Guest Post By Vyavasthit Lagharvaghar Amdavadi - સરકારી નિયમો મુજબનાં લગ્ન પ્રસંગો


સરકારી નિયમો મુજબનાં લગ્ન પ્રસંગો
-By 
Vyavasthit Lagharvaghar Amdavadi



સરકાર  લગ્ન પ્રસંગે ખોટો ખર્ચો અટકાવવા ઘણા નિયમો બનાવવાનું વિચારી રહી છે  જેમ કે જમણવાર ૪૦૦ થી ૫૦૦ માણસનો જ થઈ શકશે, લગ્ન પ્રસંગે પાંચ લાખથી વધુ ખર્ચો કરનારને ગરીબ ક્લ્યાણ ટેક્સ લાગશે, જમણવારમાં મેનુ પણ વધારી નહિ શકાય.

અમે લઈને આવ્યા છીએ સરકારી નિયમો પ્રમાણેનાં લગ્નપ્રસંગનાં વિસ્તુત નિયમો તથા તેના ફાયદાની સમગ્ર માહિતી.
 

(૧.) લગ્ન પ્રસંગે છપાતી કંકોત્રીમાં સહકુટુંબ સ્નેહીઓ સહિત લખી નહિ શકાય જો લખશો તો આગળ જતા લગ્નમાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ગણવામાં તકલીફ પડે. કંકોત્રીમાં નીચે મારા મામા/કાકાનાં લગ્નમાં જલુલ જલુલથી આવજો એવા ટહુકાની જગ્યાએ મ્યુચલ ફંડનાં માર્કેટ રિસ્કનાં નિયમોની જેમ સરકારી નિયમો છપાવવાના રહેશે જેથી લગ્નમાં આવનાર દરેકને નિયમની જાણ થાય અને કોઈ નિયમોનો ભંગ નાં કરે.

(૨.) કેટેરીગવાળાએ સંખ્યા પ્રમાણેજ પ્લેટ ગણીને મુકવી પડશે જેથી પાછળથી ડીશ અંગે કોઈ તકરાર ઉપસ્થિત થાય નહિ. દરેક હોલ તેમજ પાર્ટી પ્લોટનાં લગ્ન ગેટ પર સેન્સર તેમજ સી.સી.ટી.વી કેમેરા લગાડાશે જેથી ૪૦૦ થી ૫૦૦ માણસ જ લગ્નમાં ઉપસ્થિત હતા એની ગણતરી થઈ શકે. લગ્નમાં ઘૂસ મારનાર જો સી.સી.ટી.વીમાં પક્ડાશેતો તેમના ઘરે ઈ-મેમો આવશે જે મેમોની રકમ  મામેરા માં ગણાશે

(૩.) કુલ લગ્ન પ્રસંગનો ખર્ચો  પાંચ લાખ જ કરી શકાશે, જો લગ્નમાં આવેલા ચાંલ્લાની રકમ લગ્ન પ્રસંગનાં ખર્ચાની રકમ કરતા વધી જશે તો આ વધારાની રકમ પ્રસંગ વખતે થયેલો નફો ગણાશે અને તેના  પર
૩૦% ઇન્કમટેક્ષ લાગશે,

૩૦% ગરીબકલ્યાણ ટેક્ષ લાગશે,

૩૦% લગ્ન થયેલા વર -વધુ નું બાળક ૧૮ વર્ષનું ના થાય ત્યાં સુધી વગર વ્યાજે
સરકાર જોડે જમા રહેશે

૧૦% એજ્યુકેશન, સર્વિસ, કૃષિ-કલ્યાણ, સ્વચ્છ ભારત વગેરે વગેરે ટેક્સ લગાડાશે.

(૪.) ચાંલ્લાનાં કાઉન્ટર પર CA અથવા તો બેન્ક અધિકારી તરીકે નોકરી કરતા વ્યક્તિજ બેસાડી શકાશે. ચાંલ્લો લખાવતી વખતે મને નાં ઓળખ્યો કરીને ચાંલ્લો લખનાર નાં ટપલાદાવ કરી શકાશે નહિ, ૧૦૦ રૂપિયા આપી ૧૦૧ લખો એવું કહી શકાશે નહિ કારણકે પાછળથી બજેટ વખતે ક્યાંથી રૂપિયો આવ્યો અને ક્યા ગયો એ ગણવામાં તકલીફ થાય છે . 

