જય હો!

જય હો!



"ज़िन्दगीमें आपका लास्ट परफॉर्मंस इम्पोर्टेन्ट है, पास्ट परफॉर्मंस नहीं।"
 
આ ન્યુયર પર, ભારતના દરેકે દરેકે નાગરિકે જીભ પર કોતરાવી રાખવા જેવું આ વાક્ય છે. ભારતના એટલે લખ્યું જે આપણી બહુ બધી એનર્જી ભૂતકાળની મહાનતાની ગાથાઓ ગાવામાં, સંસ્કૃતિના વગર સમજયે માત્ર ને માત્ર વખાણ કરવામાં, ન હોય એવી વાતોને ટ્વીસ્ટ કરીને ખોટા મહાનતાના મિથ્યાભીમાનમાં જ વેડફાઈ જાય છે. અને પછી વર્તમાનમાં કરવા માટે શુ હોય છે? બાબાજી કા ઠુલ્લુ ! જરા વિચારો, આ મહાન વારસો ક્યારે રચાયો હશે?! એ ભૂતકાળના લોકો ય આપણી જેમ એમના ભૂતકાળના વખાણ કર્યા કરીને વર્તમાનમાં ડફોળોની જેમ બેઠા રહ્યા હોત, તો આપણા પાસે એમની ગાથાઓ હોત? કૃષ્ણ રામાયણ સાંભળીને બેસી રહ્યા હતા? બેસી રહ્યા હોત તો એ કૃષ્ણ હોત?

"जो लोग अपने पास्टमें खो जाते है, वो राजेश खन्ना बनते है, जो लोग अपने लास्ट में खो जाते है, वो अमिताभ बच्चन बन जाते है।"

ચોટદાર વાક્યો અને ઉદાહરણો છે.

કોના છે? કોણે લખેલા છે?
આ એ માણસના વાક્યો છે જેના કારણે આ બ્લોગ રચાયો છે. WeJViansના હૃદયમાં, મધ્યે JV છે. જય વસાવડા.
યસ, જય વસાવડાના આ વાક્યો છે.

આ વાક્યો, જય વસાવડાની એ સ્પીચમાંથી છે, જે સ્પીચ આપ સહુ, જય વસાવડાની નવી યુ ટ્યુબ ચેનલ "Planet JV" પર સાંભળી શકશો. હા, નવી ઑફિશયલ યુ ટ્યુબ ચેનલ. ફાઇનલી, JV એ પોતાની સ્પિચીસ માટે, વિડિયોઝ માટે કેટલાય વાંચકોની વિનંતીઓ ધ્યાનમાં રાખી, કંઈક ઑફિશિયલ ઓનલાઈન શરૂ કર્યું છે. ચિયર્સ. અને એ લોન્ચ થઈ રહ્યું છે, આ બ્લોગ દ્વારા, WeJVians દ્વારા પ્રથમવાર! ડબલ ચિયર્સ! 

મુંબઈના સન્મુખાનંદ હોલ ખાતે 2012માં યોજાયેલા નેશનલ લેવલ સેમીનારમાંની આ સ્પીચ હિન્દીમાં છે. મોટિવેશનલ, ઇન્સ્પાયરિંગ  સ્પીચ છે. હવે, JV કેટલા સારા સ્પીકર છે, એમનાથી કેટલા લોકો ઈંસ્પાયર થયા છે, એ બધું અહીં લખવાની કોઈ જરૂર ખરી!? જરાય નહીં, પણ અહીં એક અલગ વાત રજુ કરવાની જરૂર લાગે છે. અત્યારે મોટિવેશન એક બિઝનેસ છે. કોઈપણ અલેલટપ્પુ, ચંપુ થોડીઘણી સારી માસ કમ્યુનિકેશન સ્કિલ્સથી મોટિવેશનલ સ્પીકર બની શકે છે. સલાહો આપવી એ દુનિયાનું સૌથી સહેલું કામ છે! અને હવે તો એ આપવાના પૈસા મળે છે! તો જય વસાવડા આવા બીજા ઠાલા સ્પીકરોથી અલગ કઈ રીતે છે? વેલ, બે જાતના સ્પીકર્સ હોય છે: એક સંન્યાસ લઈને કૃષ્ણકથા કરનારો બાબો અને બીજા ખુદ કૃષ્ણ! એક બિઝનેસની વાતો કરનારો ફાંકોડી અને બીજો ખુદ તૈયાર થયેલો બિઝનેસમેન! એક માત્ર ખાદીને ફોલો કરતો ફેઈક ગાંધીવાદી અને બીજા ખુદ ગાંધી! એક મોટિવેશનની માત્ર વાતો કરતા સ્પીકર્સ અને બીજા જેમની લાઈફ ખુદ એક મોટિવેશન હોય એવા લોકો! દલપતરામ લખી ગયા:

"પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

જય વસાવડા ઉપર કહ્યા એમાંથી બીજા ગ્રુપમાં આવે છે. એમની માત્ર સ્પીચ ઈંસ્પિરેશનલ નથી. એમની આખી લાઈફ ઈંસ્પિરેશનલ છે! એટલે જ એ માત્ર મોટિવેશનલ સ્પીકર નથી. એ માણસ લાઈફની ચૅલેન્જિસ સામે લડીને ઝઝૂમતો અને જીતતો માણસ છે! અનુભવો ઊંડાણ આપે છે. આ અનુભવે, જિંદગી ધાર પર જીવીને આવેલું ઊંડાણ છે એમનામાં. એટલે એ "ખાલી" મોટિવેશનલ સ્પીકર નથી. "લાઈફ કોચ" છે. સાંબેલું વગાડવાની ક્ષમતા રાખે છે. પોતાની ટર્મ્સ મુજબ જિંદગી જીવવાની હિંમત રાખે છે. એમના વિશે ન વાંચ્યું હોય એમણે જરા ખણખોદ કરીને વાંચવું. અને હવે, ઑફિશિયલ ચેનલ પરની આ સ્પીચમાંથી કેટલાક બાઇટ્સ:

"कहा जाता है कि हस्बैंड इज़ हेड ऑफ़ फेमिली। बट वाइफ़ इज़ नेक, धेट मूव्स ध हेड़।"

"सबसे पहला फ़िमेल साइकोलॉजिस्ट जो था वो था रावणका मामा मारीच।"

"महोब्बतमें जो फंडा लागू होता है, वही मार्केटिंगमें भी लागू होता है।"

"हम (बाज़ारमे) प्रोडक्ट खरीदने नहीं जाते, हम अपने प्रोब्लेम्सका सॉल्यूशन खरीदने जाते है।"

"अगर आपको महोब्बत करनी है तो आपको हिम्मतभी करनी होगी।"

"हमारी सबसे बड़ी प्रॉब्लम है डर...सबसे ज़्यादा लोग (दुनियामें) खटिया पर मरते है, बेड़ पर मरते है। लेकिन रातको हम चैनकी नींद वहीँ पर जाके सोते है...क्योंकि हम डरते नहीं उस वक्त।"

"जवाब तो गूगल के पास भी है, सवाल होना चाहिए अपने पास।"

"हम चाहे 75 लाख़की गाड़ीमें, 1 करोड़की गाड़ीमें, औड़ीमें, BMWमें जाए सेंटरपे, पर हमें अगर रास्ता मालूम नहीं है, तो एक वो फटा हुआ कपडा पहना हुआ, 12 सालका बच्चा कहेगा कि चलो मेरे पीछे चलो, मैं आगे जाके बताता हूं कि हॉल (जगह, सेंटर) कहाँ है... जो जानता है वो आगे चलता है और जो नहीं जानता उसे पीछे चलना पड़ेगा।"


આ બધી બાઇટ્સ ચાખીને આખે આખા થ્રી કોર્સની મજા માણવી હોય તો સાંભળો જ સાંભળો આખી સ્પીચ.
 
છેલ્લે એક વાત કહેવી છે, અહીં સ્પીચમાં JVએ એક વાત કહી છે: "यु केन इंस्पायर योरसेल्फ। क्यों हम अपेक्षा करते है कि कोई आके हमें सपने दिखाए और हम पूरे करे। हम खुद सपना देखे।"

આ જ વાત, હમણાં, સન ફાર્માસ્યુટિકલ્સના MD દિલીપ સંઘવીએ એક મિટિંગમાં કહેલી જ્યારે એક એમ્પ્લોયીએ એમ્પ્લોયી મોટિવેશન પ્રોગ્રામની વાત કહી. એમણે કહ્યું,
"I can not inspire you. You only have to inspire yourself." સન ફાર્મા, ભારતની સૌથી મોટી ફાર્મા કંપની છે.

Great men share thoughts !

અને છેલ્લે, આ રહી લિંક, જય વસાવડાની ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલ, Planet JVની લિંક, WeJVians માટે ન્યુયર ગિફ્ટ:



~ બ્લોગ ટીમ WeJVians

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!~ અંકિત સાદરીયા 

આમ તો બધા શિયાળાના બોવ વખાણ કરતા હોઈ છે. શિયાળો એટલે બેસ્ટ ઋતુ, તાજા શાકભાજી મળે, આરોગ્ય સારું રહે, કસરત કરીને શરીર મજબુત બને વગેરે વગેરે.. પણ સાચું કહું તો શિયાળો સહુથી બકવાસ ઋતુ છે. (શિયાળા પ્રેમી જનતાએ હળવાશથી લેવું)

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

ન્યુ કપલ માટે તો ઠીક છે પણ બાકીનાંઓ તો ૨ કે ૩ ધુસા અને ગોદડા ઓઢે તો પણ રાતે નાં મેળ આવે. સાલી ઠંડી ક્યાં ખૂણેથી ગોદડામાં ઘુસી જાય એ જ નાં સમજાય. કુક્ડું વળીને જેમતેમ કરીને માંડ માંડ ઊંઘ આવે. અધૂરામાં પૂરું રાત પણ સાલી જલ્દી પડી જાય. રાતે આવી ઠંડીમાં એકલા એકલા કરવું શું સાલું ! એમાં પણ ક્યારેક તો એવી ઠંડી પડે કે હાર્ડ ધ્રુજાવી નાખી. ગરમી નો લાગે એટલે પંખા, કુલર એસી વગેરે ઉપાય છે પણ ઠંડી માટે તો સાલું ગોદડા ઓઢવા સીવાય કાય નાં થાય. (તાપણાનું નામ કોને લીધું ? ઊંઘ માં કેમ તાપવું ? )

