He Recalls...


 HE RECALLS

by Farzana Sivani




22/01/17
Sunday.

 
સના,

સૌથી પહેલાં તો તું મને એ કહે કે શા માટે તારે એ સમયને યાદ કરવો છે ફરીથી ?? શા માટે એ સમયની પરીસ્થિતિને તારે ફરીથી અનુભવવી છે? હા, હતો એ સમય કસોટીનો... કસોટી ધીરજની, વિશ્વાસની, તારી ને મારી અંદર રોપાયેલાં લાગણીના એ ફણગાની જેનું દુનિયા કે સમાજ્ માટે કોઇ અસ્તિત્ ન્હોતું, નથી !!
હું ઘૂંટાયા કરતો કે હું તને એ કશું ક્યારેય નહીં આપી શકું જે એક સ્ત્રી તરીકે તારો હક છે અને તું હંમેશા મને કહ્યાં કરતી કે "તું જે મને આપી રહ્યો છે એ ય બહુ ઓછા પુરુષો આપી શકતાં હોય છે એમની મનગમતી સ્ત્રીને " ..

હા,એ સાચું કે તારો ને મારો આ સ્નેહસંબંધ અત્યાર સુધી અકબંધ રહ્યો એમાં મારો મોટો ફાળો છે પણ તેં એ બધું જીવ્યું છે જે મેં તને આપ્યું અથવા તો જે હું તને નથી આપી શક્યો.. હા, મારા માટે ય બિલ્કુલ આસાન તો ન્હોતું જ કેમ્કે મારી પોતાની જવાબદારીઓ  ઊપરાંત ની આ લાગણી છે ... તું મચ્યૉર ખરી પણ આખરે તો એક સ્ત્રી જ છો, તારું મન એ તને સવાલો કરતું અને ઘણીવાર તો એક ના એક સવાલો અલગ અલગ રીતે આવીને તારી સામે તાંડવ કરતાં અને તું દોડીને મારી પાસે આવતી કે આમ થશે તો ? આમ નહીં થાય તો ? અને હું તને મારી સમજશક્તિ મુજબ સમજાવતો , કેમ કે ભવિષ્યમાં આગળ શું આવવાનું હતું તારા ને મારા માટે એ તો માત્ર ઉપરવાળો જ જાણતો હતો .. મને બસ એટલી ખબર હતી કે કોઇ પણ જાતનાં પ્રેશર કે ટૅન્શનમાં તારું ભોળપણ, તારું અલ્લ્ડપણું તું ગમાવી ના બેસે બસ .. તારી અંદરનું બાળપણ , જીદ્દ ,રીસ બસ આ બધું મારે ન્હોતાં ગુમાવવાં કેમ કે એ જ તો છે બધું જે સનાને "મારી સના" બનાવે છે !!

અને હું બિલ્કુલ ખોટ્ટું એ નહીં બોલું .. હા, ક્યારેક અક્ડાઇ એ જતો કે કેમ તું આટલી સંદેહમાં છો , કેમ તારું મન આટલું વ્યાકુળ રહે છે ? કેમ તું આટલાં બધાં વિચારો કરી કરીને ખુદ ને દુઃખી કરે છે અને મને ય !! પણ મને બહુ થોડા સમયમાં જ સમજાઇ ગયું હતું કે દરેક ઇન્સાનને સ્વભાવગત નબળાઇઓ હોય, અને દરેક ઇન્સાન કોઇ ને કોઇ રીતે અધૂરો છે અધૂરો રહેવાનો છે અને આપણે બંને એ એકબીજાની એ જ અદૂરપ તો પુરવાની છે, કદાચ તું સદા આવાં સવાલો કરતી રહે એવું એ બને પણ તું મને સદાય પ્રેમ કરવાની છે એવું એ છે જ ને !!! બકા, બસ એ પછી બહું સહેલું બની ગયું હતું મારા માટે તને તારા કપરાં સંજોગોમાં સંભાળવવી !! હા, તારો ગુસ્સો !!  એટલે જાણે વિસ્ફૉટ !! એક જોરદાર ધમાકો , બધું જ તહેસનહેસ, વેરવિખેર, અંગાર અને છેલ્લે બચે રાખ !! પણ , હા પણ, એ રાખમાંથી તેં ફરી ફરીને ચણ્યો એ સંબંધ .. !! 

એમ ના સમજતી હોં કે હું તારી જ નબળાઇઓ વિશે લખી રહ્યો છું કે તારા જ દોષ ગણાવી રહ્યો છું ...મારામાં એ ઘણી ખામીઓ છે અને તેં મને સહર્ષ એ ખામીઓ સાથે કાયમ સ્વીકાર્યો છે , ઊલ્ટાનું એ ખામીઓને લીધે જ્યારે જ્યારે મને ખુદ પર જ અકળામણ થઇ છે તેં મને એ ખામીઓમાં જ મારું પોતાપણું દેખાડ્યું છે!!

દરેક સામાન્ય કપલની જેમ આપણે ય ઝઘડતાં, બોલતાં , સંભળાવતાં પણ મને બરાબર ખ્યાલ છે કે દલીલો, સવાલો, જવાબો આ બધાંમાં જ્યારે મારો ગુસ્સો પ્રવેશતો ત્યારે તું અચાનક શાંત થઇ જતી , ભલે મારો ગુસ્સો એ રૅરલી બનતી ઘટના છે પણ એ સમય દરમિયાન ખબર નહીં તું એક્દમ સૌમ્ય થઇ જાય છે અને ક્યારેય મારા ગુસ્સા સામે ગુસ્સો નથી કરતી , બોલ, આનાથી રૂડું તો શું જોઇએ મારે ?? હાહાહાહાહાહા ....

સના, સના, સના શું કહું તને કે માત્ર મેં જ તને સંભાળી છે એવું નથી , તેં ય મને મારા કપરા સંજોગોમાં એટલાં જ વ્હાલથી થામી  લીધો છે ... અને રહી આપણાં આ સંબંધની, તો મેં હંમેશા એ જ ઇચ્છ્યું કે તું  quit ન કરે, હું  quit  ના કરું કેમકે એમાં તો તારીમારી લાગણીની હાર છે ... અને તે ક્યારેય quit  ના કર્યું , ના મને કરવાં દિધો ...


બોલ, હજુ શું જાણવાની/વાંચવાની ઇચ્છા છે તને ? મારા સ્વભાવ વિરૂધ્ધ આટલું બધું લખ્યું   મેં એ તો તું સમજી જ ગઇ હોઇશ.. અને હા, તું સાચી છો કે આ અનુભૂતિ એ સરસ છે , તારી જેમ જ !!

ફરી લખજે,
તારી યાદો એ જ મારા જીવનનું સરવૈયું..
love you !




22/01/17
"with love , from Me"
by Farzana Sivani
farzanasivaniblogpost@gmail.com

Tribute to The Captain Cool ...

ધોનીઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ....... ધોની...

ધોનીઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ....... ધોની... 



                                                                                                      

 

 

 

girlfriend se raat me baat kar lena, pehle ball fenk de


અમુક લોકો એવાં હોય છે કે જે સમય સાથે વહી નીક્ળે, કોઇ સમય સામે ઝૂકી જાય કોઇ વળી સમયને બદલાવી એ શકે પણ સમયને પોતાની સાથે લઇને ચાલે એવાં જુજ હોય. પોતાની ઇચ્છા, મહાત્વાકાંક્ષા, લાયકાત, મહેનત, સંઘર્ષો મુજબ સમયને પોતાની સાથે કરે એવાં કેટલાં ?? આંગળીને વેઢે ગણાય એટલાં !!!

એવું જ એક નામ એટલે માહી...મહેન્દ્રસિંહ ધોની...કૅપ્ટન કૂલ...MSD…the greatest finisher...

 Udhar Girlfriend nahi hai, idhar aajaa thoda


કોઇપણ વ્યક્તિની સફળતા એની એકલાની નથી હોતી અને ના તો રાતોરાત મળેલી હોય છે.  સફળતાની પાછળ મહેનત, સંઘર્ષો, મૂશ્કેલીઓ, અડચણો, અગવડો, પ્રયત્નો, નાકામયાબીઓ, દુઆઓ, હાથવેંત લાગતી પણ સરકી જતી તકો, મન અને મગજ વચ્ચે ચાલતો આંતર-વિગ્રહ, આસપાસના લોકોની અપેક્ષાઓ, મનમાં ઊઠતી શંકાઓ અને નિરુત્તર રહી જતાં સવાલો, To be or not to be ની ભૂલભૂલૈયા વગેરે વગેરે વગેરે રહેલાં હોય છે.

૨૦ મીટર લાંબી અને ૩ મીટર પહોળી એવી ક્રિકેટ પીચની પાછળ ઊભીને સતત આખી ટીમને પ્રોત્સાહન આપતાં રહેવું, પોતાના performanceની સાથે સાથે આખી ટીમનું performance પણ ઝળકે એવાં લીડર બનવું અને સાથે સાથે એક પણ સફળતાને ખુદ પર હાવી ના થવાં દેવું, This is the real coolness and that’s why he is the captain Cool !!!
ઇન્ટરનેશનલ કારકિર્દી, ટેસ્ટ મૅચીઝ, ODI’s અને T20’s ઊપરાંત IPL મેચીઝ, ધોનીના ટોટલ રન્સ, ટોટલ કૅચીઝ, ટોટલ સ્ટમ્પીંગ્સ, એણે કરેલાં રન આઉટ્સ, કૅપ્ટન તરીકે જીતેલાં કપ્સ, ખેલ રત્ન અને પદ્મશ્રી, આર્મીમાં એને મળેલાં બહુમાનો, એની biopic etc etc etc આ બધું જ google પર અવેઇલેબલ છે દોસ્તો.. એની સ્ટાઇલ, એની રમત, એનાં અચીવમેન્ટસ, એની સ્પીચીઝ, એનાં ઇન્ટર્વ્યુઝ વગેરે વિશે પણ ઘણું બધું લખાઇ-વંચાઇ-છપાઇ ચૂક્યુ છે.  Newspapers અને sports magazines, news અને sports channels, social media  અને bollywood’s “action” આ બધું પચાવી ચૂકેલાં એવાં ઇન્સાનને આજે દિલથી સૅલ્યુટ કરીએ એ માટેનો આ નાનકડો પ્રયાસ છે weJVians blog team તરફથી !!!

