spoof sort of Parody ...

Spoof Sort of Parody

by Harsh Pandya

આપણે ત્યાં સ્પૂફ પ્રકારનું સાહિત્ય પ્રમાણમાં ઓછું લખાય છે. તમને ગમતા લેખક/કવિની ભાષા, લેખ રજુ કરવાનો અંદાજ અને મર્મ પકડીને બિલકુલ એ જ રીતે લખવાનો કસબ મહેનત માંગી લેતી વસ્તુ છે કેમકે એ માટે તમારે જે-તે લેખક/કવિને સાંગોપાંગ વાંચવા પડે છે. અહીં એવી જ રીતે લખાયેલો એક પીસ છે. મારા ગમતા લેખકો તો ઘણા છે, પરંતુ જેમને રીતસર ચાવી જ નાખ્યા છે એવા બે લેખકોની સ્ટાઈલમાં એક કોમન મુદ્દા ઉપર લખવાની જુર્રત કરું છું. તમે લખાણ વાંચીને પારખી જ જશો કે એ બે લેખકો કોણ છે.. 

Disclaimer: આ કોઈ કોપી નથી, આ પીસ એમને મારા દ્વારા અપાયેલી અંજલિ તો છે જ, પણ એના કરતાંય ઋણસ્વીકાર વધુ છે. એક વાંચકનો, એના લેખક તરફનો, જેને વાંચીને ખુમારી, નિખાલસતા અને પ્રામાણિકતા જેવા લાઈફના મૂળભૂત મૂલ્યોનો સતત પરિચય થયા કર્યો છે.

તા.ક. : - આવો પ્રયાસ મારી પહેલા કિન્નરભાઈએ કરેલો હોવાનું મારી જાણમાં છે. બાકી પણ ઘણાએ આવો પ્રયાસ કર્યો જ હશે એવું માની લઉં છું.

1.  બ્યુટી ઓફ જોય ઈઝ જોય ફોરેવર...

જોહન કીટ્સ. અંગ્રેજી સાહિત્યમાં અમર થઇ ગયેલો જીવડો. યુવાન ઉમરે દરેક ટીનેજરની જેમ બેફામ પ્રેમમાં પડેલો. અને આપણા સદાબહાર કવિ રાવજી પટેલની જેમ ટી.બી.ના રોગમાં સાહિત્ય એ એક ઝળહળતો અને તેજપુંજવાળો કવિ ગુમાવી દીધો. રીયલ લાઈફમાં ફેની નામની ફટાકડીના પ્રેમમાં પડેલો અને એ પ્રેમે એની અંદરના કવિજીવને પણ આળસ મરડીને બેઠો કર્યો. પ્રેમ, જે આજે ય લેખકો-કવિઓનો શરાબ પછીનો ફેવરીટ વિષય [સબ્જેક્ટ, યુ સી] છે. પર્સનલ ફેવરીટ કાવ્ય ‘બ્રાઈટ સ્ટાર’માં જોહને ફેની માટે દિલ નીચોવીને લાગણીઓ નીતારી દીધી છે. સોનેટ પ્રકારનું કાવ્ય હોવા છતાય પ્રેમની લહેરખીઓ ઠંડક પણ પહોંચાડે અને વિરહ હોય તો ઝાળ પણ લગાડે. ફેની પણ ધૂની લગતા આ કવિની કવિતાઓને બદલે ખુદ કવિને જ પ્રેમ કરવા લાગેલી. ફેનીના ઘરની બાજુમાં જ હોવા છતાય એ વખતના ચોખલિયા-ચોવટિયા થનગનભુષણ સમાજથી બચતા રહેવું પડતું, જે એનાથી સહન ન થતું. ફેનીને એ પત્રો લખતો. પત્રો શું? દિલ જ કાપી કાપીને લેટરમાં મોકલાવતો હતો. ફેની બીજા મર્દો સાથે હસે બોલે તો એક સાચા પ્રેમીની જેમ એને કાળજે ચીરા પડતા, જે એના પત્રોમાં ડોકાતું. પઝેઝીવનેસ અને પ્રેમની પકડાપકડીમાં એનું સાહિત્ય છપાવા લાગ્યું, નામ કમાવા લાગ્યો પણ ધીમે ધીમે ટી.બી. એ જોર જમાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ફેની ઇચ્છવા છતાય એની સંભાળ ન લઇ શકી. ઇટલી જઈને હવાફેર કરવાનો મિત્રોનો આઈડિયા કામ ન લાગ્યો અને ૨૬ વર્ષની ધુંઆધાર ઉંમરે એણે જિંદગીને અલવિદા કહી દીધું. પણ જતા જતા એ પોતાની પાછળ અમર થયેલું સાહિત્ય મુકતો ગયો. પ્રેમ, કેટલું નાનું નામ?અને કેટલી પ્રબળ અસર? ‘ટાયટેનીક’ની રોઝ અને જેક, એકબીજા માટે અને સાથે જ રહેવાનું. હરપળ, હરદમ. સ્વજન અને પ્રિયજન, બેય આપણા પ્રેમના ભૂખ્યા હોય છે, હંમેશા. એ તરસતી નિગાહોની પાછળ અતુટ પ્રેમ હોય તો એ તમારી જિંદગીનું સૌથી મોટું ઇનામ છે રીડરબિરાદર. હેવ ફન. લવ એન્ડ બી લવ્ડ. ...

2. પ્રેમ – ક્ષણથી નમો અરિહંતાણમ...

    પ્રેમની વ્યાખ્યા કરવી લેખક માટે મુશ્કેલ છે. કલાકાર માટે પ્રેમ શોધવો કદાચ વધુ સરળ છે. એ જેટલો કલામાં ખૂંપતો જાય એટલો એ પ્રેમતત્વની નજદીક પહોંચી શકે છે. જિંદગીની જયાફતો ખાલી રમ-વ્હીસ્કી કે વોડકાના કાચના ગ્લાસમાં જ નહિ, શરાબ સાથે ઠલવાતા વિષાદમાં ય હોય છે. મૌતની નોક પર ગુઝરતી જિંદગી બડી ખુબસુરત લાગે છે. ઈશ્વર સરસ ઠેસ સાથે આપણો હીંચકો ઝુલાવી દે છે ત્યારે મનુષ્યની આ પૃથ્વી ઉપરની પામરતાનો અહેસાસ થાય છે. પ્રેમ અને સત્ય બંને વિરોધીતાઓ છે. જ્યાં સત્ય છે ત્યાં પ્રેમ ટકી ન શકે કેમકે પ્રેમની શરૂઆત દેહથી અને અંત આત્માથી થાય છે. અને જ્યાં દેહ છે, ત્યાં જૂઠની મોહતાજી કેળવી લેવી પડે છે. આયનામાં જોઇને ચહેરા હસે છે, પણ કરચલીઓ દેહના-મનના ભોગની સાક્ષી પૂરે છે. સ્ત્રી આખી જિંદગી વ્યસ્ત રહી શકે છે. પ્રેમ કરીને, કરી લઈને, કરવા દઈને. પુરુષની જૂઠ બોલવાની ઔકાત એના પ્રેમની ઈમારતની ઊંચાઈ નક્કી કરે છે. અમુક હદ સુધી જૂઠ ચાલી પણ જાય છે. સ્ત્રીના પ્રેમનો હિસાબ સમજી લેવો જરૂરી છે. એ પ્રેમ માટે શરીર સોંપે છે. બજારુ ઔરતને પણ એક તબક્કે પ્રેમની જરૂરત પડે જ છે, એ સત્ય જયારે એને સમજાય જાય છે એ પછીથી એની દુનિયા બદલાય જાય છે. પ્રેમની શાશ્વત ચેતના મૃત શરીર સાથે ચાલી જતી નથી. એ સંતાનો કે પ્રિયજનમાં જીવતી હોય છે. સ્થિર થયેલી આંખોના પોપચા બંધ કરવા, જે શરીરની ઉષ્મા રાતે અને દિવસે અનુભવાતી હોય એની ઠંડક ઈશ્વરમાં વિશ્વાસ અને અવિશ્વાસ બંને લાવી દે છે. વહેવા મથતા આંસુઓ અસ્થિ સાથે નદીમાં વહી જાય છે. અને એક અહેસાસ શરીરમાંથી નીકળી જતો દેખાય છે, અનુભવાય છે. સાથે ગુઝારેલી એ રંગીન શામો, એ જમતી વખતે આવતી ઉધરસ અને તે અંબાવેલો પાણીનો ગ્લાસ, ધર્મ, શાસ્ત્રો બધું બકવાસ લાગે છે. એકમાત્ર સત્ય એ છે કે તું ચાલી ગઈ છે.કાયમને માટે. પણ હું તને એટલો જ પ્રેમ કરું છું અને નમો અરિહંતાણમ બોલી લઉં છું, ધીમા અવાજે,જેથી તું જાગી ન જાય.

