Showing posts with label Farzana. Show all posts
Showing posts with label Farzana. Show all posts

He Recalls...


 HE RECALLS

by Farzana Sivani




22/01/17
Sunday.

 
સના,

સૌથી પહેલાં તો તું મને એ કહે કે શા માટે તારે એ સમયને યાદ કરવો છે ફરીથી ?? શા માટે એ સમયની પરીસ્થિતિને તારે ફરીથી અનુભવવી છે? હા, હતો એ સમય કસોટીનો... કસોટી ધીરજની, વિશ્વાસની, તારી ને મારી અંદર રોપાયેલાં લાગણીના એ ફણગાની જેનું દુનિયા કે સમાજ્ માટે કોઇ અસ્તિત્ ન્હોતું, નથી !!
હું ઘૂંટાયા કરતો કે હું તને એ કશું ક્યારેય નહીં આપી શકું જે એક સ્ત્રી તરીકે તારો હક છે અને તું હંમેશા મને કહ્યાં કરતી કે "તું જે મને આપી રહ્યો છે એ ય બહુ ઓછા પુરુષો આપી શકતાં હોય છે એમની મનગમતી સ્ત્રીને " ..

હા,એ સાચું કે તારો ને મારો આ સ્નેહસંબંધ અત્યાર સુધી અકબંધ રહ્યો એમાં મારો મોટો ફાળો છે પણ તેં એ બધું જીવ્યું છે જે મેં તને આપ્યું અથવા તો જે હું તને નથી આપી શક્યો.. હા, મારા માટે ય બિલ્કુલ આસાન તો ન્હોતું જ કેમ્કે મારી પોતાની જવાબદારીઓ  ઊપરાંત ની આ લાગણી છે ... તું મચ્યૉર ખરી પણ આખરે તો એક સ્ત્રી જ છો, તારું મન એ તને સવાલો કરતું અને ઘણીવાર તો એક ના એક સવાલો અલગ અલગ રીતે આવીને તારી સામે તાંડવ કરતાં અને તું દોડીને મારી પાસે આવતી કે આમ થશે તો ? આમ નહીં થાય તો ? અને હું તને મારી સમજશક્તિ મુજબ સમજાવતો , કેમ કે ભવિષ્યમાં આગળ શું આવવાનું હતું તારા ને મારા માટે એ તો માત્ર ઉપરવાળો જ જાણતો હતો .. મને બસ એટલી ખબર હતી કે કોઇ પણ જાતનાં પ્રેશર કે ટૅન્શનમાં તારું ભોળપણ, તારું અલ્લ્ડપણું તું ગમાવી ના બેસે બસ .. તારી અંદરનું બાળપણ , જીદ્દ ,રીસ બસ આ બધું મારે ન્હોતાં ગુમાવવાં કેમ કે એ જ તો છે બધું જે સનાને "મારી સના" બનાવે છે !!

અને હું બિલ્કુલ ખોટ્ટું એ નહીં બોલું .. હા, ક્યારેક અક્ડાઇ એ જતો કે કેમ તું આટલી સંદેહમાં છો , કેમ તારું મન આટલું વ્યાકુળ રહે છે ? કેમ તું આટલાં બધાં વિચારો કરી કરીને ખુદ ને દુઃખી કરે છે અને મને ય !! પણ મને બહુ થોડા સમયમાં જ સમજાઇ ગયું હતું કે દરેક ઇન્સાનને સ્વભાવગત નબળાઇઓ હોય, અને દરેક ઇન્સાન કોઇ ને કોઇ રીતે અધૂરો છે અધૂરો રહેવાનો છે અને આપણે બંને એ એકબીજાની એ જ અદૂરપ તો પુરવાની છે, કદાચ તું સદા આવાં સવાલો કરતી રહે એવું એ બને પણ તું મને સદાય પ્રેમ કરવાની છે એવું એ છે જ ને !!! બકા, બસ એ પછી બહું સહેલું બની ગયું હતું મારા માટે તને તારા કપરાં સંજોગોમાં સંભાળવવી !! હા, તારો ગુસ્સો !!  એટલે જાણે વિસ્ફૉટ !! એક જોરદાર ધમાકો , બધું જ તહેસનહેસ, વેરવિખેર, અંગાર અને છેલ્લે બચે રાખ !! પણ , હા પણ, એ રાખમાંથી તેં ફરી ફરીને ચણ્યો એ સંબંધ .. !! 

