Showing posts with label પ્રેમ. Show all posts
Showing posts with label પ્રેમ. Show all posts

He Recalls...


 HE RECALLS

by Farzana Sivani




22/01/17
Sunday.

 
સના,

સૌથી પહેલાં તો તું મને એ કહે કે શા માટે તારે એ સમયને યાદ કરવો છે ફરીથી ?? શા માટે એ સમયની પરીસ્થિતિને તારે ફરીથી અનુભવવી છે? હા, હતો એ સમય કસોટીનો... કસોટી ધીરજની, વિશ્વાસની, તારી ને મારી અંદર રોપાયેલાં લાગણીના એ ફણગાની જેનું દુનિયા કે સમાજ્ માટે કોઇ અસ્તિત્ ન્હોતું, નથી !!
હું ઘૂંટાયા કરતો કે હું તને એ કશું ક્યારેય નહીં આપી શકું જે એક સ્ત્રી તરીકે તારો હક છે અને તું હંમેશા મને કહ્યાં કરતી કે "તું જે મને આપી રહ્યો છે એ ય બહુ ઓછા પુરુષો આપી શકતાં હોય છે એમની મનગમતી સ્ત્રીને " ..

હા,એ સાચું કે તારો ને મારો આ સ્નેહસંબંધ અત્યાર સુધી અકબંધ રહ્યો એમાં મારો મોટો ફાળો છે પણ તેં એ બધું જીવ્યું છે જે મેં તને આપ્યું અથવા તો જે હું તને નથી આપી શક્યો.. હા, મારા માટે ય બિલ્કુલ આસાન તો ન્હોતું જ કેમ્કે મારી પોતાની જવાબદારીઓ  ઊપરાંત ની આ લાગણી છે ... તું મચ્યૉર ખરી પણ આખરે તો એક સ્ત્રી જ છો, તારું મન એ તને સવાલો કરતું અને ઘણીવાર તો એક ના એક સવાલો અલગ અલગ રીતે આવીને તારી સામે તાંડવ કરતાં અને તું દોડીને મારી પાસે આવતી કે આમ થશે તો ? આમ નહીં થાય તો ? અને હું તને મારી સમજશક્તિ મુજબ સમજાવતો , કેમ કે ભવિષ્યમાં આગળ શું આવવાનું હતું તારા ને મારા માટે એ તો માત્ર ઉપરવાળો જ જાણતો હતો .. મને બસ એટલી ખબર હતી કે કોઇ પણ જાતનાં પ્રેશર કે ટૅન્શનમાં તારું ભોળપણ, તારું અલ્લ્ડપણું તું ગમાવી ના બેસે બસ .. તારી અંદરનું બાળપણ , જીદ્દ ,રીસ બસ આ બધું મારે ન્હોતાં ગુમાવવાં કેમ કે એ જ તો છે બધું જે સનાને "મારી સના" બનાવે છે !!

અને હું બિલ્કુલ ખોટ્ટું એ નહીં બોલું .. હા, ક્યારેક અક્ડાઇ એ જતો કે કેમ તું આટલી સંદેહમાં છો , કેમ તારું મન આટલું વ્યાકુળ રહે છે ? કેમ તું આટલાં બધાં વિચારો કરી કરીને ખુદ ને દુઃખી કરે છે અને મને ય !! પણ મને બહુ થોડા સમયમાં જ સમજાઇ ગયું હતું કે દરેક ઇન્સાનને સ્વભાવગત નબળાઇઓ હોય, અને દરેક ઇન્સાન કોઇ ને કોઇ રીતે અધૂરો છે અધૂરો રહેવાનો છે અને આપણે બંને એ એકબીજાની એ જ અદૂરપ તો પુરવાની છે, કદાચ તું સદા આવાં સવાલો કરતી રહે એવું એ બને પણ તું મને સદાય પ્રેમ કરવાની છે એવું એ છે જ ને !!! બકા, બસ એ પછી બહું સહેલું બની ગયું હતું મારા માટે તને તારા કપરાં સંજોગોમાં સંભાળવવી !! હા, તારો ગુસ્સો !!  એટલે જાણે વિસ્ફૉટ !! એક જોરદાર ધમાકો , બધું જ તહેસનહેસ, વેરવિખેર, અંગાર અને છેલ્લે બચે રાખ !! પણ , હા પણ, એ રાખમાંથી તેં ફરી ફરીને ચણ્યો એ સંબંધ .. !! 

એમ ના સમજતી હોં કે હું તારી જ નબળાઇઓ વિશે લખી રહ્યો છું કે તારા જ દોષ ગણાવી રહ્યો છું ...મારામાં એ ઘણી ખામીઓ છે અને તેં મને સહર્ષ એ ખામીઓ સાથે કાયમ સ્વીકાર્યો છે , ઊલ્ટાનું એ ખામીઓને લીધે જ્યારે જ્યારે મને ખુદ પર જ અકળામણ થઇ છે તેં મને એ ખામીઓમાં જ મારું પોતાપણું દેખાડ્યું છે!!