HARSH PANDYA


-------------------------------------------------------------------------------------------------
 Harsh Pandya , born in Bhavnagar nd working at Ahmedabad is a reader cum writer.
Gappa and Golgappa is his fav paastime ...
 manhar87@gmail.com

મગજની માલીકોર મોજ



મગજની માલીકોર મોજ
~હાર્દિક વ્યાસ


આજે મગજની માલીકોર 'મ્યૂઝ'ના બદલે 'મોજ' વસી ગઈ છે. એટલે આ 'હાર્દ' હિટીંગના બદલે ગલીપચી કરવાના મૂડમાં છે. અંકિત ચીંધ્યા માર્ગે આસપાસની ઘટનાઓ કે સમાચારને થોડાં અલગ અંદાજમાં જોઈને ગમ્મત કરવાની કોશિશ છે.

Drawing By Rudra Vyas


હમણા થોડા સમય પહેલાં સમાચારમાં વાંચ્યું હતું, કે ગુજરાત સરકાર ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી માટે વિચાર કરી રહી છે. આ સમાચાર વાંચતાં જ આ કાર્યમાં આવી શકતી અડચણો અને આ સેવા શરૂ થયા બાદનાં સંભવિત દ્રષ્યો વિશે મગજ ગોટે ચડ્યું. (સ્વાભાવિક છે કે મગજ ગોટે જ ચડ્યુ હશે.. વિચારે ચડ્યુ હોય, તો કોઈ વાસ્તવિક-પરિણામ લક્ષી લેખ સર્જાય... આ લેખનું લખાણ મગજ ગોટે ચડ્યું હોવાની સાબિતિ આપે છે.)

સુચના :
1. આ લેખની તમામ વિગત ફાઈનલ એક્ઝામમાં આન્સર શીટમાં લખેલાં જવાબો જેવી કાલ્પનિક છે. એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

2. ગુજરાત સરકાર અને સરકારના વિચારાધીન પગલાંનું અમે સન્માન કરીએ છીએ. આ લેખની વાતો માત્ર રમૂજનાં દ્રષ્ટિકોણથી લખેલી છે.

3. આ લેખનો ઉદ્દેશ્ય માત્ર ગમ્મત કરવાનો છે. લાગણી દુભાઈ જતી હોય એમણે પોતાની લાગણીનાં જોખમે વાંચવું. અમારી જવાબદારી રહેશે નહિં. શક્ય હોય તો દિમાગને લૉક & કીમાં રાખીને વાંચવું.

જ્યારે પહેલી વખત ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી વિશે વાંચ્યું, ત્યારે જ દિમાગમાં સવાલ થયો (થાય સવાલ ક્યારેક-ક્યારેક.. એમાં બહુ ચિંતા જેવું નથી.) કે આ યોજનામાં સરકારને કેટલી અડચણોનો સામનો કરવો પડે એમ છે અને એક વખત સેવા શરૂ થઈ જાય પછી કેવાં કેવાં દ્રશ્યો સર્જાઈ શકે છે...

સૌ પહેલાં તો ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. સરકારી એર કનેક્ટિવિટીની સામે અહીં પ્રાઈવેટ એર ટ્રાવેલ્સ શરૂ થાય, તો હરિફાઈ નડી શકે છે.. અમારે ભાવનગરમાં જ 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ' અને 'ગધેડિયા ટૂર્સ' નામની ખાનગી સેવાઓની વાત સંભળાય છે.

ગુજરાતનાં રસ્તાઓ પર (હા, ભાઈ હવામાં.. બસ ખુશ!!) વિમાન ઉડાડવાનું હોય, તો ડાઈવર (ડ્રાઈવર) અને કલીન્ડર (ક્લીનર અથવા મદદનીશ ડ્રાઈવર) ગુજરાતી જ રાખવા પડે અને એમને કન્ટ્રોલ કરવા માટે હવામાં ટ્રાફિક કન્ટ્રોલ પોઈંટ પણ મૂકવા પડે. માણસોનો પ્રશ્ન નથી. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. એટલા ઉંચે સિગ્નલ કેમ મૂકવા એ પ્રશ્ન છે.

અહીં ગુજરાતમાં 'માવો' વાદીઓનો બહુ ત્રાસ છે. એમને કોઈ પણ વાહનમાં મુસાફરી દરમિયાન બારી ખોલીને માવાની પીચકારી મારવી હોય છે. એ માટે સરકારે કોઈ વ્યવસ્થા કરવી પડશે.

AC નહિં હોય તો ચાલશે પણ અહીંની પ્રજાને વિમાન વિડીયો વાળા જોઈશે.

હવે થોડા દ્રષ્યો જોઈ લઈએ...


1. સ્થળ : ભાવનગર

પતિ : આપણે અમદાવાદ જવાનું છે ને.. હું 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ'ની ટિકિટ લઈ આવ્યો.
પત્ની : કેટલું ભાડું છે?
પતિ : 350 રૂપિયા
પત્ની : ગધેડિયા ટૂર્સ વાળા 300 રૂપિયામાં લઈ જાય છે.
પતિ : જય ખોડિયારનાં વિમાન AC હોય છે. 50 રૂપિયા વધારે અપાય AC મળતું હોય તો.

2. સ્થળ : તમને ઠીક લાગે એ..

ભગો : ગધેડિયા ટૂર્સની ટિકિટ લે જે.
ગગો : કેમ? જય ખોડિયારનાં વિમાન AC હોય છે.
ભગો : એ માવો થૂંકવા માટે બારી ખોલવા નથી દેતા..

3. સ્થળ : રસ્તાની એક હોટલ

GJ 2 ભાઈ 1 : હવ .. ગધેડિયાનોં વિમોનમોં આવ્વુ જ નહિં.
GJ 2 ભાઈ 2 : ચ્યમ લ્યા?
GJ 2 ભાઈ 1 : ચ્યવી હોટલમોં પ્લેન રાખ્યુ શ? ઈ ની બુન ન.. ચ્હા શ ક પોણી એ નહિ હમજોતું..
(GJ 2 = મહેસાણા)

4. સ્થળ : સુરત અને ભરૂચની વચ્ચે

સુરતી પેસેન્જર : બેન@#.. મેં જોઉં છું.. કલ્લાકથી એમ જ ઊભલો છે. ટો ટને કેઉં કે ટુ વિમાન ચલાવટો છે કે બડડગાડું.. હેં.. @#$%
સુરતી ડ્રાઈવર : બેહી રે ની છાનોમાનો @#$%... જોટો નઠી.. નર્મડાનો ટ્રાફિક જામ છે... @#$


"હાર્દ" ટીખળ :

ડ્રાઈવર વિમાનમાં પમ્પથી હવા ભરતો હતો..

કન્ડક્ટર : કેમ હવા ભરો છો? આ વિમાન છે.. હવા ભરવાથી ન ચાલે..
ડ્રાઈવર : અરે.. હવા ભરવાથી ભલભલા માણસ ચાલે છે.. આ તો મશીન છે.. ચાલે જ.. 110% ચાલે..



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 22/09/2016
e-mail id : haardhits@gmail.com


વિચારોનું વાવેતર !!!


 વિચારોનું વાવેતર
by ચિંતન રાજગોર

 

 

 

 

 

 

સાંભળ્યું છે, આઈ એમ વ્હોટ આઈ એમ...
પણ હું સહમત નથી. મારે આવા રહેવું નથી, એટલિસ્ટ હમણાં જેવો છુ, તેવો તો નહિ જ. મને એમ લાગે છે , જાણે, જગત આખાની, વિચારવાની જવાબદારી મારી જ છે. હું વિચારું ઘણું છુ, કરું ઓછું છુ. હું actually,  વિચારોથી ઘેરાયેલો છુ. આટલું વિચારવું પણ સારું નહિ, પણ શું કરૂ,  આદત પડી ગઈ છે. જાણે, હું જે પણ કરું છુ, મનથી નથી કરતો. જેને કોઈ ધ્યેય કે ઉદેશ્ય કે લક્ષ્ય જેવું કાંઈ છે જ નહિ.