એમ ના સમજતી હોં કે હું તારી જ નબળાઇઓ વિશે લખી રહ્યો છું કે તારા જ દોષ ગણાવી રહ્યો છું ...મારામાં એ ઘણી ખામીઓ છે અને તેં મને સહર્ષ એ ખામીઓ સાથે કાયમ સ્વીકાર્યો છે , ઊલ્ટાનું એ ખામીઓને લીધે જ્યારે જ્યારે મને ખુદ પર જ અકળામણ થઇ છે તેં મને એ ખામીઓમાં જ મારું પોતાપણું દેખાડ્યું છે!!

દરેક સામાન્ય કપલની જેમ આપણે ય ઝઘડતાં, બોલતાં , સંભળાવતાં પણ મને બરાબર ખ્યાલ છે કે દલીલો, સવાલો, જવાબો આ બધાંમાં જ્યારે મારો ગુસ્સો પ્રવેશતો ત્યારે તું અચાનક શાંત થઇ જતી , ભલે મારો ગુસ્સો એ રૅરલી બનતી ઘટના છે પણ એ સમય દરમિયાન ખબર નહીં તું એક્દમ સૌમ્ય થઇ જાય છે અને ક્યારેય મારા ગુસ્સા સામે ગુસ્સો નથી કરતી , બોલ, આનાથી રૂડું તો શું જોઇએ મારે ?? હાહાહાહાહાહા ....

સના, સના, સના શું કહું તને કે માત્ર મેં જ તને સંભાળી છે એવું નથી , તેં ય મને મારા કપરા સંજોગોમાં એટલાં જ વ્હાલથી થામી  લીધો છે ... અને રહી આપણાં આ સંબંધની, તો મેં હંમેશા એ જ ઇચ્છ્યું કે તું  quit ન કરે, હું  quit  ના કરું કેમકે એમાં તો તારીમારી લાગણીની હાર છે ... અને તે ક્યારેય quit  ના કર્યું , ના મને કરવાં દિધો ...


બોલ, હજુ શું જાણવાની/વાંચવાની ઇચ્છા છે તને ? મારા સ્વભાવ વિરૂધ્ધ આટલું બધું લખ્યું   મેં એ તો તું સમજી જ ગઇ હોઇશ.. અને હા, તું સાચી છો કે આ અનુભૂતિ એ સરસ છે , તારી જેમ જ !!

ફરી લખજે,
તારી યાદો એ જ મારા જીવનનું સરવૈયું..
love you !




22/01/17
"with love , from Me"
by Farzana Sivani
farzanasivaniblogpost@gmail.com

she Recalls ...



 She Recalls

by Farzana Sivani










24/11/2016
Thursday

 અંગદ,

ઘણાં દિવસે આ પત્ર લખી રહી છું ...  આજકાલ કશું જાણે અસર જ નથી કરતું કે પછી જાણે નાની નાની વાતોએ અસર કરે છે !! વાતો, વિચારો અને યાદો ભરડો લે છે અને યાદ આવી જાય છે એ દિવસો જે ભાવનાત્મક રીતે તારી ને મારી માટે સંઘર્ષના દિવસો હતાં... એકબીજાના સાથ અને લાગણીના ભરોસે આપણે જીંદગીનો સૌથી મોટો જુગાર ખેલી નાખ્યો હતો અને આજે જોઇએ તો એ જુગાર આપણે અત્યાર સુધી તો હજુ જીતેલાં જ છીએ ...

યાદ આવે એ દિવસો જ્યારે તું માત્ર એક દોસ્ત હતો અને હું એક અટવાયેલી, મૂંઝાયેલી, દિશાહીન સ્ત્રી !!!  તારા માટે કોઇની આંખોના આંસુ એટલે જાણે મનનો મૂંઝારો !! મને હેરાન થતી , પરેશાન થતી જોઇને અચાનક જ તું દોસ્તમાંથી ખાસ દોસ્ત બની ગયો હતો ... બંનેની લાઇફમાં ખાલી જગ્યાઓની પૂર્તિ અનાયાસે જ આપણે ભરી દીધી હતી, કોઇ કારણ વગર, કોઇ ઇરાદાઓ વગર, કોઇ આશાઓ કે અપેક્ષાઓ વગર, ઝાઝું બધું વિચાર્યાં વગર, દુનિયા-સમાજ-પરિવાર આ બધું ગૌણ બની ગયું હતું જાણે એ સમય દરમિયાન !! એક જ વાત યાદ હતી, યાદ છે, ખુશ રાખવાં છે એકબીજાને, ખુશ રહેવું છે!! કોઇ બંધનો વગર, કોઇ શરતો વગર બસ ફીદા થઇ જવું એક્બીજા માટે આ માત્ર સંજોગ કે નિર્ણય નહીં, તારી ને મારી નિયતિ બની ગઇ હતી અને આપણે બંને એ આપણી નિયતિ સ્વીકારી અને નિયતિએ જે ભાગ ભજવવાં માટે આપ્યાં, આપણે એ ભાગ પુરી ઇમાનદારીથી ભજવ્યાં !!

સહેલું ન્હોતું કશું !! ના તારા માટે ના મારા માટે !! કેમકે એક એવી પરિસ્થિતિ નિર્માઇ હતી કે જેમાં તારે અને મારે સદા માટે એકબીજાના થઇને રહેવાનું હતું કોઇ પણ જાતની સામાજિક સ્વીકૃતિ વગર .. તારે ને મારે સદા માટે એક્બીજાથી દૂર થઇ જવાનું હતું અને છતાં સતત જોડાયેલાં રહેવાનું હતું .. તારે ને મારે સદા માટે આ બધું સ્વીકારી લેવાનું હતું કોઇ પણ જાતની શંકાઓ, ધારણાઓ કે સવાલો વગર !!
 
સવાલ એક્બીજાને બસ એક જ પુછવાનો હતો , " શું મહત્વનું છે આપણા માટે ?? એકબીજાને બધું જ આપી શકીએ અથવા કશું જ ના આપી શકીએ એ કે પછી બંને એકબીજા માટે જે અનુભવીએ છીએ એ ??" અને આ સવાલ એક્બીજાને પુછ્યાં વગર જ આપણે એનો જવાબ આપતાં થઇ ગયાં હતાં, એકબીજાના એકબીજા તરફના વર્તન અને વ્યવ્હારમાં !! એ કદાચ પરાકાષ્ઠા હતી આપણાં એકબીજા પરના ભરોસાની !! અને એ ભરોસો ઉત્તરોતર વધુ ને વધુ મજબુત થયો છે  એનો સદા ગર્વ રહ્યો છે અને રહેશે !!

થોડા દિવસોથી આ બધું અમસ્તાં જ યાદ આવી રહ્યું છે.. એક લાંબો સમયગાળો આપણે સાથે વિતાવ્યો છે હવે એમ કહી શકાય, અને આ સમય દરમિયાન જીવનનાં અને તારા ને મારા સંબંધનાં કેટકેટલાંય ચડાવ-ઉતાર આપણે પસાર કર્યાં... તારી જીંદગી, તારી સમાજીક જવાબદારીઓ, તાર પોતાના સંબંધો અને હું , સાચું કહું તો આ બધાંમાં જો તાલમેલ બેઠો અને આટલાં વર્ષો સુધી સફળતાપુર્વક ટકી રહ્યોં એનો મોટાભાગનો શ્રેય તને જ જાય છે !!
આહ , ના ચીડાતો કે કેમ અત્યારે આ બધું યાદ કરી રહી છું .. બસ અચાનક જ એ ક્ષણો ફરીથી જીવી લેવાનું મન થઇ રહ્યું છે ,,, શું તને પણ આવું થાય છે ક્યારેય ?? થતું હશે, પણ તારી આદત મુજબ તું ચૂપ જ રહેતો હોઇશ ,,, હુહ !!
મને ગમશે આપણો ઈતિહાસ વાંચવો તારા શબ્દોમાં..

શિયાળાની સવારોએ ટૂંકી હોય છે , મોડું થઇ રહ્યું છે ..
ચલ , આવી હમણાં..
તારી સનાની યાદ !!