(૫.) વરરાજાનાં ચંપલ ગાડીની અંદર સંતાડી શકાશે નહિ, વરરાજા પણ ૨૦ થી વધારે એવરેજ આપતી ગાડીમાં જ આવી શકશે. જાહેર નગર નિગમની બસમાં આવનાર વરરાજાને એ ફાયનાસિયલ વર્ષ માં ૧૦% ટેક્સ રાહત આપવામાં આવશે વરરાજાનાં ચંપલ ચોરી અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોધી શકાશે નહિ તેવી ભવ્ય છૂટ આ નિયમોમાં સરકાર દ્રારા  આપવામાં આવી છે ચંપલ ચોરી કરનાર સાળીઓ /સાળાઓ ને ગમે તેટલી મહેનત કરી હોય ૨૫૧ થી વધારે રકમ નું કવર આપી શકાશે નહિ .

(૬.) જમણવારનાં મેનુ અંગે અગાઉથી સરકારમાં સોગંદનામું કરવાનું રહેશે. સગા-સબંધીઓનાં કહેવાથી પાછળથી મેનુ બદલી શકાશે નહિ . એક પનીરની સબજી ગ્રીન ગ્રેવી/બ્રાઉન ગ્રેવી, એક સાદી સબજી જો પનીર સબ્જી ગ્રીનગ્રેવીમાં હશે તો સાદી સબ્જી ફરજીયાત બ્રાઉન ગ્રેવી રાખવી પડશે, અંગુરી બાસુંદીમાં અંગુરની સંખ્યા-  ઉધિયું રાખ્યું હોય તો તેમાં મુઠીયાની સંખ્યા  વગેરે જાહેર કરતુ  અલગથી ફોર્મ ભરવાનું રેહશે. 


(૭.) પ્રી-વેડીગ ફોટોશૂટ , એન્ગેજમેન્ટ ફોટો શૂટ , વગેરે વગેરે પ્રકારના ફોટોશૂટનાં ખર્ચાનો સમાવેશ પાંચ લાખની નિયત-મર્યાદામાં જ ગણવાનો રહેશે. કોઇપણ ફોટામાં સ્ત્રી કે પુરૂષ ૫૦૦ ગ્રામથી વધારેનું સોનું ધારણ કરી શકશે નહિ. રિસેપ્શનનાં ફોટામાં એક સાથે દસથી વધારે લોકો સ્ટેજ પર ચઢીને ફોટો પડાવી શકશે નહિ. 

(૮. ) ગોર મહારાજને પાંચસો રૂપિયા વધારે આપી લગ્ન વિધિ ઝડપથી પતાવવાની ઓફર કરતા વરરાજા સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાશે . 

(૯.) ઉપરોક્ત નિયમો દરેક લગ્ન પ્રસંગનાં હોલ પર તેમજ લગ્ન ચોરા પર લગાવવાના રહેશે. સપ્તપદીનાં વચનો આપ્યા બાદ આ નિયમોનું પાલન કરાવવાનું પણ વિધિમાં ઉમેરવાનું રહેશે. મંગલાષ્ટક અને લગ્ન ગીતો જોડે આ નિયમનાં ફરફરિયાં પણ લગ્નપ્રસંગે હાજર સમગ્ર વ્યક્તિઓમાં વહેચવાના રહેશે. 

(૧૦.) ઉપરોક્ત બધા નિયમોનું પાલન કરીને થયેલા લગ્ન અંગે ત્રણ વર્ષનો લોક-ઇન પિરિયડ રહેશે એટલે ત્રણ વર્ષ સુધી છૂટાછેડા લઇ શકાશે નહિ ત્રણ વર્ષ પેહલા છુટા પડતા દંપતીએ લગ્નના ખર્ચનાં ૯% સાદા વ્યાજ સાથે સરકારને આપવાના રહેશે.

લી.(વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી)
 


Share this

2 Responses to "Guest Post By Vyavasthit Lagharvaghar Amdavadi - સરકારી નિયમો મુજબનાં લગ્ન પ્રસંગો "