Expressions of Life: ચાર લઘુકથાઓ


Expressions of Life: ચાર લઘુકથાઓ 
~ સંકેત વર્મા 

૧. હાશ !

એણે જ ફોનનું લાલ બટન દબાવી દીધું. 
ફોન કદી ઉપાડશે જ નહિ. અને ટાઈમ પર આવશે નહિ. બસ, હું આવી જઈશ, હું આવી જઈશ કહ્યે રાખશે. રોજે રોજ હું કહેતી ય નથી. આજે ઍનિવર્સરી છે. 10 વર્ષ પૂરાં થયા છે. છતાં આજનો દિવસ એના માટે તો કઈં સ્પેશ્યલ છે જ નહિ. બસ એક સવારનું સૂકું 'હેપ્પી ઍનિવર્સરી' અને 'આઈ લવ યુ'. 
આવી હોય મૅરિડ લાઈફ!? ટેવાઈ જવાની, વધુ પડતા પરિચિત થઇ જવાની, કૅરલેસ થઇ જવાની. પ્રેમમાં ય આળસુ થઇ જવાની...ખબર નહિ પ્રેમ છે કે નહિ. બસ ટેવ પડી ગઈ છે કદાચ. એવું તે શું કામ છે! એક દિવસ...એક દિવસ ન નીકળે!?
કહેશે તમારા માટે જ કરું છું ને...પણ મારા માટે માત્ર કામ જ કરવાનું છે? પૈસા જ કમાવાના છે? દોઢ કલાક થયો! કોઈ ફોન નહિ, ન તો મેસેજનો રિપ્લાય...
ડોરબેલ વાગી અને એના વિચારો અટક્યા. 
હાશ ચલો આવ્યો. એણે દરવાજો ખોલ્યો.
અને સામેવાળા પાડોશી દેખાયા!
"અરે ભાવના, નીચે ચાલ જલ્દી, બાજુવાળા કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે અહીં નીચે જ રોડ પર. 108 બોલાવી છે!"
રસ્તા પર 108માં લઇ જવાતું લોહીથી રંગાયેલું, ચગદાયેલું જડ શરીર બધા જોતા રહ્યા. 
ત્યાં જ ભાવનાના ખભે પાછળથી કોઈ એ હાથ મુક્યો, "શું થયું?!"
અને ભાવના એને ચસોચસ ભેટી પડી. આંખ કચકચાવીને મીંચી દીધી અને એનું એક આંસુ ગાલ પરથી સરકીને એના ખભા પર પડ્યું અને શર્ટના કાપડમાં શોષાઈ ગયું. 


૨. વનિતા

"પણ વનિતા, આમ ક્યાં સુધી ચાલશે! એક દિવસ તો તારે ઘરે કહેવું જ પડશે આ બધું!" માનુષીએ કહ્યું. 
"અત્યારે નહિ," વનિતાએ જવાબ આપ્યો, "રાઈટ ટાઈમે બધું કહીશ."

માનુષી અને વનિતા પાક્કા ફ્રેન્ડ્સ હતા. નાનપણથી જ. એક જ શહેરમાં, એક જ સ્કૂલમાં અને હવે એક જ કૉલેજમાં. કૉલેજના છેલ્લા દિવસો હતા અને વનિતાના મા-બાપ એને પરણાવવા ઉતાવળા હતા. માંગા આવ્યે જતાં હતા. પણ વનિતા કોઈકના પ્રેમમાં ક્યારનીય ભીંજાઈ ચુકી હતી અને એ બેમાંથી કોઈ કોરા રહીને જિંદગી સુકવી નાખવા માંગતા નહોતા.  એટલે જ માનુષી વનિતાને આ બધા વિષે ઘરે વાત કરી દેવાનું કહ્યા કરતી. 

"રાઈટ ટાઈમની રાહ જોવામાં સમય સરકી જશે હાથમાંથી. સાચો સમય આજે જ છે, અત્યારે જ, રાઈટ નાઉ!" માનુષીએ કહ્યું, "તારામાં હિંમત ન હોય તો હું વાત કરું અંકલ-આન્ટીને.."

"ના! તું વચ્ચે ન આવીશ. બધું બગડી જશે! ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ફોર મી.  તું મમ્મીને જાણે છે ને! અને આ વાત તો એવી છે કે કોઈપણ મા-બાપ..." આગળ બોલવાની જરૂર નહોતી. 

