મગજની માલીકોર મોજ



મગજની માલીકોર મોજ
~હાર્દિક વ્યાસ


આજે મગજની માલીકોર 'મ્યૂઝ'ના બદલે 'મોજ' વસી ગઈ છે. એટલે આ 'હાર્દ' હિટીંગના બદલે ગલીપચી કરવાના મૂડમાં છે. અંકિત ચીંધ્યા માર્ગે આસપાસની ઘટનાઓ કે સમાચારને થોડાં અલગ અંદાજમાં જોઈને ગમ્મત કરવાની કોશિશ છે.

Drawing By Rudra Vyas


હમણા થોડા સમય પહેલાં સમાચારમાં વાંચ્યું હતું, કે ગુજરાત સરકાર ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી માટે વિચાર કરી રહી છે. આ સમાચાર વાંચતાં જ આ કાર્યમાં આવી શકતી અડચણો અને આ સેવા શરૂ થયા બાદનાં સંભવિત દ્રષ્યો વિશે મગજ ગોટે ચડ્યું. (સ્વાભાવિક છે કે મગજ ગોટે જ ચડ્યુ હશે.. વિચારે ચડ્યુ હોય, તો કોઈ વાસ્તવિક-પરિણામ લક્ષી લેખ સર્જાય... આ લેખનું લખાણ મગજ ગોટે ચડ્યું હોવાની સાબિતિ આપે છે.)

સુચના :
1. આ લેખની તમામ વિગત ફાઈનલ એક્ઝામમાં આન્સર શીટમાં લખેલાં જવાબો જેવી કાલ્પનિક છે. એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

2. ગુજરાત સરકાર અને સરકારના વિચારાધીન પગલાંનું અમે સન્માન કરીએ છીએ. આ લેખની વાતો માત્ર રમૂજનાં દ્રષ્ટિકોણથી લખેલી છે.

3. આ લેખનો ઉદ્દેશ્ય માત્ર ગમ્મત કરવાનો છે. લાગણી દુભાઈ જતી હોય એમણે પોતાની લાગણીનાં જોખમે વાંચવું. અમારી જવાબદારી રહેશે નહિં. શક્ય હોય તો દિમાગને લૉક & કીમાં રાખીને વાંચવું.

જ્યારે પહેલી વખત ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી વિશે વાંચ્યું, ત્યારે જ દિમાગમાં સવાલ થયો (થાય સવાલ ક્યારેક-ક્યારેક.. એમાં બહુ ચિંતા જેવું નથી.) કે આ યોજનામાં સરકારને કેટલી અડચણોનો સામનો કરવો પડે એમ છે અને એક વખત સેવા શરૂ થઈ જાય પછી કેવાં કેવાં દ્રશ્યો સર્જાઈ શકે છે...

સૌ પહેલાં તો ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. સરકારી એર કનેક્ટિવિટીની સામે અહીં પ્રાઈવેટ એર ટ્રાવેલ્સ શરૂ થાય, તો હરિફાઈ નડી શકે છે.. અમારે ભાવનગરમાં જ 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ' અને 'ગધેડિયા ટૂર્સ' નામની ખાનગી સેવાઓની વાત સંભળાય છે.

ગુજરાતનાં રસ્તાઓ પર (હા, ભાઈ હવામાં.. બસ ખુશ!!) વિમાન ઉડાડવાનું હોય, તો ડાઈવર (ડ્રાઈવર) અને કલીન્ડર (ક્લીનર અથવા મદદનીશ ડ્રાઈવર) ગુજરાતી જ રાખવા પડે અને એમને કન્ટ્રોલ કરવા માટે હવામાં ટ્રાફિક કન્ટ્રોલ પોઈંટ પણ મૂકવા પડે. માણસોનો પ્રશ્ન નથી. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. એટલા ઉંચે સિગ્નલ કેમ મૂકવા એ પ્રશ્ન છે.

અહીં ગુજરાતમાં 'માવો' વાદીઓનો બહુ ત્રાસ છે. એમને કોઈ પણ વાહનમાં મુસાફરી દરમિયાન બારી ખોલીને માવાની પીચકારી મારવી હોય છે. એ માટે સરકારે કોઈ વ્યવસ્થા કરવી પડશે.

AC નહિં હોય તો ચાલશે પણ અહીંની પ્રજાને વિમાન વિડીયો વાળા જોઈશે.

હવે થોડા દ્રષ્યો જોઈ લઈએ...


1. સ્થળ : ભાવનગર

પતિ : આપણે અમદાવાદ જવાનું છે ને.. હું 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ'ની ટિકિટ લઈ આવ્યો.
પત્ની : કેટલું ભાડું છે?
પતિ : 350 રૂપિયા
પત્ની : ગધેડિયા ટૂર્સ વાળા 300 રૂપિયામાં લઈ જાય છે.
પતિ : જય ખોડિયારનાં વિમાન AC હોય છે. 50 રૂપિયા વધારે અપાય AC મળતું હોય તો.

2. સ્થળ : તમને ઠીક લાગે એ..

ભગો : ગધેડિયા ટૂર્સની ટિકિટ લે જે.
ગગો : કેમ? જય ખોડિયારનાં વિમાન AC હોય છે.
ભગો : એ માવો થૂંકવા માટે બારી ખોલવા નથી દેતા..

3. સ્થળ : રસ્તાની એક હોટલ

GJ 2 ભાઈ 1 : હવ .. ગધેડિયાનોં વિમોનમોં આવ્વુ જ નહિં.
GJ 2 ભાઈ 2 : ચ્યમ લ્યા?
GJ 2 ભાઈ 1 : ચ્યવી હોટલમોં પ્લેન રાખ્યુ શ? ઈ ની બુન ન.. ચ્હા શ ક પોણી એ નહિ હમજોતું..
(GJ 2 = મહેસાણા)

4. સ્થળ : સુરત અને ભરૂચની વચ્ચે

સુરતી પેસેન્જર : બેન@#.. મેં જોઉં છું.. કલ્લાકથી એમ જ ઊભલો છે. ટો ટને કેઉં કે ટુ વિમાન ચલાવટો છે કે બડડગાડું.. હેં.. @#$%
સુરતી ડ્રાઈવર : બેહી રે ની છાનોમાનો @#$%... જોટો નઠી.. નર્મડાનો ટ્રાફિક જામ છે... @#$


"હાર્દ" ટીખળ :

ડ્રાઈવર વિમાનમાં પમ્પથી હવા ભરતો હતો..

કન્ડક્ટર : કેમ હવા ભરો છો? આ વિમાન છે.. હવા ભરવાથી ન ચાલે..
ડ્રાઈવર : અરે.. હવા ભરવાથી ભલભલા માણસ ચાલે છે.. આ તો મશીન છે.. ચાલે જ.. 110% ચાલે..



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 22/09/2016
e-mail id : haardhits@gmail.com


Share this

19 Responses to "મગજની માલીકોર મોજ"

  1. Hahahahaaaaa super duper laughter .... 👍😝😂😂😂

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. જોરદાર હો ભાઈ ... મગજ મા ખાલી ચડી ગયેલી એ સરખી થઈ ગઈ

    ReplyDelete
  4. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. મજાક મજાક માય પિન મારી ગયા તમે..awesome..maja padi gayi

    ReplyDelete
  5. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. મજાક મજાક માય પિન મારી ગયા તમે..awesome..maja padi gayi

    ReplyDelete
  6. હા હા હા
    મસ્ત અદા .મજા આવી ગઈ..

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete