Group Discussion - મરિયમની મનોદશા

એક નવો પ્રયોગ ....
તમે બધા એ ધૂમકેતુની પોસ્ટઓફીસ વાર્તા વાંચી જ હશે. જેમાં અલીડોસા એમની દીકરી મરિયમનાં પત્રની રાહ જોતાં જોતાં જ શ્વાસ ગુમાવી દે છે. (ધૂમકેતુની પૂરી પોસ્ટઓફીસ વાર્તા વાંચવા માટે અહી ક્લિક કરો )  

તો JViansનાં members એ દોડાવ્યાં પોતાની કલ્પનાઓનાં ઘોડા અને ' ધૂમકેતુ ' લિખિત વાર્તા ' પૉસ્ટ ઑફિસ"ના પાત્ર મરિયમ વિશે,  પિતા 'અલી ડોસા'ના વિરહમાં થતી એની મનોદશા વિશે લખ્યું ....

આશા છે અમે પુરતો ન્યાય કર્યો હશે મરિયમની વેદનાને .....  આપ સૌ વાંચીને જરૂરથી માર્ગદર્શન આપશો એવી આશા ....


Blog team
weJVians.

---------------------------------



"મરિયમનો પિતા પ્રેમ"

By ફરઝાના સિવાણી 

Words : 504 



Mariyam's character inspired from *Post office* written by Dhumketu




મરિયમ ... 

નામ મુજબ જ ગુણો ... શાંત , માયાળુ અને વિચારશીલ !!! 

પરણીને સાસરે આવી પછી એની આખી દુનિયા જ બદલી ગઇ હતી અને પોતે આ નવી દુનિયામાં ખુશી ખુશી ગોઠવાઇ ગઇ હતી.. સાસુ-સસરાં, એક નાની નણંદ અને એને ખુબ ચાહતો પતિ એહમદ !! એહમદ લશ્કરમાં હતો એટલે મોટેભાગે એ સરહદ પર રહેતો. જોકે, ઘરમાં એને કોઇ જ તકલીફ ન્હોતી કે ન્હોતી કોઇ વાતની કમી .. પરેશાની બસ એને એક જ વાતની હતી ... 


દૂર ગામડે એકલાં રહેતાં વૃદ્ધ પિતાની ચિંતામાં એ દિવસ રાત ખોવાયેલી રહેતી .. વિચારોંમાં ને વિચારોમાં એ પોતાના બાળપણમાં પહોંચી જતી ... માં વગરની નાનકડી મરિયમને ઊછેરતો એક યુવાન , વહેલી સવારે એનો દિવસ શરૂ થઇ જતો અને મોડી રાત્રે એનો દીવસ આથમતો. કૉચમૅન અલી એક કુશળ શિકારી હતો અને નાની મરિયમ એ જ એની દુનિયા !! મરિયમને સવારે જગાડી , નવડાવી ,એને જમાડી , શાળાએ મૂકીને પોતાના કામે નીકળી જતો, સાંજે પાછો આવતો ત્યારે મરિયમ ઘરને બારણે જ ઊભી હોય એની રાહ જોતી અને એને આવતો જોતાં જ 'અબ્બુ' કહીને એના પગમાં વીંટળાઇ જતી અને અલીનો બધો થાક એની પોચી હથેળીઓનાં સ્પર્શથી જ ઊતરી જતો.. બંને બાપ-દીકરી એકબીજાને સહારે સહારે આગળ વધતાં રહ્યાં ...

અને આજે , મરિયમને પોતાના વગર એકલાં પડી ગયેલાં પોતાના અબ્બુની ફીકર સતાવી રહી હતી.. વયને કારણે શરીરની નબળાઇ , આંખોએ ઝાંખપ અને સૌથી વધુ તો એકલતા, દીકરીનો ઝૂરાપો !! અને ઉપરથી સંદેશાવ્યવ્હારની ઓછી સગવડતાને કારણે મહીનાઓ સુધી પત્રો એ અટવાતાં રહેતાં !!  


