારો લીધો અને 2013થી પત્રકાર તરીકે નોકરી શરૂ કરી તો આજ દિન સુધી ટ્રેનમાં ડેઈલી વાપી ટુ સુરતનું અપડાઉન.

કોઈ કહેશે એવા તો હજારો લોકો હશે, જે દાયકાઓથી ટ્રેનોમાં અપડાઉન કરે છે, એમાં લગાવ શેનો થઈ જાય? પરંતુ મેં ટ્રેન સાથેના મારા સંબંધને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોયો છે. એવાઓને હું પૂછીશ, જો ઘર વહાલું હોય તો ટ્રેમ કેમ નહીં? આખરે એમાં પસાર કરેલા કલાકોનો સરવાળો કરવા બેસીએ તો ખ્યાલ આવે કે, અત્યાર સુધીના જીવનના ત્રણ-ચાર મહિના જેટલો સમય તો ટ્રેનમાં જ પસાર થયો છે! અને એ કારણે જ કદાચ ટ્રેન જેવી ટ્રેન મને કોઈ સ્વજન જેવી લાગી છે.

ટ્રેનમાં મેં કેટલા પુસ્તકો વાંચ્યા હશે એનો મારી પાસે હિસાબ નથી. કૉલેજ ટાઈમથી મારી બેગમાં એકથી વધુ પુસ્તકો રહે અને વજન વધી જવા છતાં પુસ્તકો સાથે રાખવાનું કારણ એ જ કે, ટ્રેનમાં સમય મળશે તો વાંચી શકાશે! ટ્રેનમાં મેં જેટલી વિવિધતાના પુસ્તકો વાંચ્યા છે એટલી વિવિધતા વાંચવાની પદ્ધતિઓની બાબતે પણ રહી છે. ક્યારેક જગ્યા મળી ગઈ હોય તો રજવાડી ઠાઠથી હાથમાં ચ્હાનો કપ લઈને બારીએ બેઠાં બેઠાં તો વાંચ્યું જ છે, પણ સીટની ઉપરના પાટિયે, જ્યાં ટૂંટિયું વાળીને બેસવાના પણ ઠેકાણા નહીં હોય ત્યાંય વાંચ્યું છે. હકડેઠઠ ભીડમાં ઊભા ઊભા પણ વાંચ્યું છે અને ક્યારેક દરવાજે બેસીને પણ વાંચ્યું છે. ટ્રેનની યાત્રાઓએ મને વિચારોની યાત્રાઓની યાત્રા પણ બક્ષી છે, જે વિચારો ભીડ અને ગરમીમાંથી કોઇક બીજી જગ્યાએ લઈ જઈને કપરી વાસ્તવિક્તાથી મને અળગો કરીને સુખ આપે છે. 



ટ્રેનમાં હોઉં ત્યારે મોટેભાગે મેં જીવનના સારા-નરસા સમાચારો સાંભળ્યાં છે અને મારી ખુશી કે દુઃખ ટ્રેનમાં વહ્યાં છે, વ્યક્ત થયાં છે. જીવનની સૌથી પ્રિય વ્યક્તિ એવી મારી બા(દાદી)ના અવસાનના સમાચારનો ફોન આવેલો ત્યારે હું ટ્રેનમાં હતો અને આંખોમાં આંસુ સાથે બારીના સળિયે માથું ઢાળી દીધેલું. સળિયાની નક્કરતામાં પણ એ વખતે બાના હાથની મુલાયમતા અનુભવાયેલી, જે હાથ પછી ક્યારેય માથે ફરવાનો નહોતો! મારાથીય પાંચેક વર્ષ નાના કઝિનનું અકસ્માતમાં મોત થયેલું એના સમાચાર પણ ટ્રેનમાં મળેલા, જે મુસાફરી દરમિયાન હું ભીડમાં ઊભો હતો અને સમાચાર સાંભળતા જ ફસડાઈ પડેલો. ભીડમાંના લોકોએ મને ઊભો કરીને પાણી આપેલું. એ અજાણ્યા ચહેરા સ્વજનો નહીં કહી શકાય?

