Showing posts with label કપ્સ ઑફ ટી. Show all posts
Showing posts with label કપ્સ ઑફ ટી. Show all posts

આળસુનો પીર

આળસુનો પીર
~ સંકેત

સરનાએ જોયું સાત વાગી ગયા હતા, "હર્ષ બહુ થયું હવે, ઊભો થા, સાડા સાત થયા." સરનાએ પોતાના ભીના વાળમાં દાંતિયો ફેરવતા ફેરવતા બેડ પર ચાદર ઓઢીને પડેલા હર્ષને કહ્યું.

"હમમમ, 2 મિનિટ," ઊંઘમાંને ઊંઘમાં હર્ષે ચાદર પણ હલાવ્યા વગર જવાબ આપ્યો.

"તારી 2 મિનિટ છેલ્લાં એક કલાકથી ચાલે છે, ઊઠ હવે," સરના જરા ખિજાઈ, "કેટલું ઊંઘવાનું હોય, 10 કલાકથી ઊંઘે છે તું, ખબર હોત કે આવો કુંભકરણ છે તો લગન જ ન કર્યા હોત તારી સાથે. આળસુનો પીર!"

પણ ઊંઘમાં મદમસ્ત હાથીની જેમ પડેલા હર્ષેને સરનાના શબ્દો એક ઇંચ પણ હલાવી શક્યા નહીં. આ વખતે તો "હમ્મ" પણ ન આવ્યું ચાદરમાંથી બહાર.

"હર્ષ, તું ઊઠે છે કે પાણી નાખું?" સરનાએ પહેલા ક્યારેય નિષ્ફળ ન ગયેલું શસ્ત્ર અજમાવ્યું.

"ના, પાણી નહીં પ્લીઝ, 2 જ મિનિટ, ઊઠું છું ને સરના," પાણીના નામથી વળી જવાબ મળ્યો.

"આ તારી એકત્રીસમી 2 મિનિટ છે સવારથી," સરનાએ ગુસ્સામાં કહ્યું.

"આ છેલ્લી, છેલ્લી. ઊઠું છું 2 મિનિટમાં," હર્ષ સીઝન્ડ સ્લીપર હતો. બે બે મિનિટના ટીપે ઊંઘનું સરોવર ભરવામાં માહેર.

"સારું, તારે જ્યારે ઊઠવું હોય ત્યારે ઊઠજે. હું હવે ઊઠાડવાની નથી. આવું જ કરવું હતું તો ટ્રીપ શું કામ પ્લાન કરી! હોળી તો રમી લેત!  'એનિવર્સરીમાં એડવેન્ચર કરીશું' ને આ ને તે શું કહેતો હતો?" સરના હર્ષના ચાળા પાડતા બોલી, "એક વહેલા ઊઠવામાં સવારે જોર આવે છે તને! ઑફિસ હોય ત્યારે કેવો ઊઠે છે! પણ આજ તો એનિવર્સરી છે, છોડો કોણ માથાકૂટ કરે, નહીં!? હજુ ડ્રાઈવર ય આવ્યો નથી. સાડા સાતે નીકળવાનું નક્કી થયું 'તું. એને ય મારે જ ફોન કરવો પડશે," સરનાએ ફોન હાથમાં લીધો, "નંબર, હર્ષ, ડ્રાઈવરનો નંબર દે. હર્ષ," એણે હર્ષની ચાદર ખેંચી કાઢી અને એના કાનમાં જોરથી બૂમ પાડી, "હર્ષ ઊઠ, આળસુના પીર, હું જાઉં છું હવે પાણી લેવા, તારા પર નાખું છું." એ ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. ડોલ ભરી અને હર્ષ પર નાખવા ઊતાવળમાં બહાર આવી તો હર્ષ ઊભો ઊભો આળસ મરડતો હતો.

"લે, ઊઠી ગયો બસ? હર્ષે કહ્યું.

"હવે ઊઠ્યો તું, સવા સાત થયા. હવે મારે નથી જવું ક્યાંય," સરના રિસાઈ, "તારે જવું હોય તો જજે, આજે હોળી રમવાનો ય મૂડ નથી હવે. અને એનિવર્સરી છે. એડવેન્ચર કરીશું, હૂહ."

હર્ષ એની નજીક આવ્યો અને હગ આપવા જ જઈ રહ્યો હતો ત્યાં જ સરના એ કહ્યું,

"નો, આઘો રે, જાપટ પડશે. તારી હગ બગ કાંઈ કામ નહીં આવે આજે. તું ઊંઘી જા. એ જ કર."

"અરે પણ વાત તો સાંભળ,"

"ના, કોઈ વાત સાંભળવી નથી મારે, એક કલાકથી તું સાંભળે છે મારી વાત?" સરના હોળી રમ્યા વગર જ લાલઘૂમ થઇ રહી હતી.

"અરે એવું નથી ડાર્લિંગ,"

"નો ડાર્લિંગ, નથિંગ, સાડા સાતે નીકળવાનું હતું, નથી ડ્રાઈવર આવ્યો, નથી તું તૈયાર, સવારથી હું જ તૈયાર થઈને ફરું છું. જાણે મારી એકલીની એનિવર્સરી હોય, મૂડની તો તે..." સરના નારાજ થઈ ગઈ.

"અરે, અરે," હર્ષે પાછળથી સરનાને કસીને બાંહોમાં લઈ લીધી.

"છોડ મને, કહું છું, છોડ," સરના છૂટવા કોશિશ કરી રહી પણ ન છૂટી શકી, "હર્ષ, છોડ..."

"અરે સાંભળ, સરખું જો ને," એણે ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર ટેપ કર્યું, "જો આમાં," હર્ષ કંઈક બતાવવા લાગ્યો.

"મારે નથી જોઈતી કાંઈ સરપ્રાઈઝ, તારી સરપ્રાઈઝ ય આળસુ જ હશે, તારા જેવી." સરનાએ મોઢું ફેરવી લીધું.