લોકો કહે છે કે શિયાળામાં કસરત કરવાની મજા આવે, શરીર મજબુત બને. સાવ સાચી વાત કસરત તો ચાલુ થાય અને કસરત કરીએ તો મજા પણ આવે. પણ સાલું કસરત કરવા માટે સવારે ઉઠવું કેમ? ગમે એમ કરો સવારે ઊંઘ જ નાં ખુલે અને કદાચ ઊંઘ ઉડી પણ જાય તો પથારીની બહાર નીકળવાનું મન જ નાં થાય! શિયાળો આવે અને હોંશ હોંશમાં કસરત ચાલુ પણ કરી દઈએ તો પણ એકાદ અઠવાડિયા માં તો બાળમરણ થઇ જ જાય. ઉલટાનું ભૂખ વધુ લાગે અને અડદિયા ખાઈ ખાઈને વજન ડબલ થઇ જાય. અને પાછો દિવસ ટૂંકો ને રાત લાંબી, આખી રાત આળસુ પાંડાની જેમ પથારીમાં પડ્યા રહેવાનું.

તાજા તાજા શાકભાજી આવે એ સાચું પણ ફળો નું શું? ફળમાં શું આવે ? ચણીયા બોર? (જો કે મને ચણીયા બોવ ભાવે હો! ;) ફળોનો રાજા કેરી તો ઉનાળામાં જ આવે ને. એક તો ઠંડી એવી હોઈ આઇસક્રીમ કે ગોલાની ઉનાળા જેવી મોજ નો આવે. ઠંડાપીણા, લીંબુ શરબત તો છોડો અરે છાસ પણ પીવાનું મન નો થાય. કૈક આડુઅવડું ખાવ તો તરત શરદી થઇ જાય. નાકમાંથી લસ્સી નીકળવાનું ચાલુ થઇ જાય અને આખી દુનિયા ગંદી અને ગોબરી લાગવા માંડે. અને ઉધરસ અને કફ થઇ જાય તો તો સાલી દુનિયા જ એક માયાજાળ લાગવા માંડે.

સૌથી ખરાબ પાર્ટ છોકરીઓના કપડા! ઉનાળા અને ચોમાસામાં મસ્ત ફૂલઝરની જેમ સેક્સી કપડામાં આંટા મારતી છોકરીઓ શિયાળો આવતા જ ઢંકાય જાય. નો શોર્ટસ, નો વનપીસ, જીન્સ, જેકેટ અને મફલરમાં આખી બ્યુટી જ ઢંકાય જાય. અને કદાચ એટલે જ શિયાળામાં ઠંડી વધી જતી હશે!


એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર

એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર



"સરના, હું દારૂ શા માટે પીતો થયો ખબર છે? એક મજબૂત માણસે મને કહ્યું હતું કે 'એક એક પેગ, આત્મહત્યાનો એક એક ડોઝ છે. મને એની વાત બહુ ગમી" 1 શરાબનો ગ્લાસ હોઠ પરથી હટાવતા હર્ષે કહ્યું. 

સરના અને હર્ષ દોસ્ત હતા, ઘણાં સમયથી. 

આ એ હર્ષ હતો જેને સરનાએ હંમેશા ખુશ જોયેલો, બીજાને હિંમત આપતો જોયેલો, પોતાની જાતને સંભાળી લેતો જોયેલો. દુઃખી દોસ્તના ખભે હાથ મૂકીને એ કહેતો, "છોડને યાર, જિંદગી બહુ મોટી છે, આજથી 5 વર્ષ પછી તને આ બધું બહુ નાનું 'ને ફાલતુ લાગશે, યાદ કરજે મને...". પણ પોતાનું દુઃખ જરા અલગ હોય છે, દિલમાં ઊંડે ઊતરી જાય છે, પારકા દુઃખ કરતાં એનું મહત્વ વધારે હોય છે, એની ધાર તીક્ષ્ણ અને ભાર કેટલાય કિલોનો હોય છે. 

"શેનું દુઃખ છે હવે!? છૂટા પડી ગયા છો બન્ને! યુ આર ડિવોર્સ્ડ હર્ષ!" સરનાએ કહ્યું. એ બહુ સીધું અને ઓછું બોલતી. 

"દુઃખ નહીં પસ્તાવો છે! પસ્તાવો 2 વર્ષ ખોટા વ્યક્તિ, ખોટા સબંધમાં ખર્ચી નાખવાનો. કેટલીય લાગણીઓ બાળી મૂકવાનો પસ્તાવો છે. તું સાચી હતી સરના, લગ્ન બહુ આર્ટિફિશિયલ ચીજ છે. અને હા, તું પેલું શું કહેતી ? હા, લગ્ન કરવાની હિંમત કરતાં એકલા રહેવાની હિંમત મારામાં વધું છે," એ જરા હસ્યો, પોતાના પર.