એ દિવસે સવારમાં વધુ એક માંગુ આવ્યું હતું. વનિતા સવારથી પપ્પાને ટાળી રહી હતી. એ બસ ઘરના દરવાજાને ખોલી જ રહી હતી, ત્યાં પપ્પાએ કહ્યું,
"વનિતા, રાહુલ નામ છે છોકરાનું." 
"પપ્પા, મારે તમને બેય ને કઈંક કહેવું છે...મમ્મી..." એનામાં ઓચિંતા જ હિંમત આવી ગઈ અને હવે એ પાછી પાની કરવા માંગતી નહોતી. 
"હા, બોલ ને," મમ્મીએ રસોડામાંથી બહાર આવતા આવતા જ કહ્યું. 
"મારે આ કોઈ છોકરાઓ સાથે લગન નથી કરવા." વનિતાએ કહી દીધું. 
"લગન નથી કરવા! આ શું!" પપ્પાએ જરા આશ્ચર્યથી પૂછ્યું. 
"મને કોઈ બીજું ગમે છે," એ નજર નીચી રાખીને બિન્ધાસ્ત બોલતી ગઈ. 
"બીજું કોઈ ગમે છે!?! શું બોલે છે તું!" મમ્મીએ નજીક આવી એનું બાવડું ઝાલીને પૂછ્યું, "કોણ છે એ? કોલેજનો જ હશે કોઈ! આ જુઓ પહેલથી જ કહેલું, છોકરીની જાત છે, આટલી આઝાદી ના આપો, પણ અમારું સંભાળે કોણ..." ચાલુ રહી ગયેલા નળની જેમ એના મોમાંથી ખીજ નીકળવા માંડી, "બહુ શોખ હતો ને! માલી દીકલી, માલી દીકલી કરતા'તા! ભોગવો હવે...અરે કોણ છે એ?! બોલ તો ખરા!" 
"એક મિનિટ શાંતિ રાખને તું!" પપ્પાએ પ્રવાહ તોડીને જરા નરમ અવાજે વનિતાને પૂછ્યું, 
"બોલને બેટા, કોણ છે? સારો છોકરો હોય તો મને વાંધો નથી!"
"હા, બોલ કોણ છે!? શું છે નામ?!" મમ્મીએ પૂછ્યું. 

"માનુષી." 
વનિતાએ નામ કહી દીધું અને બધાં સવાલો અટકી ગયા.  


૩. તક
  
દૂર દિવાદાંડીની લાઈટ ઝબૂકતી હતી. ખારો પવન એની લટોને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. એ કિનારે બેઠી બેઠી દરિયાનો ઘૂઘવાટ સાંભળી રહી હતી. 
શું રહ્યું હતું જીવનમાં! બાપને એ છોડીને આવી હતી, પ્રેમીએ તરછોડી દીધી હતી. ગામ આખું ત્રાસી નજરે જોયા કરતું અને પીઠ પાછળ બોલ્યા કરતું. છીનાળ છે, ચાલું છે, રાંડ છે...
કોને સમજાવે એ! બાપને સમજાવી શકી નહિ અને પ્રેમી સમજ્યો નહિ એને. એને થયું એ બહુ ખુશ થશે સાંભળીને કે એ બાપ બનવાનો છે. પણ એણે તો અંદર ઊછરતા પ્રેમને કોઈકનું પાપ કહી દીધું. કેટલું આસાન હતું એના માટે! ખરેખર તો એ પોતે જ કોઈને સમજી શકી નહોતી. પોતાની જાતને ય નહિ. બધું મુગ્ધાવસ્થાની મૂર્ખાઈમાં તબાહ થઇ ગયું હતું. હવે બસ એકલતા રહી હતી, ચુપકીદી રહી હતી અને અંદરથી ચીરી નાખતી શાંતિ રહી હતી. લોકોની કૂથલી સાંભળી લેવાની, નાલાયકી સહન કરી લેવાની, અંદર ઉછરતા 'પાપ'ને પેટમાં પાળવાની ટેવ પડી ગઈ હતી. બધું જ અંદર ઘૂંટાયા કરતું હતું વિના અવાજે, વિના વિરોધે. એને ડર લાગતો, આ પેદા થનાર સાથે ય દુનિયા આવો દગો કરશે તો! કે આ પેદા થનાર પોતે કોઈ સાથે આવું કરશે તો! રોજ રાતે સમુદ્રકિનારે આવીને એ જીવવા અને મરવાનું નક્કી કર્યા કરતી. 
એણે પોતાના પેટ પર હાથ મુક્યો, ઘડીક અટકી અને પછી ચાલવા માંડી સમુદ્ર તરફ. લહેરો વચ્ચે. એ ચાલતી ગઈ અને સમુદ્ર એને ઘેરતો ગયો, ફંગોળતો ગયો. અને એક ક્ષણે દરિયાની અસિમિત ખારાશ એ ગળી ગઈ અને બધું જ પહેલાં કરતાંય વધુ શાંત થઇ ગયું... 
...દરિયાનો ઘૂઘવાટ સંભળાઈ રહ્યો હતો, આજુબાજુ કેટલાય લોકોનો કોલાહલ હતો. એનું શરીર દરિયાની રેત પર સળવળી રહ્યું હતું, કેટલાક મદદગારો એના બાવડાં ઝાલી રહ્યાં હતાં, દૂર ક્ષિતિજે સૂર્યોદય થઇ રહ્યો હતો, એની અધખૂલી આંખોમાં એની ચમક હતી, હોઠ પર જરા હિંમતભર્યું સ્મિત હતું, દરિયાએ એને કાનમાં કહ્યું હતું,
"મેં તારી કૂખમાં તોફાન મૂક્યું છે!


