Showing posts with label હાર્દ હિટ્સ. Show all posts
Showing posts with label હાર્દ હિટ્સ. Show all posts

ઉત્સવ

ઉત્સવ
~હાર્દિક વ્યાસ


ઉત્સવનું વાતાવરણ છે. દીવાળીની રાત છે. શહેરનાં રસ્તાઓ અને ગલીઓ રોશનીથી ઝળહળે છે. ઘરોની દિવાલો, કાંગરાઓ અને ગોખલાઓમાં દીવડાઓ ઝગમગ થાય છે. ઘરોને પ્રકાશથી નવડાવ્યા હોય એવું પ્રતીત થાય છે. ચારેય બાજુથી ફટાકડાં ફૂટવાનાં અવાજો આવે છે. સૌનાં આંગણામાં સૌ આવડે એવી રંગોળી બનાવવામાં લાગ્યા છે. શહેર જાણે રોશનીમાં ઝબોળાઈને નીતરતું હોય એવું લાગે છે.

શહેરનાં મોટા ચોક પાસે આવેલી પીરબાબાની દરગાહ પાસે ફૂટપાથ પર એક કુટુંબ રહે છે. ધનજી, એની પત્ની રાજી, છ-સાત વરસનો દીકરો જીવો(જીવલો) અને પાંચ-છ વરસની દીકરી લખમી.

ધનજી છૂટક મજૂરી કામ કરીને કમાય છે. રાજીએ ચારેક ઘરનાં ઘરકામ બાંધ્યા છે. લખમી રાજી સાથે જાય અને જીવો ધનજી સાથે. બન્ને પોતાની 'કરીઅર' બને એ માટે શક્ય એટલી મહેનત અને ઈમાનદારીથી મા-બાપનાં કામ શીખે છે.

રાજીને ઊભડક પગે બેસીને કાંઈક કરતી જોઈને ધનજી બોલ્યો, " ઓ ય... હું કરેસ? (મતલબ - શું કરે છે?)". રાજીએ જવાબ આપ્યો,
" મારા એક શેઠાણી કે'તા 'તા કે દીવાળીની રાય્તે રંગોળી પૂરીયે તો ઘરે લખમી આવે."

"આ એક તો સે.. હવે કેટલી લખમી ઝોવે સે તારે!!"

રાજી થોડીક શરમાઈ ગઈ..

"ઈ લખમી નય.."
પછી જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો ઘસીને બોલી, "આ લખમી.."

"આવશે ઈ યે આવવાની હશ્યે ત્યારે.." ધનજી સ્હેજ અચકાઈને બોલ્યો.
.
જીવો અને લખમી રમતા 'તા.. ત્યાં એક રોકેટ ઉડ્યુ.. ફટ્ટ્ટ્ટ.. અને આકાશમાં તારામંડળ ફેલાઈ ગયું..

નગર શેઠનાં દીકરાઓએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી હતી.. મોટા ચોકથી થોડે દૂર એક મેદાનમાં નગર શેઠનાં દીકરાઓ ફટાકડા ફોડતાં ત્યારે શહેરનાં ઘણા બાળકો-વડીલો એ જોવાનો આનંદ લેતાં.. જીવો અને લખમી પણ અત્યારે એનો જ આનંદ લઈ રહ્યા હતાં. એમને એમ જ થતું કે પોતે આનંદ લઈ શકે એટલા માટે જ એ લોકો ત્યાં મેદાનમાં આતશબાજી કરતાં.. અને એ લોકો આતશબાજીની સાથે જ ઉછળી ઉછળીને બૂમ-બરાડા પાડતાં.. પોતે ફોડ્યા હોય એટલો જ આનંદ ફટાકડા જોઈને લેતાં..

અચાનક જીવાની નજર સામેની મીઠાઈની દુકાન પર ગઈ અને એ બોલ્યો, "લખમી.. પેંડો ખાવો સ?" લખમીએ લોલુપ નજરે ડોકું હલાવી હા પાડી.. જીવો તરત ધનજી પાસે ગયો અને કહ્યુ, "બાપા.. પેંડો ખાવો સ.." ધનજી એ જવાબ આપ્યો, "ભૂખ લાગી હોય તો તારી બા પાંહે ઝઈને શ્યાક રોટલા ખાઈ લે.. પેંડો નો ખવાય.. ઉધરહ થાહે.." છોકરાઓને તગેડી મૂક્યા ધનજીએ.. એને ય ઈચ્છા તો હોય જ પણ ખવડાવે કેવી રીતે.. પૈસા ક્યાં? એ ય વિચારતો 'તો કાંઈક મેળ પડે તો મીઠું મોઢું કરાવું બધાય ને..

થોડા દૂર જઈને લખમી બોલી, "ભાઈ.. હું 'ને બા કામ કરવા ઝાઈ ને ન્યા એક શેઠની સોકરી મારી બેન પણી થય ગય સે.. ઈ કે'તી તી કે અમારે ક્રિસમસમાં જે ઝોતુ હોય ઈ લખીને મોજામાં મૂકી દેવાનું હવારે ન્યા ઈ વસ્તુ પડી હોય.. આપડે પેંડો મોજામાં તો નો મૂકાય એટલે મોઢેથી ગણપત દાદાને કયી દયી.. ઈ દેશે પેંડા.."