 Isko Taarak Mehta daal


એક નાનકડાં અને ઓછા જાણીતાં એવાં શહેરમાં રમતાં-રમતાં ટીમ ઇન્ડીયાની ધરોહર બની જનારો આ શખ્સ અમસ્તા જ આટલો ફૅમસ અને સક્સૅસફૂલ નથી બની ગયો. આગળ કહ્યું એમ જ દરેક જાતનાં ચડાવ-ઉતારનો સામનો કરીને, પોતાના અંતરઆત્માને ફૉલો કરીને, તટસ્થતા, નિખાલસતા અને પ્રામાણિકતાને સાથે રાખીને, સહીને સપૉર્ટ કરીને , ગલતને આઉટ કરીને, ટીમ ઇન્ડિયાની મોટાભાગની સફળતાઓ પોતાના નેતૃત્વ હેઠળ દેશને નામે કરતો જતો આ શખ્સ દિલથી તમારા અને મારા જેવો "આમ આદમી" જ છે.

એને ય એક સામાન્ય ઇન્સાનની જેમ જ બાઇક્સ ચલાવવાનો અને વસાવવાનો શોખ છે, ખાવાનો શૌખીન છે એ અને પોતાની ટપુકડી પરી જોડેનાં પિક્સ પણ શૅર કરે છે એ બિલ્કુલ તમારી અને મારી જેમસ્તો !! He is a complete family man… !!!

Jaadu thoda off main daal, Pujara ko udhar taali bajaane nahi rakhkhaa hai

Interviews દરમિયાન પોતાની  wisdom અને  sense of humourના દર્શન કરાવતો આ Captain cool, શબ્દોથી ઓછા અને પોતાના કામથી વધુ જવાબો આપતો રહે છે. સતત મહેનત અને સંપૂર્ણ ડૅડીકૅશન, લક્ષ્ય તરફ થતી આગેકૂચ, Tough hurdles સામે ટકતું મજબૂત મનોબળ... પછી વાત team selection ની હોય કે batting ordersની MSD is always cool and firm !!! સહી સમય પર સહી નિર્ણયો લેવાની કૂનેહશક્તિ અને પરીણામ જે પણ આવે એનો સ્વીકાર કરવાની ત્રેવડ... કહ્યું ને સફળતા અમસ્તાં જ કદમો નથી ચૂમતી હોતી...

ઝાઝું બધું મેળવી લેવાનો મોહ, પોતાના નામે રેકૉર્ડ્સ કરી લેવાની લાલચ, ૧૯૯ મૅચીઝમાં કૅપ્ટન પદ સંભાળ્યાં પછી જાહેર કરેલી નિવૃતિ (૨૦૦ મૅચીઝનો મોહ જતો કર્યો), આ બધાંથી પરે રહીને, સ્થિતિપ્રજ્ઞતા કેળવીને, ચૂપચાપ પોતાનું કામ કરતાં રહીને, કરોડો દેશવાસીઓની આંખોને ખૂશીથી છલકાવતો આ "માહી" કૅપ્ટનશીપ મૂકે ત્યારે પણ એ કરોડો લોકોની આંખો ભીની થયાં વગર ના જ રહે એ સ્વાભાવિક છે.

ટીમ ઈન્ડિયાના સૌથી વધુ પૉપ્યુલર અને સફળ કૅપ્ટન બની રહેવામાં ધોનીની નિર્ણયશક્તિનો ખૂબ મોટો ફાળો છે. જે બધાંથી અલગ વિચારી શકે અને એ વિચારેલું સફળતાપૂર્વક અમલમાં મૂકી શકે એ જ લોકોના હ્રદયોમાં બિરાજી શકે અને એ માટે જીગર જોઇએ, હિંમતપૂર્વક પોતાના નિર્ણયોને સાચા પુરવાર કરવા માટેની દિર્ધદ્ર્ષ્ટિ જોઇએ.  ૨૦૧૧ વર્લ્ડકપ ફાઇનલ મૅચમાં યુવરાજની જગ્યાએ કૅપ્ટન આવે ત્યારે લોકોને એમાં એનું સ્વાર્થીપણું દેખાય પણ એક કૅપ્ટન તરીકે ઑફ સ્પીનર મુરલીની સામે પોતે રાઇટ હૅન્ડૅડ બૅટ્સમેન તરીકે ઊતરે એ એની સૂઝ કહેવાય કે પછી ICC Champions Trophy 2013માં ફૅઇલ ગયેલાં ઈશાંતને ફરી એકવાર મોકો આપે અને ઈશાંત પણ એનાં વિશ્વાસને સાચો પુરવાર કરે ત્યારે કૅપ્ટન તરીકે પોતે વધુ ઝળકે જ્યારે પોતાના બૉલરમાં વિશ્વાસ રાખીને એને આગળ કરે. રોહિત શર્માની અસ્ત થતી કારકિર્દીમાં એને ઑપનીંગ આપે અને એક સફળ બૅટ્સમૅન બનવાં સુધી એને પહોંચાડે એવો કૅપ્ટન તાળીઓનાં ગડગડાટને માત્ર લાયક જ નહીં પણ હકદાર હોય છે.



sone ka time milegaa


પીચની પાછળ રહેવાં છતાં બધાં જ પ્લૅયર્સ જોડે સતત Co-ordination રાખવું, સતત guidance અને funny commentsથી વાતાવરણ friendly રાખવું, જીતના હકદાર બધાંને બનાવવાં અને હારની જવાબદારી પોતાના શિરે લેવી આ  છે The captain cool !!!

IPL માં match fixing વખતે થયેલાં ઊહાપોહ સામે પણ કોઇ દલીલો કે ખુલાસાઓ આપ્યાં વગર પોતાના કામ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, પોતાનું અને દેશનું નામ ચમકાવનાર માહીને દિલથી સૅલ્યુટ અને વિદાય...

You will be missed forever as a captain cool , as a great finisher and above all a great person with true sportsman spirit...








blog team
weJvians
weJvians@gmail.com

ગૅટીંગ એ બ્રેકથ્રુ... - Chintan Rajgor

ગૅટીંગ એ બ્રેકથ્રુ... - Chintan Rajgor 


 



 એન્ટરટેઇન્મેન્ટ અરલીઅર વોઝ ફોર જોય...નાઉ ઇટ્સ બિકમિંગ ઍન એસ્કેપીસમ ફ્રોમ સ્ટ્રેસ વિચ કમ્સ અલોન્ગ વિથ યોર ઑવ્ન ઈનહેરન્ટ વોઇસ. વ્હેર ઇઝ એવરીવન્સ સ્પીકિંગ ટ્રી!!!?


 બસ ગોતો એવું કશુંક એન્ટરટેઇનીંગ કે અમેઝિંગ કે રમૂજી જેથી બસ કરંટ સિચ્યુએશનથી છુટકારો મળે. યુ ટ્યુબ, હોટ સ્ટાર કે ઓલું નવું જીયો ટીવી આવ્યું છે એ, બસ આવા બધામાં જ રચ્યાં પચ્યા રહીને દુનિયાભરમાં ક્યાં કેવું ને બધુંજ જોયફુલ કે ક્રિએટિવ થીંગ્સ, ઇવેન્ટ્સ જોઈ લેવા, એની જ ફૅન્ટેસી માં જીવવું સદંતર. પોતાની અંદર સતત શું ચાલી રહ્યું છે એનું ભાન પણ હોતું નથી ઘણીવાર...બસ જીવે જાવ... વ્હેર ઇઝ એવરીવન્સ સ્પીકિંગ ટ્રી!!!?

 બિઇંગ સક્સેસફુલ એન્ડ જસ્ટ થીંકીંગ ઓફ સક્સેસ ઇઝ ઓલ ટુગેધર ડીફ્રેન્ટ થીંગ.. ઓફન વી ચુઝ સેકન્ડ ઓપશન, કારણ સહેલો રસ્તો છે, સફળ થવું કેવું કઠિન થઈ પડે છે, જાણે લીથાર્જીક થઈ જાય ઈંદ્રિયો...એના કરતાં સક્સેસ સ્ટોરીઝ વાંચીને કેવું સરસ મોટીવેટેડ ફીલ થાય..પછી ભલે પોતાની હાલની પરીસ્થિતિમાં કેટલાંય ઇન્એક્ટિવનૅસનાં છિદ્રો હોય, થીંગડા કોણ મારે, એક્સ્ટ્રા કપડું લાગે ભાઈ..સોય ભોંકાવાનો ડર પાછો... એના કરતાં તો બીજાની સક્સેસમાં ઇન્વોલ્વ થઈ સેલિબ્રેટ કરી સ્વયંથી સમાધાન કરવું, કેટલું સરળ છે નૈં..! 

બધુંય હક્કા નૂડલ્સ જેવું સ્મૂધી, શાઇની ને ટેસ્ટી લાગવું જોઈએ. વખત જતાં ભલે અપચો થાતો.. ડિસ્અડવાંટેજ ઓફ અરલીઅર સક્સેસ ઇઝ ધેટ યુ હેવ ટુ કેરી ઇટ, હેન્ડલ ઇટ. માનો યા ના માનો પરંતુ સફળતા કદાચ મળી પણ જાય પ્રથમ પ્રયાસમાં. એ પછી સક્સેસનાં સ્તરનું પર્ફોમ કરવું, એ સ્તરનાં વ્યક્તિ થવું વધું અઘરું થઈ પડતું હોય છે. આવનારી ટેસ્ટ સિરીઝ કરૂણ નાયર માટે બેટલ ફોર રાઇઝિંગ જ પુરવાર થવાની. ગૅટીંગ એ બ્રેકથ્રુ ઇઝ નોટ સૉ ડિફીકલ્ટ ટાસ્ક.. યુ ગોંના મેક ધીસ હેપન. બટ વન્સ રીચિંગ ધેર, વેધર યુ આર અચીવિંગ ધેટ હાઇયર લેવલ ઓફ સ્ટેડીસ્ટેટ ઑર નોટ ઇઝ ધી અલ્ટીમેટ ટાસ્ક વિચ મે મેક્સ યુ કોહલી ઑર કામ્બ્લી.. 'વિરાટ' બનો નહીં તો ઝીંદગી નો 'વિનોદ' થઇ જાશે..!!! (ધે બોથ હેડ ઇનફ ઑફ એન્કરેજિંગ, મોટીવેટિંગ સોર્સ ઈન દી ફોર્મ ઓફ સચિન, વ્હુ સ્ટૂડ બાઈ ધેર સાઈડ... પરંતુ ઇફેકટિવ યુટીલાઈઝેશન ઑફ ધેટ ડિવાઈન પાવર, પ્રુવ્સ કે તમારી સફળતા અમસ્તાજ નથી મળી.. યુ થરાઈવ્ડ ફોર ઇટ. ડીગ્ડ સૉ ડીપ.. ત્યારે મહામહેનતે મળી છે.. યુ મસ્ટ લિવ અપટૂ ઇટ..)