દરેક સામાન્ય કપલની જેમ આપણે ય ઝઘડતાં, બોલતાં , સંભળાવતાં પણ મને બરાબર ખ્યાલ છે કે દલીલો, સવાલો, જવાબો આ બધાંમાં જ્યારે મારો ગુસ્સો પ્રવેશતો ત્યારે તું અચાનક શાંત થઇ જતી , ભલે મારો ગુસ્સો એ રૅરલી બનતી ઘટના છે પણ એ સમય દરમિયાન ખબર નહીં તું એક્દમ સૌમ્ય થઇ જાય છે અને ક્યારેય મારા ગુસ્સા સામે ગુસ્સો નથી કરતી , બોલ, આનાથી રૂડું તો શું જોઇએ મારે ?? હાહાહાહાહાહા ....

સના, સના, સના શું કહું તને કે માત્ર મેં જ તને સંભાળી છે એવું નથી , તેં ય મને મારા કપરા સંજોગોમાં એટલાં જ વ્હાલથી થામી  લીધો છે ... અને રહી આપણાં આ સંબંધની, તો મેં હંમેશા એ જ ઇચ્છ્યું કે તું  quit ન કરે, હું  quit  ના કરું કેમકે એમાં તો તારીમારી લાગણીની હાર છે ... અને તે ક્યારેય quit  ના કર્યું , ના મને કરવાં દિધો ...


બોલ, હજુ શું જાણવાની/વાંચવાની ઇચ્છા છે તને ? મારા સ્વભાવ વિરૂધ્ધ આટલું બધું લખ્યું   મેં એ તો તું સમજી જ ગઇ હોઇશ.. અને હા, તું સાચી છો કે આ અનુભૂતિ એ સરસ છે , તારી જેમ જ !!

ફરી લખજે,
તારી યાદો એ જ મારા જીવનનું સરવૈયું..
love you !




22/01/17
"with love , from Me"
by Farzana Sivani
farzanasivaniblogpost@gmail.com

she Recalls ...



 She Recalls

by Farzana Sivani










24/11/2016
Thursday

 અંગદ,

ઘણાં દિવસે આ પત્ર લખી રહી છું ...  આજકાલ કશું જાણે અસર જ નથી કરતું કે પછી જાણે નાની નાની વાતોએ અસર કરે છે !! વાતો, વિચારો અને યાદો ભરડો લે છે અને યાદ આવી જાય છે એ દિવસો જે ભાવનાત્મક રીતે તારી ને મારી માટે સંઘર્ષના દિવસો હતાં... એકબીજાના સાથ અને લાગણીના ભરોસે આપણે જીંદગીનો સૌથી મોટો જુગાર ખેલી નાખ્યો હતો અને આજે જોઇએ તો એ જુગાર આપણે અત્યાર સુધી તો હજુ જીતેલાં જ છીએ ...

યાદ આવે એ દિવસો જ્યારે તું માત્ર એક દોસ્ત હતો અને હું એક અટવાયેલી, મૂંઝાયેલી, દિશાહીન સ્ત્રી !!!  તારા માટે કોઇની આંખોના આંસુ એટલે જાણે મનનો મૂંઝારો !! મને હેરાન થતી , પરેશાન થતી જોઇને અચાનક જ તું દોસ્તમાંથી ખાસ દોસ્ત બની ગયો હતો ... બંનેની લાઇફમાં ખાલી જગ્યાઓની પૂર્તિ અનાયાસે જ આપણે ભરી દીધી હતી, કોઇ કારણ વગર, કોઇ ઇરાદાઓ વગર, કોઇ આશાઓ કે અપેક્ષાઓ વગર, ઝાઝું બધું વિચાર્યાં વગર, દુનિયા-સમાજ-પરિવાર આ બધું ગૌણ બની ગયું હતું જાણે એ સમય દરમિયાન !! એક જ વાત યાદ હતી, યાદ છે, ખુશ રાખવાં છે એકબીજાને, ખુશ રહેવું છે!! કોઇ બંધનો વગર, કોઇ શરતો વગર બસ ફીદા થઇ જવું એક્બીજા માટે આ માત્ર સંજોગ કે નિર્ણય નહીં, તારી ને મારી નિયતિ બની ગઇ હતી અને આપણે બંને એ આપણી નિયતિ સ્વીકારી અને નિયતિએ જે ભાગ ભજવવાં માટે આપ્યાં, આપણે એ ભાગ પુરી ઇમાનદારીથી ભજવ્યાં !!

સહેલું ન્હોતું કશું !! ના તારા માટે ના મારા માટે !! કેમકે એક એવી પરિસ્થિતિ નિર્માઇ હતી કે જેમાં તારે અને મારે સદા માટે એકબીજાના થઇને રહેવાનું હતું કોઇ પણ જાતની સામાજિક સ્વીકૃતિ વગર .. તારે ને મારે સદા માટે એક્બીજાથી દૂર થઇ જવાનું હતું અને છતાં સતત જોડાયેલાં રહેવાનું હતું .. તારે ને મારે સદા માટે આ બધું સ્વીકારી લેવાનું હતું કોઇ પણ જાતની શંકાઓ, ધારણાઓ કે સવાલો વગર !!
 