ટ્રેનની નિયમિત મુસાફરીએ જો મને સૌથી મહત્ત્વની ત્રણ બાબતો શીખવી હોય તો એ કે, આપણા મૂળિયાં છોડવા પણ નહીં અને ભૂલવા પણ નહીં! બીજી વાત એ કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આશા નહીં ખોવી અને નિરાશ નહીં થવું. અને ત્રીજી વાત એ કે, સંજોગોની સામે હંમેશાં લડતા રહેવું. છેલ્લા નવ વર્ષથી હું ટ્રેનમાં રોજ એવા ચહેરા- એવી આંખોથી રૂબરૂ થાઉં છું, જે ચહેરાઓ કાળી મજૂરી કે તોતિંગ મુશ્કેલીઓ સામે લડીને કાળા, નિસ્તેજ કે કરચલી વાળા જરૂર થયાં હશે, પણ એ આંખોની ખુમારી, એની અંદરની આશા હંમેશાં અકબંધ રહી છે. એક બે ઉદાહરણો આપું તો ટ્રેનમાં મેં એવા લોકોને જોયા છે, જેઓ ચાર-પાંચ હજાર રુપરડીની કમાણી માટે સીત્તેર-એંસી-સો કિલોમીટરની મુસાફરી કરે છે. ઘર ચલાવવાનું તો ઠીક રાસન-પાણી પણ જેમતેમ અપાવી શકતી એ કમાણી માટે તેઓ માત્ર ઉપરી કર્મચારીની ગાળો, નાનાં-મોટા અપમાનો કે કમરતોડ મજૂરી જ નથી કરતા પરંતુ ટ્રેનની રોજની ભીડ, યાતનાઓ, અન્ય મુસાફરો સાથે નાની-મોટી તકરારો પણ વેઠે છે. પરંતુ એ આંખોને મેં જીવન પ્રત્યે ફરિયાદ કરતી નથી જોઈ. એ તેજસ્વી આંખો હંમેશાં એમની મસ્તીમાં રહી છે અને આવતી કાલની પરવા કર્યા વિના જીવતી રહી છે.

એમને જોઉં ત્યારે મને હંમેશાં વિચાર આવે કે, જે લોકો દિવસમાં છાપું પણ ઠીકથી નથી વાંચતા એ લોકોની આશા કેમ આટલી જીવંત છે અને એવા કારણો હશે, જે કારણો એમનો જીવનરસ ક્યારેય સુકાવા નથી દેતાં? બીજી તરફ આપણે એમના કરતા બહેતર સગવડો યુક્ત જીવન જીવીએ છીએ, છતાં નાની નાની વાતોએ ફિલોસોફી અને પ્રેરણાત્મક વાંચનના સ્ટીરોઈડ્સ લેવા પડે છે! તો અભાગીયા કોણ આપણે કે એ લોકો?

ટ્રેન જ્યારે આગળ વધતી હોય ત્યારે એના ડબ્બાની અંદર જેટલી વાર્તાઓ હોય એટલી જ વાર્તાઓ ડબ્બાની આજુબાજુ પથરાયેલા વિસ્તારોમાં ધબકતી હોય છે. વિવિધ શહેરોમાંથી પસાર થતી વખતે આજુબાજુ પથરાયેલી ઝૂંપડપટ્ટીઓમાં વસતા, પટરીની આસપાસ જીવતા એ લોકો કોણ જાણે કેટલીય વાર્તાઓ પોતાની અંદર ધરબીને બેઠાં હશે? સુરતથી શરૂ થતી ટ્રેન છેક ઉઘના સુધી ધીમી ગતિએ પસાર થાય અને એ દરમિયાન ડબ્બાની બહાર પથરાયેલું જીવન જોવા મળે ત્યારે દિલ પર અનેક ડામ પડે. એમ થાય બહારથી આ જીવન આટલું કદરૂપું છે તો હજુ થોડાં અંદર ઉતરીશું તો કોણ જાણે કેટલીય ગેબી વાતો જાણવા મળશે?

પટરીને લગોલગ રમતાં કે મોઢાંમાં કોઈકનો ત્યાજેલો ખોરાક મૂકતા નગ્ન બાળકોને જોઉં ત્યારે હંમેશાં એક જ પ્રશ્ન થયો છે મને કે, કોની નાગાઈ વધુ ભયાનક? આ બાળકોની કે ખોરાક, આરોગ્ય, રહેઠાણ કે શિક્ષણ જેવા એમના પ્રાથમિક હકો પર તરાપ મારી બેઠેલાં મૂડીવાદીઓની, રીઢા સત્તાધિશોની કે સમાનતા અને સમાજવાદની વાતો કરતા આપણા બધાની? સત્તાધિશો જ્યારે જ્યારે એમના ભાષણોમાં ‘મેરે દેશ કે એકસો પચીસ કરોડ નાગરિકો…’નો વારંવાર ઉલ્લે કરે છે ત્યારે દેશભરમાં રેલવેની પટરીની આજુબાજુ પથરાયેલા લોકોનો એમાં સમાવેશ થતો હશે ખરો? એ રીતે જોવા જઈએ ટ્રેને મને બેચેનીની પણ ભેટ આપી છે, જે બેચેનીમાંથી પલાયન સાધવા સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.