"અરે મેડમ, ટાઈમ જુઓ ટાઈમ, સરપ્રાઈઝ તો તમે આપો છો, હજુ સવા છ વાગ્યા છે, સવા સાત નહીં!" હર્ષે સરનાની આંખો આગળ ફોન મુક્યો.

"આ સામે દેખાય સવા સાત થાય છે. જો આંખો ફાડીને દીવાલે," સરનાએ ફોનમાં જોયા વગર વોલક્લોક તરફ ઈશારો કર્યો.

"જાની, હમ ઉન લોગોમેં સે હૈ જો અપની મહેબૂબા કે લિયે સમય કો ભી રોક લેતે હૈ. તું આ ફોનમાં જો, સવા છ છે કે નહીં, તારા ફોનમાં જો." હર્ષે કહ્યું.

સાચે જ સવા છ વાગ્યા હતા. સરનાએ જોયું. બે-ત્રણ જગ્યાએ જોયું.
"હા, હજુ સવા છ જ થયા છે. તો આ વોલક્લોક કેમ?" સરના વિચાર કરવા લાગી, "અચ્છા... સાલા, તે રાત્રે સેલ બદલવાના બહાને...નાલાયક," સરનાએ હર્ષના ગાલ પર હળવેથી હાથ માર્યો, "કેમ આવું કર્યું કે તો?" એણે નખરાળા અવાજે પૂછ્યું.

"હા હા હા..." હર્ષ જોરથી હસ્યો, અને સરનાને હગ કરી લીધી, "તેં કહ્યું ને, મારી સરપ્રાઈઝ પણ મારા જેવી આળસુ જ હશે, જો એક કલાક મોડી ચાલે છે." એ મરકયો, "તો મેડમ, હવે આપણી પાસે હજુ એક કલાક છે, તો એમાં..." હર્ષ જરા પાછળ ટેબલ તરફ ફર્યો અને પોતાના બંને હાથ લાલ રંગ લઈને સરનાના ગાલ પર હળવેથી ઘસી દીધા અને કહ્યું, "હેપ્પી હોલી". સરનાના ગાલ પર હર્ષનો લાલ રંગ ચમકી ઉઠ્યો. હર્ષે એના ગાલ પર છવાયેલા લાલ રંગમાં આંગળીથી એક નાનકડું દિલ બનાવી દીધું, અને કહ્યું, "હેપ્પી એનિવર્સરી".

"મારુ હર્ષડું, થેન્કયું." સરના ખુશ ખુશ થઈ ગઈ.

"તો હવે આપણે સૂઈ જઈશું? હજુ ટાઈમ ઘણો છે!" હર્ષ બોલ્યો. સરનાએ તીખી નજરે એની સામે જોયું, મુઠ્ઠીમાં રંગ લીધો અને હર્ષની પાછળ દોડી, બંનેએ એકબીજાને ભરપૂર રંગી લીધાં, અને છેલ્લે હર્ષે સરનાને કમરેથી કસીને પકડી, એની ગરદન પર લાગેલાં રંગને હળવેકથી ચૂમ્યો અને કહ્યું, "સરના, મેં કહ્યું સૂઈ જઈશું, હું ઊંઘી જવાની વાત નથી કરતો!" એના હોઠો પર તોફાની સ્મિત હતું.

"અચ્છા..." સરના જરા શરમાઈ ગઈ, હસી ઊઠી અને  મુઠ્ઠીમાનો લાલ રંગ હર્ષ પર ઉડાડી મુક્યો અને હસતી આંખે કહ્યું,

"આળસુનો પીર!"




"કપ્સ ઑફ ટી" by સંકેત વર્મા
varmasanket1987@gmail.com
9898568213 

એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર

એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર



"સરના, હું દારૂ શા માટે પીતો થયો ખબર છે? એક મજબૂત માણસે મને કહ્યું હતું કે 'એક એક પેગ, આત્મહત્યાનો એક એક ડોઝ છે. મને એની વાત બહુ ગમી" 1 શરાબનો ગ્લાસ હોઠ પરથી હટાવતા હર્ષે કહ્યું. 

સરના અને હર્ષ દોસ્ત હતા, ઘણાં સમયથી. 

આ એ હર્ષ હતો જેને સરનાએ હંમેશા ખુશ જોયેલો, બીજાને હિંમત આપતો જોયેલો, પોતાની જાતને સંભાળી લેતો જોયેલો. દુઃખી દોસ્તના ખભે હાથ મૂકીને એ કહેતો, "છોડને યાર, જિંદગી બહુ મોટી છે, આજથી 5 વર્ષ પછી તને આ બધું બહુ નાનું 'ને ફાલતુ લાગશે, યાદ કરજે મને...". પણ પોતાનું દુઃખ જરા અલગ હોય છે, દિલમાં ઊંડે ઊતરી જાય છે, પારકા દુઃખ કરતાં એનું મહત્વ વધારે હોય છે, એની ધાર તીક્ષ્ણ અને ભાર કેટલાય કિલોનો હોય છે. 

"શેનું દુઃખ છે હવે!? છૂટા પડી ગયા છો બન્ને! યુ આર ડિવોર્સ્ડ હર્ષ!" સરનાએ કહ્યું. એ બહુ સીધું અને ઓછું બોલતી. 

"દુઃખ નહીં પસ્તાવો છે! પસ્તાવો 2 વર્ષ ખોટા વ્યક્તિ, ખોટા સબંધમાં ખર્ચી નાખવાનો. કેટલીય લાગણીઓ બાળી મૂકવાનો પસ્તાવો છે. તું સાચી હતી સરના, લગ્ન બહુ આર્ટિફિશિયલ ચીજ છે. અને હા, તું પેલું શું કહેતી ? હા, લગ્ન કરવાની હિંમત કરતાં એકલા રહેવાની હિંમત મારામાં વધું છે," એ જરા હસ્યો, પોતાના પર.

સરના જોઈ રહી એને અને કહ્યું, "છોડ હર્ષ , જિંદગી બહુ મોટી છે યાર, હજુ ઘણું જીવવાનું બાકી છે." 

