First Step- પહેલું કદમ

First Step : પહેલું કદમ
~ હાર્દિક વ્યાસ



" , જો તો!"
"શું છે? મારે રોટલી બળે છે"
"ભલે બળતી, જો ગુડ્ડુ બે પગે ડગમગ ચાલે છે.."

અને આટલું સાંભળતાં મમ્મી રોટલી બળતી મુકી ને લોટ વાળા હાથે વાળની લટ સરખી કરતી દોડી... એનાં ગુડ્ડુને ડગમગ ચાલતો જોવા માટે... ફર્સ્ટ સ્ટેપ હતું ને ગુડ્ડુનું!!..


પહેલું કદમ : Image Courtesy : friskybaby.com


ફર્સ્ટ સ્ટેપ... પહેલું કદમ.. 
કાર્લ લુઇસ ભલે ચિત્તાને હરાવનાર દોડવીર તરીકે પ્રખ્યાત હોય... ઉસૈન બોલ્ટ હાલનાં ફાસ્ટેસ્ટ રનર તરીકે જાણીતો હોય... બન્નેનાં પહેલાં કદમ આવા 'ડગમગ' હોવાનાં.. છતાં પણ મહત્વનાં છે, કારણ કે શરૂઆત છે. અને શરૂઆત થયા પછી બાળકનાં બે પગ એકબીજા સાથે રેસ લગાવે છે, એકબીજા કરતાં આગળ નીકળવા મથે છે. અને સફર શરૂ થાય છે.

પહેલું કદમ, પહેલો શબ્દ... શાળાનો પહેલો દિવસ, એકડે એક, '' કલમ નો '', A for Apple...... કોલેજનો પહેલો દિવસ, પહેલી ડીગ્રી, નોકરીનો પહેલો દિવસ, પહેલો પગાર... પહેલી નજર, પહેલો પ્યાર, પહેલી મુલાકાત... પહેલું સાહસ, પહેલી કોમ્પીટીશન, પહેલો નંબર... લિસ્ટ એન્ડલેસ છે. પરંતું એમાં કૉમન છે 'પહેલું- ફર્સ્ટ'...

'પહેલું' જ્યારે મુલ્યાંકન તરીકે હોય છે, ત્યારે એક નંબર માત્ર હોય છે. પરંતું જ્યારે પહેલ (કદાચ 'પહેલ' પરથી પહેલું શબ્દ આવ્યો હશે) તરીકે હોય છે, ત્યારે શરૂઆત હોય છે. કોઈ ઘટનાની, કોઈ કાર્યની... અને પહેલ, શરૂઆત જે-તે ઘટના માટે બહુ મહત્વની વાત છે.

ચીની ફિલસૂફ લાઓત્ઝે કહે છે : "JOURNEY OF A THOUSAND MILE BEGINS WITH A SMALL STEP." હજાર માઈલની સફર એક નાનકડાં પગલાંથી શરૂ થાય છે.

કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે શું જરૂરી છે?.. 
1. ડેટા કલેક્શન-જે કાર્ય કરવાનું છે વિશેની માહિતી એકઠી કરવી
2. એનાલિસિસ- માહિતીનું પૃથક્કરણ
3. પ્લાનીંગ-આયોજન અને 
4. સ્કીલ ફુલ એક્ઝીક્યુશન-આવડત સાથેનો અમલ... 

ચાર સિવાયની અને સૌથી મહત્વની જરૂરિયાત છે ડિઝાયર-તીવ્ર ઈચ્છા અને કોન્ફિડેન્ટ બિગિનીંગ-આત્મ વિશ્વાસથી ભરપૂર શરૂઆત.

પેલું કહે છે ને... જો તમારે જીંદગીમાં આગળ વધવું હોય, તો વધાય એમાં કાંઈ વાંધો નહિં... માત્ર ફની મેસેજ નથી. મતલબ છે કે, આગળ વધવું હોય તો વધવા માંડો. રાહ શાની જુઓ છો?

આરંભ થઈ ગયો છે. કાફલો આગળ વધશે . અને કાફલાની મંઝિલ નથી, સતત આગળ વધતાં રહેવું લક્ષ્ય છે.

જો કે ગુજરાતીમાં બીજો એક રૂઢિપ્રયોગ છે.. "આરંભે શૂરા"... પણ એનાં વિશે પછી ક્યારેક... અત્યારે તો..

"કાંઈ અસંભવ નથી નિશ્ચય કર્યાં પછી.
જો એવરેસ્ટ સર કર્યો, પગલું ભર્યાં પછી."
~હાર્દ~


હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 09/06/2016
e-mail id : haardhits@gmail.com



Share this

7 Responses to "First Step- પહેલું કદમ "