એવરેજ લોકોની એવરેજ કથા !

એવરેજ લોકોની એવરેજ કથા ! 
~ અંકિત સાદરીયા 

જેક ઓફ ઓલ ટ્રેંડસ , માસ્ટર ઓફ નન

"જેક ઓફ ઓલ ટ્રેંડસ , માસ્ટર ઓફ નન". આ એક ઈંગ્લીશ કહેવત છે જેનો સીધો અર્થ એ છે કે બધી વસ્તુ આવડતી હોઈ, પણ એકેય વસ્તુમાં માસ્ટર ના હોઈ. તમે  કોઈ પણ ક્ષેત્રમાં ટોપ પર ત્યારે જ પહોંચી શકો જયારે તમે જે તે ક્ષેત્રમાં માસ્ટર હોઈ. સચિનનું જ ઉદાહરણ લઈએ તો ક્રિકેટમાં બેસ્ટ. ભણવામાં કે બીજા અનેક ક્ષેત્રોમાં સાવ પાછળ !  જયારે આપણે, થોડુંક ક્રિકેટ આવડે , થોડુંક ચેસ, થોડુંક કેરમ , થોડુંક વોલીબોલ , ભણવામાં પણ એવરેજ, થોડુંઘણું લખતા આવડે. બસ બધે જ આમ "થોડુંઘણું ", માસ્ટર ક્યાંય નહિ. બધે એવરેજ એવરેજ અને એવરેજ જ !  

ના આજ કોઈ મોટિવેશનની  વાત નથી કરવી। ખાલી મારા જેવા  એવરેજ લોકો પર હળવી વાતો કરવી છે. 
કેટલાક લોકો તો એટલા એવરેજ હોઈ કે એવરેજ ની એવરેજ કાઢો તો પણ એવરેજ જ આવે (હા હા !!).  પતે રમવા બેઠા હોઈ તો પણ એવરેજ જ આવે. ક્યારેય કાચી રોન ઉપર એકેય બાજી નો આવે. (!)   બાઈકની એવરેજ પણ "એવરેજ" જ આવે બોલો ! તમને બીમારી પણ એવરેજ આવે, વધુમાં વધુ તાવ કે શરદી! મોબાઈલની બેટરી પણ એવરેજ ચાલે અને નેટની સ્પીડ પણ એવરેજ આવે. ફેસબુકમાં લાઈક પણ એવરેજ આવે અને ટવીટરના ફોલોવર્સ પણ એવરેજ હોઈ. જો તમે ક્રિકેટ રમવા જાવ તો સચિન કે ધોની તો દૂરની વાત રહી , વધુમાં વધુ તમે આકાશ ચોપરા બની શકો (એ કોણ !! ). ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા બનવાના સપના જોતા જોતા બિઝનેસ ચાલુ કરો તો માંડ  માંડ ઢંગનું પતરાનું  કારખાનું ખુલે. અમિતાભ કે શાહરુખ જેવો હીરો બનવાના સપના જોઈને બોલીવુડમાં સંઘર્ષ કરવા જઈએ  તો માંડ માંડ ઉદય ચોપરા સુધીનો મેડ પડે. (પછી તમે પ્રોડ્યુસર કે ડાઈરેકટર બનવા જાવ તો પણ ઉદય ચોપરા જ બનો, હા હા હા !). ગમે ત્યાં જાવ , તમને હરાવી શકે એવા ચેમ્પિયન હોઈ જ (કારણ કે તમે બધે "એવરેજ" હોવ ).  

એવરેજ હોવાનો મોટો ફાયદો એ છે કે ગમે તે વિષય પર તમે લોકો ને જ્ઞાન પીરસી  શકો. તમને બધી વસ્તુ , રમતો , આવડતો , શોખ વગેરે પર થોડું ઘણું નોલેજ તો હોઈ જ. લોકો કહેશે કે બીજો ફાયદો કે તમે બધી ગેમ્સ , બધા શોખ એન્જોય કરી શકો. સાવ ખોટી વાત, બધી ગેમ્સ રમી તો શકીયે પણ ખબર હોઈ કે આગળ જાતા  હારવાનું જ છે !!  મને ચેસ આવડે , કેરમ આવડે , ક્રિકેટ આવડે , વિડિઓ બનાવતા આવડે , લખતા આવડે પણ આ બધા ક્ષેત્રમાં પ્રવેશવાની ટ્રાય  કરું એટલે ખબર પડે અહીં તો મોટા મોટા ખેરખાંઓ બેઠા છે. આપણે ખાલી શોખ પૂરતું જ રાખવું પડશે.

મજાની વાત એ છે કે દુનિયાના મોટાભાગના લોકો આવા "એવરેજ" જ છે અને એટલે જ ચેમ્પિયન્સની વેલ્યુ છે. પણ એવરેજ લોકો લાઈફ વધુ સારી રીતે એન્જોય કરતા હોઈ છે. એમને કોઈ એક વસ્તુ માટે ડેડિકેશન દેખાડવું પડતું નથી. કોઈ એક ક્ષેત્રમાં રાત દિવસ એક કરવા પડતા નથી. કોઈ એક વસ્તુથી કંટાળે  તો બીજામાં થોડુંઘણું તો કરી જ શકે. ક્યારેક કોઈ એક વસ્તુ કરતા કરતા ક્યાંક સફળતા મળી જાય તો સારો એવો "ઓલ રાઉન્ડર" બની જાય.