"હમમમમમ..." હર્ષ શરાબમાંથી જરા જરા બહાર નીકળ્યો અને કહ્યું, "અચ્છા છોડ બધું, તું કહે, શું ચાલે છે તારી લાઈફમાં, કંઈ નવા-જૂની?!"

"હા, એ માટે જ ખાસ આવી છું," સરનાએ પોતાની બૅગ ફંફોસવા માંડી, "લે આ, મારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ, બધાએ આવી જવાનું છે." એણે પોતાના લગ્નની કંકોત્રી હર્ષ સામે ધરી દીધી. 

હર્ષ ત્રણેક સેકન્ડ જોઈ રહ્યો સરના સામે. અને પછી જોર જોરથી હસ્યો, એટલું જોરથી કે એનો બધો નશો બાષ્પ થઈ ગયો. 
***

(આશરે બે વર્ષ બાદ)

"માણસ લગ્ન કરે છે ત્યારે એક ખ્વાબ હોય છે, જિંદગીને તરાશવાનું, સંતાનોનું, સાથે સાથે જીવવાનું અને ઝઘડવાનું અને ધીરે ધીરે થાકતા જવાનું ! અને સંતોષનો એક એક ધોળો વાળ ફૂટતો જાય છે." 2

સરનાએ પોતાની ડાયરીમાં લખેલા પોતાના અક્ષરોને ટેરવાથી જરા અનુભવી લીધા. એ કાગળ, એની પીળી ઝાંય, જરા ખરબચડી સપાટી, એ શાહીની સુગંધ બધું એને વીરેનની યાદો તરફ ખેંચી લઈ જતું. જૂનું વાંચીને, નવું લખીને એ પોતાની સાથે વાત કરી લેતી. વીરેનના મૃત્યુ પછી જાત સિવાય વાત કરવા વાળું કોઈ રહ્યું નહોતું. પણ એણે તરત જ ડાયરી બંધ કરી. એને નહોતું ગમતું એ બધું યાદ કરીને મર્યા કરવું. "નથી આવવાનો વીરેન પાછો! યુ હેવ ટુ મૂવ ઓન સરના!" એ ક્યારેક અરીસા સામે બેસીને મનમાં પોતાને કહેતી. વીરેનના મૃત્યુ પછી એની જિંદગી અડધી થઈ ગઈ હતી- એક આંખ ફૂટી જાય અને અડધી દુનિયા દેખાય એવી.

ફોનનું વાઈબ્રેશન ગાજ્યું. ડિસ્પ્લે પર નામ ચમક્યું, "હર્ષ". 

"હા, બસ દસ મિનિટ. પહોચું છું." સરનાએ ફોનમાં જવાબ આપ્યો.

વીરેનના ગયા પછી દોઢેક વર્ષ બાદ એક વખત હર્ષ સરનાને મળી ગયો. અને ત્યારબાદ બન્ને મળતા રહ્યા, જૂની દોસ્તીનું વ્યાજ હોય એમ. 

"હું ખોટી હતી હર્ષ, એકલા નથી જીવી શકાતું- કોઈની સાથે રહ્યા પછી." સરનાએ હર્ષને કહ્યું.

"ના, તું સાચી જ હતી, સાબિતી તારા સામે છે," એ પોતાના તરફ ઈશારો કરતા બોલ્યો, "ઇટ વીલ ઑલ બી ઓકે સરના. ટાઈમ હિલ્સ એવરીથીંગ." હર્ષે કહ્યું. 

"કેટલો ટાઈમ હર્ષ!? બે વર્ષ થયા. ખબર નહીં હું ક્યાં અટકી ગઈ છું!?  પહેલેથી એકલો રહેલો માણસ જીવી જાય છે-જરા આસાનીથી. પણ એકવાર ટેવ પડી જાય ને- પ્રેમની, સપોર્ટની, કૅરની, રડવા માટેના ખભાની- પછી કંઈક અધૂરું લાગ્યા કરે છે." એ જરા ચીડાઈ ગઈ. ઘણું બધું એકસાથે બોલી ગઈ.

હર્ષ એની સામે જોઈને કંઈક બોલવા જઈ રહ્યો હતો, ત્યાં જ સરનાએ કહી દીધું,

"વીલ યુ મેરી મી?!"

હર્ષ ફાટી આંખે સરનાને જોતો રહ્યો.
***




1 ચંદ્રકાંત બક્ષીની "આકાર"માંથી.
2 ચંદ્રકાંત બક્ષીની "લીલી નસોમાં પાનખર"માંથી.

અહીં આ વાર્તાના બન્ને ભાગમાં, શરૂઆતના વાક્યો ચંદ્રકાંત બક્ષીની "આકાર" અને "લીલી નસોમાં પાનખર"માંથી લીધાં છે. બક્ષીની નોવેલ્સનાં વાક્યો પકડીને એને એક અલગ આયામ, એક અલગ આકાર આપવાની તુચ્છ કોશિશ કરી છે.

"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com

યાદો ખખડાવે જયારે ઘરનું બારણું




યાદો ખખડાવે જયારે ઘરનું બારણું નસીબદાર છો, પાછા જવા માટે તમારા પાસે ઘર છે ! ~ સંકેત


