Guest Post by Abhishek Agravat ..... ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....



ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....-Abhishek Agravat  
·   
રખડવું યુવાન જીવના શોખમાં હોય છે. બાળપણના માસૂમ દિવસોમાં થતી રખડપટ્ટીનું ક્ષેત્રફળ વધીને બાજુના મહોલ્લાં સુધીનું રહેતું. રસ્તો ભટકેલું કૂતરું બીજા વિસ્તારમાં જઇ ચડે અને ત્યાં જ જન્મેલાં અને જવાન થયેલાં અને પોતાની ધાક જમાવીને બેઠેલા કૂતરાંઓના હાવભાવ જોઇને જે એની હાલત થાય તે જોવા જેવી હોય છે. જાદૂઇ જીનથી સીધી ન થયેલી એની પૂંછડી નવા મહોલ્લાના પોતાની જાતને શેર સમજતાં કૂતરાંઓને જોઇને ટટ્ટાર થઇ જાય છે. રૂંવે-રૂંવેથી બિચારો સૉરી કહેતો હોય એવું લાગે. આપણામાંથી કોઇક માથાભારે એવો નીકળતો જે ગમે ત્યાં રમી આવતો.એ ઓલરાઉન્ડર હોય.આખા ગામના છોકરાં એના ભાઇબંધ હોય.બાકી મોટાભાગે સૌ પોતાની શેરી સુધીના વિસ્તારમાં રમતાં-રખડતાં.  
ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....
યુવાનીની રખડ્ડપટ્ટી અડધીરાતે દોસ્તો સાથે શહેરના રસ્તાઓ પર  બાઇક લઇને રખડવાથી માંડીને દેશ-વિદેશના પ્રવાસો સુધી વિસ્તરતી હોય છે. જેને પોતાની દ્રષ્ટીના દેશમાં જ્ઞાતિ,જાતિ અને ખોખલાં રિવાજોના આવરણો હટાવવા છે એના માટે પ્રવાસો અનિવાર્ય છે. ચાહે ગઇસદીનો મોહનદાસ ગાંધી હોય કે કોઇપણ દેશના કરન્ટ પ્રધાનમંત્રી, પ્રવાસો વિના એની પ્રતિભાને અજવાળું ન વિસ્તર્યુ હોત. એક પુસ્તકોનો પ્રવાસ અને બીજો ભૂમિનો પ્રવાસ માણસને વ્યક્ત્તિ બનાવે છે. દરરોજ આપણા ઘરની બારી ખખડાવતો સુરજ ચીઠ્ઠી લીધા વિના પાછા ફરતા ધૂમકેતુના અલીડોસાની માફક જતો રહે છે. પંખીઓ દરરોજ આપણી આસપાસના વૃક્ષો પર એની સૂરમયી મૌજ  રેલાવતાં હોય છે. લોકોની અવરજવર,અડધીરાતની સૂમસામ સડક,આપણા જ શહેરના પ્રસિદ્ધ લોકેશન....આપણા માટે આકર્ષણના માધ્યમો નથી કારણ કે એ રૂટીનમાં આવે છે. પ્રવાસ એ છે જે આ બધી જ ઘટનાઓને નવી નજરે જોવાનો મોકો પુરો પાડે છે. બદલેલી હવા શ્વાસ બદલાવે છે. બદલેલા શ્વાસ અહેસાસ બદલાવે છે અને અહેસાસો જ્યારે કુદરતના અનેક સોપાનો અનુભવીને આપણી અંદર એકત્રિત થવા માંડે છે ત્યારે આકાર લે છે હૃદયની વિશાળતા.
જેની સાથે કોઇ નાતો નથી એવા કોઇ બિનગુજરાતી માણસને ત્યાં કડકડતી ઠંડીમાં બેસીને તમે ચાય પીધી છે ?  જેના રસ્તાઓથી તમે વાકેફ નથી એવા કોઇ પ્રદેશમાં ભૂલા પડીને ત્યાંના કાયમી રહેવાસીને ત્યાં એના આગ્રહને લીધે રાતવાસો કરી  એની ખાતેરદારીથી હરખાયને ગળગળાં થવાનો અનુભવ લીધો છે ક્યારેય? કોઇ એવી સાંજ છે તમારા અનુભવમાં જેમાં કોઇ અન્ય મુલ્કની નદીને કાંઠે બેસીને તમે વગર કારણે આંખો ભીની કરી હોય? પર્વત પાછળથી ડોકિયું કરતાં સવારના કૂણા તડકાને જોઇ એવી અનુભૂતિ થઇ છે કે કુદરતે અજવાળાની પ્રસૂતિ કરી છે કે શું ? જે આપણા જેવી ભાષા બોલતાં નથી,જે મોટાભાગની જિંદગી આપણી જેમ જીવતાં નથી,જેની સ્મસ્યાઓના ઢંગ અલગ છે,એના તહેવારો,રિવાજો,રસ્તાઓ અને મિજાજ અલગ છે એવા લોકોના સંપર્કમાં આવવાથી આપણી અંદરની સંકુચિતતાઓના નિર્વાણ થાય છે. ધર્મથી માંડીને ધતિંગ સુધીની વ્યાખ્યાઓ વ્યક્તિગત બનવા માંડે છે. ખબર પડે કે જીંદગીનો કોઇ અર્થ આવો પણ શક્ય છે. રોજિંદી જીંદગી છબછબીયાંની ગલીપચી આપી શકે,ધૂબાકો મારવાની મસ્તી અનુભવવા ઘરનો ઉંબરો કૂદવો અનિવાર્ય છે.   

ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....
અહીં અગત્યનો મુદ્દો એ પણ છે કે પ્રવાસ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો નહીં. આપણા ચિત્તનું અને હિતનું કંઇક જડે એ પ્રવાસની ફલશ્રુતિ છે. નાની ટેકરી પરથી વહેતા અને રસ્તા પરથી નીકળી જંગલમાં આગળ વધતાં ઝરણાંને સંપૂર્ણ રીતે જોવાને બદલે એના ફોટા જ લીધા કરવા એ કોઇ બુધ્ધિની વાત નથી. આપણે ત્યાં થતાં હનીમૂનો હવે એક મેજર ફોટો સેશનથી વિશેષ કંઇ રહ્યાં નથી. હોટેલને આરામ પુરતી જગા માની જ્યાં હોઇએ એ સ્થળ,શહેર કે વિસ્તારની પ્રત્યેક દિશાને જોઇ લેવાનો,જાણી લેવાનો,મહેસૂસ કરી લેવાનો વિલાસ ન જાગે ત્યાં સુધી એ મુલાકાત છે,પ્રવાસ નથી. રસિકતાથી બધું નિહાળવું પર્યટન સાથે પ્રણયનો નાતો બનાવે છે. અને પ્રવાસની ખરી મજા પછી જ જાગે છે. 
આપણે પ્રવાસની નોંધ કરી શકીએ પણ પ્રવાસને લીધે અંદર જાગેલા અજવાશની નોંધ કરવી શક્ય નથી. આપણા બજેટમાં,આપણને પોસાય એવી રીતે અનેક પ્રવાસો અને ટ્રીપ આયોજિત થતી જ હોય છે. એનો લાભ લઇને આપણે આપણને વિસ્તારવાના છે. જો કે મોટાભાગે મુદ્દો પૈસાનો હોતો જ નથી....મુદ્દો હોય છે ક્યાંક રખડવા જવાના પાગલપનની અછતનો. ખાનાબદોશીનું ઘેલું લાગવું જોઇએ. બચતનું યોગ્ય આયોજન અને કુદરતના અસંખ્ય રસોને પીવાની ભૂખ હોય તો બધું જ ગોઠવાઇ જાય.
        સ્વર્ગનું સરનામું કોઇને ખબર નથી. બની શકે એ આ જ પૃથ્વી હોય.  

(ગેસ્ટ પોસ્ટ by   Abhishek Agravat  )

 અભિષેક જૂનાગઢના વતની છે.  હાલ સચિવાલય , ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ક્લાર્ક તરીકે કાર્યરત છે.  તરૂણાઇમાંથી યુવાનીમાં બદલાતી ઉંમરનાં મનોભાવોને રજુ કરતું એમનું પહેલું પુસ્તક " મહોબ્બત....." ૨૦૧૪માં નવભારત સાહિત્ય મંદીર  દ્વારા પ્રકાશિત થયેલ છે, તેમાં ૪૩ અલગ અલગ પ્રકરણોમાં અભિષેકે  મહોબ્બતનાં મિજાજને બહુ અસરકારક રીતે આલેખ્યો છે. પ્રવાસના શોખીન એવાં અભિષેક લેખક અને ઉમદા વાંચક પણ છે.