સરના જોઈ રહી એને અને કહ્યું, "છોડ હર્ષ , જિંદગી બહુ મોટી છે યાર, હજુ ઘણું જીવવાનું બાકી છે." 

"હમમમમમ..." હર્ષ શરાબમાંથી જરા જરા બહાર નીકળ્યો અને કહ્યું, "અચ્છા છોડ બધું, તું કહે, શું ચાલે છે તારી લાઈફમાં, કંઈ નવા-જૂની?!"

"હા, એ માટે જ ખાસ આવી છું," સરનાએ પોતાની બૅગ ફંફોસવા માંડી, "લે આ, મારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ, બધાએ આવી જવાનું છે." એણે પોતાના લગ્નની કંકોત્રી હર્ષ સામે ધરી દીધી. 

હર્ષ ત્રણેક સેકન્ડ જોઈ રહ્યો સરના સામે. અને પછી જોર જોરથી હસ્યો, એટલું જોરથી કે એનો બધો નશો બાષ્પ થઈ ગયો. 
***

(આશરે બે વર્ષ બાદ)

"માણસ લગ્ન કરે છે ત્યારે એક ખ્વાબ હોય છે, જિંદગીને તરાશવાનું, સંતાનોનું, સાથે સાથે જીવવાનું અને ઝઘડવાનું અને ધીરે ધીરે થાકતા જવાનું ! અને સંતોષનો એક એક ધોળો વાળ ફૂટતો જાય છે." 2

સરનાએ પોતાની ડાયરીમાં લખેલા પોતાના અક્ષરોને ટેરવાથી જરા અનુભવી લીધા. એ કાગળ, એની પીળી ઝાંય, જરા ખરબચડી સપાટી, એ શાહીની સુગંધ બધું એને વીરેનની યાદો તરફ ખેંચી લઈ જતું. જૂનું વાંચીને, નવું લખીને એ પોતાની સાથે વાત કરી લેતી. વીરેનના મૃત્યુ પછી જાત સિવાય વાત કરવા વાળું કોઈ રહ્યું નહોતું. પણ એણે તરત જ ડાયરી બંધ કરી. એને નહોતું ગમતું એ બધું યાદ કરીને મર્યા કરવું. "નથી આવવાનો વીરેન પાછો! યુ હેવ ટુ મૂવ ઓન સરના!" એ ક્યારેક અરીસા સામે બેસીને મનમાં પોતાને કહેતી. વીરેનના મૃત્યુ પછી એની જિંદગી અડધી થઈ ગઈ હતી- એક આંખ ફૂટી જાય અને અડધી દુનિયા દેખાય એવી.

ફોનનું વાઈબ્રેશન ગાજ્યું. ડિસ્પ્લે પર નામ ચમક્યું, "હર્ષ". 

"હા, બસ દસ મિનિટ. પહોચું છું." સરનાએ ફોનમાં જવાબ આપ્યો.

વીરેનના ગયા પછી દોઢેક વર્ષ બાદ એક વખત હર્ષ સરનાને મળી ગયો. અને ત્યારબાદ બન્ને મળતા રહ્યા, જૂની દોસ્તીનું વ્યાજ હોય એમ. 

"હું ખોટી હતી હર્ષ, એકલા નથી જીવી શકાતું- કોઈની સાથે રહ્યા પછી." સરનાએ હર્ષને કહ્યું.

"ના, તું સાચી જ હતી, સાબિતી તારા સામે છે," એ પોતાના તરફ ઈશારો કરતા બોલ્યો, "ઇટ વીલ ઑલ બી ઓકે સરના. ટાઈમ હિલ્સ એવરીથીંગ." હર્ષે કહ્યું. 

"કેટલો ટાઈમ હર્ષ!? બે વર્ષ થયા. ખબર નહીં હું ક્યાં અટકી ગઈ છું!?  પહેલેથી એકલો રહેલો માણસ જીવી જાય છે-જરા આસાનીથી. પણ એકવાર ટેવ પડી જાય ને- પ્રેમની, સપોર્ટની, કૅરની, રડવા માટેના ખભાની- પછી કંઈક અધૂરું લાગ્યા કરે છે." એ જરા ચીડાઈ ગઈ. ઘણું બધું એકસાથે બોલી ગઈ.

હર્ષ એની સામે જોઈને કંઈક બોલવા જઈ રહ્યો હતો, ત્યાં જ સરનાએ કહી દીધું,

"વીલ યુ મેરી મી?!"

હર્ષ ફાટી આંખે સરનાને જોતો રહ્યો.
***




1 ચંદ્રકાંત બક્ષીની "આકાર"માંથી.
2 ચંદ્રકાંત બક્ષીની "લીલી નસોમાં પાનખર"માંથી.

અહીં આ વાર્તાના બન્ને ભાગમાં, શરૂઆતના વાક્યો ચંદ્રકાંત બક્ષીની "આકાર" અને "લીલી નસોમાં પાનખર"માંથી લીધાં છે. બક્ષીની નોવેલ્સનાં વાક્યો પકડીને એને એક અલગ આયામ, એક અલગ આકાર આપવાની તુચ્છ કોશિશ કરી છે.