એ દિવસ જરા સ્પેશ્યલ હતો પ્રાચી માટે. પપ્પાનો બર્થડે હતો. એ પપ્પા જેની ગોદમાં રમીને એ મોટી થઈ હતી. જેની આંગળીએ પહેલીવાર એણે ચંદ્ર જોયો હતો. એ પપ્પા જે એને ખભા પર બેસાડીને દશેરાનો સળગતો રાવણ જોવા લઈ જતા. એ પપ્પા જેણે એને સાઈકલ શિખવાડી હતી. એ પપ્પા જેણે ગણિતના દાખલા શિખવાડી શિખવાડીને એને પાસ કરાવી હતી. એ પપ્પા જેણે એની દીકરી માટે છોકરાં જોવાનું શરું કરી દીધું હતું. એ પપ્પા જેણે એને ગૌરવ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સમાજ શું કહેશે! એ પપ્પા જેને છોડીને એ ગૌરવ સાથે સાત વર્ષથી રહેવા માંડી હતી. એ પપ્પા જેણે સોગંદ ખાઈ લીધાં હતાં કે એ ક્યારેય વાત નહીં કરે પ્રાચી સાથે, મોઢું ય નહીં જુએ. જેણે પ્રાચીને કહી દીધું હતું કે એના માટે આ ઘરનો દરવાજો હંમેશ માટે બંધ છે. એ દરવાજો જયાં ઊભા રહીને એણે મમ્મીની રાહ જોઈ હતી. એ દરવાજો જેનો કિચુડાટ એને હજુય યાદ હતો. અને એ ઘર, એની ફર્શ જયાં એના ઘૂંટણ ચંપાયેલા, એ બારી જ્યાંથી એ ચંદ્ર જોયા કરતી, એ અગાશી જયાં ઊનાળામાં મમ્મી પથારી કરી આપતી, એ તારા જોતાં જોતાં સૂઈ જતી અને સવારનો સુરજ એને જગાડી દેતો અને નીચે જઇને ઘડિયાળમાં જોતાં હજુ સાડા છ માંડ વાગ્યા હોતા, એ ઘર જયાં શેરીમાં આવતાં શાકવાળાને ત્યાંથી એણે પહેલીવાર મફત કોથમીર લીધેલી, મમ્મી એ શીખવાડેલું ! પહેલીવાર લોહી જોઈને ગભરાઈ ગયેલી ત્યારે મમ્મીએ મનનો બોજ હળવો કરેલો, મમ્મીની રસોઈ શિખવાની જીદ સામે પપ્પાની લાડકી બનીને એ પોતાનું જ ચલાવતી, એ ઘર જયાં એનાં બર્થડે પર પપ્પાએ એને પિંક કલરની સાઇકલ લઈ આપેલી, અને એ શેરીની સહેલી જેની સાથે એ દિવસે એ ખરા બપોરે રખડેલી. એ ઘર જયાં મમ્મીએ કપાળ પર તાવ ઠારવા આખી રાત ભીના પોતા મૂકેલા, એ ઘર જે કૉલેજ જવા માટે એને છોડવું પડેલું, જયાં પાછા જવા માટે એ રાહ જોતી રજાઓની...પણ બધું બદલાઈ ગયું હતું. એ ઘરે એ હવે ક્યારેય જઈ શકવાની નહોતી. એ માહોલ, એ પગથિયાં, એ માણસો, એ ગલીઓ,સબંધો બધું હવે જાણીને ય અજાણ્યા કરવાના હતા.

"મમ્મી... બહુ ભૂખ લાગી છે..."
પાછળથી દોડીને આવતી પ્રાચીની નાનકડી દિકરીએ દફતર બેડ પર ફેંક્યું. ગ્રે કલરનું ફ્રોક, વ્હાઇટ શર્ટ, ચીપકવેલા વાળ, એ આંખો...પોતાની દિકરીને સ્કૂલ યુનિફોર્મમાં જોઈને એને પોતાની જ યાદ આવી ગઈ. દડદડદડ આંસુ ટપકી ગયા-ઓચિંતો વરસાદ આવે એમ!

"શું થયું મમ્મી? તું કેમ રડે છે?" દિકરીએ કૌતુકથી પૂછ્યું. આંસુંઓ રોકાતા નહોતા.

"કંઈ નહીં, ચાલ તારું લંચબોક્સ બતાવ, ખાધું'તું કે નહીં તે બપોરે!?" એણે મન માંડ વાળ્યું.
આ ય મારું જ ઘર છે ને! અહિં મારી દિકરી છે, ગૌરવ જેવો લવિંગ પતિ છે, સુંદર ઘર છે, ઠીક-ઠાક પૈસો ય છે, બધું સેટલ્ડ છે... પણ પછી પાછો વિચાર આવ્યો... પણ પપ્પાને શું વાંધો હતો! માની કેમ ન ગયા! કેમ !

પ્રાચીનો મોબાઈલ વાગ્યો, વિચારો તૂટ્યા, એ ઊભી થઈ, મોબાઈલની સ્ક્રીન જોઈ, એનાં શહેરનો કોડ નંબર હતો... એનો અંગુઠો આશા અને આશા તૂટવા વચ્ચે ગભરાયો થોડી સેકન્ડ, અને છેલ્લે સ્ક્રીન પર ફરતું લીલું ચકરડું એણે માંડ ખેંચ્યું, કાન માંડ્યા, અને સામેથી અવાજ આવ્યો,

"પ્રાચી..."
અને પ્રાચીનાં ગળામાંથી તીવ્ર રૂદન-ચીસ સાથે માંડ માંડ શબ્દો નીકળ્યા...
"પ...પ્પા...!!"