24/11/2016
"With Love, from Me."
by Farzana Sivani
farzanasivaniblogpost@gmial.com

He Misses ....

He Misses
By ફરઝાના સિવાણી



14/09/16
Wednesday.



વ્હાલી સના ,

તું અને બસ તું ...

એક એક શ્વાસમાં શ્વસે છે તું ...આંખો ખુલી હોય કે બંધ બસ સતત તને જ જોતો હોવ છું ! મન સતત તારી ઝંખના જ કરે રાખે ... હાથની આંગળીઓનાં ટેરવાંઓ તો જાણે તને સ્પર્શવાં માટે તરસી ગયા છે ... તારા વાળની લટો સાથે મારી આંગળીઓની જુગલબંધી , તારી કાજળમઢી  આંખોની બેબાક શરારતો , તારા લલાટે ચમકતી નાનકડી સી બિંદીનો ચમકારો , તારા કાંડે ખનકતો રહેતો ઘુઘરીવાળો કંગન , તારા ફૅવરીટ જુહીના પર્ફ્યુમની ખૂશ્બુ ... કમરેથી વળીને સૅન્ડલનો બૅલ્ટ બાંધવાની તારી અદા અને આંખ મીચકારીને , દુપટ્ટો સીના પર ગોઠવીને મને પુછતી તું , " શું જુએ છે ? હુહ્હ્હ ! " 

જોયું ?  ધડકનનાં એક એક ધબકારે તું વસે છે .. તારું નામ ગુંજે છે મારા સ્મસ્ત અસ્તિત્વમાં !!! કહ્યું નથી તને ક્યારેય પણ એકોએક દીવસ , રાત તને જોવાની , તને મળવાની પ્રતિક્ષામાં જ ગુજરે છે ... તારો એક દુપટ્ટો મારા સિરહાને જ રાખ્યો છે અને જમતી વખતે દરરોજ પહેલો કોળિયો તારા નામનો ખાવ છું .. તારાથી દુર રહીને તારી આદતોમય , તારી પસંદમય થતો ગયો છું ...  તને લાગશે કે આજે હું આ બધું શું લખી રહ્યો છું પણ સના , તારા વગર મારું કોઇ અસ્તિત્વ જ નથી ! આમ તું આંખોથી દુર પણ સતત મારી જોડે અને આ જે અહેસાસ છે એ જ તો છે તારા ને મારા પ્રેમનું પ્રતિક !!!
દીવસો અને મહિનાઓ ભલે વહી રહ્યાં છે પણ તારા વગર કશું જ ગમતું નથી , કશે જ ગમતું નથી ... તું હોય તો બધું સરસ લાગે , બધું  મસ્ત લાગે !!!  જે રાતે તું સપનામાં આવે એ રાત ઉત્સવ જેવી અને દીવસ જલ્સા જેવો હો !!!  તારા શબ્દો જિજિવિષા અને તારા વિચારો પ્રેરકબળ બની જાય છે ....

તું અને તારા હાથની રસોઇ !!!  અહાહાહા હા ....  તું રોટલી કરે ને એની સુવાસથી જ મન લલચાવા લાગે , તારા હાથનો શીરો અને ભાખરવડી , મીઠી કઢી અને વઘારેલી ખીચડી , તલના લાડુ , બુંદીનું રાયતું અને ભરેલાં  મરચાં ! જો , કેટલો મિસ કરું છું !!!

તું બુમ પાડે , " અંગદ , "ચઆઆઅઆઅઆઆઆ?...."
અને હું કહું , " અહા, સના , ચા "

અલી ! મને ય ન્હોતો ખ્યાલ કે તું આ હદે મારી અંદર વસી ગઇ છે , સાચું જ છે કે વિરહ પણ જરુરી  છે !!  બસ હવે તું જલ્દી આવી  જા અને બસ આવી જ જા !!!!

બીજું કશું જ હાલ સૂઝતું નથી એટલે પેલી જમીનનું કામ હાલ આગળ વધ્યું નથી ... 
ચલ , તું તારું ધ્યાન રાખજે અને બસ સપનામાં આવજે હો , આજે જ !!!

ખુબ ખુબ વ્હાલ અને 
તારો અંગદ.