અચાનક જ મરિયમ ફરી પહોંચી ગઇ વર્ષો પહેલાંની એક રાતમાં ... પોતે ખુબ બિમાર હતી અને બહાર ધોધમાર વરસાદ !! એટલે બાજુનાં ગામે ડૉક્ટર પાસે જવાય એવું એ ન્હોતું અને આખી રાત એના અબ્બુએ એના માથા પર મીઠાનાં પાણીના પોતાં મૂકીને જેમ તેમ કાઢી હતી અને સવાર પડતાં જ સરપંચને કરગરીને ય એની જીપમાં મરિયમને દવાખાને પહોંચાડી હતી અને ત્યાં પણ ૨ દિવસ સતત ત્યાં જ બેઠા રહીને ,ખુદા પાસે  દુઆઓ માંગીને કાઢ્યાં હતાં ..... 



અને આજે ?? એના અબ્બુએ ખાધું હશે કે નહીં ?? એમની તબિયત કેવી હશે ? એ દવા લેતાં હશે કે નહીં ? એમનાં કપડાં કોણ ધોતું હશે ? એમની પથારી કોણ સાફ કરતું હશે ?? એમણે આડે હાથે મુકી દિધેલાં ચશ્માં કોણ શોધી આપતું હશે ?? ઠંડીમાં નહાવા માટે પાણી ગરમ કરતાં હશે કે નહીં ?? એમને ખાંસી ચઢતી હશે ત્યારે એમની પીઠ કોણ પસરાવતું હશે?? એમનાં પગના સાંધા દુખતાં હશે ત્યારે તેલની માલિશ કોણ કરી આપતું હશે ?? આ અને આવાં કંઇ કેટલાંય સવાલોએ મરિયમને બેચેન કરી નાખી હતી .. એકવાર તો એને દોડીને પોતાના અબ્બુ પાસે જવાનો વિચાર એ આવી ગયો પણ પોતાની વિદાયવેળાએ અબ્બુએ કહેલાં શબ્દો આવી ગયાં... 

" મરિયમ , જે પ્રેમ , જે લાગણી મેં તને આટલાં વર્ષો આપ્યાં એ હવે તારે તારા ઘરનાં લોકોને આપવાનાં છે .. હું દુર રહીને ય તને દુઆઓ આપતો રહીશ ..સદા ખુશ રહેજે ".... અને એ વિચાર જ એણે મનમાંથી કાઢી નાખ્યો.. 



દિવસો , મહિનાઓ વીતી રહ્યાં છે અને મરિયમ ખુદા પાસે પોતાના અબ્બુના કોઇ સમાચાર મળે એની દુઆ કરી રહી છે ... બસ , એક પત્ર મળે કે નાનકડી એક ચબરખી જેમાં લખ્યું હોય કે એનાં અબ્બુ હેમખેમ છે , સાજાંનરવાં છે !!

--------------------------------
Written by 

Hardikbhai Vyas




ધૂમકેતુ રચિત વાર્તા "પોસ્ટ અૉફિસ" એક પિતાનાં પુત્રી-પત્ર વિરહ જેવા અનોખા વિષય પર લખાયેલી વાર્તા છે. કોચમૅન અલી ડોસા પોતાની દીકરી મરિયમ જે લશ્કરમાં ફરજ બજાવતાં પતિ સાથે સાસરે પંજાબ બાજુ ક્યાંક છે. અને અહીં ગુજરાતનાં એક ગામમાં બાપ અલી ડોસા દરરોજ સવારે ચાર વાગ્યે પોસ્ટ અૉફિસ જઈને એનાં પત્રની રાહ જુએ છે. એ આશાએ, કે એક દિવસ મરિયમનો પત્ર આવશે. 