અને ખબર નહિ શું સૂઝ્યું કે બન્ને બાજુની એક બિલ્ડિંગ પાસે પહોંચ્યા અને ટાંકીનાં વધારાનાં પાણીનાં નિકાલ માટે રાખેલી પાઈપ પાસે જઈને એમાં મોં રાખીને બોલ્યા.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.."

અને એક બહુ મોટું કામ પત્યુ હોય એમ ખુશ થઈને બન્ને કૂદતાં કૂદતાં ચાલ્યા ગયા. "ગણપતિ દાદા પેંડા આપશે"ની આશામાં..

     *     *     *     *     *     *

Image courtesy : Farzana Sivani


ઉત્સવ એટલે?
ભારત ઉત્સવ પ્રધાન દેશ કહેવાય છે. નાના હતાં ત્યારે ઉત્સવ વિષયે નિબંધ લખતાં.. ઉત્સવોનાં પ્રકારો, મારો પ્રિય ઉત્સવ અને એની વિશેષતાઓ અને વગેરે વગેરે. પણ હકીકતમાં ઉત્સવ એ કોઈ ખાસ દિવસ કે સમય નથી. એ આપણી માનસિક અવસ્થા છે.

ઉત્સવ એટલે ઊરમાં ઉત્સાહ-ઉમંગ ઉછળતો હોય.. હૈયે હરખની હેલી હિલોળા લેતી હોય.. મનની માલીકોર મેળા ભરાતા હોય, મીઠડા મંગલગીત મંડાતા હોય.. આંખમાં કસુંબાની મસ્તી હોય પણ ઊંઘ ન હોય.. બધું રંગીન ભાસતું હોય.. રજે રજ રાસલીલામાં રત્ હોય એવું લાગતું હોય..

હોળી હોય કે દીવાળી, ઈદ હોય કે નાતાલ, નવરાત્રિ હોય કે સાતમ-આઠમનો મેળો કે પછી કોઈ પણ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ઘર-ઘરનો મેળાવડો હોય, યારો-દોસ્તોની મહેફિલ હોય કે પછી જલસો હોય.. જ્યાં માણસ માણસને કોઈ પણ રીતે (મન, કર્મ અથવા વચનથી) મળતો હોય.. અને એ મિલન આનંદદાયી હોય.. એ તમામ ઘટના ઉત્સવ છે.

ઉત્સવ એ સર્વત્ર ખુશહાલીનું પ્રતીક છે.. આનંદની અભિવ્યક્તિ છે.

     *     *     *     *     *     *

ઉત્સવ હતો, દીવાળીનો, પણ ભાલચંદ્રભાઈને રજા નહોતી. લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન માટે અૉફિસે જવાનું હતું. પાછલાં મહિનાનો પગાર આખ્ખો વપરાઈ ગયો હતો. બોનસ હજી મળ્યું નહોતું. મળવાની શક્યતાઓ પણ નહોતી. એકની એક દીકરી આસ્થા માટે એક ફ્રોક અને નામ પૂરતી મિઠાઈ સિવાય કોઈ ખરીદી નહોતી થઈ. શેઠને ધંધામાં ખોટ ગઈ હતી એટલે બોનસ મળવાની શક્યતા નહોતી. ચોપડા પૂજન માટે અૉફિસ ગયા ત્યારે આસ્થા પણ સાથે આવી હતી. પૂજા પૂરી થઈ ગઈ. બધા એકબીજાને તહેવારોની શુભેચ્છા આપીને છૂટા પડતા હતાં ત્યાં એક આશ્ચર્યજનક જાહેરાત કરતાં શેઠ બોલ્યા, "આપણને મુંબઈની એક મોટી કંપનીનું કામ મળ્યું છે. એની ખુશીમાં બોનસ પેટે એક પગાર અને મીઠાઈ કૅશીયર પાસેથી લઈને જજો." ખુશ ખુશાલ થઈને બધા છૂટા પડ્યા.

ઘરેથી નીકળતી વખતે બા એ કહ્યું હતું કે બોનસ મળે તો ઠાકોરજીને ચઢાવો અને મીઠાઈ ધરાવજે એ ભાલચંદ્રભાઈને યાદ આવ્યું. એ પ્રમાણે હવે પછીનો કાર્યક્રમ મનમાં એ ગોઠવતાં હતાં. ત્યાં આસ્થાએ પૂછ્યું,

"આ સીડી ક્યાંની છે પપ્પા?"

"એ અગાશીમાં જાય છે બેટા."

"હું ત્યાં જોવા જાઉં?"

પોતે પણ ઘણા સમયથી અગાશીમાં નહોતા ગયા.. વિચાર્યું એક આંટો મારી લઉં.

"હા, ચાલ હું પણ આવું છું."