આ હકીકત નથી. મારે કાંઈ થવું છે, મારુ એ  મન છે, મને ખબર છે હું કરીશ.. પણ ક્યારે? આજે? કહેવા માટે તો, કહી દીધું, 'આજે'.. પણ ખરેખર, 'આજ' થી બધું શરૂ થાત, તો 'આજે' હું અહીં ના હોત.
'જાગ્યા ત્યારથી સવાર', એમ કહી ને આપણે મન ને મનાવી લઈએ છીએ. પણ જાગ્યા બાદ, બ્રશ કરતા કરતા, બધું જ થૂંકી દઈએ છીએ. પછી, ફરી બીજા દિવસે, 'જાગ્યા ત્યારથી સવાર'

હું સમાજ ના એક એવા વર્ગ ની વાત કરું છું, જે લગભગ મારા જેવા છે,  અથવા જેમનામાં અમુક વાતો મારા જેવી છે. તેઓ સપના તો જુએ છે, સાકાર કરવાની ક્ષમતા પણ છે. બુદ્ધિ છે. એવું નથી કે, સાવ સુસ્ત છે, મહેનત કરે છે, પણ એવા લોકોએ, એટલે કે મારા જેવા લોકોએ વિશ્વાસ, શ્રદ્ધા, સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવી દીધો છે. જે માણસ (..........) આટલું મેળવવાને કેપેબલ હતો, એ હવે (...) આટલા થી સંતોષ માને છે, અથવા માનવો પડે છે.
નીકળ્યો તો સાત સમંદર પાર કરવા; મુંબઇ થી ગોળ ફરીને મદ્રાસ પર આવીને અટકી ગયો... કોઈ હસ્યાં, કોઈએ મજાક ઉડાવી... હેસિયત ની બહારનું કામ કરવા ગયો તો..." બહુ બહુ તો સમજદાર વ્યક્તિ કહેશે "જવાદો ને, ટ્રાય તો કરી બિચારાની કેપેસિટી નહિ હોય.. નહિ કરી શક્યો!"  પણ કોઈ જ એમ જઈને પૂછતું નથી  "અરે વિરલા! શું થયું? રસ્તામાં એવું તે શું થયું કે તું તારી મંઝિલ સુધી ના પહોચી શક્યો"   અથવા  "કેમ તે હાર માની લીધી? શું તે હાર માની લીધી? શું તું આગળ ફરી પ્રયત્ન કરીશ કે બસ અહીંજ રહીશ?"   પણ દુનિયા તો  "આવા બધામાં પડાય જ નહિ. હું તો પેલ્લેથી કહેતો હતો સીધે રસ્તે જા. આડું અવળું કાંઈ કર નહિ. જોઈ લીધું.. હવે શું, આના પરથી કાંઈ સમજ્યો કે નહિ.......?

પ્રેશર, પ્રેશર અને પ્રેશર..,મહેણાં, ટોણાં, બકબક..... વ્હાલ કરવાવાળા ક્યાં ખોવાઈ ગયા!? મને હિમ્મત દેવા વાળા આજે ક્યાં છે!? શરૂ શરૂ માં એ ગોતતો રહે છે. નિષ્ફળ પ્રયાસ  કરે છે. સમજી જાય છે, અહીં કોઈ સાંભળવા વાળું  નથી,સમજવા વાળું નથી.. અને જે સમજે છે કાં તો એની પાસે એટલો ટાઈમ નથી કે મારી પડખે ઉભો રહે, મને સાંત્વના દે, હૈયા ધારણા, હૉસલો દે.. કાં તો એ છે મારા જેવા જ કોઈ.....

પછી એ પોતે જ એકલો ફરીથી નિષ્ફળ પ્રયાસ ને સફળ માં પરિવર્તિત કરવા નીકળી પડે છે. આ વખતે સિચુએશન અલગ છે. ખ્વાબ છે પણ પ્રેશર નથી, ઈચ્છા છે પણ એક્સપેક્ટેશન્સ નથી. એક વાર નિષ્ફળતાનો સ્વાદ ચાખી લીધા બાદ કોઈ જ વાતનો ડર નથી. નિષ્ફળ થવાનું દુઃખ નથી, સફળ થવાના આસાર લાગતા નથી. એક અંધ વ્યક્તિ રામ ભરોસે રસ્તો ક્રોસ કરે એમ ચાલી પડે છે. પણ આને તો રામનો પણ ભરોસો નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા ગુમાવી દીધી છે. (વચ્ચે ડીષ્ટર્બ કરૂં છુ.. મેં ક્યાંક તો વાંચ્યું તું)

"જે વ્યક્તિ પૈસા ગુમાવે છે, તે ઘણું જ ગુમાવે છે.
જે વ્યક્તિ મિત્રો ગુમાવે છે, તે ઘણા કરતા વધુ ગુમાવે છે..
પણ, જે વ્યક્તિ શ્રદ્ધા ગુમાવે છે, તે બધુંજ ગુમાવે છે..."

....આને હજું આંખોમાં સપના તો છે પણ એ દરેક સપના ને મૃગજળ ને જોતો હોય એમ શંકાથી જુએ છે, વિચારે છે.. "આ સ્વપ્નો, મેં વિચારેલું, ધારેલું બધું મૃગજળ તો નથી ને?"
પણ એક વાર સમુદ્રના ખારા પાણી જેવો અનુભવ થઈ ગયા બાદ મૃગજળથી શેનું ડરવાનું.. ચાલશું, ખુબ ચાલશું, ઝિંદગીભર ચાલશું સ્વપ્નો સુધી પહોંચવા.. એમાં પણ વિશ્વાસ નથી. કદાચ મૃગજળ પણ હોઈ શકે. એટલે માઇન્ડને અને દિલને એવીરીતે જ તૈયાર કરી દે છે કે જે થશે જોયું જવાશે. મારા સ્વપ્નો સાકાર થશે તો મારી મહેનતે અને જો નહિ થાય તો આ વખતે એટલિસ્ટ સંભળાવવા વાળા તો નહિ હોય. શું થયું કોઈ પૂછશે નહિ એટલું જ ને.. અને કોઈને મારે કહેવુંએ નથી...
હવે નવા નવા સંબંધો બાંધવા નથી.
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી..
હૈયું વિવશ કરે એવું વ્હાલ નથી...
ભલે હૈયું આ રણ, પણ ઝાંઝવા નથી....
મારે મૃગજળથી લોચનને માંજવા નથી.....

બીજીવારમાં જે પરિણામ આવે તે, કોઈજ ફર્ક નથી પડતો. માણસનો આત્મા બેકાર બની જાય છે. અથવા હું બેકાર છું, ફુંકટ્યો છું, મારૂં કાંઈ જ મહત્વ કે સ્ટેટ્સ નથી, હું અહીં શું કામ છું, હું હજું એવો જ માણસ છું જે પેહલા હતો -Having Magnitude But No Direction- વ્યક્તિ એવું ફિલ કરવા લાગે છે.
એજ સમાજ, એજ વાતાવરણમાં પાછા આવ્યા બાદ
" હું એક એવો માણસ છું જેને પાર્ટીમાં ઇન્વિટેશન તો મળે...
પણ મારી ગેરહાજરી થી પાર્ટી માના કોઈને કાંઈ ફર્ક ના પડે...."

હજું એ લડે છે પોતાના વજૂદ માટે. હું પણ કાંઈ છુ. બીજીવાર ના પ્રયત્નો નું શું પરિણામ આવ્યું એ હજુએ નથી ખબર.. પણ એટલું પાક્કું છે... સંઘર્ષ ચાલું રહેશે. કદાચ ઝિંદગીએ એને ફાઈનલી  જીવતા શીખવાડી દીધું છે, કાંતો એને ખબર પડી ગઈ છે ઝિંદગી જીવવા માટે છે.
પરંતુ તોએ એને ઝિંદગીથી બહુંજ ઝેરનાં પ્યાલા પીવા પડ્યા, નિષ્ફળતા, દગો, ધોકો, બનાવટી પોતાપણું... બધાજ રૂપે....
પણ નિર્દય સમાજને ક્યાં ખબર છે,  ઝેરનાં ઘૂંટડા પીનાર જ તો, ગાળામાં સાપ લઈને ફરી શકે છે!....
સાચ્ચે જ, બીજીવારના પ્રયત્ન બાદ પણ સંઘર્ષ ચાલુ રહેશે...અને લો, એવું જ થયું.માંડ જિન્દગીની ગાડી પાટે ચડી તી અથવા આસાર લાગ્યાતા હમણાં જ જસ્ટ કે લાઈફ પહેલા કરતા એટલિસ્ટ થોડી બેટર થવા તરફ જઈ રહી છે, ગાડી પાટે તો ચડી ગઈ, પણ ન જાણે કેમ કયા કારણોસર એવો અગન વરસાદ વરસ્યો કે ગાડી નીચેની માટી જ ધોવાઈ ગઈ. ગાડી પાછી ઠપ. આમાં ગાડી નો દોષ નથી, કે નથી પાટાનો. આ તો પાટા ને જકડી રાખતી બેકબોન સમાન સપોર્ટ જ ધોવાઈ ગયો.ખોરવાઈ ગયો.દૂધનો દાઝ્યો છાશ ફુંકીને પીવે..આ યુક્તિ પ્રમાણેજ આ વખતે તકેદારી પણ રાખી, તેમ છતાં છેવટે છાશ ખાટ્ટી નીકળી.


પ્રથમ અનુભવમાં લાઇફની સમજ આવી ગઈ. ઝિંદગીના અદમ્ય રહસ્યો વિષે થેઓરોટિકલ જ્ઞાન પ્રાપ્ત તો થયું પણ બીજીવારના અનુભવે કે નિષ્ફળતાએ એને એટલું સમજાવી દીધું...હજુ કંઈ ખૂટે છે, પહેલાં લાગ્યું ઘણું એક્સપેરીઅઁસ થઈ ગયું.જીવનના માંજા ની ઘૂંચ સમજાઈ. પણ એટલું કાફી નથી. ઘુંચ છે તો તેનો ઉકેલ પણ હશે...હશે શું..છે જ.. પણ એ સોલ્વ કરવા કાંઈ ખૂટે છે. તે શું છે? સત્યની ખોજ હવે વધુ કઠિન લાગે છે. સમજાઈ ગયું છે; સત્યની શોધ કહો કે પછી રૂટ કોઝ ગોતવા માટે મથવાની વાત....છેવટે એ પાછો એજ સવાલ પર આવીને ઉભો રહી ગયો.