***

ઘર! ઘર શું હોય છે ઘર !? આપણું ઘર! આપણાં સંબંધો, પરિવાર, ભાવનાઓ, યાદો, માહોલ, વસ્તુઓ, ઘરની દિવાલો 'ને ઈંટો 'ને હવા 'ને ફર્શ... આ તમામનો સરવાળો એ તમારું ઘર છે. આ બધાંમાં આપણી આખે આખી જાત સંઘરાયેલી છે. ઘર એટલે એ જગ્યા જયાં આપણે જેવા છીએ, એવા છીએ! ઘર એટલે દર વખતે ખાસ અવાજ કરતો દરવાજો, ઘર એટલે આડાઅવળા ફેંકી દીધેલા ચપ્પલ, ઘર એટલે એ બારી જ્યાંથી તમારી નાનપણની કૌતુક આંખોએ પહેલી વાર ચાંદ જોયો હોય, ઘર એટલે એ ફર્શ જયાં ત્રણ પૈડાં વાળી તમારી સાઈકલના અદ્રશ્ય લિસોટા છે, ઘર એટલે દરરોજ તમારી પથારી પર આવતો તડકો રોકી લેતી મમ્મી, ઘર એટલે તમારા કપાળ પર કાયમી નિશાન બનાવી જતી ચોટની યાદ, ઘર એટલે મમ્મીને પાણીનો કરાતો ઓર્ડર, ઘર એટલે તમારી આળસ સંઘરી લેતી ચાદર, તમારું અસ્તવ્યસ્ત જીવન, ઘર એટલે પપ્પા સાથે મરાતો બજારનો આંટો, ઘર એટલે ભાઈબંધ સાથે ચાર વાગ્યાની ચા, ઘર એટલે વરસાદમાં પાણીએ નહાતું છજુ, ઘર એટલે સાતમાં ધોરણની મળી આવતી નોટબુક, ઘર એટલે ઉત્તરાયણની અગાશી, ઘર એટલે બાજુની ગલીમાં રમાતું હતુ એ ક્રિકેટ, ઘર એટલે ફેમિલી સાથે જોવાતું ટીવી, ઘર એટલે મમ્મીનાં હાથની રસોઈ, ઘર એટલે પપ્પા સાથેની ચર્ચાઓ, ઘર એટલે ભાઈ સાથેનું મુવી, ઘર એટલે તમારી નિશાળ. નિશાળે નહીં જવાના કજીયા, ઘર એટલે શેરીમાં બનેલાં ભાઈબંધ, ભાડે ફેરવાતી સાઈકલ, ઘર એટલે ખૂણા પરની પાનની દુકાન, ઘર એટલે તમે રવિવારે જતા એ ગાર્ડન, ગલીઓમાં ઝાપટતા એ નાસ્તો, ઘર એટલે નજીકની દુકાન જ્યાંથી મહેમાન માટે તમે આઈસ્ક્રિમ લાવેલા, ઘર એટલે આગળ ભણવા છોડી દીધેલું શહેર, નોકરીના ટેન્શનમાં રાહત આપતી ટેબ્લેટ, કોઈકવાર પાછા ફરો ત્યારે "તું તો ઓળખાતો ય નથી" કહેવાવાળા લોકો એટલે ઘર, જયાં તમને ચીન્ટુ, મોન્ટી, સોનુ, પીન્ટુ કહે એ લોકો એટલે ઘર, વાગેલી છરી પર લગાવાયેલી હળદર એટલે ઘર, ઘર એટલે કોઈ નવો પરિવાર બનાવવા તમે જેને પિયર કહ્યું એ જમીન 'ને જ્યાં તમારા બાળકોએ માટી ખૂંદી એ ફળિયું, ઘર એટલે તમારા પહેલા ક્રશનું શહેર! ઘર એટલે તમારી ગલીનાં કૂતરાં. ઘર એટલે જુના કામવાળા બહેન, ઘર એટલે તમારી પહેલી શેવિંગ, ઘર એટલે ગણિતનું ટ્યુશન, ટ્યુશનનાં ફેમસ સર, ઘર એટલે પાછળનું મંદીર, ઘર એટલે તમારા પાડોશી, સાઈકલના પેડલે ભૂલા પડી ગયેલાં એ ગલીઓ, ઘર એટલે તમારા પપ્પાનાં ભાઈબંધ, મમ્મીનાં માસીની દિકરી, ઘર એટલે તમારા શહેરનો ઇતિહાસ, ઘર એટલે તમે પેટ્રોલ પુરાવતા એ પમ્પ, ઘર એટલે તમારો જૂનો વાળંદ, ઘર એટલે "હવે ઘણું બધું બદલાઈ ગયું છે" કહેતો તમારા શહેરમાં રહેતો ફ્રેન્ડ, ઘર એટલે તમારા મૂળિયાં. ઘર એટલે માત્ર દિવાળી પર મળતાં ભાઈબંધ, ઘર એટલે તમારા ગામની બોલી 'ને તમારા ગામની ગાળો, ઘર એટલે તમારા મમ્મી પપ્પાનાં લગ્નનું આલ્બમ, લોખંડનો હવે ભંગાર થઈ ગયેલો કટાઈ ગયેલો પલંગ, એકાદ ભેજવાળી દિવાલ એટલે ઘર, પાછળ વગડાનો બાવળ એટલે ઘર. ઘર એટલે હાશ! ઘર એટલે નિરાંત!

 સર્વસામાન્ય નિયમ છે કે કોઈ ચીજ જ્યારે આપણી પાસે હોય ત્યારે એનું અસ્તિત્વ આપણું દિમાગ ફોર ગ્રાન્ટેડ લઈ લે છે, પણ જ્યારે એ ચીજનો અભાવ વર્તાય ત્યારે એની મહત્તા, એનાં હોવાની ઘટના એક અલગ આયામ અને આકાર લઈ લે છે. પછી માણસ એ નહીં હોવાની શક્યતાઓ પાર વધું ગાઢ વિચારો કરી શકે છે. એમ, ઘરની મહત્તા ઘરથી દૂર જાઓ ત્યારે સમજાય છે. હોમ-સિકનેસમાં કવિતાઓ લખાઈ જાય છે. સ્ત્રીઓ તો બબ્બે ઘરને બખૂબી જીવે છે. એની ભાવનાઓના કેનવાસ પર એ બન્ને ઘરની યાદો ચીતરી શકે છે. સરહદ પર બંદૂક લઈને ઊભેલા સૈનિકની આવી ભાવનાઓ ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. પણ પેલું કહેવાય છે ને લાઈફ ઈઝ અ બિચ્ ! ઉપર વાર્તામાં જે વાત છે એમ ક્યારેક આપણાં ઘર સાથેનો નાતો કાયમ માટે તૂટી જતો હોય છે. ભારત-પાકિસ્તાન પાર્ટીશન પછી કેટલાંય લોકોનાં મનમાં પોતાનું ઘર હંમેશ માટે સંઘરાયેલું હશે! અને જર્મની છોડીને ભાગતાં યહૂદીઓનાં મનમાં પણ! અને સંજાણ બંદરે આવેલાં પારસીઓનાં દિલોમાં પણ! તમારું નાનપણનું ઘર, તરુણાવસ્થાનું ઘર એ તમારા પહેલા સિરિયસ પ્રેમ જેવું હોય છે.જો તમારા પાસે પાછા જવા માટે ઘર છે તો તમે નસીબદાર છો. બાકી એ ક્યારેક બસ યાદો બનીને ઝહનમાં આંટો મારી જાય છે- જૂની પ્રેમિકાની જેમ!