"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com

Guest Post - સ્વજન સરખી ટ્રેન by Ankit Desai



સ્વજન સરખી ટ્રેન
by Ankit Desai


બાલ્કી સા’બની લેટેસ્ટ રીલિઝ ‘કી એન્ડ કા’માં અર્જુન કપુરને ટ્રેન બહુ પસંદ હોય છે. એક ડાયલોગમાં એ કરીનાને કહે છે, ‘મૂઝે ટ્રેન બહોત પસંદ હૈ…’ અને પછી કરીના સાથે એ સેટલ થાય ત્યારે પોતાના આખા ઘરમાં ટ્રેનમાં કે રેલવે સ્ટેશનો પર હોય એવું ઈન્ટિરિયર કરાવે. કેટલાક લોકોને આ બાબત અસ્વાસ્તવિક લાગી શકે, પણ ટ્રેન પ્રત્યેનો લગાવ એટલે શું? એની તો એને જ ખબર હોય, જે ટ્રેનમાં ડેઈલી અપડાઉન કરતા હોય કે દિવસના અમુક કલાક ટ્રેનમાં પસાર કરતા હોય!

એ ફિલ્મ જોયેલી ત્યારથી ટ્રેન પ્રત્યેના વળગણ વિશે લખવાની મને ઈચ્છા હતી, કારણ કે ટ્રેન સાથેનો મારો સંબંધ હવે એક દાયકાનો થવાનો એટલે સ્વાભાવિક ટ્રેન સાથે મને ભાવનાત્મક લગાવ હોવાનો. પરંતુ એક યા અન્ય કારણોસર લખી શકાયું નહીં અને પછી વાત સમૂળગી ભૂલી ગયો. ટ્રેન સાથે નાતો બંધાયેલો છેક 2007માં… ગ્રેજ્યુએશન કર્યું તો ટ્રેનમાં ચાર વર્ષ વાપી ટુ વલસાડનું અપડાઉન કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સુરત ભણવાનું થયું તો દર વિકેન્ડમાં ઘરે જવા કે ઉઘડતા અઠવાડિયે ઘરેથી સુરત આવવા ટ્રેનનો સહારો લીધો અને 2013થી પત્રકાર તરીકે નોકરી શરૂ કરી તો આજ દિન સુધી ટ્રેનમાં ડેઈલી વાપી ટુ સુરતનું અપડાઉન.

કોઈ કહેશે એવા તો હજારો લોકો હશે, જે દાયકાઓથી ટ્રેનોમાં અપડાઉન કરે છે, એમાં લગાવ શેનો થઈ જાય? પરંતુ મેં ટ્રેન સાથેના મારા સંબંધને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોયો છે. એવાઓને હું પૂછીશ, જો ઘર વહાલું હોય તો ટ્રેમ કેમ નહીં? આખરે એમાં પસાર કરેલા કલાકોનો સરવાળો કરવા બેસીએ તો ખ્યાલ આવે કે, અત્યાર સુધીના જીવનના ત્રણ-ચાર મહિના જેટલો સમય તો ટ્રેનમાં જ પસાર થયો છે! અને એ કારણે જ કદાચ ટ્રેન જેવી ટ્રેન મને કોઈ સ્વજન જેવી લાગી છે.

ટ્રેનમાં મેં કેટલા પુસ્તકો વાંચ્યા હશે એનો મારી પાસે હિસાબ નથી. કૉલેજ ટાઈમથી મારી બેગમાં એકથી વધુ પુસ્તકો રહે અને વજન વધી જવા છતાં પુસ્તકો સાથે રાખવાનું કારણ એ જ કે, ટ્રેનમાં સમય મળશે તો વાંચી શકાશે! ટ્રેનમાં મેં જેટલી વિવિધતાના પુસ્તકો વાંચ્યા છે એટલી વિવિધતા વાંચવાની પદ્ધતિઓની બાબતે પણ રહી છે. ક્યારેક જગ્યા મળી ગઈ હોય તો રજવાડી ઠાઠથી હાથમાં ચ્હાનો કપ લઈને બારીએ બેઠાં બેઠાં તો વાંચ્યું જ છે, પણ સીટની ઉપરના પાટિયે, જ્યાં ટૂંટિયું વાળીને બેસવાના પણ ઠેકાણા નહીં હોય ત્યાંય વાંચ્યું છે. હકડેઠઠ ભીડમાં ઊભા ઊભા પણ વાંચ્યું છે અને ક્યારેક દરવાજે બેસીને પણ વાંચ્યું છે. ટ્રેનની યાત્રાઓએ મને વિચારોની યાત્રાઓની યાત્રા પણ બક્ષી છે, જે વિચારો ભીડ અને ગરમીમાંથી કોઇક બીજી જગ્યાએ લઈ જઈને કપરી વાસ્તવિક્તાથી મને અળગો કરીને સુખ આપે છે. 



ટ્રેનમાં હોઉં ત્યારે મોટેભાગે મેં જીવનના સારા-નરસા સમાચારો સાંભળ્યાં છે અને મારી ખુશી કે દુઃખ ટ્રેનમાં વહ્યાં છે, વ્યક્ત થયાં છે. જીવનની સૌથી પ્રિય વ્યક્તિ એવી મારી બા(દાદી)ના અવસાનના સમાચારનો ફોન આવેલો ત્યારે હું ટ્રેનમાં હતો અને આંખોમાં આંસુ સાથે બારીના સળિયે માથું ઢાળી દીધેલું. સળિયાની નક્કરતામાં પણ એ વખતે બાના હાથની મુલાયમતા અનુભવાયેલી, જે હાથ પછી ક્યારેય માથે ફરવાનો નહોતો! મારાથીય પાંચેક વર્ષ નાના કઝિનનું અકસ્માતમાં મોત થયેલું એના સમાચાર પણ ટ્રેનમાં મળેલા, જે મુસાફરી દરમિયાન હું ભીડમાં ઊભો હતો અને સમાચાર સાંભળતા જ ફસડાઈ પડેલો. ભીડમાંના લોકોએ મને ઊભો કરીને પાણી આપેલું. એ અજાણ્યા ચહેરા સ્વજનો નહીં કહી શકાય?

ટ્રેનની નિયમિત મુસાફરીએ જો મને સૌથી મહત્ત્વની ત્રણ બાબતો શીખવી હોય તો એ કે, આપણા મૂળિયાં છોડવા પણ નહીં અને ભૂલવા પણ નહીં! બીજી વાત એ કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આશા નહીં ખોવી અને નિરાશ નહીં થવું. અને ત્રીજી વાત એ કે, સંજોગોની સામે હંમેશાં લડતા રહેવું. છેલ્લા નવ વર્ષથી હું ટ્રેનમાં રોજ એવા ચહેરા- એવી આંખોથી રૂબરૂ થાઉં છું, જે ચહેરાઓ કાળી મજૂરી કે તોતિંગ મુશ્કેલીઓ સામે લડીને કાળા, નિસ્તેજ કે કરચલી વાળા જરૂર થયાં હશે, પણ એ આંખોની ખુમારી, એની અંદરની આશા હંમેશાં અકબંધ રહી છે. એક બે ઉદાહરણો આપું તો ટ્રેનમાં મેં એવા લોકોને જોયા છે, જેઓ ચાર-પાંચ હજાર રુપરડીની કમાણી માટે સીત્તેર-એંસી-સો કિલોમીટરની મુસાફરી કરે છે. ઘર ચલાવવાનું તો ઠીક રાસન-પાણી પણ જેમતેમ અપાવી શકતી એ કમાણી માટે તેઓ માત્ર ઉપરી કર્મચારીની ગાળો, નાનાં-મોટા અપમાનો કે કમરતોડ મજૂરી જ નથી કરતા પરંતુ ટ્રેનની રોજની ભીડ, યાતનાઓ, અન્ય મુસાફરો સાથે નાની-મોટી તકરારો પણ વેઠે છે. પરંતુ એ આંખોને મેં જીવન પ્રત્યે ફરિયાદ કરતી નથી જોઈ. એ તેજસ્વી આંખો હંમેશાં એમની મસ્તીમાં રહી છે અને આવતી કાલની પરવા કર્યા વિના જીવતી રહી છે.

એમને જોઉં ત્યારે મને હંમેશાં વિચાર આવે કે, જે લોકો દિવસમાં છાપું પણ ઠીકથી નથી વાંચતા એ લોકોની આશા કેમ આટલી જીવંત છે અને એવા કારણો હશે, જે કારણો એમનો જીવનરસ ક્યારેય સુકાવા નથી દેતાં? બીજી તરફ આપણે એમના કરતા બહેતર સગવડો યુક્ત જીવન જીવીએ છીએ, છતાં નાની નાની વાતોએ ફિલોસોફી અને પ્રેરણાત્મક વાંચનના સ્ટીરોઈડ્સ લેવા પડે છે! તો અભાગીયા કોણ આપણે કે એ લોકો?

ટ્રેન જ્યારે આગળ વધતી હોય ત્યારે એના ડબ્બાની અંદર જેટલી વાર્તાઓ હોય એટલી જ વાર્તાઓ ડબ્બાની આજુબાજુ પથરાયેલા વિસ્તારોમાં ધબકતી હોય છે. વિવિધ શહેરોમાંથી પસાર થતી વખતે આજુબાજુ પથરાયેલી ઝૂંપડપટ્ટીઓમાં વસતા, પટરીની આસપાસ જીવતા એ લોકો કોણ જાણે કેટલીય વાર્તાઓ પોતાની અંદર ધરબીને બેઠાં હશે? સુરતથી શરૂ થતી ટ્રેન છેક ઉઘના સુધી ધીમી ગતિએ પસાર થાય અને એ દરમિયાન ડબ્બાની બહાર પથરાયેલું જીવન જોવા મળે ત્યારે દિલ પર અનેક ડામ પડે. એમ થાય બહારથી આ જીવન આટલું કદરૂપું છે તો હજુ થોડાં અંદર ઉતરીશું તો કોણ જાણે કેટલીય ગેબી વાતો જાણવા મળશે?