 હંમેશા ખુદ ને સવાલ કરો "વ્હોટ ઇઝ નેક્ષ્ટ્" આગળ ની મારા જીવનની રાહ કેવી હોવી જોઈએ, જીવન નિર્વાહ માટે..? "ઇટ્સ યોર લાઈફ મેક ઇટ લાર્જ". સોચો ક્યારેક. એવું નથી કે સફળ થયાં પછીજ આવી શાણપણની વાતો થાય. બીજાનાં ક્વોટ્સ વાંચવા કરતાં, તમે તમારા એકાદ રેન્ડમ થોટ ને આખા સમાજ માટે ક્વોટમાં પરિવર્તિત કરી લ્યો એજ ખરી સફળતા. 

એટલુંય ક્યાં થાય છે જ્યારે આપણે જ આવા વન લાઇનર્સને જીવનસૂત્ર ન બનાવતાં માત્ર 'સ્ટ્રેસ રિલીવિંગ ડોઝ' બનાવી દીધાં છે. ઉચાટ ગઈ ને વાંચીને. સકારાત્મક લાગવા માંડ્યું બધું, બસ વળી પાછા 'બેફિકરે' અબાઉટ લાઈફ. ફસાયા ફરીથી જો એવી સિચુએશનમાં તો દલાઈ લામા ઑશો ને srk તો છે જ, ગૂગલ અને સોશ્યિલ મીડિયા પર... ગરમાગરમ ફાફડા ને જલેબીની જેમ જ એમનાં ક્વોટ્સનાં ગ્રાહકો રેડી જ હોય છે લાઈન લગાવીને. પછી શું..લાઇકવાનું, શેરવાનું. ને હાંજ હુધીમાં તો હંગીયે નાખવાનું... 

એક વાત ન સમજાય કે સાલું પરિવર્તન માટે જેટલો પુરુષાર્થ જોઈએ એટલો બધો જમા કરી ઍક તારીખ નક્કી કરે. કાં તો વાર તહેવાર ને સ્પેશ્યલ ઇવેન્ટની રાહ જોવી, કેટલું વ્યાજબી છે?? 'આ "થટ્ટીફસ્ટે" જે પીશું એ છેલ્લી આપણી. પછી સાવ બંધજ કરી નાંખવી છે, નક્કી છે આપણું..' આવી તો કંઈ કેટલીય આખર તારીખો આવી.. લાસ્ટ મહેફિલો જામી..દર વખતે છેલ્લી વખત. 'સિગરેટ તો હું ડ્રિન્ક વખતે જ લાઈટ કરું છું બસ...' કોઈ પર્ટીક્યુલર કોર્સ કરવો છે તો એ પણ "આવતે મહીને કરીશ.. હમણાં આ મગજમારી પતે એટલે શાંતિથી કરીએ.."

 વળી, કોઈ બેન સાથે એવુંય થાય કે ક્રિસમસ ટ્રી બનાવવાનું હોય ઘરે, દીકરીનાં સ્કૂલનાં પ્રોજેક્ટ રૂપે...એનાં રિલેટેડ વીડિયો બ્લોગ સર્ચ કરતાં કરતાં ધ્યાન જેવું 'જગ્ગા જાસૂસ' ના ટ્રેલર પર ગયું એટલે પત્યું.... પછી તો રઈસ, દંગલ, જોલી LLB2... પ્લેલિસ્ટ લાંબી થતી જાય ને વિચારો ઑટો પાયલોટ મોડમાં...ને "ટ્રી" બને સંક્રાંત સુધી... ખરેખર તો તકલીફ એ છે કે વી લવ ટુ બી ઈન ફ્યુચર રાધર ધેન ક્રેએટિંગ ઇટ. 

સફળ થવા માટે બકા.., વાતાનુકૂલનનાં ઉપકરણમાં ઘુસીનેય પછવાડે પરસેવો રેલાવો પડે...' પણ એ તો નો થાય આપણાંથી. લાંબે અને પ્રિડિટર્માઇન્ડ ડેસ્ટિનેશને પહોંચવું હોય તો હાઈ વે પકડવો પડે. એનાં પચ્ચીસ જાતના રુલ્સ પણ ફોલૉ કરવા પડે. બેફામ રાઈડ કરવું હોય તો તમને તમારું ગામ જ ભલું, બાહર ના નીકળો..બી કેલ્ક્યુલેટિવ ડિટર્મિન્ડ..."થાશે..? કૅલીબર છે..?" તો જ એને લક્ષ્ય બનાવો. ખાલી ખોટા શેખચલ્લી વેળા નઈ કરવાનાં. 'લાઈફમાં આમ કરીશ, પેલા ભાઈ જેવો બનીશ....'ભઈલા જે લાઇફનો ખયાલ આવી રહ્યો છે, એ છે તો આજ ને. આ જ ક્ષણ...આજ છે લાઈફ, ને હમણાં વાસ્તવિકતા એ છે કે "તું કંઈજ નથી...." એક જોરદાર 'કિકઍસ' - 'ડિયર ઝિંદગી' તરફથી. તોય "નવ સમજ્યો દાનવ અલ્પ મતી" ની જેમ બીજાને સફળ થતાં જોતાં વેંત રઘવાયો થશે 'કેમ કરી ઉભું કર્યું આવડું મોટું સામ્રાજ્ય. એય કોઈની મદદ લીધાં વિના..!! ક્યાંક તો જોલ છે..(આવા ડોબાઓએ એટલીસ્ટ પ્રાથમિક શાળાની ચાર લાઈનો પણ જીવનમાં ઉતારી હોત કે માત્ર સાંભળી પણ હોત તો 'શૂન્યમાંથી સર્જન' - નો ખરો અર્થ ખબર પડી જાત.) છે જોલ, પરંતુ એમનામાં નહીં કે જે સફળ થઈ ગયાં, બલ્કે આવી જટીલ માનસિકતા ધારાવનારાઓમાં. માત્ર એટલું સમજાય ને એવા લોકો ને કે 'એ બધાં મારા જેવા નથી એટલે સફળ છે!!! બસ એવું ઇન્સલટિંગ ફીલ થાશે કે બધાં કામે લાગી જાશે. ધે વિલ અલસો ગેટ અ પાથ ઓફ ધેર લાઇવ્સ.. યસ..પાથ ઓફ લાઈફ, નોટ અ ડેસ્ટિનેશન ઑફ ઇટ...કોઝ ઇટ્સ ઑન્લી થીંગ ધેટ્સ અંડર અવર ફીટ.. વિધીન અવર કંટ્રોલ... ડેસ્ટિનેશન ઇઝ ઓન ડેસ્ટીની... બટ, ડેસ્ટીની કમ્સ ઑન્લી ઈન્ટુ સિનારિયો વેન વી સ્ટોપ ટ્રાઇંગ...



Chintan Harshad Rajgor.
prachin10@gmail.com



જય હો!

જય હો!



"ज़िन्दगीमें आपका लास्ट परफॉर्मंस इम्पोर्टेन्ट है, पास्ट परफॉर्मंस नहीं।"
 
આ ન્યુયર પર, ભારતના દરેકે દરેકે નાગરિકે જીભ પર કોતરાવી રાખવા જેવું આ વાક્ય છે. ભારતના એટલે લખ્યું જે આપણી બહુ બધી એનર્જી ભૂતકાળની મહાનતાની ગાથાઓ ગાવામાં, સંસ્કૃતિના વગર સમજયે માત્ર ને માત્ર વખાણ કરવામાં, ન હોય એવી વાતોને ટ્વીસ્ટ કરીને ખોટા મહાનતાના મિથ્યાભીમાનમાં જ વેડફાઈ જાય છે. અને પછી વર્તમાનમાં કરવા માટે શુ હોય છે? બાબાજી કા ઠુલ્લુ ! જરા વિચારો, આ મહાન વારસો ક્યારે રચાયો હશે?! એ ભૂતકાળના લોકો ય આપણી જેમ એમના ભૂતકાળના વખાણ કર્યા કરીને વર્તમાનમાં ડફોળોની જેમ બેઠા રહ્યા હોત, તો આપણા પાસે એમની ગાથાઓ હોત? કૃષ્ણ રામાયણ સાંભળીને બેસી રહ્યા હતા? બેસી રહ્યા હોત તો એ કૃષ્ણ હોત?

"जो लोग अपने पास्टमें खो जाते है, वो राजेश खन्ना बनते है, जो लोग अपने लास्ट में खो जाते है, वो अमिताभ बच्चन बन जाते है।"

ચોટદાર વાક્યો અને ઉદાહરણો છે.

કોના છે? કોણે લખેલા છે?
આ એ માણસના વાક્યો છે જેના કારણે આ બ્લોગ રચાયો છે. WeJViansના હૃદયમાં, મધ્યે JV છે. જય વસાવડા.
યસ, જય વસાવડાના આ વાક્યો છે.

