Guest Post પ્રેમ – ખુદાના ઘરનું સરનામું ! By Abhishek Agravat



 પ્રેમ – ખુદાના ઘરનું સરનામું ! By Abhishek Agravat



કહેવાય છે કે આ જનરેશન પાસે સૌથી મોટો પ્રશ્ન રિલેશનશીપનો છે.  પ્યારને ઘડીભર બાજુએ કરીને લગ્નને કેન્દ્રમાં રાખીને ટૂંકી વાત કરીએ તો ધડાધડ છૂટાછેડા થવા માંડે એવો ઘાતક આ યુગ નથી પણ હા, સંબંધની મીઠાશની આવરદા ફટાફટ ઘટવા માંડે એવો સમયગાળો તો આ ચોક્કસ છે. માણસ એના પ્રિયજનથી કંટાળે એ સૌથી વધુ કાંટાળી લાગણી છે. સ્વજનોની આખી બિરાદરીને નજરઅંદાજ કરી ઉમળકાભેર અને ઝનૂનભેર પરણતાં બે લવબર્ડસ વધીને બે વર્ષમાં લવ-વધ કરવા માંડે છે. શા માટે ? પ્રેમ અગર ખુદ વિરહના શૂળના અનુભવ આપતો અહેસાસ છે તો પછી આપણે સતત જોઇએ છીએ એવા આ એકબીજાને શૂળીએ ચડાવી દેવા સુધી પહોંચતા લોકો શું કરી રહ્યાં છે ? આમાં પ્રેમ ક્યાં છે ? ન્યોછાવર થઇ જવું અગર મહોબ્બતનો મિજાજ છે તો શા માટે પ્રત્યેક લવસ્ટોરી એક મેરેજસ્ટોરી બનવાના મકસદથી જ આગળ વધે છે ? ફક્ત પ્રેમ ન થઇ શકે શું ? બેવજહ...બેમતલબનો....બેમિસાલ....ફક્ત પ્રેમ !  
      
મજાની અને એથી વિશેષ મુશ્કેલીની વાત એ છે કે અહીં સૌનો પ્રણય પરિણયના મુકામ સુધી પહોંચવા માટે પાંગરે છે. સંપર્કો થાય, મુલાકાતો ગોઠવાય, માદક સ્પર્શ થાય, આલિંગનોનો એખલાસ થાય,ચુંબનોના ચાઠાં ઉપસે અને એના રોમાંચ થાય,મીઠા વિવાદો,સુંવાળા મેસેજીસ, થોડા વેવલાંવેડાં અને વધુ વેવારિક થઇ છેવટે બંનેના ઘરમાં વાત રજૂ કરી કોઇપણ હિસાબે લગ્નગ્રંથિથી જોડાય જવું એ મોટાભાગની કહેવાતી પ્રેમકહાનીઓનો સેન્ટ્રલ થીમ છે. 

પ્રેમનો સાચો પરિચય જ ત્યારે થાય છે જ્યારે સંપર્ક અટકે છે. સહવાસ ક્યારેય પ્રિયજનના હોવાપણાંની કદર ન કરાવી શકે. હર્દયને એવી ભનક અનુભવાય કે હવે એનો ચહેરો જોવાની તકો પણ નહીવત છે ત્યારે ખરેખર વિશ્વભરના તમામ સુંદર ચહેરામાં પ્રિયજનનો ચહેરો મહેસૂસ થાય છે. માણસને દરેક આદત,વ્યસન, શોખ,કાર્ય,રિએક્શન,એક્શન અને ઇવન ફિક્શનમાં પણ એનો જ અહેસાસ અનુભવાય છે જે હવે સાથે નથી અને છતાં દૂર છે એવું સ્વીકારી પણ શકાતું નથી. પ્રેમ અહેસાસ છે,સાહેબ ! એને જીવવાનો હોય. એને જીરવવાનો હોય. એને જીલવાનો હોય. એને જકડી ન શકાય. પ્રેમનો માંડવો તનહાઇના ત્રિભુવનમાં રોપાતો હોય છે. અને એની સપ્તપદી સ્વયમ શામળા ગિરધારીના વરદ મુખેથી થાય છે. એક સાદી સમજ આપવાની કોશિશ કરુ..... તમે એવી કલ્પના કરી શકો છો કે એક સાદી સીધી વ્યક્તિને ચાહવાથી તમને ખુદાની બંદગી કબૂલ થયાની અનુભૂતિ થવા માંડે ! એક સામાન્ય છોકરીને આલિંગન કરતી વખતે થાય કે શરીરનું નિર્વાણ થઇ રહ્યું છે અને દેખાતી નથી પણ હયાત છે એવી ઇશ્વરીય ચેતનાનો સ્પર્શ થઇ રહ્યો છે ! એના હોઠ ચુમતી વખતે જાણે રોમ રોમમાં ક્રિષ્ન રાસ રમતો હોય એવા અદભૂત આનંદનો અહેસાસ થાય ! જો ના, તો પ્રેમની વાતો કરવી બરાબર છે....તમે હજુ પ્રેમને ઓળખી શક્યા નથી. અને જો હા, તો બાકી બધી લપ છોડો....તમે પ્રેમી છો. હા,તમે પ્રેમી છો. 