આ વાર્તામાં મરિયમનું પાત્ર માત્ર સ્મૃતિમાં છે. હવે એક વિચાર તરીકે મરિયમના પાત્રને ઉપસાવવાની કોશિશ કરું છું. વાર્તાની સિક્વલ લખવાનો પ્રયત્ન કરવો નથી. બીજું મરિયમને નિકાહ પછી પત્ર લખવાનો મોકો મળ્યો નથી એ પૂર્વધારણા સ્વીકારીને અને એનાં કારણમાં પડ્યા વગર માત્ર મરિયમનો પિતા વિયોગ ચીતરવાની કોશિશ કરું છું. 



સાસરે ગયા પછી મરિયમ પોતાના અબ્બાને એક પત્ર પણ લખી શકી નથી. એને એનો વિષાદ અને પિતાનો વિરહ ખૂબ સતાવે છે. 



સવારે જાગીને દાતણ કરતી વખતે, એને પોતાનાં બચપણમાં જ્યારે નવાં નવાં દાંત ફૂટ્યા હતાં ત્યારે લીમડાની કૂણી કૂણી ડાળોમાંથી તોડેલાં દાતણ હાથમાં આપીને દાતણ કરાવતો બાપ સાંભરે છે. શિરામણનાં સમયે એને હાથેથી ઘડીને ગરમ ગરમ રોટલા આપતો અને પછી એ થોડી મોટી થઈ ત્યારે નાનાં નાનાં હાથથી રોટલા ટીપતાં શીખવતો બાપ યાદ આવે છે. આખા દિવસની દરેક ઘટનામાં એને બાપ જ દેખાય છે. અને રાતે સૂતી વખતે પોતાનાં ઘેરા અવાજમાં હાલરડા ગાઈને સૂવડાવતો બાપ બહુ યાદ આવે છે. ઘોડાગાડીમાં પોતાની બાજુમાં બેસાડીને અને જાતે ઘોડાગાડી ચલાવીને (કોચ મૅન = ઘોડાગાડીનો ચાલક) એને મેળામાં લઈ જતો અને ખભા પર બેસાડીને મદારીનો ખેલ બતાવતો બાપ બહુ યાદ આવે છે. બાપના ખભે બેસતી ત્યારે એ પોતાને જહાઁની સૌથી ઊંચાઈ પર લાગતી. બાપ એને દિવસ-રાત યાદ આવે છે. 



"અબ્બાની પણ ઉમર થઈ હશે." "માથાનાં વાળ ધોળા થયા હશે?" "હજી પણ ઘોડાગાડી ચલાવતાં હશે?" "શિકાર પર જતાં હશે?" "બરાબર ચાલી શકતાં હશે કે કેમ?" "એનું ધ્યાન કોણ રાખતું હશે?" "સવારે માટલું વીંછળીને પાણી કોણ ભરતું હશે?" "રોટલા એનાંથી ટીપાતાં હશે કે કેમ?" "હજી એવી જ અડીખમ ટટ્ટાર ચાલ હશે કે કમરથી વળી ગયા હશે?" "એને પહેલાં ઊંઘ ન આવતી ત્યારે હું માથુ દબાવીને સૂવડાવતી.. હવે?" "ઊંઘતાં હશે કે નહિં?" આવા સેંકડો સવાલો અને હજારો વિચારો મરિયમને સતાવે છે. 



મરિયમને રંગો બહુ ગમતાં.. અબ્બા એની માટે, ખબર નહિં ક્યાંથી એક રમકડું (કેલિડોસ્કોપ) લાવ્યા હતાં. એમાં એ ચૂડીનાં તૂટેલાં ટૂકડાં ભરીને દીવા સામે જોતી તો રંગીન ચિત્ર દેખાતાં. અબ્બા બહુ યાદ આવે તો એમાં રંગો જુએ છે. રાતે ચાંદ જુએ છે. એમાં પેલી ડોશીનાં બદલે અબ્બાને જુએ છે. 