આ વાક્યો, જય વસાવડાની એ સ્પીચમાંથી છે, જે સ્પીચ આપ સહુ, જય વસાવડાની નવી યુ ટ્યુબ ચેનલ "Planet JV" પર સાંભળી શકશો. હા, નવી ઑફિશયલ યુ ટ્યુબ ચેનલ. ફાઇનલી, JV એ પોતાની સ્પિચીસ માટે, વિડિયોઝ માટે કેટલાય વાંચકોની વિનંતીઓ ધ્યાનમાં રાખી, કંઈક ઑફિશિયલ ઓનલાઈન શરૂ કર્યું છે. ચિયર્સ. અને એ લોન્ચ થઈ રહ્યું છે, આ બ્લોગ દ્વારા, WeJVians દ્વારા પ્રથમવાર! ડબલ ચિયર્સ! 

મુંબઈના સન્મુખાનંદ હોલ ખાતે 2012માં યોજાયેલા નેશનલ લેવલ સેમીનારમાંની આ સ્પીચ હિન્દીમાં છે. મોટિવેશનલ, ઇન્સ્પાયરિંગ  સ્પીચ છે. હવે, JV કેટલા સારા સ્પીકર છે, એમનાથી કેટલા લોકો ઈંસ્પાયર થયા છે, એ બધું અહીં લખવાની કોઈ જરૂર ખરી!? જરાય નહીં, પણ અહીં એક અલગ વાત રજુ કરવાની જરૂર લાગે છે. અત્યારે મોટિવેશન એક બિઝનેસ છે. કોઈપણ અલેલટપ્પુ, ચંપુ થોડીઘણી સારી માસ કમ્યુનિકેશન સ્કિલ્સથી મોટિવેશનલ સ્પીકર બની શકે છે. સલાહો આપવી એ દુનિયાનું સૌથી સહેલું કામ છે! અને હવે તો એ આપવાના પૈસા મળે છે! તો જય વસાવડા આવા બીજા ઠાલા સ્પીકરોથી અલગ કઈ રીતે છે? વેલ, બે જાતના સ્પીકર્સ હોય છે: એક સંન્યાસ લઈને કૃષ્ણકથા કરનારો બાબો અને બીજા ખુદ કૃષ્ણ! એક બિઝનેસની વાતો કરનારો ફાંકોડી અને બીજો ખુદ તૈયાર થયેલો બિઝનેસમેન! એક માત્ર ખાદીને ફોલો કરતો ફેઈક ગાંધીવાદી અને બીજા ખુદ ગાંધી! એક મોટિવેશનની માત્ર વાતો કરતા સ્પીકર્સ અને બીજા જેમની લાઈફ ખુદ એક મોટિવેશન હોય એવા લોકો! દલપતરામ લખી ગયા:

"પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

જય વસાવડા ઉપર કહ્યા એમાંથી બીજા ગ્રુપમાં આવે છે. એમની માત્ર સ્પીચ ઈંસ્પિરેશનલ નથી. એમની આખી લાઈફ ઈંસ્પિરેશનલ છે! એટલે જ એ માત્ર મોટિવેશનલ સ્પીકર નથી. એ માણસ લાઈફની ચૅલેન્જિસ સામે લડીને ઝઝૂમતો અને જીતતો માણસ છે! અનુભવો ઊંડાણ આપે છે. આ અનુભવે, જિંદગી ધાર પર જીવીને આવેલું ઊંડાણ છે એમનામાં. એટલે એ "ખાલી" મોટિવેશનલ સ્પીકર નથી. "લાઈફ કોચ" છે. સાંબેલું વગાડવાની ક્ષમતા રાખે છે. પોતાની ટર્મ્સ મુજબ જિંદગી જીવવાની હિંમત રાખે છે. એમના વિશે ન વાંચ્યું હોય એમણે જરા ખણખોદ કરીને વાંચવું. અને હવે, ઑફિશિયલ ચેનલ પરની આ સ્પીચમાંથી કેટલાક બાઇટ્સ:

"कहा जाता है कि हस्बैंड इज़ हेड ऑफ़ फेमिली। बट वाइफ़ इज़ नेक, धेट मूव्स ध हेड़।"

"सबसे पहला फ़िमेल साइकोलॉजिस्ट जो था वो था रावणका मामा मारीच।"

"महोब्बतमें जो फंडा लागू होता है, वही मार्केटिंगमें भी लागू होता है।"

"हम (बाज़ारमे) प्रोडक्ट खरीदने नहीं जाते, हम अपने प्रोब्लेम्सका सॉल्यूशन खरीदने जाते है।"

"अगर आपको महोब्बत करनी है तो आपको हिम्मतभी करनी होगी।"

"हमारी सबसे बड़ी प्रॉब्लम है डर...सबसे ज़्यादा लोग (दुनियामें) खटिया पर मरते है, बेड़ पर मरते है। लेकिन रातको हम चैनकी नींद वहीँ पर जाके सोते है...क्योंकि हम डरते नहीं उस वक्त।"

"जवाब तो गूगल के पास भी है, सवाल होना चाहिए अपने पास।"

"हम चाहे 75 लाख़की गाड़ीमें, 1 करोड़की गाड़ीमें, औड़ीमें, BMWमें जाए सेंटरपे, पर हमें अगर रास्ता मालूम नहीं है, तो एक वो फटा हुआ कपडा पहना हुआ, 12 सालका बच्चा कहेगा कि चलो मेरे पीछे चलो, मैं आगे जाके बताता हूं कि हॉल (जगह, सेंटर) कहाँ है... जो जानता है वो आगे चलता है और जो नहीं जानता उसे पीछे चलना पड़ेगा।"


આ બધી બાઇટ્સ ચાખીને આખે આખા થ્રી કોર્સની મજા માણવી હોય તો સાંભળો જ સાંભળો આખી સ્પીચ.
 
છેલ્લે એક વાત કહેવી છે, અહીં સ્પીચમાં JVએ એક વાત કહી છે: "यु केन इंस्पायर योरसेल्फ। क्यों हम अपेक्षा करते है कि कोई आके हमें सपने दिखाए और हम पूरे करे। हम खुद सपना देखे।"

આ જ વાત, હમણાં, સન ફાર્માસ્યુટિકલ્સના MD દિલીપ સંઘવીએ એક મિટિંગમાં કહેલી જ્યારે એક એમ્પ્લોયીએ એમ્પ્લોયી મોટિવેશન પ્રોગ્રામની વાત કહી. એમણે કહ્યું,
"I can not inspire you. You only have to inspire yourself." સન ફાર્મા, ભારતની સૌથી મોટી ફાર્મા કંપની છે.

Great men share thoughts !

અને છેલ્લે, આ રહી લિંક, જય વસાવડાની ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલ, Planet JVની લિંક, WeJVians માટે ન્યુયર ગિફ્ટ:



~ બ્લોગ ટીમ WeJVians

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!~ અંકિત સાદરીયા 

આમ તો બધા શિયાળાના બોવ વખાણ કરતા હોઈ છે. શિયાળો એટલે બેસ્ટ ઋતુ, તાજા શાકભાજી મળે, આરોગ્ય સારું રહે, કસરત કરીને શરીર મજબુત બને વગેરે વગેરે.. પણ સાચું કહું તો શિયાળો સહુથી બકવાસ ઋતુ છે. (શિયાળા પ્રેમી જનતાએ હળવાશથી લેવું)

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

શિયાળો – બાપ રે બાપ ઠંડી તો જોવો!

ન્યુ કપલ માટે તો ઠીક છે પણ બાકીનાંઓ તો ૨ કે ૩ ધુસા અને ગોદડા ઓઢે તો પણ રાતે નાં મેળ આવે. સાલી ઠંડી ક્યાં ખૂણેથી ગોદડામાં ઘુસી જાય એ જ નાં સમજાય. કુક્ડું વળીને જેમતેમ કરીને માંડ માંડ ઊંઘ આવે. અધૂરામાં પૂરું રાત પણ સાલી જલ્દી પડી જાય. રાતે આવી ઠંડીમાં એકલા એકલા કરવું શું સાલું ! એમાં પણ ક્યારેક તો એવી ઠંડી પડે કે હાર્ડ ધ્રુજાવી નાખી. ગરમી નો લાગે એટલે પંખા, કુલર એસી વગેરે ઉપાય છે પણ ઠંડી માટે તો સાલું ગોદડા ઓઢવા સીવાય કાય નાં થાય. (તાપણાનું નામ કોને લીધું ? ઊંઘ માં કેમ તાપવું ? )

લોકો કહે છે કે શિયાળામાં કસરત કરવાની મજા આવે, શરીર મજબુત બને. સાવ સાચી વાત કસરત તો ચાલુ થાય અને કસરત કરીએ તો મજા પણ આવે. પણ સાલું કસરત કરવા માટે સવારે ઉઠવું કેમ? ગમે એમ કરો સવારે ઊંઘ જ નાં ખુલે અને કદાચ ઊંઘ ઉડી પણ જાય તો પથારીની બહાર નીકળવાનું મન જ નાં થાય! શિયાળો આવે અને હોંશ હોંશમાં કસરત ચાલુ પણ કરી દઈએ તો પણ એકાદ અઠવાડિયા માં તો બાળમરણ થઇ જ જાય. ઉલટાનું ભૂખ વધુ લાગે અને અડદિયા ખાઈ ખાઈને વજન ડબલ થઇ જાય. અને પાછો દિવસ ટૂંકો ને રાત લાંબી, આખી રાત આળસુ પાંડાની જેમ પથારીમાં પડ્યા રહેવાનું.

તાજા તાજા શાકભાજી આવે એ સાચું પણ ફળો નું શું? ફળમાં શું આવે ? ચણીયા બોર? (જો કે મને ચણીયા બોવ ભાવે હો! ;) ફળોનો રાજા કેરી તો ઉનાળામાં જ આવે ને. એક તો ઠંડી એવી હોઈ આઇસક્રીમ કે ગોલાની ઉનાળા જેવી મોજ નો આવે. ઠંડાપીણા, લીંબુ શરબત તો છોડો અરે છાસ પણ પીવાનું મન નો થાય. કૈક આડુઅવડું ખાવ તો તરત શરદી થઇ જાય. નાકમાંથી લસ્સી નીકળવાનું ચાલુ થઇ જાય અને આખી દુનિયા ગંદી અને ગોબરી લાગવા માંડે. અને ઉધરસ અને કફ થઇ જાય તો તો સાલી દુનિયા જ એક માયાજાળ લાગવા માંડે.