 ***

એન્ટન ચેખવની એક વાર્તા છે, "વાંકા". એને ટૂંકાવીને જરા ફેરફાર સાથે અહીં લખી છે: નવ વર્ષના આરવને એ રાતે દાદાની બહુ યાદ આવતી હતી. આજે દિવાળી હતી. મમ્મી તો ક્યારે એને એકલો છોડી ગયેલી એ એને ખબર પણ નહોતી, બસ ધૂંધળૂ વહાલ યાદ આવતું. પણ દાદા સાથે ઉજવેલી દિવાળી આજે એને બહુ યાદ આવતી હતી. પોતાનું ઘર, ઘરનું ફળિયું, એની નાની સાઇકલ, ભાવતી મીઠાઈઓ, એના પ્રિય બિસ્કીટ, ફટાકડા બધું. ઘરથી દૂર એનાં નવા મમ્મી-પપ્પા સાથે એને જરાય ગમતું નહીં. અહિં એને ભાવે એ બિસ્કીટ પણ મળતાં નથી એમ નવા પપ્પાએ એને કડકાઈથી કહેલું, અને એકવાર નવી મમ્મીએ કહેલું કે આ તારું ઘર નથી. એને દાદાને કહેવું હતું કે અહીંથી લઈ જાય એને, પાછો ઘરે. એનાં ઘરે. કોઈકે કહેલું કે સંદેશો કંઈ એમનેમ ન પહોંચે, કાગળ લખીને કહેવું પડે! માંડ ઘરમાંથી જૂનો કાગળ ગોતી એણે છાનોમાનો દાદાને કાગળ પણ લખી નાખ્યો હતો મહામહેનતે, બસ નવા મમ્મી-પપ્પા આવે એ પહેલા પોસ્ટબૉક્સમાં એને નાખી આવવાનો હતો. આજે તો નાખી જ આવવો હતો. એણે કાગળની ગડી વાળી, ગડી ઉપર નખ ખેંચીને ધાર આપી અને કવરમાં કાગળ નાખીને દોડ્યો પોસ્ટબૉક્સ તરફ. લાલ પોસ્ટબૉક્સ બરાબર ઉપર ચમકતી સોડિયમ લાઈટમાં એને બરાબર દેખાયું, અને એ કવર અંદર નાખવા જ જતો હતો, ત્યાં એને યાદ આવ્યું, પેલા ભાઈએ કહયું હતું, કાગળ ક્યાં મોકલવો છે એ ય લખવું પડે એનાં પર! એને હાશ થઈ કે હજુ કાગળ નાખ્યો નહોતો. ફટાફટ પેન્સિલ કાઢી અને કવર પર એણે લખી નાખ્યું,
"To,
 મારા દાદા,
મારું ગામ."

 અને ખુશ થઈ દોટ મૂકી એણે. નવા મમ્મી-પપ્પા હજુ આવ્યાં નહોતા. એને હાશ થઈ. અને કાલ સવારની, નવા વર્ષની, દાદાની, રાહ જોતા જોતા એ શાંતિથી સૂઈ ગયો.


"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com


Expressions of Life: ચાર લઘુકથાઓ


Expressions of Life: ચાર લઘુકથાઓ 
~ સંકેત વર્મા 

૧. હાશ !

એણે જ ફોનનું લાલ બટન દબાવી દીધું. 
ફોન કદી ઉપાડશે જ નહિ. અને ટાઈમ પર આવશે નહિ. બસ, હું આવી જઈશ, હું આવી જઈશ કહ્યે રાખશે. રોજે રોજ હું કહેતી ય નથી. આજે ઍનિવર્સરી છે. 10 વર્ષ પૂરાં થયા છે. છતાં આજનો દિવસ એના માટે તો કઈં સ્પેશ્યલ છે જ નહિ. બસ એક સવારનું સૂકું 'હેપ્પી ઍનિવર્સરી' અને 'આઈ લવ યુ'. 
આવી હોય મૅરિડ લાઈફ!? ટેવાઈ જવાની, વધુ પડતા પરિચિત થઇ જવાની, કૅરલેસ થઇ જવાની. પ્રેમમાં ય આળસુ થઇ જવાની...ખબર નહિ પ્રેમ છે કે નહિ. બસ ટેવ પડી ગઈ છે કદાચ. એવું તે શું કામ છે! એક દિવસ...એક દિવસ ન નીકળે!?
કહેશે તમારા માટે જ કરું છું ને...પણ મારા માટે માત્ર કામ જ કરવાનું છે? પૈસા જ કમાવાના છે? દોઢ કલાક થયો! કોઈ ફોન નહિ, ન તો મેસેજનો રિપ્લાય...
ડોરબેલ વાગી અને એના વિચારો અટક્યા. 
હાશ ચલો આવ્યો. એણે દરવાજો ખોલ્યો.
અને સામેવાળા પાડોશી દેખાયા!
"અરે ભાવના, નીચે ચાલ જલ્દી, બાજુવાળા કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે અહીં નીચે જ રોડ પર. 108 બોલાવી છે!"
રસ્તા પર 108માં લઇ જવાતું લોહીથી રંગાયેલું, ચગદાયેલું જડ શરીર બધા જોતા રહ્યા. 
ત્યાં જ ભાવનાના ખભે પાછળથી કોઈ એ હાથ મુક્યો, "શું થયું?!"
અને ભાવના એને ચસોચસ ભેટી પડી. આંખ કચકચાવીને મીંચી દીધી અને એનું એક આંસુ ગાલ પરથી સરકીને એના ખભા પર પડ્યું અને શર્ટના કાપડમાં શોષાઈ ગયું. 