અગાશીમાં જતાં જ ધ્યાન ગયું.. ટાંકીમાંથી વધારાનાં પાણીનાં નિકાલ માટેનો પાઈપ દિવાલ પાસેથી ખૂલી ગયો છે. જોવા માટે એ ત્યાં ગયા. પાઈપ માંથી કાંઈક અવાજ આવતો હતો. કાન લગાવીને સાંભળ્યું.. તો સંભળાયું.. "ગણપત દાદા.. અમારે પેંડા ખાવા સે.. અમને પેંડા દ્યો.." તરત જ નીચે જોયું એમણે.. બે બાળકો પાઈપમાં કાંઈક બોલતાં હતાં.. ખબર નહિં એમને શું થયું.. દીકરીને તેડીને દોટ મૂકી.. ઝડપથી પગથિયા ઉતરી ગયા.. બન્ને બાળકો કૂદતાં કૂદતાં પીરબાબાની દરગાહ પાસે પહોંચીને ફટાકડા જોવા લાગી ગયા હતાં.. એમને શું સૂઝ્યું કે તરત મીઠાઈની દુકાને જઈને ઘર માટે મીઠાઈ ખરીદી. સાથે બે પેકેટ મીઠાઈનાં ચઢાવા માટે લીધા.


પછી ત્યાંથી પીરબાબાની દરગાહ પાસે જઈને ધનજી, રાજી અને બાળકોને એક પેકેટ મીઠાઈ આપી.. ધનજીનાં ચહેરા પર ગદ્ગદ્ થયાનાં ભાવ, રાજીનાં ચહેરા પર મૌગ્ધ્ય અને આશ્ચર્ય નાં ભાવ અને બાળકોનાં ચહેરા પર નિર્ભેળ આનંદ જોઈને મનમાં આનંદ ઉછળતો હતો. એ આનંદનાં બે ટીપાં આંખમાંથી પણ વહી નીકળ્યાં. મેદાનમાં નગરશેઠનાં દીકરાઓ હજી આતશબાજી કરી રહ્યા હતાં. બાળકો મીઠાઈ ખાતાં ખાતાં એ આતશબાજી કૂદી કૂદીને માણી રહ્યા હતાં.. બધે જ ઉત્સવ છવાઈ રહ્યો હતો..



"હાર્દ" Remembers :

"જો આપણે એમાં ભાગ લઈને એને માણી નથી શકતા અને માત્ર જોઈને જ ખુશ થઈએ છીએ, તો એ આપણા માટે ઉત્સવ નથી... માત્ર મનોરંજન છે."

~ શાહબુદ્દીન રાઠોડ સાહેબ




હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 30/11/2016
e-mail id : haardhits@gmail.com




મગજની માલીકોર મોજ



મગજની માલીકોર મોજ
~હાર્દિક વ્યાસ


આજે મગજની માલીકોર 'મ્યૂઝ'ના બદલે 'મોજ' વસી ગઈ છે. એટલે આ 'હાર્દ' હિટીંગના બદલે ગલીપચી કરવાના મૂડમાં છે. અંકિત ચીંધ્યા માર્ગે આસપાસની ઘટનાઓ કે સમાચારને થોડાં અલગ અંદાજમાં જોઈને ગમ્મત કરવાની કોશિશ છે.

Drawing By Rudra Vyas


હમણા થોડા સમય પહેલાં સમાચારમાં વાંચ્યું હતું, કે ગુજરાત સરકાર ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી માટે વિચાર કરી રહી છે. આ સમાચાર વાંચતાં જ આ કાર્યમાં આવી શકતી અડચણો અને આ સેવા શરૂ થયા બાદનાં સંભવિત દ્રષ્યો વિશે મગજ ગોટે ચડ્યું. (સ્વાભાવિક છે કે મગજ ગોટે જ ચડ્યુ હશે.. વિચારે ચડ્યુ હોય, તો કોઈ વાસ્તવિક-પરિણામ લક્ષી લેખ સર્જાય... આ લેખનું લખાણ મગજ ગોટે ચડ્યું હોવાની સાબિતિ આપે છે.)

સુચના :
1. આ લેખની તમામ વિગત ફાઈનલ એક્ઝામમાં આન્સર શીટમાં લખેલાં જવાબો જેવી કાલ્પનિક છે. એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

2. ગુજરાત સરકાર અને સરકારના વિચારાધીન પગલાંનું અમે સન્માન કરીએ છીએ. આ લેખની વાતો માત્ર રમૂજનાં દ્રષ્ટિકોણથી લખેલી છે.

3. આ લેખનો ઉદ્દેશ્ય માત્ર ગમ્મત કરવાનો છે. લાગણી દુભાઈ જતી હોય એમણે પોતાની લાગણીનાં જોખમે વાંચવું. અમારી જવાબદારી રહેશે નહિં. શક્ય હોય તો દિમાગને લૉક & કીમાં રાખીને વાંચવું.