ઓલરેડી ઘણુંખરું જોઈ લીધું, શીખી લીધું તો પછી કેમ કોઈ ઉકેલ નથી? મારા માજ કાંઈ ખૂટે છે. હવે થોડું સમજાય છે, ઝિંદગી ના રાહસ્યોનું થિઓરોટિકલ સમજ હવે એકચ્યુલ લાઈફ માં ઈંપ્લીમેન્ટ કરવાનો સમય આવ્યો છે. અને એ માટે મારે જ કાંઈ કરવું પડશે. ઉપર થી નીચે પડતા પોતાને બચાવવા માટે મારે જ મારુ પેરાશૂટ ખોલવું પડશે.કોઈ બીજી વ્યક્તિ સામે ચાલીને તમારો હાથ નહિ  ધરે મદદ માટે તમારી તરફ..સ્વયં.. સ્વયં-ભૂ પણ નહિ.!
લગભગ દર ત્રીજા ચોથા એપિસોડ માં મહાદેવ પોતાનું ગળુ ફાડી ફાડીને એક જ બ્રહ્મજ્ઞાન આત્મસાત કરાવે છે "હું પણ તમારી મદદ નહિ કરી શકું, અનલેસ એન્ડ અન્ટીલ તમે પોતાની માટે કાંઈ કરતા નથી" બી સેલ્ફીશ એટ્લીસ્ટ ફોર યૉર સેલ્ફ. હવે મહાદેવ સિરીઝ ની વાત કરી છે તો હજુ એક વાત કહી દઉં જે ઍકચ્યુલી સ્વયં મહાદેવે કહી છે, જેમા મારા હિસાબે સમસ્ત સંસાર ની ઉલજન સુલજાવવાની ક્ષમતા છે, પણ જો સમજો તો.."શક્તિ ઔર ઉસકે સહી ઉત્તરદાયિત્વ સે હી સમસ્ત સંસાર કા સંતુલન હોતા હૈ." આમા સમસ્ત સંસારની વાત કરી છે, પણ આ જ વાત દરેક ઇન્ડિ વિઝ્યુઅલ ને એટલીજ લાગુ પડે છે.

બેક ટુ દિ પોઇન્ટ, કહેવાનું તાત્પર્ય એજ કે ઇવન ધો તમે બીજીવાર ના પ્રયત્ન માં પણ નિષ્ફળ થયા..આ લેખના નાયક ની જેમ..શું થયું..કરો ફરી પ્રયત્ન..પણ હા..જો આ નિષ્ફળતા ને જસ્ટિફાઇ કરવા માટે તમારી પાસે ઇનફ રિઝન્સ ની લિસ્ટ હશે તો તમે નેક્ષ્ટ ટાઈમ ના પ્રયત્નો માં પણ સો ટકા નિષ્ફળ જશો....!
ઉપરનું વાક્ય થોડું સ્ટરેંજફુલ લાગ્યું ને? પરંતુ આ એટલુંજ સત્ય છે જેટલું "વેનેવર આઈ ફાઇન્ડ દિ કી ટુ સક્સેસ; સમવન ઑલવેઝ ચેન્જીઝ દિ લૉક" આ વાક્ય યુઝલેસ કે મિનીંગલેસ છે. પોતાની નિષ્ફળતાનો અસ્વીકાર; એસ્કેપીઝમ છે...
જષ્ટ રિમેમ્બર, ઇવન ધૉ યૂ હેવ ફાઉન્ડ દિ કી ટુ સક્સેસ એન્ડ ઇફ લોક ઇઝ ચેન્જ્ડ બાઈ સમવન (અકોર્ડિંગ ટુ યુ) ધેન ફાઇન્ડ ધેટ 'સમવન'..સરપ્રાયઝીંગલી યુ વીલ કમ ટુ નો ધેટ સમવન ઇઝ નોવન બટ ઇટ્સ યુ..યોરસેલ્ફ...
યુ આર દિ ઓનલિ પર્સન રિસ્પોન્સિબલ ફોર એની કાઈન્ડ ઓફ સક્સેસ ઓર ફેઇલિયર. સો પ્લીઝ ડૉન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ એનર્જી એન્ડ ટાઈમ ફોર ફાઇન્ડિન્ગ અપ્રોપ્રીએટ રિઝનિંગ વિચ વુડ મે જસ્ટિફાઇ યોર ફેઇલિયર.
તમે પોતાની નિષ્ફળતા નો સ્વીકાર કરવા તૈયાર નથી તો સફળતાની તૈયારી શું ખાક કરી શકશો..! બીજીવાર ની નિષ્ફળતા મા પણ થોડી તો સફળતા હશે જ..છે જ.. કમ સે કમ પ્રિવીએસ ની નિષ્ફળતા ને તો સફળતા મા કન્વર્ટ કરી જ હશે. અને એમાં આવેલા નવા ચેલેનજીઝ મા નિષ્ફળ ગયા. કાંઈ વાંધો નહિ..બેટર લક નેક્સ્ટ ટાઈમ.
પણ હા..એક વાત નોંધનીય છે કે હતાશાનું પ્રમાણ ઓછું છે.આ વખતે એનો ખભો સમય ની સાથે એવો તો મજબૂત થઇ ગયો છે કે નવી આવેલી નિષ્ફળતાના ભારને  ઝૂરવી શકે. હવે આ વાત ને 'સફળ થયા' ની દ્રષ્ટિ એ પણ જોઈ શકો..આ પોઝિટિવ થિન્કિંગ ની વાત છે.
હમણાં પણ નિષ્ફળતા મળી છે પાછી, પણ હતાશા નથી.હતાશા નું સ્થાન નિરાશા એ લીધું છે. એકચુઅલી હવે તો એટલા કેપેબલ થઇ જવું જોઈએ કે નિરાશા પણ ન હોવી જોઈએ. પણ શું કરે..નાયક છે થોડો સેન્સીટીવ, સોફ્ટ હાર્ટેડ.. દુનિયા ને જે વાત નાની લાગે એ એના માટે બહુજ અગત્યની કે સિરિયસ મેટર ટાઈપ ની છે. એ કોઈ વાત ને સાઈડ પર મૂકી ને મેઈન વસ્તુ પર ફોકસ નથી કરી શકતો. જે થયું છે એની સાથે કે આસપાસ.. કેવી રીતે અવોઇડ કરી ને કરીઅર પર ફોકસ કરે બીકોઝ બીજી બધી વસ્તુ પણ એના માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એને એવું નથી આવડતું કે સપના સાકાર કરવાની દોડ મા, બાજુ મા આપણી સાથે ચાલી રહેલા, સાંત્વના દેનારા (કે ન પણ દેનારા) અથવા આપણી ઝિંદગી ના  'એઝ ઇમ્પોર્ટન્ટ એઝ આરસેલ્વઝ'  ને ઇગ્નોર કરી શકે.. એના દુઃખ, પ્રોબ્લેમસ્, એના થકી મળનારી ખુશી, ઉદાસી, ઇરિટેશન, અનફુલફીલ્ડ ઍક્સપેક્ટેશનસ્, અનઍક્સપેક્ટેડ ઉપકાર....., બસ બધું ભૂલી જાય ને ફોકસ કરે લાઈફ ને બેટર ટચ દેવા માટે..અરે લાઈફ ને બેસ્ટ બનાવવી જ છે તો ભાઈ તારા સગાં, શુભ ચિંતક, વ્હાલા..ઇન શોર્ટ વ્હુ કેર્સ ફોર યુ, વ્હુઝ લાઈફ, સમવેર ઑર સમહાઉ ઇઝ  અફેકટેડ બાઈ યુ.. એ તમામની સાથે વિતાવો..એફર્ટ કરો કે એ પર્સન ને ક્યારેય આપણા થી હર્ટ ન થાય..
ટેક કેર ઓફ ધોઝ પર્સન્સ એન્ડ લાઈફ વીલ ટેક કેર ઑફ યુ..!


ચિંતન રાજગોર.




----------------------------------------------------------------------------------------------------------------------------------


ચિંતન રાજગોર , ૨૪ વર્ષનાં છે અને કૅમિક્લ ઍન્જીનીઅર છે.  રિલાયન્સ રિફાઇનરી રિસર્ચ વર્ક , મુંબઇમાં જૉબ કરે છે. 
email id : prachin10@gmail.com 



યાદો રહી જાય છે ત્યાંની ત્યાં જ બધી ....

"યાદો રહી જાય છે ત્યાંની ત્યાં જ બધી ..."

~~: કુણાલ જોશી   :~~


ખુશનુમા સવાર ની એ આહલાદક્તા માં રસોડા ની અંદર થી કર્કશતા ભર્યો અવાજ આવી રહ્યો હતો ... "તું ફરી એકવાર વિચાર ને, હું કઈ રીતે આ બધું મેનેજ કરી શકીશ એકદમ થી, ક્યારેક તો મારી વાત સંભાળ, કાયમ આમ જ મને નજરઅંદાજ કરે છે તું ..