08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com 





"She Misses .... "

She Misses

 

ફરઝાના સિવાણી




image captured by : Keval  Chandpa






 08/08/16
Monday.


વ્હાલા અંગદ ,

કેમ છે તું ?? યાર, મને તો તારી બહુ જ યાદ આવે .. ખાસ કરીને આ વરસાદની ઋતુમાં !!!  યાદ છે તને ?  મુશળધાર વરસતાં વરસાદમાં આપણે નીકળી પડતાં બાઇક પર , શેરીથી રોડ અને રોડથી  હાઇ વે સુધી ...અને પછી ગરમાગરમ ભજીયાં અને તારી ફૅવરીટ આદુવાળી ચા ... અહાહાહા... માથાથી પગની પાની સુધી તરબોળ થયાં પછી મને ચઢતી ટાઢ અને તું તારી હથેળીઓ એકબીજા જોડે ઘસીને મારાં ગાલ પર મુકીને મને ગરમાવો આપવાની ટ્રાય કરે ત્યારે થાય આવો વરસાદ રોજ્જે પડે તો કેવી મજા આવે ...


પાછા ફરતી વખતે તને પાછળથી વેલીની જેમ વીંટળાઇને બેસતી હું ત્યારે દુનિયાની કોઇ જ પરવાહ ન્હોતી રહેતી ... લોકો જોતાં હોય તો ભલે ને જુએ , તારા ને મારા માટે તો એ સમય દરમિયાન જાણે ' સારા જહાં હે તેરે લિયે , મેરે લિયે ' હતું. સન્નન કરતોક પવન શરીરમાંથી લખલખું પસાર કરે અને હું તને વધુ જોરથી વળગી જતી અને તારા ખભા પર મારું માથું ઢાળી દેતી ને તું તારા હોઠ મારાં કાન સુધી લાવીને ધીમેથી બોલતો,  " અલી, ઘરે તો પંહોચવા દે !!" અને હું આંખો મીંચીને જ શરમાઇ રહેતી ... બસ આ કોર્ષ પતે કે હું તારી પાસે આવી જાવ એવું મન થયાં કરે છે આ વરસાદમાં તો !!! ;) :D

કહેવાય છે ને કે મિલનની અસલી મજા તો વિરહ પછી જ હોય , તો બસ આપણે ય એ મજાના હકદાર થઇશું અને વિરહ - મિલન બધું જ વિસરી જઇને હંમેશની જેમ સના અંગદમય થઇ જશે અને અંગદ સનામય !!!

અરે હા, તને ખબર કાલે અમને એક નવો જ પ્રોજૅક્ટ આપ્યો છે જેમાં મારે સિંધુ સંસ્કૃતિનાં લોકોના પોશાકો વિશે નિબંધ લખવાનો છે . એટલે હવે તો ફુલ ટાઇમ લાઇબ્રેરી હો ... મહેનત છે પણ મને મજા બહુ જ પડે છે અને બકા મહેનત તો શેમાં નથી ? અને કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી આ વાત મારા નાનીમાં કહેતાં હોં !!!

તેં પેલી જમીન વિશે વાત કરી તો આપણે એ જમીન વેંચીએ નહીં અને એમાં પાક લેવડાવીએ તો ?? કોઇ ભાગીદાર રાખી લઇએ જેને ખેતીનું બધું જ્ઞાન હોય અને પોતે ફુલ ટાઇમ ત્યાં જ રહીને બધું સંભાળી શકે , વચ્ચે વચ્ચે તું એ આંટો મારી આવે એમ ... અને રહી કાકાને એમનો ભાગ આપવાની વાત તો કાકાને પણ આ વાતમાં સમજાવી શકાય ને એમના હિસ્સા મુજબ એમને દર વર્ષે થતી કમાણીમાંથી ભાગ આપી શકાય... આ વાત પર વિચાર ચોક્કસ કરજે .

