He Misses
By ફરઝાના સિવાણી
14/09/16
Wednesday.
વ્હાલી સના ,
તું અને બસ તું ...
એક એક શ્વાસમાં શ્વસે છે તું ...આંખો ખુલી હોય કે બંધ બસ સતત તને જ જોતો હોવ છું ! મન સતત તારી ઝંખના જ કરે રાખે ... હાથની આંગળીઓનાં ટેરવાંઓ તો જાણે તને સ્પર્શવાં માટે તરસી ગયા છે ... તારા વાળની લટો સાથે મારી આંગળીઓની જુગલબંધી , તારી કાજળમઢી આંખોની બેબાક શરારતો , તારા લલાટે ચમકતી નાનકડી સી બિંદીનો ચમકારો , તારા કાંડે ખનકતો રહેતો ઘુઘરીવાળો કંગન , તારા ફૅવરીટ જુહીના પર્ફ્યુમની ખૂશ્બુ ... કમરેથી વળીને સૅન્ડલનો બૅલ્ટ બાંધવાની તારી અદા અને આંખ મીચકારીને , દુપટ્ટો સીના પર ગોઠવીને મને પુછતી તું , " શું જુએ છે ? હુહ્હ્હ ! "
જોયું ? ધડકનનાં એક એક ધબકારે તું વસે છે .. તારું નામ ગુંજે છે મારા સ્મસ્ત અસ્તિત્વમાં !!! કહ્યું નથી તને ક્યારેય પણ એકોએક દીવસ , રાત તને જોવાની , તને મળવાની પ્રતિક્ષામાં જ ગુજરે છે ... તારો એક દુપટ્ટો મારા સિરહાને જ રાખ્યો છે અને જમતી વખતે દરરોજ પહેલો કોળિયો તારા નામનો ખાવ છું .. તારાથી દુર રહીને તારી આદતોમય , તારી પસંદમય થતો ગયો છું ... તને લાગશે કે આજે હું આ બધું શું લખી રહ્યો છું પણ સના , તારા વગર મારું કોઇ અસ્તિત્વ જ નથી ! આમ તું આંખોથી દુર પણ સતત મારી જોડે અને આ જે અહેસાસ છે એ જ તો છે તારા ને મારા પ્રેમનું પ્રતિક !!!
દીવસો અને મહિનાઓ ભલે વહી રહ્યાં છે પણ તારા વગર કશું જ ગમતું નથી , કશે જ ગમતું નથી ... તું હોય તો બધું સરસ લાગે , બધું મસ્ત લાગે !!! જે રાતે તું સપનામાં આવે એ રાત ઉત્સવ જેવી અને દીવસ જલ્સા જેવો હો !!! તારા શબ્દો જિજિવિષા અને તારા વિચારો પ્રેરકબળ બની જાય છે ....
તું અને તારા હાથની રસોઇ !!! અહાહાહા હા .... તું રોટલી કરે ને એની સુવાસથી જ મન લલચાવા લાગે , તારા હાથનો શીરો અને ભાખરવડી , મીઠી કઢી અને વઘારેલી ખીચડી , તલના લાડુ , બુંદીનું રાયતું અને ભરેલાં મરચાં ! જો , કેટલો મિસ કરું છું !!!
તું બુમ પાડે , " અંગદ , "ચઆઆઅઆઅઆઆઆ?...."
અને હું કહું , " અહા, સના , ચા "
અલી ! મને ય ન્હોતો ખ્યાલ કે તું આ હદે મારી અંદર વસી ગઇ છે , સાચું જ છે કે વિરહ પણ જરુરી છે !! બસ હવે તું જલ્દી આવી જા અને બસ આવી જ જા !!!!
બીજું કશું જ હાલ સૂઝતું નથી એટલે પેલી જમીનનું કામ હાલ આગળ વધ્યું નથી ...
ચલ , તું તારું ધ્યાન રાખજે અને બસ સપનામાં આવજે હો , આજે જ !!!
ખુબ ખુબ વ્હાલ અને
તારો અંગદ.
08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com
08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com