સવાલ એક્બીજાને બસ એક જ પુછવાનો હતો , " શું મહત્વનું છે આપણા માટે ?? એકબીજાને બધું જ આપી શકીએ અથવા કશું જ ના આપી શકીએ એ કે પછી બંને એકબીજા માટે જે અનુભવીએ છીએ એ ??" અને આ સવાલ એક્બીજાને પુછ્યાં વગર જ આપણે એનો જવાબ આપતાં થઇ ગયાં હતાં, એકબીજાના એકબીજા તરફના વર્તન અને વ્યવ્હારમાં !! એ કદાચ પરાકાષ્ઠા હતી આપણાં એકબીજા પરના ભરોસાની !! અને એ ભરોસો ઉત્તરોતર વધુ ને વધુ મજબુત થયો છે  એનો સદા ગર્વ રહ્યો છે અને રહેશે !!

થોડા દિવસોથી આ બધું અમસ્તાં જ યાદ આવી રહ્યું છે.. એક લાંબો સમયગાળો આપણે સાથે વિતાવ્યો છે હવે એમ કહી શકાય, અને આ સમય દરમિયાન જીવનનાં અને તારા ને મારા સંબંધનાં કેટકેટલાંય ચડાવ-ઉતાર આપણે પસાર કર્યાં... તારી જીંદગી, તારી સમાજીક જવાબદારીઓ, તાર પોતાના સંબંધો અને હું , સાચું કહું તો આ બધાંમાં જો તાલમેલ બેઠો અને આટલાં વર્ષો સુધી સફળતાપુર્વક ટકી રહ્યોં એનો મોટાભાગનો શ્રેય તને જ જાય છે !!
આહ , ના ચીડાતો કે કેમ અત્યારે આ બધું યાદ કરી રહી છું .. બસ અચાનક જ એ ક્ષણો ફરીથી જીવી લેવાનું મન થઇ રહ્યું છે ,,, શું તને પણ આવું થાય છે ક્યારેય ?? થતું હશે, પણ તારી આદત મુજબ તું ચૂપ જ રહેતો હોઇશ ,,, હુહ !!
મને ગમશે આપણો ઈતિહાસ વાંચવો તારા શબ્દોમાં..

શિયાળાની સવારોએ ટૂંકી હોય છે , મોડું થઇ રહ્યું છે ..
ચલ , આવી હમણાં..
તારી સનાની યાદ !!


24/11/2016
"With Love, from Me."
by Farzana Sivani
farzanasivaniblogpost@gmial.com

લાગણી નો પ્રવાહ

લાગણી નો પ્રવાહ ~ગીરા  પાઠક 
काश तक़दीर भी होती जुल्फ की तरह,

जब जब बिखरती, तब तब सवार लेते........


લાગણી નો પ્રવાહ


સપનાં એવા જ જોવા જોઈએ જે પુરા થઇ શકે”... કવિત બોલ્યો

ઓહ એવું કેવી રીતે થઇ શકે? સપના જોતા પેહલા થોડી ખબર હોઈ કે પુરા થશે કે નહિ અને પુરા થઇ શકે એવા જ સપના જોવા તે આપણા હાથ માં નથી ને !!!! મનસ્વી બોલી

બંને વચ્ચે ઘણા સમય થી દલીલ થતી પણ તેમાં વાત ત્યાં જ આવી ને છોડી દેવી પડતી!!...ક્યારેક મનસ્વી રડી લેતી...તેનું સારું લાગતું કવિત પાસે હોઈ તો રડવાનું, બાકી તે તેની જીદગીમાં રડી પણ નહોતી શકતી...મનસ્વી ને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે તેના અને કવિતના સુખ અલગ અલગ છે.... તેના માટે સુખ ની વ્યાખ્યા કવિત પુરતી જ સીમિત હતી...જયારે કવિત માટે સુખ ની વ્યાખ્યા !!!!! તે સમજી તો શકતી હતી પણ સ્વીકારી નહોતી શકતી...તેની માટે અઘરું હતું...

“તું નહી જા ને કવિત.... હું એકલી થઇ જઈશ...શું કરીશ તારી વગર ?” મનસ્વી બોલી

કવિત કાઈ બોલ્યો નહિ. મનમાં તો તેને પણ નહોતું ગમતું.

“કવિત, તું જેમ કહીશ તેમ હું રહીશ બસ.... ગુસ્સો બિલકુલ નહિ કરું અને જગડીશ પણ નહિ” મનસ્વી ને પોતાનું જ કહેલું વાક્ય ખોખલું લાગવા લાગ્યું. તે જાણતી હતી કે કવિત જવાનો જ છે. પણ તે સમજી નહોતી શકતી કે કેવી રીતે તેને રોકી લે...શું કરે કે જેથી કવિત રોકાઈ જાય. જોકે તે સમજાતી પણ હતી કે તેનું જવું કેટલું જરૂરી છે...!!