અરે તને કહું છું, સાંભળે છે કે પછી રોજ ની જેમ જ પેપર માં આવતા પેલા મસ્ત ફોટાઓ જોવામાં ખોવાયેલો છે ...


******************************************
She was smiling…
Though she was IGNORED…

She was working hard…
Though she was IGNORED…

She was hiding her tears…
Though she was IGNORED…

********************************************

અરે બાપા આ રહ્યો, અહીંયા જ માર્યો છું, શું છે રામાયણ તારી રોજ ની બોલ, એક ની એક કચકચ દરરોજ... સો વાત ની એક વાત ... આપડે જવાનું છે એ નક્કી છે ...હે ભગવાન, તું મારુ ક્યારેય માનતો જ નથી .. કાયમ મારી વાત ને ટાળતો ફરે છે. તારે તો ઠીક છે કે કહી દીધું કે આપડે જવાનું જ છે, પણ મારુ શું ? ...

મારી પણ કૈક જવાબદારી છે. તું અને હું એક સંબંધ થી જોડાયેલા છીએ તો એમાં હું ક્યાં છું .. બોલ ને હું ક્યાં છું ???

આ બધા સંવાદો ના કારણે એ આહલાદક વાતાવરણ ને છિન્નભિન્ન કરી નાખ્યું અને રોજ ની જેમ જ સવાર નું તાંડવઃ ચાલુ થયું. રસોડા માં વાસણ નો પછડાટ અને બહાર વગર કામની એક નાના છોકરા પર બૂમબરાડા. એ બાળક તો આજીજી સાથે રડી રહ્યો હતો કે બસ મમ્મી - પપ્પા બસ કરો ... ને આ બધું એકસાથે ગુંજી રહ્યું હતું ને બીજી બાજુ રેડીઓ પર ગયાં વાગી રહ્યું હતું .."એક બંગલા બને ન્યારા"

મારે નથી જવું અહીંયા થી, તું સમજ ને, મારી નોકરી, મારુ પગભર થવાનું સપનું, આપણા બાળક ની સ્કૂલ, તારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા, આ ઘર, એની સાથે જોડાયેલી આપડી યાદો, આ શહેર સાથે ની આપડી યાદો, .. શું આ બધું ભૂલીને એકદમ જતું રહેવાનું .. બસ આમ અચાનક બધું છોડી દેવાનું ...જ તું એકલો ... હું નહિ જ આવું ... હું આ ઘર .. આ શહેર નહિ જ છોડું ...

આજ બધું મગજ માં ચાલી રહ્યું હતું ને એ ઝબકીને જાગી ગઈ ને રૂમ ની સીલિંગ પર ફરતો નવો પાંખો જોતી રહી. વ્યાકુળ થઇ ને રૂમ નવા ઘર ના બેડરૂમ ની દીવાલો ને ભીની આંખે નિહાળી રહી ... બારી માંથી દેખાતા અજાણ્યા શહેર ના ટ્રાફિક ને જોતા જોતા ઉભી થઈને પછી રસોડા માં આવી ગઈ ...


****************************************************
She was accepting all the hatred…
Though she was IGNORED…

She was dreaming of her better future…
Though she was IGNORED…

She too wished to be pampered…
Though she was IGNORED…

She was trying to be Happy…
Though she was IGNORED

****************************************************

આવતા જતા રેજો ને વાંચતા રેજો બાપલીયા ...

મેમોરાઇઝ્ડ બેકઅપ્સ,
કુણાલ જોશી - ધી મનમોજી જીવડો 
લખ્યા તારીખ :- 19th September, 2016
kunal.joshi83@gmail.com 

યાદો ખખડાવે જયારે ઘરનું બારણું




યાદો ખખડાવે જયારે ઘરનું બારણું નસીબદાર છો, પાછા જવા માટે તમારા પાસે ઘર છે ! ~ સંકેત


એ દિવસ જરા સ્પેશ્યલ હતો પ્રાચી માટે. પપ્પાનો બર્થડે હતો. એ પપ્પા જેની ગોદમાં રમીને એ મોટી થઈ હતી. જેની આંગળીએ પહેલીવાર એણે ચંદ્ર જોયો હતો. એ પપ્પા જે એને ખભા પર બેસાડીને દશેરાનો સળગતો રાવણ જોવા લઈ જતા. એ પપ્પા જેણે એને સાઈકલ શિખવાડી હતી. એ પપ્પા જેણે ગણિતના દાખલા શિખવાડી શિખવાડીને એને પાસ કરાવી હતી. એ પપ્પા જેણે એની દીકરી માટે છોકરાં જોવાનું શરું કરી દીધું હતું. એ પપ્પા જેણે એને ગૌરવ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સમાજ શું કહેશે! એ પપ્પા જેને છોડીને એ ગૌરવ સાથે સાત વર્ષથી રહેવા માંડી હતી. એ પપ્પા જેણે સોગંદ ખાઈ લીધાં હતાં કે એ ક્યારેય વાત નહીં કરે પ્રાચી સાથે, મોઢું ય નહીં જુએ. જેણે પ્રાચીને કહી દીધું હતું કે એના માટે આ ઘરનો દરવાજો હંમેશ માટે બંધ છે. એ દરવાજો જયાં ઊભા રહીને એણે મમ્મીની રાહ જોઈ હતી. એ દરવાજો જેનો કિચુડાટ એને હજુય યાદ હતો. અને એ ઘર, એની ફર્શ જયાં એના ઘૂંટણ ચંપાયેલા, એ બારી જ્યાંથી એ ચંદ્ર જોયા કરતી, એ અગાશી જયાં ઊનાળામાં મમ્મી પથારી કરી આપતી, એ તારા જોતાં જોતાં સૂઈ જતી અને સવારનો સુરજ એને જગાડી દેતો અને નીચે જઇને ઘડિયાળમાં જોતાં હજુ સાડા છ માંડ વાગ્યા હોતા, એ ઘર જયાં શેરીમાં આવતાં શાકવાળાને ત્યાંથી એણે પહેલીવાર મફત કોથમીર લીધેલી, મમ્મી એ શીખવાડેલું ! પહેલીવાર લોહી જોઈને ગભરાઈ ગયેલી ત્યારે મમ્મીએ મનનો બોજ હળવો કરેલો, મમ્મીની રસોઈ શિખવાની જીદ સામે પપ્પાની લાડકી બનીને એ પોતાનું જ ચલાવતી, એ ઘર જયાં એનાં બર્થડે પર પપ્પાએ એને પિંક કલરની સાઇકલ લઈ આપેલી, અને એ શેરીની સહેલી જેની સાથે એ દિવસે એ ખરા બપોરે રખડેલી. એ ઘર જયાં મમ્મીએ કપાળ પર તાવ ઠારવા આખી રાત ભીના પોતા મૂકેલા, એ ઘર જે કૉલેજ જવા માટે એને છોડવું પડેલું, જયાં પાછા જવા માટે એ રાહ જોતી રજાઓની...પણ બધું બદલાઈ ગયું હતું. એ ઘરે એ હવે ક્યારેય જઈ શકવાની નહોતી. એ માહોલ, એ પગથિયાં, એ માણસો, એ ગલીઓ,સબંધો બધું હવે જાણીને ય અજાણ્યા કરવાના હતા.

"મમ્મી... બહુ ભૂખ લાગી છે..."
પાછળથી દોડીને આવતી પ્રાચીની નાનકડી દિકરીએ દફતર બેડ પર ફેંક્યું. ગ્રે કલરનું ફ્રોક, વ્હાઇટ શર્ટ, ચીપકવેલા વાળ, એ આંખો...પોતાની દિકરીને સ્કૂલ યુનિફોર્મમાં જોઈને એને પોતાની જ યાદ આવી ગઈ. દડદડદડ આંસુ ટપકી ગયા-ઓચિંતો વરસાદ આવે એમ!

"શું થયું મમ્મી? તું કેમ રડે છે?" દિકરીએ કૌતુકથી પૂછ્યું. આંસુંઓ રોકાતા નહોતા.

"કંઈ નહીં, ચાલ તારું લંચબોક્સ બતાવ, ખાધું'તું કે નહીં તે બપોરે!?" એણે મન માંડ વાળ્યું.
આ ય મારું જ ઘર છે ને! અહિં મારી દિકરી છે, ગૌરવ જેવો લવિંગ પતિ છે, સુંદર ઘર છે, ઠીક-ઠાક પૈસો ય છે, બધું સેટલ્ડ છે... પણ પછી પાછો વિચાર આવ્યો... પણ પપ્પાને શું વાંધો હતો! માની કેમ ન ગયા! કેમ !

