લાગણી નો પ્રવાહ

લાગણી નો પ્રવાહ ~ગીરા  પાઠક 
काश तक़दीर भी होती जुल्फ की तरह,

जब जब बिखरती, तब तब सवार लेते........


લાગણી નો પ્રવાહ


સપનાં એવા જ જોવા જોઈએ જે પુરા થઇ શકે”... કવિત બોલ્યો

ઓહ એવું કેવી રીતે થઇ શકે? સપના જોતા પેહલા થોડી ખબર હોઈ કે પુરા થશે કે નહિ અને પુરા થઇ શકે એવા જ સપના જોવા તે આપણા હાથ માં નથી ને !!!! મનસ્વી બોલી

બંને વચ્ચે ઘણા સમય થી દલીલ થતી પણ તેમાં વાત ત્યાં જ આવી ને છોડી દેવી પડતી!!...ક્યારેક મનસ્વી રડી લેતી...તેનું સારું લાગતું કવિત પાસે હોઈ તો રડવાનું, બાકી તે તેની જીદગીમાં રડી પણ નહોતી શકતી...મનસ્વી ને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે તેના અને કવિતના સુખ અલગ અલગ છે.... તેના માટે સુખ ની વ્યાખ્યા કવિત પુરતી જ સીમિત હતી...જયારે કવિત માટે સુખ ની વ્યાખ્યા !!!!! તે સમજી તો શકતી હતી પણ સ્વીકારી નહોતી શકતી...તેની માટે અઘરું હતું...

“તું નહી જા ને કવિત.... હું એકલી થઇ જઈશ...શું કરીશ તારી વગર ?” મનસ્વી બોલી

કવિત કાઈ બોલ્યો નહિ. મનમાં તો તેને પણ નહોતું ગમતું.

“કવિત, તું જેમ કહીશ તેમ હું રહીશ બસ.... ગુસ્સો બિલકુલ નહિ કરું અને જગડીશ પણ નહિ” મનસ્વી ને પોતાનું જ કહેલું વાક્ય ખોખલું લાગવા લાગ્યું. તે જાણતી હતી કે કવિત જવાનો જ છે. પણ તે સમજી નહોતી શકતી કે કેવી રીતે તેને રોકી લે...શું કરે કે જેથી કવિત રોકાઈ જાય. જોકે તે સમજાતી પણ હતી કે તેનું જવું કેટલું જરૂરી છે...!!

કવિત ક્યારેય તેની સાથે ખોટું નહોતું બોલ્યો, તે પાલનપુર જોબ માટે આવ્યો હતો..તેની બદલી થઇ હતી. તેના વતનમાં તેની પત્ની અને તેનો દીકરો રેહતા હતા. તેણે મનસ્વી ને પેહલા જ દિવસે કહી દીધું હતું.. મનસ્વી પણ જાણતી હતી. તે સમજતી પણ હતી. તે ક્યારેય નહોતી ઈચ્છતી કે તે કવિત અને તેની પત્ની ની વચ્ચે આવે...પણ જાણે અજાણ્યે તે વચ્ચે તો હતી જ...કવિત જયારે પણ મનસ્વી માટે કઈક ખરીદે, મનસ્વી જીદ કરી ને તેની પત્ની માટે પણ કઈક લેવડાવે જ...

બંને એક બુક શોપ માં મળ્યા હતા....નવા સબંધ માં દાખલ થતી વખતે બંને માંથી કોઈને મુશ્કેલી નહોતી પડી....હંમેશા હસતા રેહતા. બંને જયારે પણ મળતા.... ખબર જ નહતી પડતી સમય ક્યાં અને ક્યારે પસાર થઇ જતો ....સાથે હોઈ ત્યારે એકબીજા સિવાય કઈ દેખાતું નહિ...અને સાથે ના હોઈ ત્યારે એકબીજાનું જ વિચારતા રેહતા....પ્રેમ છે જ એવી વસ્તુ...કે ક્યારે, ક્યાં, કોની માટે લાગણી જન્મી જાય તેની ખબર જ નથી રેહતી ...અને જયારે મન લાગણીના પ્રવાહ માં વેહવા લાગે ત્યારે મગજની કોઈ વાત ગળે ઉતરતી નથી...મનસ્વી ને પણ તેનું મગજ ના પાડતું ઘણીવાર કે ના જા કવિતની આટલી નજીક...!!! પણ તેનું મન તેના કહ્યામાં નહોતું રેહતુ....ગમે તે રીતે તે કવિતની બાજુ આકર્ષાય જતી...બંને પરિપક્વ હતા...અને સમજતા પણ હતા....અપરિપક્વ ઉમર નહોતી.