કવિત ક્યારેય તેની સાથે ખોટું નહોતું બોલ્યો, તે પાલનપુર જોબ માટે આવ્યો હતો..તેની બદલી થઇ હતી. તેના વતનમાં તેની પત્ની અને તેનો દીકરો રેહતા હતા. તેણે મનસ્વી ને પેહલા જ દિવસે કહી દીધું હતું.. મનસ્વી પણ જાણતી હતી. તે સમજતી પણ હતી. તે ક્યારેય નહોતી ઈચ્છતી કે તે કવિત અને તેની પત્ની ની વચ્ચે આવે...પણ જાણે અજાણ્યે તે વચ્ચે તો હતી જ...કવિત જયારે પણ મનસ્વી માટે કઈક ખરીદે, મનસ્વી જીદ કરી ને તેની પત્ની માટે પણ કઈક લેવડાવે જ...

બંને એક બુક શોપ માં મળ્યા હતા....નવા સબંધ માં દાખલ થતી વખતે બંને માંથી કોઈને મુશ્કેલી નહોતી પડી....હંમેશા હસતા રેહતા. બંને જયારે પણ મળતા.... ખબર જ નહતી પડતી સમય ક્યાં અને ક્યારે પસાર થઇ જતો ....સાથે હોઈ ત્યારે એકબીજા સિવાય કઈ દેખાતું નહિ...અને સાથે ના હોઈ ત્યારે એકબીજાનું જ વિચારતા રેહતા....પ્રેમ છે જ એવી વસ્તુ...કે ક્યારે, ક્યાં, કોની માટે લાગણી જન્મી જાય તેની ખબર જ નથી રેહતી ...અને જયારે મન લાગણીના પ્રવાહ માં વેહવા લાગે ત્યારે મગજની કોઈ વાત ગળે ઉતરતી નથી...મનસ્વી ને પણ તેનું મગજ ના પાડતું ઘણીવાર કે ના જા કવિતની આટલી નજીક...!!! પણ તેનું મન તેના કહ્યામાં નહોતું રેહતુ....ગમે તે રીતે તે કવિતની બાજુ આકર્ષાય જતી...બંને પરિપક્વ હતા...અને સમજતા પણ હતા....અપરિપક્વ ઉમર નહોતી.

મનસ્વી ઘણી વાર વિચારતી ,જયારે બંને મળ્યા ત્યારે આવી કોઈ વાત આવી નહિ મનમાં અને એક પ્રવાહ માં બંને વેહવા લાગ્યા...એવું નહોતું કે હવે તે લાગણી નહોતી રહી... પણ હકીકત હવે વધારે કડવી લાગવા લાગી હતી. હજી પણ લાગણી એટલી જ હતી બંને બાજુ પણ મનસ્વીએ હવે પૂછવાનું, કેહવાનું, કે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું....તે હવે સહજ રહી નહોતી શકતી....પેહલા ની જેમ બોલી નહોતી શકતી...અટકી જતી વાત કરતા કરતા કેમ કે તેને લાગતું કે હવે આવી વાતો નો કોઈ અર્થ નથી....કવિત ને તે એટલો પ્રેમ કરતી કે તેને ખબર હતી કે કવિતની જરૂરિયાત શું છે.સમય સડસડાટ પસાર થઇ ગયો. મનસ્વી પોતાની જાતને ભૂલી ગઈ હતી. તેનું જીવન કવિતની આસપાસ વણાઈ ગયું હતું.

બંને માંથી કોઈએ વિચાર્યું નહોતું કે આવી રીતે છુટા પડવાનું આવશે...કોણ કોને દોષ આપે? મનસ્વી જાણતી હતી કે કવિત સાચો છે...તેની જગ્યા પર...તેની પરિસ્થિતિ પ્રમાણે તે જે કરશે બરાબર કરશે.... બસ હવે તેણે ફરીથી પોતાનું જીવન ગોઠવવાનું હતું...કવિત વગરનું જીવન....જેમાં તેની માટે કાઈ નહોતું...!!!

તેને ક્યારેય વિચાર્યું જ નહોતું કે તેણે કવિત વગર રેહવાનું આવશે...

“મનસ્વી મારા માટે પણ અઘરું જ છે..તારાથી છુટા પડવું...પણ તું તેને વધારે અઘરું ના બનાવ. તું જ આમ કરીશ તો હું કેવી રીતે જઈ શકીશ? તને આવી રીતે મૂકી ને નહિ જઈ શકું “ કવિત નો અવાજ ભીનો હતો. તે બે વાર તેનું જવાનું postpone કરી ચુક્યો હતો.

મનસ્વી એ તેને કઈ કેહવાનું ટાળ્યું. તે એવું સમજવા લાગી કે કવિતને કદાચ તેની માટે લાગણી જ નહોતી. તે કાઈ બોલી નહિ. બોલવાનો અર્થ જ નથી તેવું તેને લાગ્યું. તે ઉભી થઇ અને કવિતની સામે એકવાર પ્રેમ થી જોયું. અચાનક આંખ ભરાઈ આવી તેની, “

બાય કવિત, ધ્યાન રાખજે તારું “ કહીને સડસડાટ કોફી શોપ ની બહાર નીકળી ગઈ....

- ગીરા  પાઠક 
(શહેર - અમદાવાદ
 ઈમેલ  આઈડી - girapathak@gmail.com )
બ્લોગ સેક્શન - આ તે લખ્યું છે ?!