પટરીને લગોલગ રમતાં કે મોઢાંમાં કોઈકનો ત્યાજેલો ખોરાક મૂકતા નગ્ન બાળકોને જોઉં ત્યારે હંમેશાં એક જ પ્રશ્ન થયો છે મને કે, કોની નાગાઈ વધુ ભયાનક? આ બાળકોની કે ખોરાક, આરોગ્ય, રહેઠાણ કે શિક્ષણ જેવા એમના પ્રાથમિક હકો પર તરાપ મારી બેઠેલાં મૂડીવાદીઓની, રીઢા સત્તાધિશોની કે સમાનતા અને સમાજવાદની વાતો કરતા આપણા બધાની? સત્તાધિશો જ્યારે જ્યારે એમના ભાષણોમાં ‘મેરે દેશ કે એકસો પચીસ કરોડ નાગરિકો…’નો વારંવાર ઉલ્લે કરે છે ત્યારે દેશભરમાં રેલવેની પટરીની આજુબાજુ પથરાયેલા લોકોનો એમાં સમાવેશ થતો હશે ખરો? એ રીતે જોવા જઈએ ટ્રેને મને બેચેનીની પણ ભેટ આપી છે, જે બેચેનીમાંથી પલાયન સાધવા સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.

પટરી પરના આવા જ એક જીવન સાથે મારે થોડા દિવસો પહેલા સીધો સામનો થયેલો. આ જન્માષ્ટમીની આગલી સાંજે ભીડને કારણે હું ટ્રેનના દરવાજે બેઠો. મને એ વાતનો ખ્યાલ હતો કે, ટ્રેન સુરતથી ઉઘના સુધી ધીમી ચાલે છે અને એ દરમિયાન પટરીની બંને તરફ ઊભેલા ગરીબ યુવાનો એમનો હાથ સાફ કરતા હોય છે. ટ્રેન ચાલતી હોય ત્યારે પટરીની બંને તરફ ઊભેલા યુવાનો દૂરથી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે, દરવાજે બેઠેલા માણસના હાથમાં મોબાઈલ છે કે નહીં? અને જો મોબાઈલ હોય તો જેવો ડબ્બો પોતાની નજીક આવે કે, હાથમાં રાખેલી લાકડી દરવાજે બેઠેલા મુસાફરના હાથ પર ફટકારે અને જો એમનું નસીબ સારું હોય તો ગભરાયેલા મુસાફરના હાથમાંનો મોબાઈલ છટકીને નીચે પડે, જેને ટ્રેન પસાર થઈ જાય પછી તેઓ ઉંચકી લે અને ચોરબજારમાં જઈને વેચી આવે!

ટ્રેનની બારીએ બેઠાં બેઠાં મેં પોતે આવા અનેક કિસ્સા જોયાં છે અને ઘણી વાર દરવાજે બેઠેલા માણસોને ચેતવ્યા પણ છે. સાતમના દિવસે ટ્રેન ધીમી હતી એ સમયે મારા પર એક ફોન આવ્યો અને ફોનની અગત્યતા જોઈને મેં ફોન રિસીવ કર્યો. હજુ થોડી જ વાત થઈ હશે ત્યાં મારા હાથ પર જ બહારથી ફટકો પડ્યો અને મારો સ્માર્ટફોન ધબ દઈને નીચે પડ્યો અને હું મૂર્ખની જેમ પટરી પરનો મારો ફોન, ફટકો મારનારા પેલા ચહેરાઓને જોતો રહ્યો! લગભગ બેએક સેકન્ડ મને ગુસ્સો આવ્યો હશે, ત્યાં ફરી મનમાં એ જ સવાલ ઉઠ્યો કે, જેણે લાકડી ફટકારી એના પેટ પર કુદરત રોજ કેવી મોટી લાકડી ફટકારતો રહેતો હશે કે એણે પેટ ભરવા છેક આવું કામ કરવા પડતું હશે? કોણ જાણે કેમ ત્રીજી સેકન્ડે મારો ગુસ્સો ઓગળી ગયો અને પટરીની આસપાસ વસતા એ લોકો પ્રત્યેની મારી સહાનુભૂતિ અકબંધ રહી. ઈશ્વરની મહેરબાની કે એણે મને આ મતિ સૂઝાડી નહીંતર હુંય બધાની જેમ એ અભાગીયાઓને ચોર, લૂંટારા, કમજાત, ભીખારી અને કોણ જાણે કેટલીય ગાળોથી નવાજતે અને મને એમના પ્રત્યે હંમેશાં નાહકની ઘૃણા રહેતે!