પ્રાચીનો મોબાઈલ વાગ્યો, વિચારો તૂટ્યા, એ ઊભી થઈ, મોબાઈલની સ્ક્રીન જોઈ, એનાં શહેરનો કોડ નંબર હતો... એનો અંગુઠો આશા અને આશા તૂટવા વચ્ચે ગભરાયો થોડી સેકન્ડ, અને છેલ્લે સ્ક્રીન પર ફરતું લીલું ચકરડું એણે માંડ ખેંચ્યું, કાન માંડ્યા, અને સામેથી અવાજ આવ્યો,

"પ્રાચી..."
અને પ્રાચીનાં ગળામાંથી તીવ્ર રૂદન-ચીસ સાથે માંડ માંડ શબ્દો નીકળ્યા...
"પ...પ્પા...!!"

***

ઘર! ઘર શું હોય છે ઘર !? આપણું ઘર! આપણાં સંબંધો, પરિવાર, ભાવનાઓ, યાદો, માહોલ, વસ્તુઓ, ઘરની દિવાલો 'ને ઈંટો 'ને હવા 'ને ફર્શ... આ તમામનો સરવાળો એ તમારું ઘર છે. આ બધાંમાં આપણી આખે આખી જાત સંઘરાયેલી છે. ઘર એટલે એ જગ્યા જયાં આપણે જેવા છીએ, એવા છીએ! ઘર એટલે દર વખતે ખાસ અવાજ કરતો દરવાજો, ઘર એટલે આડાઅવળા ફેંકી દીધેલા ચપ્પલ, ઘર એટલે એ બારી જ્યાંથી તમારી નાનપણની કૌતુક આંખોએ પહેલી વાર ચાંદ જોયો હોય, ઘર એટલે એ ફર્શ જયાં ત્રણ પૈડાં વાળી તમારી સાઈકલના અદ્રશ્ય લિસોટા છે, ઘર એટલે દરરોજ તમારી પથારી પર આવતો તડકો રોકી લેતી મમ્મી, ઘર એટલે તમારા કપાળ પર કાયમી નિશાન બનાવી જતી ચોટની યાદ, ઘર એટલે મમ્મીને પાણીનો કરાતો ઓર્ડર, ઘર એટલે તમારી આળસ સંઘરી લેતી ચાદર, તમારું અસ્તવ્યસ્ત જીવન, ઘર એટલે પપ્પા સાથે મરાતો બજારનો આંટો, ઘર એટલે ભાઈબંધ સાથે ચાર વાગ્યાની ચા, ઘર એટલે વરસાદમાં પાણીએ નહાતું છજુ, ઘર એટલે સાતમાં ધોરણની મળી આવતી નોટબુક, ઘર એટલે ઉત્તરાયણની અગાશી, ઘર એટલે બાજુની ગલીમાં રમાતું હતુ એ ક્રિકેટ, ઘર એટલે ફેમિલી સાથે જોવાતું ટીવી, ઘર એટલે મમ્મીનાં હાથની રસોઈ, ઘર એટલે પપ્પા સાથેની ચર્ચાઓ, ઘર એટલે ભાઈ સાથેનું મુવી, ઘર એટલે તમારી નિશાળ. નિશાળે નહીં જવાના કજીયા, ઘર એટલે શેરીમાં બનેલાં ભાઈબંધ, ભાડે ફેરવાતી સાઈકલ, ઘર એટલે ખૂણા પરની પાનની દુકાન, ઘર એટલે તમે રવિવારે જતા એ ગાર્ડન, ગલીઓમાં ઝાપટતા એ નાસ્તો, ઘર એટલે નજીકની દુકાન જ્યાંથી મહેમાન માટે તમે આઈસ્ક્રિમ લાવેલા, ઘર એટલે આગળ ભણવા છોડી દીધેલું શહેર, નોકરીના ટેન્શનમાં રાહત આપતી ટેબ્લેટ, કોઈકવાર પાછા ફરો ત્યારે "તું તો ઓળખાતો ય નથી" કહેવાવાળા લોકો એટલે ઘર, જયાં તમને ચીન્ટુ, મોન્ટી, સોનુ, પીન્ટુ કહે એ લોકો એટલે ઘર, વાગેલી છરી પર લગાવાયેલી હળદર એટલે ઘર, ઘર એટલે કોઈ નવો પરિવાર બનાવવા તમે જેને પિયર કહ્યું એ જમીન 'ને જ્યાં તમારા બાળકોએ માટી ખૂંદી એ ફળિયું, ઘર એટલે તમારા પહેલા ક્રશનું શહેર! ઘર એટલે તમારી ગલીનાં કૂતરાં. ઘર એટલે જુના કામવાળા બહેન, ઘર એટલે તમારી પહેલી શેવિંગ, ઘર એટલે ગણિતનું ટ્યુશન, ટ્યુશનનાં ફેમસ સર, ઘર એટલે પાછળનું મંદીર, ઘર એટલે તમારા પાડોશી, સાઈકલના પેડલે ભૂલા પડી ગયેલાં એ ગલીઓ, ઘર એટલે તમારા પપ્પાનાં ભાઈબંધ, મમ્મીનાં માસીની દિકરી, ઘર એટલે તમારા શહેરનો ઇતિહાસ, ઘર એટલે તમે પેટ્રોલ પુરાવતા એ પમ્પ, ઘર એટલે તમારો જૂનો વાળંદ, ઘર એટલે "હવે ઘણું બધું બદલાઈ ગયું છે" કહેતો તમારા શહેરમાં રહેતો ફ્રેન્ડ, ઘર એટલે તમારા મૂળિયાં. ઘર એટલે માત્ર દિવાળી પર મળતાં ભાઈબંધ, ઘર એટલે તમારા ગામની બોલી 'ને તમારા ગામની ગાળો, ઘર એટલે તમારા મમ્મી પપ્પાનાં લગ્નનું આલ્બમ, લોખંડનો હવે ભંગાર થઈ ગયેલો કટાઈ ગયેલો પલંગ, એકાદ ભેજવાળી દિવાલ એટલે ઘર, પાછળ વગડાનો બાવળ એટલે ઘર. ઘર એટલે હાશ! ઘર એટલે નિરાંત!

 સર્વસામાન્ય નિયમ છે કે કોઈ ચીજ જ્યારે આપણી પાસે હોય ત્યારે એનું અસ્તિત્વ આપણું દિમાગ ફોર ગ્રાન્ટેડ લઈ લે છે, પણ જ્યારે એ ચીજનો અભાવ વર્તાય ત્યારે એની મહત્તા, એનાં હોવાની ઘટના એક અલગ આયામ અને આકાર લઈ લે છે. પછી માણસ એ નહીં હોવાની શક્યતાઓ પાર વધું ગાઢ વિચારો કરી શકે છે. એમ, ઘરની મહત્તા ઘરથી દૂર જાઓ ત્યારે સમજાય છે. હોમ-સિકનેસમાં કવિતાઓ લખાઈ જાય છે. સ્ત્રીઓ તો બબ્બે ઘરને બખૂબી જીવે છે. એની ભાવનાઓના કેનવાસ પર એ બન્ને ઘરની યાદો ચીતરી શકે છે. સરહદ પર બંદૂક લઈને ઊભેલા સૈનિકની આવી ભાવનાઓ ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. પણ પેલું કહેવાય છે ને લાઈફ ઈઝ અ બિચ્ ! ઉપર વાર્તામાં જે વાત છે એમ ક્યારેક આપણાં ઘર સાથેનો નાતો કાયમ માટે તૂટી જતો હોય છે. ભારત-પાકિસ્તાન પાર્ટીશન પછી કેટલાંય લોકોનાં મનમાં પોતાનું ઘર હંમેશ માટે સંઘરાયેલું હશે! અને જર્મની છોડીને ભાગતાં યહૂદીઓનાં મનમાં પણ! અને સંજાણ બંદરે આવેલાં પારસીઓનાં દિલોમાં પણ! તમારું નાનપણનું ઘર, તરુણાવસ્થાનું ઘર એ તમારા પહેલા સિરિયસ પ્રેમ જેવું હોય છે.જો તમારા પાસે પાછા જવા માટે ઘર છે તો તમે નસીબદાર છો. બાકી એ ક્યારેક બસ યાદો બનીને ઝહનમાં આંટો મારી જાય છે- જૂની પ્રેમિકાની જેમ!