સૌથી ખરાબ પાર્ટ છોકરીઓના કપડા! ઉનાળા અને ચોમાસામાં મસ્ત ફૂલઝરની જેમ સેક્સી કપડામાં આંટા મારતી છોકરીઓ શિયાળો આવતા જ ઢંકાય જાય. નો શોર્ટસ, નો વનપીસ, જીન્સ, જેકેટ અને મફલરમાં આખી બ્યુટી જ ઢંકાય જાય. અને કદાચ એટલે જ શિયાળામાં ઠંડી વધી જતી હશે!


એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર

એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર



"સરના, હું દારૂ શા માટે પીતો થયો ખબર છે? એક મજબૂત માણસે મને કહ્યું હતું કે 'એક એક પેગ, આત્મહત્યાનો એક એક ડોઝ છે. મને એની વાત બહુ ગમી" 1 શરાબનો ગ્લાસ હોઠ પરથી હટાવતા હર્ષે કહ્યું. 

સરના અને હર્ષ દોસ્ત હતા, ઘણાં સમયથી. 

આ એ હર્ષ હતો જેને સરનાએ હંમેશા ખુશ જોયેલો, બીજાને હિંમત આપતો જોયેલો, પોતાની જાતને સંભાળી લેતો જોયેલો. દુઃખી દોસ્તના ખભે હાથ મૂકીને એ કહેતો, "છોડને યાર, જિંદગી બહુ મોટી છે, આજથી 5 વર્ષ પછી તને આ બધું બહુ નાનું 'ને ફાલતુ લાગશે, યાદ કરજે મને...". પણ પોતાનું દુઃખ જરા અલગ હોય છે, દિલમાં ઊંડે ઊતરી જાય છે, પારકા દુઃખ કરતાં એનું મહત્વ વધારે હોય છે, એની ધાર તીક્ષ્ણ અને ભાર કેટલાય કિલોનો હોય છે. 

"શેનું દુઃખ છે હવે!? છૂટા પડી ગયા છો બન્ને! યુ આર ડિવોર્સ્ડ હર્ષ!" સરનાએ કહ્યું. એ બહુ સીધું અને ઓછું બોલતી. 

"દુઃખ નહીં પસ્તાવો છે! પસ્તાવો 2 વર્ષ ખોટા વ્યક્તિ, ખોટા સબંધમાં ખર્ચી નાખવાનો. કેટલીય લાગણીઓ બાળી મૂકવાનો પસ્તાવો છે. તું સાચી હતી સરના, લગ્ન બહુ આર્ટિફિશિયલ ચીજ છે. અને હા, તું પેલું શું કહેતી ? હા, લગ્ન કરવાની હિંમત કરતાં એકલા રહેવાની હિંમત મારામાં વધું છે," એ જરા હસ્યો, પોતાના પર.

સરના જોઈ રહી એને અને કહ્યું, "છોડ હર્ષ , જિંદગી બહુ મોટી છે યાર, હજુ ઘણું જીવવાનું બાકી છે." 

"હમમમમમ..." હર્ષ શરાબમાંથી જરા જરા બહાર નીકળ્યો અને કહ્યું, "અચ્છા છોડ બધું, તું કહે, શું ચાલે છે તારી લાઈફમાં, કંઈ નવા-જૂની?!"

"હા, એ માટે જ ખાસ આવી છું," સરનાએ પોતાની બૅગ ફંફોસવા માંડી, "લે આ, મારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ, બધાએ આવી જવાનું છે." એણે પોતાના લગ્નની કંકોત્રી હર્ષ સામે ધરી દીધી. 

હર્ષ ત્રણેક સેકન્ડ જોઈ રહ્યો સરના સામે. અને પછી જોર જોરથી હસ્યો, એટલું જોરથી કે એનો બધો નશો બાષ્પ થઈ ગયો. 
***

(આશરે બે વર્ષ બાદ)

"માણસ લગ્ન કરે છે ત્યારે એક ખ્વાબ હોય છે, જિંદગીને તરાશવાનું, સંતાનોનું, સાથે સાથે જીવવાનું અને ઝઘડવાનું અને ધીરે ધીરે થાકતા જવાનું ! અને સંતોષનો એક એક ધોળો વાળ ફૂટતો જાય છે." 2

સરનાએ પોતાની ડાયરીમાં લખેલા પોતાના અક્ષરોને ટેરવાથી જરા અનુભવી લીધા. એ કાગળ, એની પીળી ઝાંય, જરા ખરબચડી સપાટી, એ શાહીની સુગંધ બધું એને વીરેનની યાદો તરફ ખેંચી લઈ જતું. જૂનું વાંચીને, નવું લખીને એ પોતાની સાથે વાત કરી લેતી. વીરેનના મૃત્યુ પછી જાત સિવાય વાત કરવા વાળું કોઈ રહ્યું નહોતું. પણ એણે તરત જ ડાયરી બંધ કરી. એને નહોતું ગમતું એ બધું યાદ કરીને મર્યા કરવું. "નથી આવવાનો વીરેન પાછો! યુ હેવ ટુ મૂવ ઓન સરના!" એ ક્યારેક અરીસા સામે બેસીને મનમાં પોતાને કહેતી. વીરેનના મૃત્યુ પછી એની જિંદગી અડધી થઈ ગઈ હતી- એક આંખ ફૂટી જાય અને અડધી દુનિયા દેખાય એવી.

ફોનનું વાઈબ્રેશન ગાજ્યું. ડિસ્પ્લે પર નામ ચમક્યું, "હર્ષ". 

"હા, બસ દસ મિનિટ. પહોચું છું." સરનાએ ફોનમાં જવાબ આપ્યો.

વીરેનના ગયા પછી દોઢેક વર્ષ બાદ એક વખત હર્ષ સરનાને મળી ગયો. અને ત્યારબાદ બન્ને મળતા રહ્યા, જૂની દોસ્તીનું વ્યાજ હોય એમ. 

"હું ખોટી હતી હર્ષ, એકલા નથી જીવી શકાતું- કોઈની સાથે રહ્યા પછી." સરનાએ હર્ષને કહ્યું.

"ના, તું સાચી જ હતી, સાબિતી તારા સામે છે," એ પોતાના તરફ ઈશારો કરતા બોલ્યો, "ઇટ વીલ ઑલ બી ઓકે સરના. ટાઈમ હિલ્સ એવરીથીંગ." હર્ષે કહ્યું. 

"કેટલો ટાઈમ હર્ષ!? બે વર્ષ થયા. ખબર નહીં હું ક્યાં અટકી ગઈ છું!?  પહેલેથી એકલો રહેલો માણસ જીવી જાય છે-જરા આસાનીથી. પણ એકવાર ટેવ પડી જાય ને- પ્રેમની, સપોર્ટની, કૅરની, રડવા માટેના ખભાની- પછી કંઈક અધૂરું લાગ્યા કરે છે." એ જરા ચીડાઈ ગઈ. ઘણું બધું એકસાથે બોલી ગઈ.

હર્ષ એની સામે જોઈને કંઈક બોલવા જઈ રહ્યો હતો, ત્યાં જ સરનાએ કહી દીધું,

"વીલ યુ મેરી મી?!"

હર્ષ ફાટી આંખે સરનાને જોતો રહ્યો.
***




1 ચંદ્રકાંત બક્ષીની "આકાર"માંથી.
2 ચંદ્રકાંત બક્ષીની "લીલી નસોમાં પાનખર"માંથી.

અહીં આ વાર્તાના બન્ને ભાગમાં, શરૂઆતના વાક્યો ચંદ્રકાંત બક્ષીની "આકાર" અને "લીલી નસોમાં પાનખર"માંથી લીધાં છે. બક્ષીની નોવેલ્સનાં વાક્યો પકડીને એને એક અલગ આયામ, એક અલગ આકાર આપવાની તુચ્છ કોશિશ કરી છે.

"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com

Guest Post - સ્વજન સરખી ટ્રેન by Ankit Desai



સ્વજન સરખી ટ્રેન
by Ankit Desai


બાલ્કી સા’બની લેટેસ્ટ રીલિઝ ‘કી એન્ડ કા’માં અર્જુન કપુરને ટ્રેન બહુ પસંદ હોય છે. એક ડાયલોગમાં એ કરીનાને કહે છે, ‘મૂઝે ટ્રેન બહોત પસંદ હૈ…’ અને પછી કરીના સાથે એ સેટલ થાય ત્યારે પોતાના આખા ઘરમાં ટ્રેનમાં કે રેલવે સ્ટેશનો પર હોય એવું ઈન્ટિરિયર કરાવે. કેટલાક લોકોને આ બાબત અસ્વાસ્તવિક લાગી શકે, પણ ટ્રેન પ્રત્યેનો લગાવ એટલે શું? એની તો એને જ ખબર હોય, જે ટ્રેનમાં ડેઈલી અપડાઉન કરતા હોય કે દિવસના અમુક કલાક ટ્રેનમાં પસાર કરતા હોય!

એ ફિલ્મ જોયેલી ત્યારથી ટ્રેન પ્રત્યેના વળગણ વિશે લખવાની મને ઈચ્છા હતી, કારણ કે ટ્રેન સાથેનો મારો સંબંધ હવે એક દાયકાનો થવાનો એટલે સ્વાભાવિક ટ્રેન સાથે મને ભાવનાત્મક લગાવ હોવાનો. પરંતુ એક યા અન્ય કારણોસર લખી શકાયું નહીં અને પછી વાત સમૂળગી ભૂલી ગયો. ટ્રેન સાથે નાતો બંધાયેલો છેક 2007માં… ગ્રેજ્યુએશન કર્યું તો ટ્રેનમાં ચાર વર્ષ વાપી ટુ વલસાડનું અપડાઉન કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સુરત ભણવાનું થયું તો દર વિકેન્ડમાં ઘરે જવા કે ઉઘડતા અઠવાડિયે ઘરેથી સુરત આવવા ટ્રેનનો સહારો લીધો અને 2013થી પત્રકાર તરીકે નોકરી શરૂ કરી તો આજ દિન સુધી ટ્રેનમાં ડેઈલી વાપી ટુ સુરતનું અપડાઉન.