ટ્રેને મને અનેક સંબંધોની ભેટ પણ આપી છે, જે સંબંધોની લાક્ષણિકતા સામાન્ય સંબંધો કરતા ઘણી વિશિષ્ટ છે! એવા કેટલાય સંબંધો છે જેમાં વ્યક્તિનું નામ પણ નહીં જાણતા હોઈએ, પણ એમને રોજની એક સ્માઈલ નિયમિત આપવાનું બને છે. એવા કેટલાય સંબંધો છે, જેઓ આગલા સ્ટેશનથી મારે માટે જગ્યા લઈને આવે છે, તો કેટલાક સંબંધો માટે હું જગ્યા રોકું છું. આવા સંબંધોનું નામ અને શહેર કે એનું કામ કદાચ જાણતા હોઈએ, પણ એ સિવાય એના ભાગ્ય કે એના જીવન વિશે કશું જ ખબર નથી હોતું. ગતંવ્ય સ્ટેશને ઉતરી જવાની સાથે એ સંબંધ સાથેનો નાતો બીજા દિવસની સવાર સુધી સ્થગિત થઈ જાય છે, જે બીજા દિવસે ફરી અડધા કલાક કે કલાક માટે ધબકે અને ફરી નવી સવાર સુધી સ્થગિત થઈ જાય!

ક્યારેક એવુંય બને છે કે, જે ચહેરાઓ સાથે સ્માઈલ કે જગ્યા રોકવાનો સંબંધ હતો એ ચહેરા કોઈક દિવસે સાંજની ટ્રેન પકડવાની ઉતાવળમાં ક્યાંક અકસ્માતમાં અવસાન પામે અને સવારે જીવતો નીકળેલો માણસ સાંજે મડદું થઈને ઘરે પહોંચે! એટલે જ જે ટ્રેન અમારા માટે લાઈફલાઈન છે એ ટ્રેન અમારી લાઈફ છીનવી પણ શકે છે એ વાતના અહેસાસ સાથે મારા જેવા કેટલાય ચહેરા અપડાઉન કરતા રહે છે.

આ ઉપરાંત ટ્રેનને ચાહવાના, એની સાથેની મારી આત્મીયતાના અનેક ઉદાહરણો આપી શકું છું, પરંતુ લેખની લંબાઈ જોતા તમારા પર ત્રાસ ગુજારવાની ઈચ્છા નથી. પણ કનક્લુઝન રૂપે જો કંઈ કહેવું હોય તો એટલું જરૂર કહી શકાય કે, ગયા જન્મમાં હું જરૂર ટ્રેનમાં બેસવાનો રહી ગયો હોઈશ અને ટ્રેનમાં બેસવા ખૂબ ઝૂર્યો હોઈશ. તો જ આ જન્મે નિયતિએ ટ્રેન સાથે એક દાયકાનો સંબંધ જોડી આપ્યો. આ નાતો એટલો ઉત્કટ છે કે, ત્રણેક વર્ષ પહેલા નવા ઘરમાં શિફ્ટ થયો તો એ ઘરના ત્રણ રૂમની બારીઓ રેલની પટરીઓ સામે પડે છે, જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે ઘરે આવતા અનેક મહેમાનોએ ફરિયાદ કરી છે કે, ‘યાર આટલો બધો ઘોંઘાટ સહન કઈ રીતે કરો છો?’

જોકે એ મહેમાનોને મેં ક્યારેય નથી કહ્યું કે, આ બારીઓને લગોલગ બેસવા માટે મેં આરસની પાયરી એટલે કરાવી છે કે, સવારની પહેલી ચ્હા કે રવિવારની સાંજની નિરાંતની ચ્હા આ પાયરી પર બેસીને પી શકાય અને સામેથી પસાર થતી ટ્રેનને માણી શકાય. સાચું કહું છું, ટ્રેનનો અવાજ મને હંમેશાં રહેમાનના સંગીત જેવો પોતીકો લાગ્યો છે…!
- Ankit Desai

--------------

અંકિત દેસાઈ વિશે એમના જ શબ્દો માં - 

હું માણસ છું એ મારી સૌથી પહેલી ઓળખાણ. પરંતુ જન્મ પછી સૌથી પહેલા મને ‘દેસાઈ’નું લેબલ લાગ્યું અને પછી અગિયારમાં દિવસે ‘અંકિત’ નામ મળ્યું. એટલે ત્યારથી સરકારી ચોપડે, સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં અને ઓળખીતા પાળખીતાઓમાં હું અંકિત દેસાઈ તરીકે ઓળખાઉં છું. જોકે હું અંકિત દેસાઈ નથી જ, આ તો બીજાઓ દ્વારા મને પૂછ્યાં વિના અપાયેલી મારી ઓળખ છે. બાકી હું કોણ છું એની શોધ હજુ ચાલું જ છે. પત્રકારત્વમાં મને પહેલાથી જ ઘણો રસ હતો એટલે મેં માસકોમ્યુનિકેશન કર્યું અને સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ગાર્ડિયન’માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી અને હવે 'khabarchhe.com'માં એક્ઝિક્યુટિવ એડિટરની જવાબદારીઓ નિભાવું છું. મૂળે આપણે મળતાવડા સ્વભાવના પરંતુ સતત લોકોની સાથે હરતાં ફરતાં રહેવું પણ આપણને પસંદ નથી. દિવસમાં થોડાં કપ ચ્હા અને ગમતા પુસ્તકો મળી રહે એટલે બંદા ખુશ, બીજી આ બંદાની બહુ ખ્વાહિશ નથી!