અરે હા, કાલે હું અહીંની એક બજારમાં ગઇ હતી , ગઇ તો હતી અમસ્તા ચક્કર મારવાં પણ ત્યાં જ એક શૉ રૂમનાં ડીસ્પલેમાં સરસ મજાનાં ટી'ઝ જોયાં , તને ગમે છે ને એવાં જ એટલે તારા માટે લાવી છું બે ટી-શર્ટસ અને કુરીયરમાં મોકલીશ એકાદ બે દિવસ પછી તો તું નીચે વાળા આંટીને કહી રાખજે કે તું ઘરે ના હોય ત્યારે કુરીયર કલૅકટ કરી લે .. હોં ને !!! અને કાજુ કતરી પણ લાવી , મારા માટે હોં કેમ કે તું યાદ આવે ત્યારે તારી પસંદ , તારી આદતો , તારો સ્વભાવ , તારી ટીખળો બધું જ તો યાદ આવી જતું હોય છે ...!! અને એક ડાયરી પણ લાવી છું , રોજ બરોજ ના ખર્ચાના હીસાબો રાખવાં માટે ... આજકાલ હું બહુ ખર્ચા કરું છું યાર એવું લાગ્યાં કરે છે મને , તો આમ ડાયરીમાં લખું તો મને ખ્યાલ રહે ને એમ !!

ચલ , હવે રાતનાં ૨ વાગી રહ્યાં છે , હું સુઇ જાવ નહીંતર તું જ કહીશ કે હું તને મારા સપનામાં નથી આવવાં દેતી ...   :P :P

સાંભળ , મારા અંગદનું ધ્યાન રાખજે જેમ હુ તારી સનાનું રાખુ છું !! :)
ઝાઝું બધું વ્હહ્હ્હ્હ્હ્હાલ્લ્લ્લ્લ્લ... 
ટાટા ...

તારી સના.









08/08/16
" With Love, From Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com

"HE WRITES ...."

 HE writes 

by ફરઝાના સિવાણી






 image captured by KEVAL CHANDPA



12/07/2016
Tuesday.



અલી ,
જો મેં ય પત્ર લખ્યો , હોં ને !!! :P


સાચું કહ્યું તેં કે આજના જમાનામાં પત્ર કોણ લખે અને એ ય પ્રેમપત્ર .. પણ એ જ કરવાનું જે મન કહે , ખુશ રહેવાનું બસ ...કોઇને ય નડ્યાં વગર ...

હા , અગાશી એ વાદળા ઘણાં હો અને હવે તો થોડો થોડો વરસાદ એ વરસે છે અને જોડે જોડે તારી યાદ ... વરસાદ ભીંજવે એ કરતાં વધુ તો તારી યાદ ભીંજવે છે , બોલ ... ના કરતી હોય તો મને આટલું બધું યાદ બકા !!!

જમવાં બેસું ને મેસેજ આવે ... "ઓયે , એક સેલ્ફી તો મોકલ. "
બસમાં બેસી ગયો છું એવો મેસેજ કરું કે ફૉન આવે ... " સીટ મળી ?? ક્યારે પહોંચીશ ? જમીને બેઠો ને ? રસ્તામાં નાસ્તો કરી લે જે નહીંતર .." 
અને સૌથી મસ્ત સવાલ તારો .. " બાજુની સીટમાં કોણ છે?...."
હાહાહાહાહા....ત્યારે મારું જોરથી હસવું ને તારું જુઠ્ઠું જુઠ્ઠું રિસાઇ જવું ..અહાહાહા...એમ થાય કે જોરથી ચુમી લઉં તને ...   ;)  ;)

બસ , બસ , બહુ હરખા નહીં હો ...

અરે હા , કાલે ગામડે જવું પડશે મારે , પેલી જમીનનો લોચો પડ્યો છે ને યાર ... વહેલી તકે સૉલ્યુશન આવી જાય તો પૈસા છૂટા થાય એમ , કાકાને એમનો ભાગ આપીને બચે એનું શું કરવું એ પછી જોઇશું. જમીન ની પાસેથી જ નહેર નીકળે છે એટલે ભાવ તો ઊંંચો આવશે એ નક્કી ...

અરે સના , એક વાત કહે .. ઈદમાં મહેંદી કેમ ના મૂકી તેં ?? હમ્મ્મ્મ્મ ??
તારા હાથમાં મહેંદી બહુ જ મસ્ત લાગે છે , અને મહેંદી મૂકેલી તું એ .. સાલું આ પ્રેમપત્રમાં  અમસ્તા એ રૉમાંટીક થઇ જવાય છે હોં ... :D

જવાબ થોડો લૅટ કરું છું તો ગુસ્સો ના કરીશ , જોકે તું ગુસ્સામાં યે લાગે તો જોરદાર જ હો... ચલ , લખજે પાછી ...

