એક્સપ્રેશન્સ ઑફ લાઈફ: આકાર
"સરના, હું દારૂ શા માટે પીતો થયો ખબર છે? એક મજબૂત માણસે મને કહ્યું હતું કે 'એક એક પેગ, આત્મહત્યાનો એક એક ડોઝ છે. મને એની વાત બહુ ગમી" 1 શરાબનો ગ્લાસ હોઠ પરથી હટાવતા હર્ષે કહ્યું. 
સરના અને હર્ષ દોસ્ત હતા, ઘણાં સમયથી. 
આ એ હર્ષ હતો જેને સરનાએ હંમેશા ખુશ જોયેલો, બીજાને હિંમત આપતો જોયેલો, પોતાની જાતને સંભાળી લેતો જોયેલો. દુઃખી દોસ્તના ખભે હાથ મૂકીને એ કહેતો, "છોડને યાર, જિંદગી બહુ મોટી છે, આજથી 5 વર્ષ પછી તને આ બધું બહુ નાનું 'ને ફાલતુ લાગશે, યાદ કરજે મને...". પણ પોતાનું દુઃખ જરા અલગ હોય છે, દિલમાં ઊંડે ઊતરી જાય છે, પારકા દુઃખ કરતાં એનું મહત્વ વધારે હોય છે, એની ધાર તીક્ષ્ણ અને ભાર કેટલાય કિલોનો હોય છે. 
"શેનું દુઃખ છે હવે!? છૂટા પડી ગયા છો બન્ને! યુ આર ડિવોર્સ્ડ હર્ષ!" સરનાએ કહ્યું. એ બહુ સીધું અને ઓછું બોલતી. 
"દુઃખ નહીં પસ્તાવો છે! પસ્તાવો 2 વર્ષ ખોટા વ્યક્તિ, ખોટા સબંધમાં ખર્ચી નાખવાનો. કેટલીય લાગણીઓ બાળી મૂકવાનો પસ્તાવો છે. તું સાચી હતી સરના, લગ્ન બહુ આર્ટિફિશિયલ ચીજ છે. અને હા, તું પેલું શું કહેતી ? હા, લગ્ન કરવાની હિંમત કરતાં એકલા રહેવાની હિંમત મારામાં વધું છે," એ જરા હસ્યો, પોતાના પર.
સરના જોઈ રહી એને અને કહ્યું, "છોડ હર્ષ , જિંદગી બહુ મોટી છે યાર, હજુ ઘણું જીવવાનું બાકી છે." 
"હમમમમમ..." હર્ષ શરાબમાંથી જરા જરા બહાર નીકળ્યો અને કહ્યું, "અચ્છા છોડ બધું, તું કહે, શું ચાલે છે તારી લાઈફમાં, કંઈ નવા-જૂની?!"
"હા, એ માટે જ ખાસ આવી છું," સરનાએ પોતાની બૅગ ફંફોસવા માંડી, "લે આ, મારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ, બધાએ આવી જવાનું છે." એણે પોતાના લગ્નની કંકોત્રી હર્ષ સામે ધરી દીધી. 
હર્ષ ત્રણેક સેકન્ડ જોઈ રહ્યો સરના સામે. અને પછી જોર જોરથી હસ્યો, એટલું જોરથી કે એનો બધો નશો બાષ્પ થઈ ગયો. 
 ***
(આશરે બે વર્ષ બાદ)
"માણસ લગ્ન કરે છે ત્યારે એક ખ્વાબ હોય છે, જિંદગીને તરાશવાનું, સંતાનોનું, સાથે સાથે જીવવાનું અને ઝઘડવાનું અને ધીરે ધીરે થાકતા જવાનું ! અને સંતોષનો એક એક ધોળો વાળ ફૂટતો જાય છે." 2
સરનાએ પોતાની ડાયરીમાં લખેલા પોતાના અક્ષરોને ટેરવાથી જરા અનુભવી લીધા. એ કાગળ, એની પીળી ઝાંય, જરા ખરબચડી સપાટી, એ શાહીની સુગંધ બધું એને વીરેનની યાદો તરફ ખેંચી લઈ જતું. જૂનું વાંચીને, નવું લખીને એ પોતાની સાથે વાત કરી લેતી. વીરેનના મૃત્યુ પછી જાત સિવાય વાત કરવા વાળું કોઈ રહ્યું નહોતું. પણ એણે તરત જ ડાયરી બંધ કરી. એને નહોતું ગમતું એ બધું યાદ કરીને મર્યા કરવું. "નથી આવવાનો વીરેન પાછો! યુ હેવ ટુ મૂવ ઓન સરના!" એ ક્યારેક અરીસા સામે બેસીને મનમાં પોતાને કહેતી. વીરેનના મૃત્યુ પછી એની જિંદગી અડધી થઈ ગઈ હતી- એક આંખ ફૂટી જાય અને અડધી દુનિયા દેખાય એવી.
ફોનનું વાઈબ્રેશન ગાજ્યું. ડિસ્પ્લે પર નામ ચમક્યું, "હર્ષ". 
"હા, બસ દસ મિનિટ. પહોચું છું." સરનાએ ફોનમાં જવાબ આપ્યો.
વીરેનના ગયા પછી દોઢેક વર્ષ બાદ એક વખત હર્ષ સરનાને મળી ગયો. અને ત્યારબાદ બન્ને મળતા રહ્યા, જૂની દોસ્તીનું વ્યાજ હોય એમ. 
"હું ખોટી હતી હર્ષ, એકલા નથી જીવી શકાતું- કોઈની સાથે રહ્યા પછી." સરનાએ હર્ષને કહ્યું.
"ના, તું સાચી જ હતી, સાબિતી તારા સામે છે," એ પોતાના તરફ ઈશારો કરતા બોલ્યો, "ઇટ વીલ ઑલ બી ઓકે સરના. ટાઈમ હિલ્સ એવરીથીંગ." હર્ષે કહ્યું. 
"કેટલો ટાઈમ હર્ષ!? બે વર્ષ થયા. ખબર નહીં હું ક્યાં અટકી ગઈ છું!?  પહેલેથી એકલો રહેલો માણસ જીવી જાય છે-જરા આસાનીથી. પણ એકવાર ટેવ પડી જાય ને- પ્રેમની, સપોર્ટની, કૅરની, રડવા માટેના ખભાની- પછી કંઈક અધૂરું લાગ્યા કરે છે." એ જરા ચીડાઈ ગઈ. ઘણું બધું એકસાથે બોલી ગઈ.
હર્ષ એની સામે જોઈને કંઈક બોલવા જઈ રહ્યો હતો, ત્યાં જ સરનાએ કહી દીધું,
"વીલ યુ મેરી મી?!"
હર્ષ ફાટી આંખે સરનાને જોતો રહ્યો.
***
1 ચંદ્રકાંત બક્ષીની "આકાર"માંથી.
2 ચંદ્રકાંત બક્ષીની "લીલી નસોમાં પાનખર"માંથી.
અહીં આ વાર્તાના બન્ને ભાગમાં, શરૂઆતના વાક્યો ચંદ્રકાંત બક્ષીની "આકાર" અને "લીલી નસોમાં પાનખર"માંથી લીધાં છે. બક્ષીની નોવેલ્સનાં વાક્યો પકડીને એને એક અલગ આયામ, એક અલગ આકાર આપવાની તુચ્છ કોશિશ કરી છે.
"કપ્સ ઑફ ટી"
By Sanket Varma
varmasanket1987@gmail.com
 

 
 
 
 
 
 
 
 
 
 
very good
ReplyDeleteVery nice
ReplyDelete