૪. ડર

એ રૂમમાં દાખલ થયો. દરવાજો બંધ કર્યો. 
ઘરની એકમાત્ર ખુલ્લી બારીમાંથી સામે પડેલું રાઇટિંગ ટેબલ સ્પોટલાઇટમાં ચમકતું હતું. એ ચેર પર બેઠો, પેન હાથમાં લીધી અને કાગળ પર અક્ષરો માંડવાનું શરુ કર્યું. 
કાગળ અને પેન ખરખર અવાજ કરવા માંડયા. જાણે કોઈની જિંદગીની ગોસિપ. શબ્દો એક પછી એક કાગળ પર ઉતરવા મંડ્યા. અને પછી સતહ છોડી હવામાં ઊડવા લાગ્યા. શબ્દોને પકડવાની કોશિશ વ્યર્થ હતી. 
એનો 'હું' કાગળને છોડીને હવામાં ઓગળવા મંડ્યો. આકાર બદલવા મંડ્યો, શાહી ધુમાડો બનતી ગઈ. કાળો રંગ સફેદી પકડવા માંડયો.  એ જેમ જેમ લખતો ગયો, એનું બચપણ, તરૂણાવસ્થા, જવાની બધું કાગળ છોડીને હવામાં ફેલાતું ગયું. બધા રંગો ઊડી ગયા હતા. માત્ર બે જ રંગોની દુનિયા રહી ગઈ હતી. શબ્દોનો કાળો રંગ 'ને ધુમાડાનો સફેદ! ઘર આખું એ ધુમાડાથી ભરાઈ ગયું હતું. એની જીવેલી જિંદગીનો ધુમાડો! એનો દમ ઘૂંટાવા લાગ્યો. પણ એ લખતો રહ્યો. બારીમાંથી અમુક લોકો જોઈ રહ્યા હતા કે આ શાનો ધુમાડો છે? હવે તો કાગળ સળગી રહ્યો હતો. અને પેને પણ આગ પકડી લીધી. પેન ઓગળીને આંગળીઓને દઝાડવા માંડી. ચામડી કાળી પડવા માંડી અને પછી હાથ સળગવા માંડયો. પોતાની જિંદગીની વાત કહેવામાં લોહી બાળીને રાખ પેદા કરવાની હતી. હવે એનાથી સહન ન થયું. પડતો,આખડતો, ખાંસતો, ઘૂંટાતો એ ખુરશીમાંથી ઉભો થયો અને જલતા બદને ઘરની બધી બારી અને બારણાં ખોલવા મંડ્યો. બધો ધુમાડો ઘરની બહાર ફેલાતો ગયો. આસપાસ કોઈને ખાંસી આવવા માંડી 'ને કોઈ વળી ધુમાડાની સુગંધ લેવા લાગ્યું. કોઈને બસ શું સળગી રહ્યું છે એ જોવામાં મજા પડી ગઈ! સળગતા શરીરને જોવા દુનિયા હંમેશા ભેગી થાય છે. જીવતું હોય તો તમાશો અને મરેલું હોય તો ચિતા! એ જલતો રહ્યો...જલતો રહ્યો...વિતેલા વર્ષો ફરી જીવવા...એ ખુશી અને એ પીડા અને એ પ્રેમ અને પૂર્વગ્રહો અને ગુનાહો અને મિત્રતાઓ અને દુશ્મનાવટો, એ નિરાશા, એ આશા, બધા સુખો ને દુઃખો, એ હોંસલો, એ વિશ્વાસઘાત, પડી ભાંગતી અને લડી લેતી જાત, છેતરાઈ જતી અને છેતરી લેતી જાત... એ બધું રાખ અને ધુમાડો કરીને, ફૂંક મારીને ફેલાવવું...કઠિન હતું...

...અને એની આંખો ખુલી ગઈ, અંધારા ઓરડામાં પીળો બલ્બ ઝટ ઝબૂકે એમ. એણે બાજુમાં પડેલો ફોન ઉઠાવ્યો. પબ્લિશરનો બે દિવસ પહેલાનો મેસેજ ફરી વાંચ્યો,

"So what u thought? Ur autobiography will be a sure hit! Ur readers r waiting... M sure u r in."


એણે રીપ્લાય પર ટેપ કર્યું, અને એની આંગળીઓ, જેમાંથી હજુય સળગેલા માંસની વાસ આવતી હતી, Y અને N પર ધ્રુજતી રહી !


(કપ્સ ઑફ ટી by સંકેત વર્મા, 14/06/16, varmasanket1987@gmail.com)

Share this

9 Responses to "Expressions of Life: ચાર લઘુકથાઓ "

  1. No 4 ke no 2 manthi kai vadhare gami e nakki nathi kari sakti, Sanket... Btw I liked the name 'Cups of tea'! :)

    ReplyDelete
  2. Writing saru che j.
    Subjects typical lagya, stories mate.
    Tara field ni story banav, bija koi tech field ne vishay banav, maja avse :)
    Best luck

    ReplyDelete