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત
-વિરાજ ભટ્ટ પંડ્યા 


પ્રાયશ્ચિત
 
રિયાઝ મુસ્લિમ છોકરો ... ઓહહ...

" છોકરી તને ભાન છે ,તું શું બોલી રહી છે ??"

 ઉર્વી: "હા મમ્મી , મુસ્લિમ તો શું ?? "

આટલા વર્ષોથી હું એને ઓળખું છું . એનું આ દુનિયામાં કોઈ જ નથી . સિવાય કે એક હું . ....હું એને નહિ છોડી શકું મમ્મી , પ્લીઝ તું સમજને ..."

રસીલા બહેને ઉર્વીને એક જોરદાર તમાચો મારી દીધો , અને રસોડામાં જતાં જતાં બોલ્યાં , " અનાથ મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડતા પહેલા તું મરી કેમ ના ગઈ??"

વિજયભાઈ હીંચકે બેસી બધું સાંભળી રહ્યાં હતા . એમણે ઉર્વીને સમજાવી , " દિકરા , તારી મમ્મીની વાત આમ જુઓ તો સાચી છે. એના માં - બાપ કોણ એય નથી ખબર . એક મૌલવીએ એને ઉછેર્યો, બાકી એ કઈ નાત - જાતનો છે, એ પણ આપણે ક્યાં જાણીએ છીએ ?? "


ઉર્વીએ રડમસ આંખો સાથે પિતા સામું જોયું અને બોલી , " તો વિરોધ કોનો કરો છો ? પપ્પા , રિયાઝ આજ એક સારી કંપનીમાં જોબ કરે છે . એકાદ મહિનામાં એને એની કંપની યુ .એસ મોકલવાની છે . આટલા વર્ષોથી ઓળખું છું એને . પપ્પા કાંઈક કરોને... પ્લીઝ મમ્મીને સમજાવોને . એક વાર એને મળીલે . "


" પણ બેટા ...."

" પણ શું પપ્પા ?? પ્રેમ કાંઈ જાત જોઈને થતો હશે પપ્પા???? "


ઉર્વી રડતી -રડતી રૂમમાં દોડી ગઈ.

વિજયભાઈ રડતી ,જતી ઉર્વીને જોતા રહી ગયા.

રાત આખી રડી રડીને ઉર્વીની આંખો લાલ થઇ ગયેલી . હુબહુ એજ લાલ આંખો જે વર્ષો પહેલા વિજય ભાઈએ જોઈ હતી . મનોમન કોઈ નિર્ણય કરી વિજય ભાઈ રસોડામાં ગયા અને પત્ની રસીલાને કીધું કે , "ચાલો મારી સાથે . રિયાઝને મળવા જવાનું છે . "

રસીલાબેન ફાટી આંખોએ પતિ સામે જોઈ રહ્યાં .

અનેક વિરોધો વચ્ચે અડીખમ રહી વિજયભાઈએ ઉર્વી અને રિયાઝના લગ્ન કરાવ્યા . એમના નજીકના સમજુ મિત્રોની મદદ લઇ એમણે રસીલાબેન અને બીજા સગાઓને પણ માનવી લીધા .

આજે ઉર્વીને રિયાઝ સાથે વળાવી રડતા પિતાએ એક અજીબ નિરાંત અનુભવી . પોતાના રૂમમાં આવી અંદરથી રૂમ બંધ કરી એમણે પોતાની જૂની પેટી ખોલી . એમાંથી એક નાની પેટી ખોલી જેમાં ગામડાંની જમીનના , મકાનના દસ્તાવેજો હતા . એ બધાં વચ્ચે એક નાનું પરબીડિયું હતું . એમણે વાંચવાનું શરૂ કર્યું.



પ્રિય વિજય ,

જાણું છું કે તમે બહુ જ પ્રેમ કરો છો મને .

પણ કદાચ એ પ્રેમને સ્વીકારવાની હિંમત નથી તમારામાં . હું મુસ્લિમ છું એ મારો વાંક છે ??? કાલ મારા નિકાહ થઇ જશે . હું કોઈ બીજી દુનિયામાં ડગ ભરીશ પણ સદા તમને યાદ રહીશ ,જો -જો . સદા તમને યાદ કરતી રહીશ . બસ એટલુંજ માંગુ છું કે ક્યાંય કોઈ આપણા જેમ મજબુર પ્રેમી હોય તો એમની મદદ કરજો . મારા પ્રેમના ઋણ માંથી મુક્ત થઇ જશો .

સદા તમારીજ ,

નઝમાં .


એના નિકાહની આગલી સાંજે ગામના પાદર પાસેના લીમડાના ઝાડ નીચે એ મળવા આવેલી , હાથમાં આ કાગળ અને આખી રાત રડી રડીને લાલ થઈ ગયેલી આંખો . બહુજ સમજાવી હતી વિજયે એને કે આવતા ભવે આપણે ભેળા થઈશું . પણ તે કશું બોલી ના હતી . બસ જતાં - જતાં એટલું જ બોલી હતી કે પ્રેમ કાંઈ જાત જોઈને ઓછો થાય છે ??? અને રડતા - રડતા કાગળ આપી દોડી ગઈ હતી .