કોઈ કહેશે એવા તો હજારો લોકો હશે, જે દાયકાઓથી ટ્રેનોમાં અપડાઉન કરે છે, એમાં લગાવ શેનો થઈ જાય? પરંતુ મેં ટ્રેન સાથેના મારા સંબંધને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોયો છે. એવાઓને હું પૂછીશ, જો ઘર વહાલું હોય તો ટ્રેમ કેમ નહીં? આખરે એમાં પસાર કરેલા કલાકોનો સરવાળો કરવા બેસીએ તો ખ્યાલ આવે કે, અત્યાર સુધીના જીવનના ત્રણ-ચાર મહિના જેટલો સમય તો ટ્રેનમાં જ પસાર થયો છે! અને એ કારણે જ કદાચ ટ્રેન જેવી ટ્રેન મને કોઈ સ્વજન જેવી લાગી છે.

ટ્રેનમાં મેં કેટલા પુસ્તકો વાંચ્યા હશે એનો મારી પાસે હિસાબ નથી. કૉલેજ ટાઈમથી મારી બેગમાં એકથી વધુ પુસ્તકો રહે અને વજન વધી જવા છતાં પુસ્તકો સાથે રાખવાનું કારણ એ જ કે, ટ્રેનમાં સમય મળશે તો વાંચી શકાશે! ટ્રેનમાં મેં જેટલી વિવિધતાના પુસ્તકો વાંચ્યા છે એટલી વિવિધતા વાંચવાની પદ્ધતિઓની બાબતે પણ રહી છે. ક્યારેક જગ્યા મળી ગઈ હોય તો રજવાડી ઠાઠથી હાથમાં ચ્હાનો કપ લઈને બારીએ બેઠાં બેઠાં તો વાંચ્યું જ છે, પણ સીટની ઉપરના પાટિયે, જ્યાં ટૂંટિયું વાળીને બેસવાના પણ ઠેકાણા નહીં હોય ત્યાંય વાંચ્યું છે. હકડેઠઠ ભીડમાં ઊભા ઊભા પણ વાંચ્યું છે અને ક્યારેક દરવાજે બેસીને પણ વાંચ્યું છે. ટ્રેનની યાત્રાઓએ મને વિચારોની યાત્રાઓની યાત્રા પણ બક્ષી છે, જે વિચારો ભીડ અને ગરમીમાંથી કોઇક બીજી જગ્યાએ લઈ જઈને કપરી વાસ્તવિક્તાથી મને અળગો કરીને સુખ આપે છે. 



ટ્રેનમાં હોઉં ત્યારે મોટેભાગે મેં જીવનના સારા-નરસા સમાચારો સાંભળ્યાં છે અને મારી ખુશી કે દુઃખ ટ્રેનમાં વહ્યાં છે, વ્યક્ત થયાં છે. જીવનની સૌથી પ્રિય વ્યક્તિ એવી મારી બા(દાદી)ના અવસાનના સમાચારનો ફોન આવેલો ત્યારે હું ટ્રેનમાં હતો અને આંખોમાં આંસુ સાથે બારીના સળિયે માથું ઢાળી દીધેલું. સળિયાની નક્કરતામાં પણ એ વખતે બાના હાથની મુલાયમતા અનુભવાયેલી, જે હાથ પછી ક્યારેય માથે ફરવાનો નહોતો! મારાથીય પાંચેક વર્ષ નાના કઝિનનું અકસ્માતમાં મોત થયેલું એના સમાચાર પણ ટ્રેનમાં મળેલા, જે મુસાફરી દરમિયાન હું ભીડમાં ઊભો હતો અને સમાચાર સાંભળતા જ ફસડાઈ પડેલો. ભીડમાંના લોકોએ મને ઊભો કરીને પાણી આપેલું. એ અજાણ્યા ચહેરા સ્વજનો નહીં કહી શકાય?

ટ્રેનની નિયમિત મુસાફરીએ જો મને સૌથી મહત્ત્વની ત્રણ બાબતો શીખવી હોય તો એ કે, આપણા મૂળિયાં છોડવા પણ નહીં અને ભૂલવા પણ નહીં! બીજી વાત એ કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આશા નહીં ખોવી અને નિરાશ નહીં થવું. અને ત્રીજી વાત એ કે, સંજોગોની સામે હંમેશાં લડતા રહેવું. છેલ્લા નવ વર્ષથી હું ટ્રેનમાં રોજ એવા ચહેરા- એવી આંખોથી રૂબરૂ થાઉં છું, જે ચહેરાઓ કાળી મજૂરી કે તોતિંગ મુશ્કેલીઓ સામે લડીને કાળા, નિસ્તેજ કે કરચલી વાળા જરૂર થયાં હશે, પણ એ આંખોની ખુમારી, એની અંદરની આશા હંમેશાં અકબંધ રહી છે. એક બે ઉદાહરણો આપું તો ટ્રેનમાં મેં એવા લોકોને જોયા છે, જેઓ ચાર-પાંચ હજાર રુપરડીની કમાણી માટે સીત્તેર-એંસી-સો કિલોમીટરની મુસાફરી કરે છે. ઘર ચલાવવાનું તો ઠીક રાસન-પાણી પણ જેમતેમ અપાવી શકતી એ કમાણી માટે તેઓ માત્ર ઉપરી કર્મચારીની ગાળો, નાનાં-મોટા અપમાનો કે કમરતોડ મજૂરી જ નથી કરતા પરંતુ ટ્રેનની રોજની ભીડ, યાતનાઓ, અન્ય મુસાફરો સાથે નાની-મોટી તકરારો પણ વેઠે છે. પરંતુ એ આંખોને મેં જીવન પ્રત્યે ફરિયાદ કરતી નથી જોઈ. એ તેજસ્વી આંખો હંમેશાં એમની મસ્તીમાં રહી છે અને આવતી કાલની પરવા કર્યા વિના જીવતી રહી છે.

એમને જોઉં ત્યારે મને હંમેશાં વિચાર આવે કે, જે લોકો દિવસમાં છાપું પણ ઠીકથી નથી વાંચતા એ લોકોની આશા કેમ આટલી જીવંત છે અને એવા કારણો હશે, જે કારણો એમનો જીવનરસ ક્યારેય સુકાવા નથી દેતાં? બીજી તરફ આપણે એમના કરતા બહેતર સગવડો યુક્ત જીવન જીવીએ છીએ, છતાં નાની નાની વાતોએ ફિલોસોફી અને પ્રેરણાત્મક વાંચનના સ્ટીરોઈડ્સ લેવા પડે છે! તો અભાગીયા કોણ આપણે કે એ લોકો?

ટ્રેન જ્યારે આગળ વધતી હોય ત્યારે એના ડબ્બાની અંદર જેટલી વાર્તાઓ હોય એટલી જ વાર્તાઓ ડબ્બાની આજુબાજુ પથરાયેલા વિસ્તારોમાં ધબકતી હોય છે. વિવિધ શહેરોમાંથી પસાર થતી વખતે આજુબાજુ પથરાયેલી ઝૂંપડપટ્ટીઓમાં વસતા, પટરીની આસપાસ જીવતા એ લોકો કોણ જાણે કેટલીય વાર્તાઓ પોતાની અંદર ધરબીને બેઠાં હશે? સુરતથી શરૂ થતી ટ્રેન છેક ઉઘના સુધી ધીમી ગતિએ પસાર થાય અને એ દરમિયાન ડબ્બાની બહાર પથરાયેલું જીવન જોવા મળે ત્યારે દિલ પર અનેક ડામ પડે. એમ થાય બહારથી આ જીવન આટલું કદરૂપું છે તો હજુ થોડાં અંદર ઉતરીશું તો કોણ જાણે કેટલીય ગેબી વાતો જાણવા મળશે?

પટરીને લગોલગ રમતાં કે મોઢાંમાં કોઈકનો ત્યાજેલો ખોરાક મૂકતા નગ્ન બાળકોને જોઉં ત્યારે હંમેશાં એક જ પ્રશ્ન થયો છે મને કે, કોની નાગાઈ વધુ ભયાનક? આ બાળકોની કે ખોરાક, આરોગ્ય, રહેઠાણ કે શિક્ષણ જેવા એમના પ્રાથમિક હકો પર તરાપ મારી બેઠેલાં મૂડીવાદીઓની, રીઢા સત્તાધિશોની કે સમાનતા અને સમાજવાદની વાતો કરતા આપણા બધાની? સત્તાધિશો જ્યારે જ્યારે એમના ભાષણોમાં ‘મેરે દેશ કે એકસો પચીસ કરોડ નાગરિકો…’નો વારંવાર ઉલ્લે કરે છે ત્યારે દેશભરમાં રેલવેની પટરીની આજુબાજુ પથરાયેલા લોકોનો એમાં સમાવેશ થતો હશે ખરો? એ રીતે જોવા જઈએ ટ્રેને મને બેચેનીની પણ ભેટ આપી છે, જે બેચેનીમાંથી પલાયન સાધવા સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી.

પટરી પરના આવા જ એક જીવન સાથે મારે થોડા દિવસો પહેલા સીધો સામનો થયેલો. આ જન્માષ્ટમીની આગલી સાંજે ભીડને કારણે હું ટ્રેનના દરવાજે બેઠો. મને એ વાતનો ખ્યાલ હતો કે, ટ્રેન સુરતથી ઉઘના સુધી ધીમી ચાલે છે અને એ દરમિયાન પટરીની બંને તરફ ઊભેલા ગરીબ યુવાનો એમનો હાથ સાફ કરતા હોય છે. ટ્રેન ચાલતી હોય ત્યારે પટરીની બંને તરફ ઊભેલા યુવાનો દૂરથી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે, દરવાજે બેઠેલા માણસના હાથમાં મોબાઈલ છે કે નહીં? અને જો મોબાઈલ હોય તો જેવો ડબ્બો પોતાની નજીક આવે કે, હાથમાં રાખેલી લાકડી દરવાજે બેઠેલા મુસાફરના હાથ પર ફટકારે અને જો એમનું નસીબ સારું હોય તો ગભરાયેલા મુસાફરના હાથમાંનો મોબાઈલ છટકીને નીચે પડે, જેને ટ્રેન પસાર થઈ જાય પછી તેઓ ઉંચકી લે અને ચોરબજારમાં જઈને વેચી આવે!