મનસ્વી ઘણી વાર વિચારતી ,જયારે બંને મળ્યા ત્યારે આવી કોઈ વાત આવી નહિ મનમાં અને એક પ્રવાહ માં બંને વેહવા લાગ્યા...એવું નહોતું કે હવે તે લાગણી નહોતી રહી... પણ હકીકત હવે વધારે કડવી લાગવા લાગી હતી. હજી પણ લાગણી એટલી જ હતી બંને બાજુ પણ મનસ્વીએ હવે પૂછવાનું, કેહવાનું, કે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું....તે હવે સહજ રહી નહોતી શકતી....પેહલા ની જેમ બોલી નહોતી શકતી...અટકી જતી વાત કરતા કરતા કેમ કે તેને લાગતું કે હવે આવી વાતો નો કોઈ અર્થ નથી....કવિત ને તે એટલો પ્રેમ કરતી કે તેને ખબર હતી કે કવિતની જરૂરિયાત શું છે.સમય સડસડાટ પસાર થઇ ગયો. મનસ્વી પોતાની જાતને ભૂલી ગઈ હતી. તેનું જીવન કવિતની આસપાસ વણાઈ ગયું હતું.

બંને માંથી કોઈએ વિચાર્યું નહોતું કે આવી રીતે છુટા પડવાનું આવશે...કોણ કોને દોષ આપે? મનસ્વી જાણતી હતી કે કવિત સાચો છે...તેની જગ્યા પર...તેની પરિસ્થિતિ પ્રમાણે તે જે કરશે બરાબર કરશે.... બસ હવે તેણે ફરીથી પોતાનું જીવન ગોઠવવાનું હતું...કવિત વગરનું જીવન....જેમાં તેની માટે કાઈ નહોતું...!!!

તેને ક્યારેય વિચાર્યું જ નહોતું કે તેણે કવિત વગર રેહવાનું આવશે...

“મનસ્વી મારા માટે પણ અઘરું જ છે..તારાથી છુટા પડવું...પણ તું તેને વધારે અઘરું ના બનાવ. તું જ આમ કરીશ તો હું કેવી રીતે જઈ શકીશ? તને આવી રીતે મૂકી ને નહિ જઈ શકું “ કવિત નો અવાજ ભીનો હતો. તે બે વાર તેનું જવાનું postpone કરી ચુક્યો હતો.

મનસ્વી એ તેને કઈ કેહવાનું ટાળ્યું. તે એવું સમજવા લાગી કે કવિતને કદાચ તેની માટે લાગણી જ નહોતી. તે કાઈ બોલી નહિ. બોલવાનો અર્થ જ નથી તેવું તેને લાગ્યું. તે ઉભી થઇ અને કવિતની સામે એકવાર પ્રેમ થી જોયું. અચાનક આંખ ભરાઈ આવી તેની, “

બાય કવિત, ધ્યાન રાખજે તારું “ કહીને સડસડાટ કોફી શોપ ની બહાર નીકળી ગઈ....

- ગીરા  પાઠક 
(શહેર - અમદાવાદ
 ઈમેલ  આઈડી - girapathak@gmail.com )
બ્લોગ સેક્શન - આ તે લખ્યું છે ?!

Share this

2 Responses to "લાગણી નો પ્રવાહ "

  1. શુ વાત છે .. એક્દમ લાગણી થી ભરપૂર ..

    વાંચતાં વાંચતા આખે આખું દૃશ્ય આંખ સામે ઉભરી આવ્યુ ..

    ReplyDelete