વિજયભાઈની આંખોમાં આંસુ આવી ગયા . નઝમાં આજે મેં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું છે . મને માફ કરી દેજે .
બહારના રૂમ માંથી રસીલાબેનનો અવાજ આવ્યો, " સાંભળો છો , જમાઈ અને દિકરીનો ફોન છે . બહાર આવો . "


"આવું" , એટલું કહી વિજય ભાઈ બધું સમેટી ઊભા થયા . 

સેક્શન - "આ તે લખ્યું છે ?!"  
-વિરાજ ભટ્ટ પંડ્યા
2/7/2016 , ભાવનગર.


Expressions of Life: ચાર લઘુકથાઓ


Expressions of Life: ચાર લઘુકથાઓ 
~ સંકેત વર્મા 

૧. હાશ !

એણે જ ફોનનું લાલ બટન દબાવી દીધું. 
ફોન કદી ઉપાડશે જ નહિ. અને ટાઈમ પર આવશે નહિ. બસ, હું આવી જઈશ, હું આવી જઈશ કહ્યે રાખશે. રોજે રોજ હું કહેતી ય નથી. આજે ઍનિવર્સરી છે. 10 વર્ષ પૂરાં થયા છે. છતાં આજનો દિવસ એના માટે તો કઈં સ્પેશ્યલ છે જ નહિ. બસ એક સવારનું સૂકું 'હેપ્પી ઍનિવર્સરી' અને 'આઈ લવ યુ'. 
આવી હોય મૅરિડ લાઈફ!? ટેવાઈ જવાની, વધુ પડતા પરિચિત થઇ જવાની, કૅરલેસ થઇ જવાની. પ્રેમમાં ય આળસુ થઇ જવાની...ખબર નહિ પ્રેમ છે કે નહિ. બસ ટેવ પડી ગઈ છે કદાચ. એવું તે શું કામ છે! એક દિવસ...એક દિવસ ન નીકળે!?
કહેશે તમારા માટે જ કરું છું ને...પણ મારા માટે માત્ર કામ જ કરવાનું છે? પૈસા જ કમાવાના છે? દોઢ કલાક થયો! કોઈ ફોન નહિ, ન તો મેસેજનો રિપ્લાય...
ડોરબેલ વાગી અને એના વિચારો અટક્યા. 
હાશ ચલો આવ્યો. એણે દરવાજો ખોલ્યો.
અને સામેવાળા પાડોશી દેખાયા!
"અરે ભાવના, નીચે ચાલ જલ્દી, બાજુવાળા કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે અહીં નીચે જ રોડ પર. 108 બોલાવી છે!"
રસ્તા પર 108માં લઇ જવાતું લોહીથી રંગાયેલું, ચગદાયેલું જડ શરીર બધા જોતા રહ્યા. 
ત્યાં જ ભાવનાના ખભે પાછળથી કોઈ એ હાથ મુક્યો, "શું થયું?!"
અને ભાવના એને ચસોચસ ભેટી પડી. આંખ કચકચાવીને મીંચી દીધી અને એનું એક આંસુ ગાલ પરથી સરકીને એના ખભા પર પડ્યું અને શર્ટના કાપડમાં શોષાઈ ગયું. 


૨. વનિતા

"પણ વનિતા, આમ ક્યાં સુધી ચાલશે! એક દિવસ તો તારે ઘરે કહેવું જ પડશે આ બધું!" માનુષીએ કહ્યું. 
"અત્યારે નહિ," વનિતાએ જવાબ આપ્યો, "રાઈટ ટાઈમે બધું કહીશ."

માનુષી અને વનિતા પાક્કા ફ્રેન્ડ્સ હતા. નાનપણથી જ. એક જ શહેરમાં, એક જ સ્કૂલમાં અને હવે એક જ કૉલેજમાં. કૉલેજના છેલ્લા દિવસો હતા અને વનિતાના મા-બાપ એને પરણાવવા ઉતાવળા હતા. માંગા આવ્યે જતાં હતા. પણ વનિતા કોઈકના પ્રેમમાં ક્યારનીય ભીંજાઈ ચુકી હતી અને એ બેમાંથી કોઈ કોરા રહીને જિંદગી સુકવી નાખવા માંગતા નહોતા.  એટલે જ માનુષી વનિતાને આ બધા વિષે ઘરે વાત કરી દેવાનું કહ્યા કરતી. 

"રાઈટ ટાઈમની રાહ જોવામાં સમય સરકી જશે હાથમાંથી. સાચો સમય આજે જ છે, અત્યારે જ, રાઈટ નાઉ!" માનુષીએ કહ્યું, "તારામાં હિંમત ન હોય તો હું વાત કરું અંકલ-આન્ટીને.."

"ના! તું વચ્ચે ન આવીશ. બધું બગડી જશે! ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ફોર મી.  તું મમ્મીને જાણે છે ને! અને આ વાત તો એવી છે કે કોઈપણ મા-બાપ..." આગળ બોલવાની જરૂર નહોતી. 