પટરી પરના આવા જ એક જીવન સાથે મારે થોડા દિવસો પહેલા સીધો સામનો થયેલો. આ જન્માષ્ટમીની આગલી સાંજે ભીડને કારણે હું ટ્રેનના દરવાજે બેઠો. મને એ વાતનો ખ્યાલ હતો કે, ટ્રેન સુરતથી ઉઘના સુધી ધીમી ચાલે છે અને એ દરમિયાન પટરીની બંને તરફ ઊભેલા ગરીબ યુવાનો એમનો હાથ સાફ કરતા હોય છે. ટ્રેન ચાલતી હોય ત્યારે પટરીની બંને તરફ ઊભેલા યુવાનો દૂરથી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે, દરવાજે બેઠેલા માણસના હાથમાં મોબાઈલ છે કે નહીં? અને જો મોબાઈલ હોય તો જેવો ડબ્બો પોતાની નજીક આવે કે, હાથમાં રાખેલી લાકડી દરવાજે બેઠેલા મુસાફરના હાથ પર ફટકારે અને જો એમનું નસીબ સારું હોય તો ગભરાયેલા મુસાફરના હાથમાંનો મોબાઈલ છટકીને નીચે પડે, જેને ટ્રેન પસાર થઈ જાય પછી તેઓ ઉંચકી લે અને ચોરબજારમાં જઈને વેચી આવે!

ટ્રેનની બારીએ બેઠાં બેઠાં મેં પોતે આવા અનેક કિસ્સા જોયાં છે અને ઘણી વાર દરવાજે બેઠેલા માણસોને ચેતવ્યા પણ છે. સાતમના દિવસે ટ્રેન ધીમી હતી એ સમયે મારા પર એક ફોન આવ્યો અને ફોનની અગત્યતા જોઈને મેં ફોન રિસીવ કર્યો. હજુ થોડી જ વાત થઈ હશે ત્યાં મારા હાથ પર જ બહારથી ફટકો પડ્યો અને મારો સ્માર્ટફોન ધબ દઈને નીચે પડ્યો અને હું મૂર્ખની જેમ પટરી પરનો મારો ફોન, ફટકો મારનારા પેલા ચહેરાઓને જોતો રહ્યો! લગભગ બેએક સેકન્ડ મને ગુસ્સો આવ્યો હશે, ત્યાં ફરી મનમાં એ જ સવાલ ઉઠ્યો કે, જેણે લાકડી ફટકારી એના પેટ પર કુદરત રોજ કેવી મોટી લાકડી ફટકારતો રહેતો હશે કે એણે પેટ ભરવા છેક આવું કામ કરવા પડતું હશે? કોણ જાણે કેમ ત્રીજી સેકન્ડે મારો ગુસ્સો ઓગળી ગયો અને પટરીની આસપાસ વસતા એ લોકો પ્રત્યેની મારી સહાનુભૂતિ અકબંધ રહી. ઈશ્વરની મહેરબાની કે એણે મને આ મતિ સૂઝાડી નહીંતર હુંય બધાની જેમ એ અભાગીયાઓને ચોર, લૂંટારા, કમજાત, ભીખારી અને કોણ જાણે કેટલીય ગાળોથી નવાજતે અને મને એમના પ્રત્યે હંમેશાં નાહકની ઘૃણા રહેતે!

ટ્રેને મને અનેક સંબંધોની ભેટ પણ આપી છે, જે સંબંધોની લાક્ષણિકતા સામાન્ય સંબંધો કરતા ઘણી વિશિષ્ટ છે! એવા કેટલાય સંબંધો છે જેમાં વ્યક્તિનું નામ પણ નહીં જાણતા હોઈએ, પણ એમને રોજની એક સ્માઈલ નિયમિત આપવાનું બને છે. એવા કેટલાય સંબંધો છે, જેઓ આગલા સ્ટેશનથી મારે માટે જગ્યા લઈને આવે છે, તો કેટલાક સંબંધો માટે હું જગ્યા રોકું છું. આવા સંબંધોનું નામ અને શહેર કે એનું કામ કદાચ જાણતા હોઈએ, પણ એ સિવાય એના ભાગ્ય કે એના જીવન વિશે કશું જ ખબર નથી હોતું. ગતંવ્ય સ્ટેશને ઉતરી જવાની સાથે એ સંબંધ સાથેનો નાતો બીજા દિવસની સવાર સુધી સ્થગિત થઈ જાય છે, જે બીજા દિવસે ફરી અડધા કલાક કે કલાક માટે ધબકે અને ફરી નવી સવાર સુધી સ્થગિત થઈ જાય!