જ્યારે પહેલી વખત ઈન્ટ્રા સ્ટેટ એર કનેક્ટિવિટી વિશે વાંચ્યું, ત્યારે જ દિમાગમાં સવાલ થયો (થાય સવાલ ક્યારેક-ક્યારેક.. એમાં બહુ ચિંતા જેવું નથી.) કે આ યોજનામાં સરકારને કેટલી અડચણોનો સામનો કરવો પડે એમ છે અને એક વખત સેવા શરૂ થઈ જાય પછી કેવાં કેવાં દ્રશ્યો સર્જાઈ શકે છે...

સૌ પહેલાં તો ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. સરકારી એર કનેક્ટિવિટીની સામે અહીં પ્રાઈવેટ એર ટ્રાવેલ્સ શરૂ થાય, તો હરિફાઈ નડી શકે છે.. અમારે ભાવનગરમાં જ 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ' અને 'ગધેડિયા ટૂર્સ' નામની ખાનગી સેવાઓની વાત સંભળાય છે.

ગુજરાતનાં રસ્તાઓ પર (હા, ભાઈ હવામાં.. બસ ખુશ!!) વિમાન ઉડાડવાનું હોય, તો ડાઈવર (ડ્રાઈવર) અને કલીન્ડર (ક્લીનર અથવા મદદનીશ ડ્રાઈવર) ગુજરાતી જ રાખવા પડે અને એમને કન્ટ્રોલ કરવા માટે હવામાં ટ્રાફિક કન્ટ્રોલ પોઈંટ પણ મૂકવા પડે. માણસોનો પ્રશ્ન નથી. બહુ હવા હોય એવાં માણસો અહીં ઘણા મળશે, પમ્પ મારવાની જ જરૂર હોય છે. એટલા ઉંચે સિગ્નલ કેમ મૂકવા એ પ્રશ્ન છે.

અહીં ગુજરાતમાં 'માવો' વાદીઓનો બહુ ત્રાસ છે. એમને કોઈ પણ વાહનમાં મુસાફરી દરમિયાન બારી ખોલીને માવાની પીચકારી મારવી હોય છે. એ માટે સરકારે કોઈ વ્યવસ્થા કરવી પડશે.

AC નહિં હોય તો ચાલશે પણ અહીંની પ્રજાને વિમાન વિડીયો વાળા જોઈશે.

હવે થોડા દ્રષ્યો જોઈ લઈએ...


1. સ્થળ : ભાવનગર

પતિ : આપણે અમદાવાદ જવાનું છે ને.. હું 'જય ખોડિયાર એર ટ્રાવેલ્સ'ની ટિકિટ લઈ આવ્યો.
પત્ની : કેટલું ભાડું છે?
પતિ : 350 રૂપિયા
પત્ની : ગધેડિયા ટૂર્સ વાળા 300 રૂપિયામાં લઈ જાય છે.
પતિ : જય ખોડિયારનાં વિમાન AC હોય છે. 50 રૂપિયા વધારે અપાય AC મળતું હોય તો.

2. સ્થળ : તમને ઠીક લાગે એ..

ભગો : ગધેડિયા ટૂર્સની ટિકિટ લે જે.
ગગો : કેમ? જય ખોડિયારનાં વિમાન AC હોય છે.
ભગો : એ માવો થૂંકવા માટે બારી ખોલવા નથી દેતા..

3. સ્થળ : રસ્તાની એક હોટલ

GJ 2 ભાઈ 1 : હવ .. ગધેડિયાનોં વિમોનમોં આવ્વુ જ નહિં.
GJ 2 ભાઈ 2 : ચ્યમ લ્યા?
GJ 2 ભાઈ 1 : ચ્યવી હોટલમોં પ્લેન રાખ્યુ શ? ઈ ની બુન ન.. ચ્હા શ ક પોણી એ નહિ હમજોતું..
(GJ 2 = મહેસાણા)

4. સ્થળ : સુરત અને ભરૂચની વચ્ચે

સુરતી પેસેન્જર : બેન@#.. મેં જોઉં છું.. કલ્લાકથી એમ જ ઊભલો છે. ટો ટને કેઉં કે ટુ વિમાન ચલાવટો છે કે બડડગાડું.. હેં.. @#$%
સુરતી ડ્રાઈવર : બેહી રે ની છાનોમાનો @#$%... જોટો નઠી.. નર્મડાનો ટ્રાફિક જામ છે... @#$


"હાર્દ" ટીખળ :

ડ્રાઈવર વિમાનમાં પમ્પથી હવા ભરતો હતો..

કન્ડક્ટર : કેમ હવા ભરો છો? આ વિમાન છે.. હવા ભરવાથી ન ચાલે..
ડ્રાઈવર : અરે.. હવા ભરવાથી ભલભલા માણસ ચાલે છે.. આ તો મશીન છે.. ચાલે જ.. 110% ચાલે..