એ દિવસે સવારમાં વધુ એક માંગુ આવ્યું હતું. વનિતા સવારથી પપ્પાને ટાળી રહી હતી. એ બસ ઘરના દરવાજાને ખોલી જ રહી હતી, ત્યાં પપ્પાએ કહ્યું,
"વનિતા, રાહુલ નામ છે છોકરાનું." 
"પપ્પા, મારે તમને બેય ને કઈંક કહેવું છે...મમ્મી..." એનામાં ઓચિંતા જ હિંમત આવી ગઈ અને હવે એ પાછી પાની કરવા માંગતી નહોતી. 
"હા, બોલ ને," મમ્મીએ રસોડામાંથી બહાર આવતા આવતા જ કહ્યું. 
"મારે આ કોઈ છોકરાઓ સાથે લગન નથી કરવા." વનિતાએ કહી દીધું. 
"લગન નથી કરવા! આ શું!" પપ્પાએ જરા આશ્ચર્યથી પૂછ્યું. 
"મને કોઈ બીજું ગમે છે," એ નજર નીચી રાખીને બિન્ધાસ્ત બોલતી ગઈ. 
"બીજું કોઈ ગમે છે!?! શું બોલે છે તું!" મમ્મીએ નજીક આવી એનું બાવડું ઝાલીને પૂછ્યું, "કોણ છે એ? કોલેજનો જ હશે કોઈ! આ જુઓ પહેલથી જ કહેલું, છોકરીની જાત છે, આટલી આઝાદી ના આપો, પણ અમારું સંભાળે કોણ..." ચાલુ રહી ગયેલા નળની જેમ એના મોમાંથી ખીજ નીકળવા માંડી, "બહુ શોખ હતો ને! માલી દીકલી, માલી દીકલી કરતા'તા! ભોગવો હવે...અરે કોણ છે એ?! બોલ તો ખરા!" 
"એક મિનિટ શાંતિ રાખને તું!" પપ્પાએ પ્રવાહ તોડીને જરા નરમ અવાજે વનિતાને પૂછ્યું, 
"બોલને બેટા, કોણ છે? સારો છોકરો હોય તો મને વાંધો નથી!"
"હા, બોલ કોણ છે!? શું છે નામ?!" મમ્મીએ પૂછ્યું. 

"માનુષી." 
વનિતાએ નામ કહી દીધું અને બધાં સવાલો અટકી ગયા.  


૩. તક
  
દૂર દિવાદાંડીની લાઈટ ઝબૂકતી હતી. ખારો પવન એની લટોને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. એ કિનારે બેઠી બેઠી દરિયાનો ઘૂઘવાટ સાંભળી રહી હતી. 
શું રહ્યું હતું જીવનમાં! બાપને એ છોડીને આવી હતી, પ્રેમીએ તરછોડી દીધી હતી. ગામ આખું ત્રાસી નજરે જોયા કરતું અને પીઠ પાછળ બોલ્યા કરતું. છીનાળ છે, ચાલું છે, રાંડ છે...
કોને સમજાવે એ! બાપને સમજાવી શકી નહિ અને પ્રેમી સમજ્યો નહિ એને. એને થયું એ બહુ ખુશ થશે સાંભળીને કે એ બાપ બનવાનો છે. પણ એણે તો અંદર ઊછરતા પ્રેમને કોઈકનું પાપ કહી દીધું. કેટલું આસાન હતું એના માટે! ખરેખર તો એ પોતે જ કોઈને સમજી શકી નહોતી. પોતાની જાતને ય નહિ. બધું મુગ્ધાવસ્થાની મૂર્ખાઈમાં તબાહ થઇ ગયું હતું. હવે બસ એકલતા રહી હતી, ચુપકીદી રહી હતી અને અંદરથી ચીરી નાખતી શાંતિ રહી હતી. લોકોની કૂથલી સાંભળી લેવાની, નાલાયકી સહન કરી લેવાની, અંદર ઉછરતા 'પાપ'ને પેટમાં પાળવાની ટેવ પડી ગઈ હતી. બધું જ અંદર ઘૂંટાયા કરતું હતું વિના અવાજે, વિના વિરોધે. એને ડર લાગતો, આ પેદા થનાર સાથે ય દુનિયા આવો દગો કરશે તો! કે આ પેદા થનાર પોતે કોઈ સાથે આવું કરશે તો! રોજ રાતે સમુદ્રકિનારે આવીને એ જીવવા અને મરવાનું નક્કી કર્યા કરતી. 
એણે પોતાના પેટ પર હાથ મુક્યો, ઘડીક અટકી અને પછી ચાલવા માંડી સમુદ્ર તરફ. લહેરો વચ્ચે. એ ચાલતી ગઈ અને સમુદ્ર એને ઘેરતો ગયો, ફંગોળતો ગયો. અને એક ક્ષણે દરિયાની અસિમિત ખારાશ એ ગળી ગઈ અને બધું જ પહેલાં કરતાંય વધુ શાંત થઇ ગયું... 
...દરિયાનો ઘૂઘવાટ સંભળાઈ રહ્યો હતો, આજુબાજુ કેટલાય લોકોનો કોલાહલ હતો. એનું શરીર દરિયાની રેત પર સળવળી રહ્યું હતું, કેટલાક મદદગારો એના બાવડાં ઝાલી રહ્યાં હતાં, દૂર ક્ષિતિજે સૂર્યોદય થઇ રહ્યો હતો, એની અધખૂલી આંખોમાં એની ચમક હતી, હોઠ પર જરા હિંમતભર્યું સ્મિત હતું, દરિયાએ એને કાનમાં કહ્યું હતું,
"મેં તારી કૂખમાં તોફાન મૂક્યું છે!