ટ્રેનની બારીએ બેઠાં બેઠાં મેં પોતે આવા અનેક કિસ્સા જોયાં છે અને ઘણી વાર દરવાજે બેઠેલા માણસોને ચેતવ્યા પણ છે. સાતમના દિવસે ટ્રેન ધીમી હતી એ સમયે મારા પર એક ફોન આવ્યો અને ફોનની અગત્યતા જોઈને મેં ફોન રિસીવ કર્યો. હજુ થોડી જ વાત થઈ હશે ત્યાં મારા હાથ પર જ બહારથી ફટકો પડ્યો અને મારો સ્માર્ટફોન ધબ દઈને નીચે પડ્યો અને હું મૂર્ખની જેમ પટરી પરનો મારો ફોન, ફટકો મારનારા પેલા ચહેરાઓને જોતો રહ્યો! લગભગ બેએક સેકન્ડ મને ગુસ્સો આવ્યો હશે, ત્યાં ફરી મનમાં એ જ સવાલ ઉઠ્યો કે, જેણે લાકડી ફટકારી એના પેટ પર કુદરત રોજ કેવી મોટી લાકડી ફટકારતો રહેતો હશે કે એણે પેટ ભરવા છેક આવું કામ કરવા પડતું હશે? કોણ જાણે કેમ ત્રીજી સેકન્ડે મારો ગુસ્સો ઓગળી ગયો અને પટરીની આસપાસ વસતા એ લોકો પ્રત્યેની મારી સહાનુભૂતિ અકબંધ રહી. ઈશ્વરની મહેરબાની કે એણે મને આ મતિ સૂઝાડી નહીંતર હુંય બધાની જેમ એ અભાગીયાઓને ચોર, લૂંટારા, કમજાત, ભીખારી અને કોણ જાણે કેટલીય ગાળોથી નવાજતે અને મને એમના પ્રત્યે હંમેશાં નાહકની ઘૃણા રહેતે!

ટ્રેને મને અનેક સંબંધોની ભેટ પણ આપી છે, જે સંબંધોની લાક્ષણિકતા સામાન્ય સંબંધો કરતા ઘણી વિશિષ્ટ છે! એવા કેટલાય સંબંધો છે જેમાં વ્યક્તિનું નામ પણ નહીં જાણતા હોઈએ, પણ એમને રોજની એક સ્માઈલ નિયમિત આપવાનું બને છે. એવા કેટલાય સંબંધો છે, જેઓ આગલા સ્ટેશનથી મારે માટે જગ્યા લઈને આવે છે, તો કેટલાક સંબંધો માટે હું જગ્યા રોકું છું. આવા સંબંધોનું નામ અને શહેર કે એનું કામ કદાચ જાણતા હોઈએ, પણ એ સિવાય એના ભાગ્ય કે એના જીવન વિશે કશું જ ખબર નથી હોતું. ગતંવ્ય સ્ટેશને ઉતરી જવાની સાથે એ સંબંધ સાથેનો નાતો બીજા દિવસની સવાર સુધી સ્થગિત થઈ જાય છે, જે બીજા દિવસે ફરી અડધા કલાક કે કલાક માટે ધબકે અને ફરી નવી સવાર સુધી સ્થગિત થઈ જાય!

ક્યારેક એવુંય બને છે કે, જે ચહેરાઓ સાથે સ્માઈલ કે જગ્યા રોકવાનો સંબંધ હતો એ ચહેરા કોઈક દિવસે સાંજની ટ્રેન પકડવાની ઉતાવળમાં ક્યાંક અકસ્માતમાં અવસાન પામે અને સવારે જીવતો નીકળેલો માણસ સાંજે મડદું થઈને ઘરે પહોંચે! એટલે જ જે ટ્રેન અમારા માટે લાઈફલાઈન છે એ ટ્રેન અમારી લાઈફ છીનવી પણ શકે છે એ વાતના અહેસાસ સાથે મારા જેવા કેટલાય ચહેરા અપડાઉન કરતા રહે છે.

આ ઉપરાંત ટ્રેનને ચાહવાના, એની સાથેની મારી આત્મીયતાના અનેક ઉદાહરણો આપી શકું છું, પરંતુ લેખની લંબાઈ જોતા તમારા પર ત્રાસ ગુજારવાની ઈચ્છા નથી. પણ કનક્લુઝન રૂપે જો કંઈ કહેવું હોય તો એટલું જરૂર કહી શકાય કે, ગયા જન્મમાં હું જરૂર ટ્રેનમાં બેસવાનો રહી ગયો હોઈશ અને ટ્રેનમાં બેસવા ખૂબ ઝૂર્યો હોઈશ. તો જ આ જન્મે નિયતિએ ટ્રેન સાથે એક દાયકાનો સંબંધ જોડી આપ્યો. આ નાતો એટલો ઉત્કટ છે કે, ત્રણેક વર્ષ પહેલા નવા ઘરમાં શિફ્ટ થયો તો એ ઘરના ત્રણ રૂમની બારીઓ રેલની પટરીઓ સામે પડે છે, જ્યાંથી ટ્રેન પસાર થાય ત્યારે ઘરે આવતા અનેક મહેમાનોએ ફરિયાદ કરી છે કે, ‘યાર આટલો બધો ઘોંઘાટ સહન કઈ રીતે કરો છો?’

જોકે એ મહેમાનોને મેં ક્યારેય નથી કહ્યું કે, આ બારીઓને લગોલગ બેસવા માટે મેં આરસની પાયરી એટલે કરાવી છે કે, સવારની પહેલી ચ્હા કે રવિવારની સાંજની નિરાંતની ચ્હા આ પાયરી પર બેસીને પી શકાય અને સામેથી પસાર થતી ટ્રેનને માણી શકાય. સાચું કહું છું, ટ્રેનનો અવાજ મને હંમેશાં રહેમાનના સંગીત જેવો પોતીકો લાગ્યો છે…!
- Ankit Desai

--------------

અંકિત દેસાઈ વિશે એમના જ શબ્દો માં - 

હું માણસ છું એ મારી સૌથી પહેલી ઓળખાણ. પરંતુ જન્મ પછી સૌથી પહેલા મને ‘દેસાઈ’નું લેબલ લાગ્યું અને પછી અગિયારમાં દિવસે ‘અંકિત’ નામ મળ્યું. એટલે ત્યારથી સરકારી ચોપડે, સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં અને ઓળખીતા પાળખીતાઓમાં હું અંકિત દેસાઈ તરીકે ઓળખાઉં છું. જોકે હું અંકિત દેસાઈ નથી જ, આ તો બીજાઓ દ્વારા મને પૂછ્યાં વિના અપાયેલી મારી ઓળખ છે. બાકી હું કોણ છું એની શોધ હજુ ચાલું જ છે. પત્રકારત્વમાં મને પહેલાથી જ ઘણો રસ હતો એટલે મેં માસકોમ્યુનિકેશન કર્યું અને સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત ગાર્ડિયન’માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી અને હવે 'khabarchhe.com'માં એક્ઝિક્યુટિવ એડિટરની જવાબદારીઓ નિભાવું છું. મૂળે આપણે મળતાવડા સ્વભાવના પરંતુ સતત લોકોની સાથે હરતાં ફરતાં રહેવું પણ આપણને પસંદ નથી. દિવસમાં થોડાં કપ ચ્હા અને ગમતા પુસ્તકો મળી રહે એટલે બંદા ખુશ, બીજી આ બંદાની બહુ ખ્વાહિશ નથી!

ઉત્સવ

ઉત્સવ
~હાર્દિક વ્યાસ


ઉત્સવનું વાતાવરણ છે. દીવાળીની રાત છે. શહેરનાં રસ્તાઓ અને ગલીઓ રોશનીથી ઝળહળે છે. ઘરોની દિવાલો, કાંગરાઓ અને ગોખલાઓમાં દીવડાઓ ઝગમગ થાય છે. ઘરોને પ્રકાશથી નવડાવ્યા હોય એવું પ્રતીત થાય છે. ચારેય બાજુથી ફટાકડાં ફૂટવાનાં અવાજો આવે છે. સૌનાં આંગણામાં સૌ આવડે એવી રંગોળી બનાવવામાં લાગ્યા છે. શહેર જાણે રોશનીમાં ઝબોળાઈને નીતરતું હોય એવું લાગે છે.

શહેરનાં મોટા ચોક પાસે આવેલી પીરબાબાની દરગાહ પાસે ફૂટપાથ પર એક કુટુંબ રહે છે. ધનજી, એની પત્ની રાજી, છ-સાત વરસનો દીકરો જીવો(જીવલો) અને પાંચ-છ વરસની દીકરી લખમી.

ધનજી છૂટક મજૂરી કામ કરીને કમાય છે. રાજીએ ચારેક ઘરનાં ઘરકામ બાંધ્યા છે. લખમી રાજી સાથે જાય અને જીવો ધનજી સાથે. બન્ને પોતાની 'કરીઅર' બને એ માટે શક્ય એટલી મહેનત અને ઈમાનદારીથી મા-બાપનાં કામ શીખે છે.

રાજીને ઊભડક પગે બેસીને કાંઈક કરતી જોઈને ધનજી બોલ્યો, " ઓ ય... હું કરેસ? (મતલબ - શું કરે છે?)". રાજીએ જવાબ આપ્યો,
" મારા એક શેઠાણી કે'તા 'તા કે દીવાળીની રાય્તે રંગોળી પૂરીયે તો ઘરે લખમી આવે."

"આ એક તો સે.. હવે કેટલી લખમી ઝોવે સે તારે!!"

રાજી થોડીક શરમાઈ ગઈ..