પરમ આહલાદિની શક્તિ તરફ મુખર કરતી સફરનું નામ પ્રેમ છે. પ્રેમ તળાવ નથી,પ્રેમ મહાસાગર છે. પ્રેમ કલ્પ નથી,કલ્પવૃક્ષ છે. પ્રેમ આપણા જ જેવી એક વ્યક્તિ તરફના અનુરાગથી શરૂ થઇને સમગ્ર વિશ્વ તરફ અનુગ્રહ કરતાં પરમતત્વના દિદાર કરવા બેકરાર કરતી આજીવન ચાલતી એક અવસ્થા છે. કરૂણતા એ છે કે આપણે ત્યાં પ્રેમની આવી વાતો લોકોને આધ્યાત્મિક લાગે છે. હમણાં કોઇની સુંવાળી કમ્મર,કાનના ઝુંમર કે સોળ વરસની ઉંમર પર કોઇ વાત કરે તો એ સ્વાભાવિક લાગે છે. હા, આવેગો પ્રેમના પ્રવાસનો અનિવાર્ય મુકામ છે. શરીરની ભૂખ સંતોષ્યા વિના મનની તરસ નહી છીપાય એવું તો રજનીશ પણ કહેતાં ગયા. પણ ત્યાં અટકી જવું એ બીજું કંઇપણ હોય શકે,પ્રેમ નથી. બેડરૂમમાં જઇ ત્વચાની આરાધના કરતો માણસ એવું વિચારતો જ નથી થયો કે ત્વચાની નીચે માંસ અને હાડકાના સ્તર છે અને એને પાર કરતાં એક મુલ્ક આવે છે જેને રૂહ કહે છે. રૂહ સાથે મોટાભાગના લોકોનો સંવાદ ક્યારેય થતો જ નથી અને આયુષ્ય પૂર્ણવિરામની ઘોષણા કરી દે છે. આપણે સૌ સતહી-ઉપરછલ્લું-ચામડી પરનું જીવીને જતાં રહીએ છીએ....એ અનુભવ લીધા વિના કે ઉમ્રના ૫૫ વર્ષ સુધી સેક્સ કર્યા પછી પણ ભૂખ તો કાયમ જ રહી તો આજીવન કર્યુ શું ? શરીર મંગલાચરણ છે....પ્રેમતત્વનો અસલ અનુભવ કરવા માટેનું !   

લગ્ન અને શારિરીક સુખ પ્રેમના મુકામો હોઇ શકે,મંજીલ નથી મને બસ આટલી સમજ છે. મહોબ્બત મને અતિશય ગમતો શબ્દ છે. અને મારી માન્યતામાં મને લાગે છે કે મહોબ્બત ખુદ એના અર્થમાં પ્રાર્થના છે. પ્રાર્થના પોતે એક વિશાળ અર્થ લઇને બેઠી છે. એને ગિલા-શિકવા, અપેક્ષા અને આક્ષેપોના ચોકઠાંમા રહેંસી ન નાંખો. અનુભવો....! જેને ચાહો છો એ વ્યક્તિના સાંનિધ્યને એ રીતે સંવારો કે જ્યારે તમે બંન્ને તમારા એકાંતમાં તલ્લીન હો ત્યારે તીર્થ રચાતું હોય. આલિંગન વનરાવનની રાસલીલાનું દર્પણ બને અને નખ અને દાંતના દસ્તાવેજો શિવ તાંડવના અવશેષો. જમાવટ એની એ જ છે...આવેગોની, બસ નઝરિયો બદલીને જીવવાની વાત છે.

મને લાગે છે આપણે બંન્ને આલિંગનમાં રમમાણ હોઇએ છીએ ત્યારે
આકાર લેતાં આપણા શરીરોની અણસાર ખુદાના ચહેરા જેવી રચાય છે ! 

Abhishek Agravat