૪. ડર

એ રૂમમાં દાખલ થયો. દરવાજો બંધ કર્યો. 
ઘરની એકમાત્ર ખુલ્લી બારીમાંથી સામે પડેલું રાઇટિંગ ટેબલ સ્પોટલાઇટમાં ચમકતું હતું. એ ચેર પર બેઠો, પેન હાથમાં લીધી અને કાગળ પર અક્ષરો માંડવાનું શરુ કર્યું. 
કાગળ અને પેન ખરખર અવાજ કરવા માંડયા. જાણે કોઈની જિંદગીની ગોસિપ. શબ્દો એક પછી એક કાગળ પર ઉતરવા મંડ્યા. અને પછી સતહ છોડી હવામાં ઊડવા લાગ્યા. શબ્દોને પકડવાની કોશિશ વ્યર્થ હતી. 
એનો 'હું' કાગળને છોડીને હવામાં ઓગળવા મંડ્યો. આકાર બદલવા મંડ્યો, શાહી ધુમાડો બનતી ગઈ. કાળો રંગ સફેદી પકડવા માંડયો.  એ જેમ જેમ લખતો ગયો, એનું બચપણ, તરૂણાવસ્થા, જવાની બધું કાગળ છોડીને હવામાં ફેલાતું ગયું. બધા રંગો ઊડી ગયા હતા. માત્ર બે જ રંગોની દુનિયા રહી ગઈ હતી. શબ્દોનો કાળો રંગ 'ને ધુમાડાનો સફેદ! ઘર આખું એ ધુમાડાથી ભરાઈ ગયું હતું. એની જીવેલી જિંદગીનો ધુમાડો! એનો દમ ઘૂંટાવા લાગ્યો. પણ એ લખતો રહ્યો. બારીમાંથી અમુક લોકો જોઈ રહ્યા હતા કે આ શાનો ધુમાડો છે? હવે તો કાગળ સળગી રહ્યો હતો. અને પેને પણ આગ પકડી લીધી. પેન ઓગળીને આંગળીઓને દઝાડવા માંડી. ચામડી કાળી પડવા માંડી અને પછી હાથ સળગવા માંડયો. પોતાની જિંદગીની વાત કહેવામાં લોહી બાળીને રાખ પેદા કરવાની હતી. હવે એનાથી સહન ન થયું. પડતો,આખડતો, ખાંસતો, ઘૂંટાતો એ ખુરશીમાંથી ઉભો થયો અને જલતા બદને ઘરની બધી બારી અને બારણાં ખોલવા મંડ્યો. બધો ધુમાડો ઘરની બહાર ફેલાતો ગયો. આસપાસ કોઈને ખાંસી આવવા માંડી 'ને કોઈ વળી ધુમાડાની સુગંધ લેવા લાગ્યું. કોઈને બસ શું સળગી રહ્યું છે એ જોવામાં મજા પડી ગઈ! સળગતા શરીરને જોવા દુનિયા હંમેશા ભેગી થાય છે. જીવતું હોય તો તમાશો અને મરેલું હોય તો ચિતા! એ જલતો રહ્યો...જલતો રહ્યો...વિતેલા વર્ષો ફરી જીવવા...એ ખુશી અને એ પીડા અને એ પ્રેમ અને પૂર્વગ્રહો અને ગુનાહો અને મિત્રતાઓ અને દુશ્મનાવટો, એ નિરાશા, એ આશા, બધા સુખો ને દુઃખો, એ હોંસલો, એ વિશ્વાસઘાત, પડી ભાંગતી અને લડી લેતી જાત, છેતરાઈ જતી અને છેતરી લેતી જાત... એ બધું રાખ અને ધુમાડો કરીને, ફૂંક મારીને ફેલાવવું...કઠિન હતું...

...અને એની આંખો ખુલી ગઈ, અંધારા ઓરડામાં પીળો બલ્બ ઝટ ઝબૂકે એમ. એણે બાજુમાં પડેલો ફોન ઉઠાવ્યો. પબ્લિશરનો બે દિવસ પહેલાનો મેસેજ ફરી વાંચ્યો,

"So what u thought? Ur autobiography will be a sure hit! Ur readers r waiting... M sure u r in."


એણે રીપ્લાય પર ટેપ કર્યું, અને એની આંગળીઓ, જેમાંથી હજુય સળગેલા માંસની વાસ આવતી હતી, Y અને N પર ધ્રુજતી રહી !


(કપ્સ ઑફ ટી by સંકેત વર્મા, 14/06/16, varmasanket1987@gmail.com)