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 22/09/2016
e-mail id : haardhits@gmail.com


FRIENDS


FRIENDS
~હાર્દિક વ્યાસ

FRIENDS


"The definition of friend is someone who is on your side. An example of a friend is an ally in a protest. Friend is defined as a person that you are fond of, with whom you talk or spend time. An example of a friend is the person you have known a long time and trust."
~ www.yourdictionary.com

"A friend is a person who you like and enjoy being with."
~merriam-webster

"A friend is a favored companion."
~merriam-webster

"A friend is a person attached to another by feelings of affection or personal regard."
~www.dictionary.com

"A friend in need is a friend indeed."
~English Proverb


આ ઉપરાંત

"મિત્ર ઐસા કીજીયે જૈસે સિર કો બાલ,
કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ."
.
"મિત્ર ઐસા કીજીએ ઢાલ સરીખા હોય,
દુઃખ વખતે આગળ રહે 'ને સુખમાં પાછળ હોય."
.
"તાળી મિત્ર સો મળે, શેરી મિત્ર અનેક;
જે પર સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક."


આવી અનેક વ્યાખ્યાઓ દોસ્તો વિશે અલગ અલગ ભાષાઓમાં અને ડિક્શનરીઓમાં છે. પણ મને ઘણી વખત એવું લાગે છે, કે દોસ્ત અને દોસ્તીની વ્યાખ્યા આટલી ન હોઈ શકે. બીજા શબ્દોમાં કહું, તો ગમે એટલી વ્યાખ્યાઓ આપીએ દોસ્તો અને દોસ્તીને સમજાવવામાં અધૂરી જ લાગે. પરંતુ સરળતાથી જોઈએ તો દોસ્તીને કોઈ વ્યાખ્યાની જરૂર જ નથી.

કોઈ સંબંધ હોય તો એની વ્યાખ્યા હોય પણ દોસ્તી એ કોઈ સંબંધ નથી. કોઈ સંબંધમાં પણ દોસ્તી હોઈ શકે અને કોઈ સંબંધ વગર પણ દોસ્તી હોઈ શકે.

હકીકતમાં
"Friendship is a relationship status between two or more persons."

કોઈ પણ સંબંધ જન્મથી હોય છે અથવા કોઈ લાગણીથી બંધાયેલો હોય છે. પણ એમાં કોઈ બંધન હોય છે એટલે જ એને સંબંધ કહ્યો હશે કદાચ. પરંતુ દોસ્તીમાં કોઈ બંધન નથી આવતું. એમાં આવે છે સ્વીકાર, સુમેળ અને નિખાલસતા. એમાં હાથ મિલાવવાં કરતાં ખુલ્લા હાથની તાલી વધું મહત્વની છે. કોઈ પણ સંબંધ.. એ જન્મનો હોય કે લાગણીનો કે પછી જુનૂનનો.. એ બંધાઈ ગયા પછી એ કેટલો લાંબો સમય ટકે છે એનો આધાર વ્યક્તિઓ વચ્ચેની સમજણ પર છે. અને એ સમજણ એટલે દોસ્તી. એ સમજણમાં મસ્તી, મજાક, લાફ્ટર, ક્રાય, કેયર, એન્ગર એટસેટ્રા એટસેટ્રા બધુ શેયરીંગ આવી જાય.

આપણે કોઈ મુસીબતમાં હોઈએ, કોઈ આનંદદાયક ઘટના ઘટી હોય, કોઈ સ્પેશીયલ અચીવમેન્ટ હાંસિલ કર્યું હોય, ભીડમાં પણ એકલતા સતાવતી હોય અથવા મનગમતું એકાંત હોય અને ઘણી બધી વાતો શેયર કરવા જેવી હોય... ત્યારે જે નામ આપણા જેહનમાં આવે એ દોસ્ત.. એ એક પણ હોય અને અનેક પણ.. અને પ્રસંગે પ્રસંગે અલગ અલગ પણ હોય...

પરંતુ એ હકીકત છે કે એમની હાજરી માત્રથી મુસીબત (એટલીસ્ટ આપણા મનમાંથી) ગાયબ થઈ જાય છે, આનંદ અનેક ગણો થઈ જાય છે, અચીવમેન્ટની ફીલીંગનો ગ્રાફ સીધો ચઢે છે, આપણે મૌન રહીને પણ અનેક વાતો શેયર કરી લઈએ, અને એ સદેહે નહોય અને એમની સ્મૃતિ ટકોરા મારે ત્યાં એકલતાં આમ-ચપટી વગાડતાંમાં ગાયબ થઈ જાય છે.

દોસ્તો નાના બાળકનાં કપાળ પરનાં કાળા ટપકા જેવા હોય છે. કોઈ અનિષ્ટ દોસ્તોની હાજરીમાં આપણને પરેશાન કરી નહિં શકે. અને કદાચ એ પરેશાન કરે તો પણ એ પરેશાની દોસ્તો વચ્ચે વહેંચાઇ જશે.