૨. વનિતા

"પણ વનિતા, આમ ક્યાં સુધી ચાલશે! એક દિવસ તો તારે ઘરે કહેવું જ પડશે આ બધું!" માનુષીએ કહ્યું. 
"અત્યારે નહિ," વનિતાએ જવાબ આપ્યો, "રાઈટ ટાઈમે બધું કહીશ."

માનુષી અને વનિતા પાક્કા ફ્રેન્ડ્સ હતા. નાનપણથી જ. એક જ શહેરમાં, એક જ સ્કૂલમાં અને હવે એક જ કૉલેજમાં. કૉલેજના છેલ્લા દિવસો હતા અને વનિતાના મા-બાપ એને પરણાવવા ઉતાવળા હતા. માંગા આવ્યે જતાં હતા. પણ વનિતા કોઈકના પ્રેમમાં ક્યારનીય ભીંજાઈ ચુકી હતી અને એ બેમાંથી કોઈ કોરા રહીને જિંદગી સુકવી નાખવા માંગતા નહોતા.  એટલે જ માનુષી વનિતાને આ બધા વિષે ઘરે વાત કરી દેવાનું કહ્યા કરતી. 

"રાઈટ ટાઈમની રાહ જોવામાં સમય સરકી જશે હાથમાંથી. સાચો સમય આજે જ છે, અત્યારે જ, રાઈટ નાઉ!" માનુષીએ કહ્યું, "તારામાં હિંમત ન હોય તો હું વાત કરું અંકલ-આન્ટીને.."

"ના! તું વચ્ચે ન આવીશ. બધું બગડી જશે! ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ફોર મી.  તું મમ્મીને જાણે છે ને! અને આ વાત તો એવી છે કે કોઈપણ મા-બાપ..." આગળ બોલવાની જરૂર નહોતી. 

એ દિવસે સવારમાં વધુ એક માંગુ આવ્યું હતું. વનિતા સવારથી પપ્પાને ટાળી રહી હતી. એ બસ ઘરના દરવાજાને ખોલી જ રહી હતી, ત્યાં પપ્પાએ કહ્યું,
"વનિતા, રાહુલ નામ છે છોકરાનું." 
"પપ્પા, મારે તમને બેય ને કઈંક કહેવું છે...મમ્મી..." એનામાં ઓચિંતા જ હિંમત આવી ગઈ અને હવે એ પાછી પાની કરવા માંગતી નહોતી. 
"હા, બોલ ને," મમ્મીએ રસોડામાંથી બહાર આવતા આવતા જ કહ્યું. 
"મારે આ કોઈ છોકરાઓ સાથે લગન નથી કરવા." વનિતાએ કહી દીધું. 
"લગન નથી કરવા! આ શું!" પપ્પાએ જરા આશ્ચર્યથી પૂછ્યું. 
"મને કોઈ બીજું ગમે છે," એ નજર નીચી રાખીને બિન્ધાસ્ત બોલતી ગઈ. 
"બીજું કોઈ ગમે છે!?! શું બોલે છે તું!" મમ્મીએ નજીક આવી એનું બાવડું ઝાલીને પૂછ્યું, "કોણ છે એ? કોલેજનો જ હશે કોઈ! આ જુઓ પહેલથી જ કહેલું, છોકરીની જાત છે, આટલી આઝાદી ના આપો, પણ અમારું સંભાળે કોણ..." ચાલુ રહી ગયેલા નળની જેમ એના મોમાંથી ખીજ નીકળવા માંડી, "બહુ શોખ હતો ને! માલી દીકલી, માલી દીકલી કરતા'તા! ભોગવો હવે...અરે કોણ છે એ?! બોલ તો ખરા!" 
"એક મિનિટ શાંતિ રાખને તું!" પપ્પાએ પ્રવાહ તોડીને જરા નરમ અવાજે વનિતાને પૂછ્યું, 
"બોલને બેટા, કોણ છે? સારો છોકરો હોય તો મને વાંધો નથી!"
"હા, બોલ કોણ છે!? શું છે નામ?!" મમ્મીએ પૂછ્યું. 

"માનુષી." 
વનિતાએ નામ કહી દીધું અને બધાં સવાલો અટકી ગયા.  


૩. તક
  
દૂર દિવાદાંડીની લાઈટ ઝબૂકતી હતી. ખારો પવન એની લટોને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. એ કિનારે બેઠી બેઠી દરિયાનો ઘૂઘવાટ સાંભળી રહી હતી. 
શું રહ્યું હતું જીવનમાં! બાપને એ છોડીને આવી હતી, પ્રેમીએ તરછોડી દીધી હતી. ગામ આખું ત્રાસી નજરે જોયા કરતું અને પીઠ પાછળ બોલ્યા કરતું. છીનાળ છે, ચાલું છે, રાંડ છે...
કોને સમજાવે એ! બાપને સમજાવી શકી નહિ અને પ્રેમી સમજ્યો નહિ એને. એને થયું એ બહુ ખુશ થશે સાંભળીને કે એ બાપ બનવાનો છે. પણ એણે તો અંદર ઊછરતા પ્રેમને કોઈકનું પાપ કહી દીધું. કેટલું આસાન હતું એના માટે! ખરેખર તો એ પોતે જ કોઈને સમજી શકી નહોતી. પોતાની જાતને ય નહિ. બધું મુગ્ધાવસ્થાની મૂર્ખાઈમાં તબાહ થઇ ગયું હતું. હવે બસ એકલતા રહી હતી, ચુપકીદી રહી હતી અને અંદરથી ચીરી નાખતી શાંતિ રહી હતી. લોકોની કૂથલી સાંભળી લેવાની, નાલાયકી સહન કરી લેવાની, અંદર ઉછરતા 'પાપ'ને પેટમાં પાળવાની ટેવ પડી ગઈ હતી. બધું જ અંદર ઘૂંટાયા કરતું હતું વિના અવાજે, વિના વિરોધે. એને ડર લાગતો, આ પેદા થનાર સાથે ય દુનિયા આવો દગો કરશે તો! કે આ પેદા થનાર પોતે કોઈ સાથે આવું કરશે તો! રોજ રાતે સમુદ્રકિનારે આવીને એ જીવવા અને મરવાનું નક્કી કર્યા કરતી. 
એણે પોતાના પેટ પર હાથ મુક્યો, ઘડીક અટકી અને પછી ચાલવા માંડી સમુદ્ર તરફ. લહેરો વચ્ચે. એ ચાલતી ગઈ અને સમુદ્ર એને ઘેરતો ગયો, ફંગોળતો ગયો. અને એક ક્ષણે દરિયાની અસિમિત ખારાશ એ ગળી ગઈ અને બધું જ પહેલાં કરતાંય વધુ શાંત થઇ ગયું... 
...દરિયાનો ઘૂઘવાટ સંભળાઈ રહ્યો હતો, આજુબાજુ કેટલાય લોકોનો કોલાહલ હતો. એનું શરીર દરિયાની રેત પર સળવળી રહ્યું હતું, કેટલાક મદદગારો એના બાવડાં ઝાલી રહ્યાં હતાં, દૂર ક્ષિતિજે સૂર્યોદય થઇ રહ્યો હતો, એની અધખૂલી આંખોમાં એની ચમક હતી, હોઠ પર જરા હિંમતભર્યું સ્મિત હતું, દરિયાએ એને કાનમાં કહ્યું હતું,
"મેં તારી કૂખમાં તોફાન મૂક્યું છે!