Share this

24 Responses to "Guest Post by Abhishek Agravat ..... ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી...."

  1. Waah! ખાનાબદોશી, મદહોશી..! Superb..!

    ReplyDelete
    Replies
    1. Superb તો તમારા સૌનો આ idea છે. Keep rocking ભાઇ.

      Delete
  2. Replies
    1. મને આટલું લખવા અહીં ચાન્સ આપ્યો ગમ્યું. ખાસ તો એ બાબતે કે વિષય અંગે કોઇ દબાણ કે આગ્રહને બદલે છૂટ હતી... (Y)

      Delete
  3. અલગ નજર..આવી નજર વિકસાવવા ની જરૂર આજ ના યુવાનો ને છે..સુંદર..

    ReplyDelete
  4. આહા. ફેન્ટાસ્ટિક.
    **"એક પુસ્તકોનો પ્રવાસ અને બીજો ભૂમિનો પ્રવાસ માણસને વ્યક્તિ બનાવે છે."
    ** "પ્રવાસ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો નહિ."
    ** "સ્વર્ગનું સરનામું કોઈને ખબર નથી. બની શકે એ આ પૃથ્વી જ હોય."

    વિચારપ્રેરક વાક્યો!
    મને લાગે છે પ્રવાસીઓ બે પ્રકારના હોય છે. એક સાહસિક અને બીજા મોજીલા.
    સાહસિક પ્રવાસી એ માણસ છે જેની પ્રવાસનોંધમાં રોમાંચ શબ્દ ઘૂંટીને લખાયેલો હોય છે. સાહસ વિનાનો પ્રવાસ એને ખાંડ વગરની ચા જેવો ફિક્કો લાગે છે. તમે કહ્યું એમ આસપાસની પરિચિતતાના બોક્સમાંથી નીકળીને એને નવા પ્રદેશનો દરેક અજાણ્યો ખૂણો ખુંદી મારવો છે. એ એક્પ્લોરર છે! નવી જગ્યાની નવીનતાનો ઘૂંટડે ઘૂંટડો એને પી જવો છે.
    મોજીલો પ્રવાસી સાહસ કરતા વધું મહત્વ મજાને આપે છે. જલસાને આપે છે. આ પ્રવાસીને રોમમાં જઈને ય રસપૂરી ખાવા હોય છે. એને ટ્રેકિંગ નથી કરવું. એ બસ રોજબરોજની લાઈફના સાહસમાંથી બે ઘડી આરામ મેળવવા આબુ જાય છે. એને એક્સ્પ્લોર નથી કરવું. એને સાઈટસિઈંગ કરવું છે. સવારનો વ્યવસ્થિત નાસ્તો, બપોરે ૧૨ વાગે ભાવતું ભોજન અને રાતે ફરીને આવ્યા પછી હોટલના આરામદાયક બેડ પર આરામ અને વચ્ચે વચ્ચે નવા સ્થળને માણવું, એ એનો પ્રવાસ છે. મોટેભાગે ગુજરાતીઓ મોજીલા પ્રવાસીઓ છે.

    ReplyDelete
  5. Waah mast Abhishekbhai..
    .
    Thanks for superb guest post.

    ReplyDelete
  6. Waaah રખડેલ કબીરા.........
    એમ થયુ કે લાવો ને જોઇ લઇએ શુ છે પણ એક વાર વાંચવાનુ ચાલુ કર્યુ પછી એમ થ્યુ કે યારરરરર પતી ગ્યુ......
    Suppprb abhu ����������

    ReplyDelete
  7. Ghare Betha Ghani Badhi Yado Tajja Thai Gai Saheb...

    Jordar ...

    ReplyDelete
  8. હું વિશ્વનાં અંતિમ કાવ્યની રચના કરું

    ReplyDelete
  9. હું વિશ્વનાં અંતિમ કાવ્યની રચના કરું

    ReplyDelete
  10. કેમ છો મિત્રો...!! ફેસબુક પરના લાંબા અંતરાલ ના કારણે આ બ્લોગ હજુ હમણાં જ ધ્યાન માં આવ્યો...!! ખરેખર ખૂબ સરસ પ્રયત્ન..!! Keep It Up ....!!!

    ReplyDelete