 ***

એન્ટન ચેખવની એક વાર્તા છે, "વાંકા". એને ટૂંકાવીને જરા ફેરફાર સાથે અહીં લખી છે: નવ વર્ષના આરવને એ રાતે દાદાની બહુ યાદ આવતી હતી. આજે દિવાળી હતી. મમ્મી તો ક્યારે એને એકલો છોડી ગયેલી એ એને ખબર પણ નહોતી, બસ ધૂંધળૂ વહાલ યાદ આવતું. પણ દાદા સાથે ઉજવેલી દિવાળી આજે એને બહુ યાદ આવતી હતી. પોતાનું ઘર, ઘરનું ફળિયું, એની નાની સાઇકલ, ભાવતી મીઠાઈઓ, એના પ્રિય બિસ્કીટ, ફટાકડા બધું. ઘરથી દૂર એનાં નવા મમ્મી-પપ્પા સાથે એને જરાય ગમતું નહીં. અહિં એને ભાવે એ બિસ્કીટ પણ મળતાં નથી એમ નવા પપ્પાએ એને કડકાઈથી કહેલું, અને એકવાર નવી મમ્મીએ કહેલું કે આ તારું ઘર નથી. એને દાદાને કહેવું હતું કે અહીંથી લઈ જાય એને, પાછો ઘરે. એનાં ઘરે. કોઈકે કહેલું કે સંદેશો કંઈ એમનેમ ન પહોંચે, કાગળ લખીને કહેવું પડે! માંડ ઘરમાંથી જૂનો કાગળ ગોતી એણે છાનોમાનો દાદાને કાગળ પણ લખી નાખ્યો હતો મહામહેનતે, બસ નવા મમ્મી-પપ્પા આવે એ પહેલા પોસ્ટબૉક્સમાં એને નાખી આવવાનો હતો. આજે તો નાખી જ આવવો હતો. એણે કાગળની ગડી વાળી, ગડી ઉપર નખ ખેંચીને ધાર આપી અને કવરમાં કાગળ નાખીને દોડ્યો પોસ્ટબૉક્સ તરફ. લાલ પોસ્ટબૉક્સ બરાબર ઉપર ચમકતી સોડિયમ લાઈટમાં એને બરાબર દેખાયું, અને એ કવર અંદર નાખવા જ જતો હતો, ત્યાં એને યાદ આવ્યું, પેલા ભાઈએ કહયું હતું, કાગળ ક્યાં મોકલવો છે એ ય લખવું પડે એનાં પર! એને હાશ થઈ કે હજુ કાગળ નાખ્યો નહોતો. ફટાફટ પેન્સિલ કાઢી અને કવર પર એણે લખી નાખ્યું,
"To,
 મારા દાદા,
મારું ગામ."

 અને ખુશ થઈ દોટ મૂકી એણે. નવા મમ્મી-પપ્પા હજુ આવ્યાં નહોતા. એને હાશ થઈ. અને કાલ સવારની, નવા વર્ષની, દાદાની, રાહ જોતા જોતા એ શાંતિથી સૂઈ ગયો.


"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com


He Misses ....

He Misses
By ફરઝાના સિવાણી



14/09/16
Wednesday.



વ્હાલી સના ,

તું અને બસ તું ...

એક એક શ્વાસમાં શ્વસે છે તું ...આંખો ખુલી હોય કે બંધ બસ સતત તને જ જોતો હોવ છું ! મન સતત તારી ઝંખના જ કરે રાખે ... હાથની આંગળીઓનાં ટેરવાંઓ તો જાણે તને સ્પર્શવાં માટે તરસી ગયા છે ... તારા વાળની લટો સાથે મારી આંગળીઓની જુગલબંધી , તારી કાજળમઢી  આંખોની બેબાક શરારતો , તારા લલાટે ચમકતી નાનકડી સી બિંદીનો ચમકારો , તારા કાંડે ખનકતો રહેતો ઘુઘરીવાળો કંગન , તારા ફૅવરીટ જુહીના પર્ફ્યુમની ખૂશ્બુ ... કમરેથી વળીને સૅન્ડલનો બૅલ્ટ બાંધવાની તારી અદા અને આંખ મીચકારીને , દુપટ્ટો સીના પર ગોઠવીને મને પુછતી તું , " શું જુએ છે ? હુહ્હ્હ ! " 

જોયું ?  ધડકનનાં એક એક ધબકારે તું વસે છે .. તારું નામ ગુંજે છે મારા સ્મસ્ત અસ્તિત્વમાં !!! કહ્યું નથી તને ક્યારેય પણ એકોએક દીવસ , રાત તને જોવાની , તને મળવાની પ્રતિક્ષામાં જ ગુજરે છે ... તારો એક દુપટ્ટો મારા સિરહાને જ રાખ્યો છે અને જમતી વખતે દરરોજ પહેલો કોળિયો તારા નામનો ખાવ છું .. તારાથી દુર રહીને તારી આદતોમય , તારી પસંદમય થતો ગયો છું ...  તને લાગશે કે આજે હું આ બધું શું લખી રહ્યો છું પણ સના , તારા વગર મારું કોઇ અસ્તિત્વ જ નથી ! આમ તું આંખોથી દુર પણ સતત મારી જોડે અને આ જે અહેસાસ છે એ જ તો છે તારા ને મારા પ્રેમનું પ્રતિક !!!
દીવસો અને મહિનાઓ ભલે વહી રહ્યાં છે પણ તારા વગર કશું જ ગમતું નથી , કશે જ ગમતું નથી ... તું હોય તો બધું સરસ લાગે , બધું  મસ્ત લાગે !!!  જે રાતે તું સપનામાં આવે એ રાત ઉત્સવ જેવી અને દીવસ જલ્સા જેવો હો !!!  તારા શબ્દો જિજિવિષા અને તારા વિચારો પ્રેરકબળ બની જાય છે ....

તું અને તારા હાથની રસોઇ !!!  અહાહાહા હા ....  તું રોટલી કરે ને એની સુવાસથી જ મન લલચાવા લાગે , તારા હાથનો શીરો અને ભાખરવડી , મીઠી કઢી અને વઘારેલી ખીચડી , તલના લાડુ , બુંદીનું રાયતું અને ભરેલાં  મરચાં ! જો , કેટલો મિસ કરું છું !!!

તું બુમ પાડે , " અંગદ , "ચઆઆઅઆઅઆઆઆ?...."
અને હું કહું , " અહા, સના , ચા "

અલી ! મને ય ન્હોતો ખ્યાલ કે તું આ હદે મારી અંદર વસી ગઇ છે , સાચું જ છે કે વિરહ પણ જરુરી  છે !!  બસ હવે તું જલ્દી આવી  જા અને બસ આવી જ જા !!!!

બીજું કશું જ હાલ સૂઝતું નથી એટલે પેલી જમીનનું કામ હાલ આગળ વધ્યું નથી ... 
ચલ , તું તારું ધ્યાન રાખજે અને બસ સપનામાં આવજે હો , આજે જ !!!

ખુબ ખુબ વ્હાલ અને 
તારો અંગદ.



08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com 





આલ્કોહોલિક નહિ, ફોટોહોલિક હૈ હમ! - Guest Post By Bhavin Adhyaru

આલ્કોહોલિક નહિ, ફોટોહોલિક હૈ હમ! ~ ભાવિન અધ્યારુ

રાજકોટનું એક મલ્ટીપ્લેક્સ, સવારનો શો અને વિક્રમ ભટ્ટની કોઈ સસ્તી હોરર ફિલ્મ ચાલી રહી છે, કોઈ કિસિંગ સીન આવે એની રાહ જોઈને પબ્લિક બેઠી છે. ઓડિટોરિયમમાં મેક્સિમમ જનતા કોલેજીયન્સ છે કહેવાની જરૂર ખરી? આદત પ્રમાણે લોકો મોડા આવી રહ્યા છે, ટ્રેઈલર્સ શરૂ થયા અને હજુ લાઇટ્સ ઓફ નથી થઇ, ત્યાં તો ધડાધડ સેલ્ફીઝ લેવાઈ રહી છે અને ચેક ઇન્સ કરાઈ રહ્યા છે. ઈન્ટરવલમાં બાજુનાં સ્ક્રિનમાં લોકો થ્રિડી ફિલ્મ જોઈ રહ્યા હતા, એટલે ચશ્મા સાથે પિક લઇ ફેસબુક પાર ઇન્સ્ટન્ટ અપલોડ થઇ રહ્યા હતા, સાથે મોઢામાં માવો ચાવતા ચાવતા 'બ્રાડા-સિસ્ટા-યપ' વગેરે વગેરે લખાઈ રહ્યું હતું!


મને યાદ છે સમય હતો જયારે અમે દક્ષિણ ભારતમાં મૈસુર-મદુરાઈ-રામેશ્વરમ અને કન્યાકુમારી ફરી રહ્યા હતા, સાલ લગભગ 2000 ની. એક કેમેરો હતો જેમાં કોડેકનો રોલ હતો, ગણીને 36 થી 48 ફોટોગ્રાફ્સ પાડી શકાતા! એમાં પણ ફોટો લીધા પછી રોલ ફેઈલ જવાની, ફોટો બરાબર આવવાની પુરી શક્યતા રહેતી! ફ્લેશ હોવા હોવા છતાં અંધારામાં બિલકુલ બેકાર ફોટોઝ આવતા! ત્યારની લાઈફ શું ઓછી રસપ્રદ હતી? શું ત્યારે છોકરીઓ હોટ નહોતી? શું ત્યારે સારી વાનગીઓ નહોતી બનતી? શું ત્યારે લોકો ટ્રાવેલિંગ નહોતા કરતા? શું ત્યારે બર્થડે સેલિબ્રેટ નહોતા થતા? યસ, હા, બિલકુલ, બધું થતું!