૪. ડર

એ રૂમમાં દાખલ થયો. દરવાજો બંધ કર્યો. 
ઘરની એકમાત્ર ખુલ્લી બારીમાંથી સામે પડેલું રાઇટિંગ ટેબલ સ્પોટલાઇટમાં ચમકતું હતું. એ ચેર પર બેઠો, પેન હાથમાં લીધી અને કાગળ પર અક્ષરો માંડવાનું શરુ કર્યું. 
કાગળ અને પેન ખરખર અવાજ કરવા માંડયા. જાણે કોઈની જિંદગીની ગોસિપ. શબ્દો એક પછી એક કાગળ પર ઉતરવા મંડ્યા. અને પછી સતહ છોડી હવામાં ઊડવા લાગ્યા. શબ્દોને પકડવાની કોશિશ વ્યર્થ હતી. 
એનો 'હું' કાગળને છોડીને હવામાં ઓગળવા મંડ્યો. આકાર બદલવા મંડ્યો, શાહી ધુમાડો બનતી ગઈ. કાળો રંગ સફેદી પકડવા માંડયો.  એ જેમ જેમ લખતો ગયો, એનું બચપણ, તરૂણાવસ્થા, જવાની બધું કાગળ છોડીને હવામાં ફેલાતું ગયું. બધા રંગો ઊડી ગયા હતા. માત્ર બે જ રંગોની દુનિયા રહી ગઈ હતી. શબ્દોનો કાળો રંગ 'ને ધુમાડાનો સફેદ! ઘર આખું એ ધુમાડાથી ભરાઈ ગયું હતું. એની જીવેલી જિંદગીનો ધુમાડો! એનો દમ ઘૂંટાવા લાગ્યો. પણ એ લખતો રહ્યો. બારીમાંથી અમુક લોકો જોઈ રહ્યા હતા કે આ શાનો ધુમાડો છે? હવે તો કાગળ સળગી રહ્યો હતો. અને પેને પણ આગ પકડી લીધી. પેન ઓગળીને આંગળીઓને દઝાડવા માંડી. ચામડી કાળી પડવા માંડી અને પછી હાથ સળગવા માંડયો. પોતાની જિંદગીની વાત કહેવામાં લોહી બાળીને રાખ પેદા કરવાની હતી. હવે એનાથી સહન ન થયું. પડતો,આખડતો, ખાંસતો, ઘૂંટાતો એ ખુરશીમાંથી ઉભો થયો અને જલતા બદને ઘરની બધી બારી અને બારણાં ખોલવા મંડ્યો. બધો ધુમાડો ઘરની બહાર ફેલાતો ગયો. આસપાસ કોઈને ખાંસી આવવા માંડી 'ને કોઈ વળી ધુમાડાની સુગંધ લેવા લાગ્યું. કોઈને બસ શું સળગી રહ્યું છે એ જોવામાં મજા પડી ગઈ! સળગતા શરીરને જોવા દુનિયા હંમેશા ભેગી થાય છે. જીવતું હોય તો તમાશો અને મરેલું હોય તો ચિતા! એ જલતો રહ્યો...જલતો રહ્યો...વિતેલા વર્ષો ફરી જીવવા...એ ખુશી અને એ પીડા અને એ પ્રેમ અને પૂર્વગ્રહો અને ગુનાહો અને મિત્રતાઓ અને દુશ્મનાવટો, એ નિરાશા, એ આશા, બધા સુખો ને દુઃખો, એ હોંસલો, એ વિશ્વાસઘાત, પડી ભાંગતી અને લડી લેતી જાત, છેતરાઈ જતી અને છેતરી લેતી જાત... એ બધું રાખ અને ધુમાડો કરીને, ફૂંક મારીને ફેલાવવું...કઠિન હતું...

...અને એની આંખો ખુલી ગઈ, અંધારા ઓરડામાં પીળો બલ્બ ઝટ ઝબૂકે એમ. એણે બાજુમાં પડેલો ફોન ઉઠાવ્યો. પબ્લિશરનો બે દિવસ પહેલાનો મેસેજ ફરી વાંચ્યો,

"So what u thought? Ur autobiography will be a sure hit! Ur readers r waiting... M sure u r in."


એણે રીપ્લાય પર ટેપ કર્યું, અને એની આંગળીઓ, જેમાંથી હજુય સળગેલા માંસની વાસ આવતી હતી, Y અને N પર ધ્રુજતી રહી !


(કપ્સ ઑફ ટી by સંકેત વર્મા, 14/06/16, varmasanket1987@gmail.com)