"ઈ લખમી નય.."
પછી જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો ઘસીને બોલી, "આ લખમી.."

"આવશે ઈ યે આવવાની હશ્યે ત્યારે.." ધનજી સ્હેજ અચકાઈને બોલ્યો.
.
જીવો અને લખમી રમતા 'તા.. ત્યાં એક રોકેટ ઉડ્યુ.. ફટ્ટ્ટ્ટ.. અને આકાશમાં તારામંડળ ફેલાઈ ગયું..

નગર શેઠનાં દીકરાઓએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી હતી.. મોટા ચોકથી થોડે દૂર એક મેદાનમાં નગર શેઠનાં દીકરાઓ ફટાકડા ફોડતાં ત્યારે શહેરનાં ઘણા બાળકો-વડીલો એ જોવાનો આનંદ લેતાં.. જીવો અને લખમી પણ અત્યારે એનો જ આનંદ લઈ રહ્યા હતાં. એમને એમ જ થતું કે પોતે આનંદ લઈ શકે એટલા માટે જ એ લોકો ત્યાં મેદાનમાં આતશબાજી કરતાં.. અને એ લોકો આતશબાજીની સાથે જ ઉછળી ઉછળીને બૂમ-બરાડા પાડતાં.. પોતે ફોડ્યા હોય એટલો જ આનંદ ફટાકડા જોઈને લેતાં..

અચાનક જીવાની નજર સામેની મીઠાઈની દુકાન પર ગઈ અને એ બોલ્યો, "લખમી.. પેંડો ખાવો સ?" લખમીએ લોલુપ નજરે ડોકું હલાવી હા પાડી.. જીવો તરત ધનજી પાસે ગયો અને કહ્યુ, "બાપા.. પેંડો ખાવો સ.." ધનજી એ જવાબ આપ્યો, "ભૂખ લાગી હોય તો તારી બા પાંહે ઝઈને શ્યાક રોટલા ખાઈ લે.. પેંડો નો ખવાય.. ઉધરહ થાહે.." છોકરાઓને તગેડી મૂક્યા ધનજીએ.. એને ય ઈચ્છા તો હોય જ પણ ખવડાવે કેવી રીતે.. પૈસા ક્યાં? એ ય વિચારતો 'તો કાંઈક મેળ પડે તો મીઠું મોઢું કરાવું બધાય ને..

થોડા દૂર જઈને લખમી બોલી, "ભાઈ.. હું 'ને બા કામ કરવા ઝાઈ ને ન્યા એક શેઠની સોકરી મારી બેન પણી થય ગય સે.. ઈ કે'તી તી કે અમારે ક્રિસમસમાં જે ઝોતુ હોય ઈ લખીને મોજામાં મૂકી દેવાનું હવારે ન્યા ઈ વસ્તુ પડી હોય.. આપડે પેંડો મોજામાં તો નો મૂકાય એટલે મોઢેથી ગણપત દાદાને કયી દયી.. ઈ દેશે પેંડા.."

અને ખબર નહિ શું સૂઝ્યું કે બન્ને બાજુની એક બિલ્ડિંગ પાસે પહોંચ્યા અને ટાંકીનાં વધારાનાં પાણીનાં નિકાલ માટે રાખેલી પાઈપ પાસે જઈને એમાં મોં રાખીને બોલ્યા.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.."

અને એક બહુ મોટું કામ પત્યુ હોય એમ ખુશ થઈને બન્ને કૂદતાં કૂદતાં ચાલ્યા ગયા. "ગણપતિ દાદા પેંડા આપશે"ની આશામાં..

     *     *     *     *     *     *

Image courtesy : Farzana Sivani


ઉત્સવ એટલે?
ભારત ઉત્સવ પ્રધાન દેશ કહેવાય છે. નાના હતાં ત્યારે ઉત્સવ વિષયે નિબંધ લખતાં.. ઉત્સવોનાં પ્રકારો, મારો પ્રિય ઉત્સવ અને એની વિશેષતાઓ અને વગેરે વગેરે. પણ હકીકતમાં ઉત્સવ એ કોઈ ખાસ દિવસ કે સમય નથી. એ આપણી માનસિક અવસ્થા છે.

ઉત્સવ એટલે ઊરમાં ઉત્સાહ-ઉમંગ ઉછળતો હોય.. હૈયે હરખની હેલી હિલોળા લેતી હોય.. મનની માલીકોર મેળા ભરાતા હોય, મીઠડા મંગલગીત મંડાતા હોય.. આંખમાં કસુંબાની મસ્તી હોય પણ ઊંઘ ન હોય.. બધું રંગીન ભાસતું હોય.. રજે રજ રાસલીલામાં રત્ હોય એવું લાગતું હોય..

હોળી હોય કે દીવાળી, ઈદ હોય કે નાતાલ, નવરાત્રિ હોય કે સાતમ-આઠમનો મેળો કે પછી કોઈ પણ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ઘર-ઘરનો મેળાવડો હોય, યારો-દોસ્તોની મહેફિલ હોય કે પછી જલસો હોય.. જ્યાં માણસ માણસને કોઈ પણ રીતે (મન, કર્મ અથવા વચનથી) મળતો હોય.. અને એ મિલન આનંદદાયી હોય.. એ તમામ ઘટના ઉત્સવ છે.

ઉત્સવ એ સર્વત્ર ખુશહાલીનું પ્રતીક છે.. આનંદની અભિવ્યક્તિ છે.

     *     *     *     *     *     *

ઉત્સવ હતો, દીવાળીનો, પણ ભાલચંદ્રભાઈને રજા નહોતી. લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન માટે અૉફિસે જવાનું હતું. પાછલાં મહિનાનો પગાર આખ્ખો વપરાઈ ગયો હતો. બોનસ હજી મળ્યું નહોતું. મળવાની શક્યતાઓ પણ નહોતી. એકની એક દીકરી આસ્થા માટે એક ફ્રોક અને નામ પૂરતી મિઠાઈ સિવાય કોઈ ખરીદી નહોતી થઈ. શેઠને ધંધામાં ખોટ ગઈ હતી એટલે બોનસ મળવાની શક્યતા નહોતી. ચોપડા પૂજન માટે અૉફિસ ગયા ત્યારે આસ્થા પણ સાથે આવી હતી. પૂજા પૂરી થઈ ગઈ. બધા એકબીજાને તહેવારોની શુભેચ્છા આપીને છૂટા પડતા હતાં ત્યાં એક આશ્ચર્યજનક જાહેરાત કરતાં શેઠ બોલ્યા, "આપણને મુંબઈની એક મોટી કંપનીનું કામ મળ્યું છે. એની ખુશીમાં બોનસ પેટે એક પગાર અને મીઠાઈ કૅશીયર પાસેથી લઈને જજો." ખુશ ખુશાલ થઈને બધા છૂટા પડ્યા.

ઘરેથી નીકળતી વખતે બા એ કહ્યું હતું કે બોનસ મળે તો ઠાકોરજીને ચઢાવો અને મીઠાઈ ધરાવજે એ ભાલચંદ્રભાઈને યાદ આવ્યું. એ પ્રમાણે હવે પછીનો કાર્યક્રમ મનમાં એ ગોઠવતાં હતાં. ત્યાં આસ્થાએ પૂછ્યું,

"આ સીડી ક્યાંની છે પપ્પા?"

"એ અગાશીમાં જાય છે બેટા."

"હું ત્યાં જોવા જાઉં?"

પોતે પણ ઘણા સમયથી અગાશીમાં નહોતા ગયા.. વિચાર્યું એક આંટો મારી લઉં.

"હા, ચાલ હું પણ આવું છું."

અગાશીમાં જતાં જ ધ્યાન ગયું.. ટાંકીમાંથી વધારાનાં પાણીનાં નિકાલ માટેનો પાઈપ દિવાલ પાસેથી ખૂલી ગયો છે. જોવા માટે એ ત્યાં ગયા. પાઈપ માંથી કાંઈક અવાજ આવતો હતો. કાન લગાવીને સાંભળ્યું.. તો સંભળાયું.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.." તરત જ નીચે જોયું એમણે.. બે બાળકો પાઈપમાં કાંઈક બોલતાં હતાં.. ખબર નહિં એમને શું થયું.. દીકરીને તેડીને દોટ મૂકી.. ઝડપથી પગથિયા ઉતરી ગયા.. બન્ને બાળકો કૂદતાં કૂદતાં પીરબાબાની દરગાહ પાસે પહોંચીને ફટાકડા જોવા લાગી ગયા હતાં.. એમને શું સૂઝ્યું કે તરત મીઠાઈની દુકાને જઈને ઘર માટે મીઠાઈ ખરીદી. સાથે બે પેકેટ મીઠાઈનાં ચઢાવા માટે લીધા.


પછી ત્યાંથી પીરબાબાની દરગાહ પાસે જઈને ધનજી, રાજી અને બાળકોને એક પેકેટ મીઠાઈ આપી.. ધનજીનાં ચહેરા પર ગદ્ગદ્ થયાનાં ભાવ, રાજીનાં ચહેરા પર મૌગ્ધ્ય અને આશ્ચર્ય નાં ભાવ અને બાળકોનાં ચહેરા પર નિર્ભેળ આનંદ જોઈને મનમાં આનંદ ઉછળતો હતો. એ આનંદનાં બે ટીપાં આંખમાંથી પણ વહી નીકળ્યાં. મેદાનમાં નગરશેઠનાં દીકરાઓ હજી આતશબાજી કરી રહ્યા હતાં. બાળકો મીઠાઈ ખાતાં ખાતાં એ આતશબાજી કૂદી કૂદીને માણી રહ્યા હતાં.. બધે જ ઉત્સવ છવાઈ રહ્યો હતો..



"હાર્દ" Remembers :

"જો આપણે એમાં ભાગ લઈને એને માણી નથી શકતા અને માત્ર જોઈને જ ખુશ થઈએ છીએ, તો એ આપણા માટે ઉત્સવ નથી... માત્ર મનોરંજન છે."

~ શાહબુદ્દીન રાઠોડ સાહેબ




હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 30/11/2016
e-mail id : haardhits@gmail.com