ક્યારેક એવુંય બને છે કે, જે ચહેરાઓ સાથે સ્માઈલ કે જગ્યા રોકવાનો સંબંધ હતો એ ચહેરા કોઈક દિવસે સાંજની ટ્રેન પકડવાની ઉતાવળમાં ક્યાંક અકસ્માતમાં અવસાન પામે અને સવારે જીવતો નીકળેલો માણસ સાંજે મડદું થઈને ઘરે પહોંચે! એટલે જ જે ટ્રેન અમારા માટે લાઈફલાઈન છે એ ટ્રેન અમારી લાઈફ છીનવી પણ શકે છે એ વાતના અહેસાસ સાથે મારા જેવા કેટલાય ચહેરા અપડાઉન કરતા રહે છે.

આ ઉપરાંત ટ્રેનને ચાહવાના, એની સાથેની મારી આત્મીયતાના અનેક ઉદાહરણો આપી શકું છું, પરંતુ લેખની લંબાઈ જોતા તમારા પર ત્રાસ ગુજારવાની ઈચ્છા નથી. પણ કનક્લુઝન રૂપે જો કંઈ કહેવું હોય તો એટલું જરૂર કહી શકાય કે, ગયા જન્મમાં હું જરૂર ટ્રેનમાં બેસવાનો રહી ગયો હોઈશ અને ટ્રેનમાં બેસવા ખૂબ ઝૂર્યો હોઈશ. તો જ આ જન્મે નિયતિએ ટ્રેન સાથે એક દાયકાનો સંબંધ જોડી આપ્યો. આ નાતો એટલો ઉત્કટ છે કે, ત્રણેક વર્ષ પહેલા નવા ઘરમાં શિફ્ટ થયો તો એ ઘરના ત્રણ રૂમની બારીઓ રેલની પટરીઓ સામે પડે છે, જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે ઘરે આવતા અનેક મહેમાનોએ ફરિયાદ કરી છે કે, ‘યાર આટલો બધો ઘોંઘાટ સહન કઈ રીતે કરો છો?’

જોકે એ મહેમાનોને મેં ક્યારેય નથી કહ્યું કે, આ બારીઓને લગોલગ બેસવા માટે મેં આરસની પાયરી એટલે કરાવી છે કે, સવારની પહેલી ચ્હા કે રવિવારની સાંજની નિરાંતની ચ્હા આ પાયરી પર બેસીને પી શકાય અને સામેથી પસાર થતી ટ્રેનને માણી શકાય. સાચું કહું છું, ટ્રેનનો અવાજ મને હંમેશાં રહેમાનના સંગીત જેવો પોતીકો લાગ્યો છે…!
- Ankit Desai

--------------

અંકિત દેસાઈ વિશે એમના જ શબ્દો માં - 

હું માણસ છું એ મારી સૌથી પહેલી ઓળખાણ. પરંતુ જન્મ પછી સૌથી પહેલા મને ‘દેસાઈ’નું લેબલ લાગ્યું અને પછી અગિયારમાં દિવસે ‘અંકિત’ નામ મળ્યું. એટલે ત્યારથી સરકારી ચોપડે, સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં અને ઓળખીતા પાળખીતાઓમાં હું અંકિત દેસાઈ તરીકે ઓળખાઉં છું. જોકે હું અંકિત દેસાઈ નથી જ, આ તો બીજાઓ દ્વારા મને પૂછ્યાં વિના અપાયેલી મારી ઓળખ છે. બાકી હું કોણ છું એની શોધ હજુ ચાલું જ છે. પત્રકારત્વમાં મને પહેલાથી જ ઘણો રસ હતો એટલે મેં માસકોમ્યુનિકેશન કર્યું અને સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ગાર્ડિયન’માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી અને હવે 'khabarchhe.com'માં એક્ઝિક્યુટિવ એડિટરની જવાબદારીઓ નિભાવું છું. મૂળે આપણે મળતાવડા સ્વભાવના પરંતુ સતત લોકોની સાથે હરતાં ફરતાં રહેવું પણ આપણને પસંદ નથી. દિવસમાં થોડાં કપ ચ્હા અને ગમતા પુસ્તકો મળી રહે એટલે બંદા ખુશ, બીજી આ બંદાની બહુ ખ્વાહિશ નથી!

Share this

0 Comment to "Guest Post - સ્વજન સરખી ટ્રેન by Ankit Desai"

Post a Comment