જ્યારે સમય તમાચા મારીને આપણો ગાલ લાલ રાખતો હશે, ત્યારે દોસ્તો એને ગલીપચી કરીને ગુલાબી બનાવતા હશે. ખરાબ સમય ચૂસી ચૂસીને ફિક્કા પાડતો હશે, ત્યારે એ જ દોસ્તો (તમાચા મારીને પણ) લાલી આપતા હશે. મુસીબતોનાં પહાડ તો શું.. પર્વતમાળાઓ આવી ચડી હોય, ત્યારે દોસ્તોને પૂછીએ, કે હવે શું કરવું.. તો સાલાઓ કહેશે, "પહાડ આવી ચડ્યા હોય, તો ચાલો સાથે મળીને ટ્રેકિંગ કરીએ."

જ્યારે બંને બાજુ થી પીસાઈને પરિસ્થિતિ સેન્ડવીચ જેવી થઇ હોય ત્યારે એ બદમાશો એની ઉપર ખાટો-મીઠો ટોમેટો સોસ અને સ્પાઈસી ચીલી સોસ લગાવીને કહેશે.. "લેટ્સ એન્જોય.."

અને જો ક્યારેય હતાશ થઇ જઈએ, જીંદગી પ્રત્યે સંપૂર્ણ નીરસ બની જઈએ.. ત્યારે એ દોસ્તો કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું.. એમ જ્ઞાન આપશે પરંતુ શુધ્ધ સુરતી સંસ્કૃતમાં...

દોસ્તો બહુ કાબેલ ચોર હોય છે. 'નીંદ ચુરાયી અને ચૈન લૂટ લિયા' ટાઈપનાં ચોર નહિં. બધાની નજર સામે આપણી લોન્લીનેસ.. આપણી હતાશા.. ચોરીને લઈ જશે અને કોઈને ખબર પણ નહિં પડે.

આપણી પરિસ્થિતિ વગર કહ્યે પારખી લેવાની તાકાત દોસ્તોમાં હોય છે. અને એ પરિસ્થિતિને અનુરૂપ ખભે ધબ્બો મારવો કે ખભો ધરવો(રડવા માટે), ગળે પડવું કે ગળે મળવું(ભેટવું) એ દોસ્તો વગર કહ્યે સમજી જતાં હોય છે. વખત આવ્યે જીવ દાવ પર લગાવે અને આપણો વખત આવ્યે જીવ લગાવીને દાવ કરે.

કેટલું પણ લખીશું દોસ્તો માટે.. એ અધૂરુ જ લાગશે. પણ સૌથી મહત્વની વાત એ કે દોસ્ત વગરનું જીવન એ સુગંધ વગરનાં સુંદર ફૂલ જેવું છે. સારુ દેખાય ખરું પણ અનુભવાય નહિં. ક્યારેક ત્રાસદાયક લાગે તો પણ અનિવાર્ય અનિષ્ટની જેમ એમને સ્વીકાર્યે જ છૂટકો.



હાર્દ ક્વોટ :

"દોસ્તીનો સંબંધ બાંધવા કરતાં સંબંધમાં દોસ્તી જાળવી રાખવી વધુ જરૂરી છે."



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 07/08/2016
e-mail id : haardhits@gmail.com


સમાજ

સમાજ
~હાર્દિક વ્યાસ

સમાજ : News Courtesy : The Indian Express



Everyday she writes in a midday meal diary, 'No one ate today.'

રાધામ્મા દરરોજ શાળાએ આવે છે, ભોજન બનાવે છે.. અને રીસેસ પછી ડાયરી (જે એણે દરરોજ મેઈન્ટેઈન કરવાની હોય છે) કાઢીને એમાં આ ચાર શબ્દ લખે છે, 'No one ate today.'

6 Nov, 2015નાં 'The Indian Express'માં આ ટાઇટલ સાથે સમાચાર છપાયા હતાં. વિગત એવી છે, કે કર્ણાટકનાં કોલાર (સોનાની ખાણો માટે પ્રખ્યાત છે એ જ કોલાર) જીલ્લાના કાગ્ગનહાલી (Kagganhalli-ઉચ્ચાર અલગ હોઈ શકે છે) ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાધામ્માની નિમણુંક રસોઈ કરવા માટે થઈ ત્યાર પછી 100 બાળકો સ્કૂલ છોડીને ગયા છે અને બાકીનાં બાળકો મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પીરસાતું ભોજન નથી સ્વીકારતાં. કારણ? કારણ કે રાધામ્મા દલિત છે.

આ સમાજ માટે એક સંકેત નથી. એક અલાર્મ છે. કેમ કે આ શાળા પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાનાં બાળકોની ઉમર વર્ગ ભેદ સમજી શકે એવી નથી હોતી. વાલીઓ-વડીલો અને શિક્ષકોની નિષ્ક્રિયતા દર્શાવે છે. અને આ સ્થિતિ દેશની એક શાળા કે સંસ્થાની નથી. ઘણી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે.

આઝાદીને 70 વર્ષ પૂરા થશે અને હજી પણ અહીં જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ણ વગેરે રાજનીતિક મુદ્દા છે. વર્ણ વ્યવસ્થા જ્યારે સ્થપાઈ હતી ત્યારે એની જરૂર હતી કે નહિં.. ત્યારે એ ક્યા સ્વરૂપમાં હતી.. એ બધી ચર્ચામાં નથી પડવું,  કારણ કે ત્યારે હું હાજર-હયાત ન્હોતો. પણ અત્યારે વર્ણ વ્યવસ્થા અલગ સમુદાયો વચ્ચે દિવાલ બની રહી છે. એ સમાજ વ્યવસ્થા માટે રેડ સિગ્નલ છે.

વર્ણ વ્યવસ્થાનાં ચાર વર્ણો ઉપરાંત અમુક જગ્યાએ તો આપણે શૂદ્ર, દલિત અને મહા દલિત એવા નવાં વર્ણભેદની શોધ કરી છે. હકીકત એ છે કે યુનિટિનાં નામે દંભી એકતા બતાવતો આપણો સમાજ અંદરથી ખોખલો છે.

બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, વેપારી સમાજ, દલિત સમાજ, ભદ્ર સમાજ, લઘુમતી સમાજ વગેરે અલગ અલગ સમાજનાં ઉધ્ધાર કરવાનાં ભવ્ય પુરુષાર્થમાં 'સમાજ'નો ઉધ્ધાર ખાડે જઈને અટક્યો છે. ખરેખર તો અટક્યો નથી.. હજુ પણ વધુ નીચે જઈ રહ્યો છે.

કહેવાતો ભદ્ર વર્ગ 'અમારે એવું કાંઈ નહિં', 'અમે તો એમને અમારા ઘરે જમવા પણ બોલાવીએ', 'અૉફિસમાં ટિફિન સાથે જ ખાઈએ'.. આવું બધુ છાતી ફુલાવીને કહે છે. આ ગર્વથી કહેવાની વાત નથી, સાહજીકતા સાથે દરેક સમયે અને સ્થળે સંપૂર્ણ સ્વીકાર કરી શકશો? સ્વીકાર એટલે રોટીથી લઈને બેટી સુધી સ્વીકાર. આ માત્ર કહીને જાહેર કરવાનું નથી.. દરેક સ્થળ પ્રસંગે વર્તનમાં લાવવાની જરૂર છે અને જાહેર જીવનમાં સંપૂર્ણ સ્વીકારનો સંદેશ સમગ્ર સમાજને જાય એ જરૂરી છે.

આ બધા માટે સમાજનો કહેવાતો ભદ્ર વર્ગ માત્ર જવાબદાર છે એવું નથી. માત્ર અને માત્ર દલિતોનાં હિત માટે કાર્ય કરતી સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ પણ એટલી જ જવાબદાર છે. નહિંતર આટલાં વર્ષો પછી પણ એક વર્ગ વિશેષ દલિત ગણાય અને એ વર્ગનાં નેતાઓ પણ એ વર્ગને દલિત કહેવડાવે એ જ એમની દાનતની ચાડી ખાય છે. જો દલિતોની સ્થિતિ સુધરી જાય અથવા દેશમાંથી કોઈ વર્ગ વિશેષ દલિત કહેવાતો બંધ થઈ જાય, તો એ સંસ્થાઓ અને નેતાઓને કોણ પૂછે? આમાં ગુમાવવાનું રાજકીય કે સામાજીક નેતાઓને નથી આવતું સમાજને આવે છે. આટલાં વર્ષોમાં એ નેતાઓએ હરિજન, વાલ્મિકી સમાજ, દલિત વગેરે અલગ નામ-કરણ અને આંદોલનો સિવાય સમાજ માટે વિશેષ શું કર્યું એ સંશોધનનો વિષય છે.

હજી પણ સમય છે... સમય પારખીને એક સમાજ બનીને નહિં રહી શકીએ તો સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાશે.. વહેંચાઈ રહ્યો જ છે. વર્ગ ભેદ કરાવનારાઓનાં તો રોટલા એની ઉપર નભે છે એટલે એ કરશે. આપણે સાચું સમજીને એક સમાજ તરીકે રહેવાની જરૂર છે. પરિસ્થિતિ એટલી ગૂંચવાયેલી છે કે આ સહેલું નથી લાગતું. પણ ક્યાંક તો શરૂ કરવાનું છે કે નહિં. સમાજને તૂટવા નહિં દેવાનો રસ્તો એક જ છે. વિભાજન વાદીઓને ઓળખીને એમના ઈરાદા પાર ન આવવા દેવા. અને સમાંતરે સાચા અને સમાજ ઉપયોગી શિક્ષણને સ્વીકારી એનો તમામ વર્ગમાં પ્રસાર કરવો. શિક્ષણમાં 'સમાજ વિદ્યા' કે 'સામાજીક વિજ્ઞાન'નાં બદલે 'સમાજ નવરચના' પ્રેક્ટીકલ શીખવવું ફરજીયાત કરવું જોઈએ. બાળકોને વર્ગ અને વર્ણનાં શિક્ષણથી દૂર જ રાખવા જોઈએ.