મસ્ત મજાની ખુશ રહેજે ને હા , હું બાહરનું ઓછું ખાઇશ .. બસ

કહેતો નથી ક્યારેય  but I miss u too
વ્હાલ ...
અંગદ.





12/07/2016
" with love , from Me."
By ફરઝાના સિવાણી
farzanasivaniblogpost@gmail.com

" She Writes..."

She Writes...
by ફરઝાના સિવાણી




 







18/06/16
Saturday.
 18:02

 એય તું ,

હા, તું !! હસમાં હો ..

અરે, હા બાબા, જાણું છું કે આજના જમાનામાં કોઇ પત્ર નો લખે , એ ય ને પ્રેમપત્ર.. પણ મને એમ થયું કે મારા ટેરવાંએ તરાસેલાં આ શબ્દો જો તારા ટેરવાંનો સ્પર્શ પામશે તો વરસાદ વરસશે લાગણીનો !! અને તું તો જાણે જ છે કે મને વરસાદ બહુ જ વ્હાલો છે , તારા જેટલો જ ... હ્મ્મ્મ્મ્ તારાથી થોડો ઓછો બસ !!!   

એક વાત કહું ?? આજકાલ આભમાં થોડાથોડા વાદળા દેખાઇ રહ્યાં છે અને મારું મન પણ પાણીથી છલોછલ વાદળું બનીને તને ભીંજવી નાખવાં , તરબતર કરી નાખવાં બેચેન થઇ જાય છે.. એમ થાય કે કાશ! હું એ વાદળોની જેમ ઊડી આવું તારી પાસે , હાહા , હૅરી પોટરની ફૅન ખરીને પાછી હું .. તું છે ને આ વાદળાઓને રાત્રે જો જે , જ્યારે તું અગાસીમાં સૂવા જાય ને ત્યારે , કોઇ એકાદમાં તને હું દેખાઇશ જેમ તું મને દેખાય જાય છે !! હું તો એ વાદળને એ દૂર દૂર જાય ત્યાં સુધી જોતી રહું અને એમાં જ મારી આંખ લાગી જાય, બોલ .. આવું તે હોતું હોય કદી ?? મારે તો તને જોવો હોય આખી રાત જાગીને ય પણ આ ઊંઘ બહુ લુચ્ચી નીકળે , હા ક્યારેક ક્યારેક ધરાર જાગું ને વાદળાઓમાં તને શોધ્યાં કરું !!

અરે, હા , ઊંઘ પરથી યાદ આવ્યું તને તો અગાસીમાં મસ્ત નીદર આવી જતી હશે ને ?? ઠંડો ઠંડો પવન ને ઉપર આખું ખુલ્લું આસમાન , જોડે મૉબાઇલમાં * FM *   નું કોઇ સ્ટેશન .. 


એય તું સુવે ત્યારે કેવો લાગે?? બંધ આંખો, ચહેરા પર શાંતિ , હાથ પગની એક ખાસ મુદ્રા, આખી કાએનાતથી બેખબર , બેફીકર .. એમ થાય કે એક આખી રાત મારે મારા ૨ પાંપણોની વચ્ચે ઉજાગરો આંજીને ય તને સુતો જોવો છે , જોયા કરવો છે !!! અને પછી તું પડખું ફેરવે ને ત્યારે હું જુઠ્ઠેજુઠ્ઠે મારી આંખો મીંચી દઇશ નહીંતર તું સાચેસાચું ખીજા પાછો , હુહ !!


અરે , આ જો , તને પ્રેમપત્ર લખવાંમાં ખીચડી દાઝી ગઇ .. ચલ , હવે હું ભાગું હો ને .. સરખું ખાજે અને બાહરના કચરાં નો ખાતો પાછો ...

આવી હમણાં..


તારી વ્હાલી ,
With Love,
From Me .





18/06/16.
" With Love,From Me." 
By ફરઝાના સિવાણી 
farzanasivaniblog@gmail.com