બહુ જૂની વાત નથી, સમય ઝડપ થી બદલાતો ગયો. મોબાઈલ લોકભોગ્ય બન્યા, ઇન્ટરનેટ પા પા પગલી કરી ઝડપ થી પગપેસારો કર્યો, લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ બદલાતું ગયું! મિડલ કલાસનાં લોકો પણ હવે મોબાઈલમાં VGA (Video Graphics Array) કેમેરા વાળા ફોન રાખતા થઇ ગયા હતા. પછી તો પણ આઉટડેટેડ થયા, અને ક્રાંતિનું કેલેન્ડર એટલું ફાસ્ટ ફર્યું કે એટલી ઝડપ થી તો મનમોહન દેસાઈની ફિલ્મોમાં હીરો પણ મોટા નહોતા થતા! બહુ ઝડપ થી કેમેરાનાં મેગા પિક્સેલ વધતા ગયા, કોડેક પોતે ફડચામાં ગઈ હોવાથી બંધ થવાની દસ્તક પર હતી. 2012 પછી એક મોટો ટ્વિસ્ટ આવ્યો જયારે ફોનમાં ફ્રન્ટ કેમેરા ઉમેરાયો અને 'સેલ્ફિ' શબ્દ અસ્તિત્વમાં આવ્યો, એટલું નહિ પણ વર્ડ ઓફ યર જાહેર થયો.

હવે ફોટોગ્રાફ પાડવા સહેલા થઇ ગયા, ફેસબુક-વ્હોટ્સ એપ-ઇન્સ્ટાગ્રામનાં વાવાઝોડામાં ફોટોગ્રાફ્સ લેવા એટલા જરૂરી થઇ ગયા કે લોકો દરરોજ નાનામાં નાની વસ્તુનાં ફોટોઝ લેવા મંડ્યા! એક સમય હતો જયારે રોલનાં ફોટોઝની સંખ્યાની મર્યાદા હતી અને હવે ફોટોગ્રાફીનો ઓવરલોડ થવા લાગ્યો! ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર 'ઈટિંગ દાળભાત, વિથ 4 અધર્સ' સાથે ફોટો અને ટેગિંગનો આતંક શરુ થયો! લોકો પોતાનો હાથ આગળ લંબાવી જ્યાં ને ત્યાં સેલ્ફિ લેવા માંડ્યા! પોતાના પ્રત્યેનું વળગણ 'નાર્સીસિઝમ' ની હદ સુધી પહોંચી ગયું! કેટલાય લોકો છેલ્લા બે વર્ષમાં સેલ્ફી લેતી વખતે પોતાનાં જીવ પણ ખોયા, પણ સેલ્ફિ લેવાનો ક્રેઝ હજુ આજે પણ એટલો અકબંધ છે.

પ્રિયંકા ચોપરા પોતાનાં બંને હોંઠને આમ આગળ કરી ગોળ શેઈપ કરે તો સારી લાગે, 'પાઉટ' શબ્દ જેમાંથી અસ્તિત્વમાં આવ્યો મુદ્રા! જ્યાં ને ત્યાં છોકરીઓ હવે પાઉટ કરતી જોવા મળે, ત્યારે કસમ થી ગરમ ઈસ્ત્રી અડાડી દેવાની ઈચ્છા થઇ આવે! ઉત્ક્રાંતિમાં કાળ ક્રમે અમને એવું ચોક્કસ લાગે છે કે 200-300 વર્ષે લોકોનાં હાથ અત્યાર કરતા વધુ લાંબા થઇ ગયા હશે! વાત એવી છે કે સતત ફોટોઝ પાડવાની વૃત્તિનાં લીધે એનું મહત્વ ઓછું થઇ ગયું! એક જે ડોક્યુમેન્ટેશન વેલ્યુ જળવાતી હવે ઓછી થઇ ગઈ છે.

બાળકનાં દરેક એજ પર ફોટોઝ લેવાતા રહે કેટલી સરસ વાત કહેવાય, પણ તમે મેકડોનલ્ડ બર્ગર ખાવા ગયા હોવ અને આજુબાજુ લોકો એન્જોય કરવાનાં બદલે ફોટોઝ પડાવતા રહે, બહાર પેલો બાંકડા પર બેસેલો મેસ્કોટ રોનાલ્ડ મેકડોનલ્ડ સાથે એનાં ખભ્ભા પાર હાથ રાખી ફોટો પડાવતી છોકરીને મિડીયોકર કહી હવે કોઈ લગ્ન માટે ના પાડી દે એવું પણ બની શકે! બહાર ફરવા ગયા હોઈએ ત્યારે લોકો એક ફોટો નજીક થી પાડ જેથી પ્રોફાઈલ ફોટો તરીકે કામ લાગશે, એવું કહેતા જોવા મળે! તો બીજી તરફ ત્રણ થી ચાર દિવસની કોઈ મિની ટ્રિપમાં પણ આજકાલ 500 થી 700 જેટલા તોતિંગ ફોટોગ્રાફ્સ લોકો લઇ લે છે!

બાળકો માસુમિયત થી કહે છે કે અમે તો વૃક્ષારોપણ પણ ફોટો પડાવવા માટે કરીએ છીએ! કોઈ સેલેબ્રિટીને મળવાનું થયું તો એની સાથે ફોટો ક્લિક કરી કેવું સરસ માર્કેટિંગ કરી શકાય છે, ઇન્ફોર્મેશન ઓવરલોડ તો છે પણ ફોટોગ્રાફીનો પણ કેટલો તીવ્ર ઓવરડોઝ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ તો પોતે પોતાનાં પર ઓબ્સેસ્ડ થવા માટે સર્જાયું છે એમ કહીએ તો પણ ખોટું નથી! ફોટોઝ મુક્યા પછી પણ લાઈક અને કમેન્ટ આવવાની લાય પણ જેવી તેવી થોડી હોય છે?!

શું રોજ કમ સે કમ એક સેલ્ફિ લીધા વગર નથી ચાલતું? શું ફેસબુકનો ઉપયોગ તમે ફક્ત તમારા ફોટોઝ શેર કરવા માટે કરો છો? શું તમે તમારો ફોન તમારા ફોટોઝ પર આવેલી લાઈક કે કમેન્ટ જોવા માટે દર થોડી વારે ઓન કરી ખોલીને જુઓ છો? શું તમે ફરવા ગયા હોવ અને સારા ફોટોઝ આવે કે શેકી આવે તો ડિપ્રેસ્ડ થઇ જાવ છો? શું તમે તમારા ખેંચેલા ફોટોઝ એક થી વધુ વખત જોઈ શકો છો કે પછી ભૂલી જાવ છો? શું તમારી ફોનની ફોટો ગેલેરી દર થોડા દિવસે ખાલી કરવી પડે છે? શું તમે કપડાં ખરીદતી કે પસંદ કરતી વખતે પણ ફોટોગ્રાફ્સ કેવા આવશે ધ્યાનમાં રાખો છો? તો તમે હળાહળ ફોટોહોલિક વ્યક્તિ છો!! ચેતી જાવ બોસ, સેલ્ફ ઓબ્સેસ્ડ બની જાવ પહેલા! બહોત કુછ હૈ ઝમાને મેં ઇસ ફોટોઝ કે સિવા!

Facebook: facebook.com/bhavinadhyaru
Mobile: 99242 21237

******************************************

Bhavin Adhyaru
About Bhavin Adhyaru

ભાવિન અધ્યારુ વ્યવસાયે માર્કેટિંગ પ્રોફેશનલ પણ પેશન થી લેખક છે! 2009માં માત્ર 23 વર્ષની ઉંમરે 'સંદેશ' દૈનિકમાં દર બુધવારે 'યંગિસ્તાન' વિકલી કોલમ થી એમની રાઈટિંગ કરિયર શરુ થયેલી! જુનાગઢમાં જન્મેલા અને 2006 થી અમદાવાદમાં સ્થાયી થયેલા ભાવિન અધ્યારુનાં 'સંદેશ' અને 'ફૂલછાબ' દૈનિક, 'khabarchhe.com', 'મોનિટર' અને 'સાધના' જેવા મેગેઝિન્સ થઈને લગભગ 300 થી વધુ આર્ટિકલ્સ પ્રકાશિત થઇ ચુક્યા છે. પોતાને 'સવાયા અમદાવાદી' કહેતા ભાવિન, અભ્યાસ થી MBA  અને સતત નવા નવા દેશ-દુનિયાના ડેસ્ટીનેશન્સ પર ટ્રાવેલ કરતા રહે છે! કરંટ અફેર્સ, ટ્રાવેલોગ્સ અને સ્લાઈઝ ઓફ લાઈફ રોજિંદા વિષયો અને હોરર ફિક્શન સાહિત્ય લખવું એ એમની તાસીર છે!  એમનું સ્પષ્ટ પણે માનવું છે કે વાંચકો ની નાળ પારખો, એમને ગમે એવું લખો, ચોક્કસ ગુજરાતી ભાષા જીવવાની જ! વાંચકોનો પ્રેમ એ જ લેખક ની સાચી મૂડી છે! એમનાં સુધી પહોંચવા માટે bhavinadhyaru@gmail.com પર મેઈલ કરી શકાય છે!