અત્યારે આટલું જ કહીશ. તાજેતરની ઘટનાઓ વિષે એટલું બધું લખાઈ રહ્યું છે કે એ વિષે હું વધું નહિં કહું. માત્ર તમામ વર્ગને સમજપૂર્વકનાં વર્તનની અપીલ કરીશ.

અસ્તુ.

હાર્દ ક્વોટ :

"We are united only to keep some one lonely."



હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 24/07/2016
e-mail id : haardhits@gmail.com






First Step- પહેલું કદમ

First Step : પહેલું કદમ
~ હાર્દિક વ્યાસ



" , જો તો!"
"શું છે? મારે રોટલી બળે છે"
"ભલે બળતી, જો ગુડ્ડુ બે પગે ડગમગ ચાલે છે.."

અને આટલું સાંભળતાં મમ્મી રોટલી બળતી મુકી ને લોટ વાળા હાથે વાળની લટ સરખી કરતી દોડી... એનાં ગુડ્ડુને ડગમગ ચાલતો જોવા માટે... ફર્સ્ટ સ્ટેપ હતું ને ગુડ્ડુનું!!..


પહેલું કદમ : Image Courtesy : friskybaby.com


ફર્સ્ટ સ્ટેપ... પહેલું કદમ.. 
કાર્લ લુઇસ ભલે ચિત્તાને હરાવનાર દોડવીર તરીકે પ્રખ્યાત હોય... ઉસૈન બોલ્ટ હાલનાં ફાસ્ટેસ્ટ રનર તરીકે જાણીતો હોય... બન્નેનાં પહેલાં કદમ આવા 'ડગમગ' હોવાનાં.. છતાં પણ મહત્વનાં છે, કારણ કે શરૂઆત છે. અને શરૂઆત થયા પછી બાળકનાં બે પગ એકબીજા સાથે રેસ લગાવે છે, એકબીજા કરતાં આગળ નીકળવા મથે છે. અને સફર શરૂ થાય છે.

પહેલું કદમ, પહેલો શબ્દ... શાળાનો પહેલો દિવસ, એકડે એક, '' કલમ નો '', A for Apple...... કોલેજનો પહેલો દિવસ, પહેલી ડીગ્રી, નોકરીનો પહેલો દિવસ, પહેલો પગાર... પહેલી નજર, પહેલો પ્યાર, પહેલી મુલાકાત... પહેલું સાહસ, પહેલી કોમ્પીટીશન, પહેલો નંબર... લિસ્ટ એન્ડલેસ છે. પરંતું એમાં કૉમન છે 'પહેલું- ફર્સ્ટ'...

'પહેલું' જ્યારે મુલ્યાંકન તરીકે હોય છે, ત્યારે એક નંબર માત્ર હોય છે. પરંતું જ્યારે પહેલ (કદાચ 'પહેલ' પરથી પહેલું શબ્દ આવ્યો હશે) તરીકે હોય છે, ત્યારે શરૂઆત હોય છે. કોઈ ઘટનાની, કોઈ કાર્યની... અને પહેલ, શરૂઆત જે-તે ઘટના માટે બહુ મહત્વની વાત છે.

ચીની ફિલસૂફ લાઓત્ઝે કહે છે : "JOURNEY OF A THOUSAND MILE BEGINS WITH A SMALL STEP." હજાર માઈલની સફર એક નાનકડાં પગલાંથી શરૂ થાય છે.

કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે શું જરૂરી છે?.. 
1. ડેટા કલેક્શન-જે કાર્ય કરવાનું છે વિશેની માહિતી એકઠી કરવી
2. એનાલિસિસ- માહિતીનું પૃથક્કરણ
3. પ્લાનીંગ-આયોજન અને 
4. સ્કીલ ફુલ એક્ઝીક્યુશન-આવડત સાથેનો અમલ... 

ચાર સિવાયની અને સૌથી મહત્વની જરૂરિયાત છે ડિઝાયર-તીવ્ર ઈચ્છા અને કોન્ફિડેન્ટ બિગિનીંગ-આત્મ વિશ્વાસથી ભરપૂર શરૂઆત.

પેલું કહે છે ને... જો તમારે જીંદગીમાં આગળ વધવું હોય, તો વધાય એમાં કાંઈ વાંધો નહિં... માત્ર ફની મેસેજ નથી. મતલબ છે કે, આગળ વધવું હોય તો વધવા માંડો. રાહ શાની જુઓ છો?

આરંભ થઈ ગયો છે. કાફલો આગળ વધશે . અને કાફલાની મંઝિલ નથી, સતત આગળ વધતાં રહેવું લક્ષ્ય છે.

જો કે ગુજરાતીમાં બીજો એક રૂઢિપ્રયોગ છે.. "આરંભે શૂરા"... પણ એનાં વિશે પછી ક્યારેક... અત્યારે તો..

"કાંઈ અસંભવ નથી નિશ્ચય કર્યાં પછી.
જો એવરેસ્ટ સર કર્યો, પગલું ભર્યાં પછી."
~હાર્દ~


હાર્દ હિટ્સ : હાર્દિક વ્યાસ - Date : 09/06/2016
e-mail id : haardhits@gmail.com