એક દિવસ એને એ રમકડાંમાં રંગ ભૂખરાં દેખાય છે. ચાંદમાં અબ્બુ દેખાય છે પણ કૃષ થઈ ગયેલાં વૃધ્ધ દેખાય છે. એને એ રાતે સપનુ આવે છે.. 

અબ્બુ પાણીનો પ્યાલો પણ લઈ નથી શકતાં. એ એને બોલાવે છે. દૂર દૂરથી અબ્બુનો અવાજ સંભળાતો હોય એવો એમનો અવાજ છે.. "મરિયમ.. મરિયમ". પરંતુ પોતે એમને દૂરથી જોતી જ રહે છે અને અબ્બુ બોલતાં બંધ થઈ જાય છે. ફાટેલી આંખોથી એને જ નિહાળે છે. અને મરિયમની ચીસ નીકળી જાય છે.. "અબ્બુ.." 

.. અને મરિયમની આંખ ઊઘડી જાય છે. 
. 
મરિયમ આંખોમાંથી દડ દડ વહેતાં આંસુઓ અને હોઠોમાંથી નીકળતા હીબકાઓ વચ્ચે એક કાગળ અને કલમ લઈને બેસે છે. અને લખે છે. 



"પ્યારે અબ્બુ, 

... 

. 
" 
અને ત્યારે જ એક અશ્રુબિંદુ કાગળ પરનાં 'અબ્બુ' પર પડે છે અને 'અબ્બુ' રેળાઈ જાય છે.

---------------------------------

Written by

Dhara Daxini 


" મને વળાવતી વખતે હીબકા ભરીને રડેલ અબ્બુને કોને સંભાળ્યાં હશે? થાકેલા પાકેલા ઘરે આવીને ક્યારેય પાણીનો ગ્લાસ જાતે નહિ ભરતા અબ્બુને હવે પાણી કોણ આપતું હશે? શિકાર કરતી વખતે થયેલી ઇજા પર અબ્બુ જાતે મલમ લગાડતા હશે કે નહિ? દુખતાં પગે હજુ પણ અબ્બુ શિકાર કરવા જતા હશે ખરા? વાંકી વળી ગયેલી કમર જયારે દુખતી હશે ત્યારે અબ્બુ કોને બૂમ પાડતા હશે ? હંમેશા મને જમાડ્યા પછી મારે જમાડવા પડતા અબ્બુ હવે બરાબર જમતા હશે ખરા? નાની હતી ત્યારે અબ્બુની રાહ જોઈને ઉંબરા પર બેસી રહેતી અને અબ્બુ આવતા ત્યારે એક ચોકલૅટ લઇને એમની પીઠ પર બેસીને આખા ઘરમાં આંટો મરાવતી વખતે અબ્બુ કહેતા : " આ ઘરમાં આવવા માટે નું એક માત્ર કારણ તું છે." તો હવે અબ્બુ સમયસર ઘરે આવતા તો હશે ને??અને બાજુમાં રહેતા પેલા અબ્દુલચાચા હજુ પણ મારા અબ્બુને મારી અમ્મી , ઘર ની પરિસ્થિતિ અને સગાવ્હાલાં વિષે સંભળાવતા હશે? અને જો સંભળાવતા હશે તો , અબ્બુ હજુ પણ અડધી રાત્રે હું ના જોવું એ રીતે બાર ખાટલા પર બેસી શૂન્યમસ્તકે આકાશમાં જોતાં જોતાં રડતાં હશે?
નિકાહ પછી તો  રઈસની નોકરીના કારણે રહેઠાણ બદલાઈ ગયું. અબ્બુ ક્યારેય મને મળવા આવ્યા હશે? અબ્બુ એ મને કોઈ પત્ર લખ્યો હશે? મારા અબ્બુ..." 
ત્યાં જ અવાજ આવ્યો ....
"એ અભાગણી, ક્યાં છે?" રાત્રે બે વાગ્યે રઈસની એ બૂમથી એની તંદ્રા તૂટી પણ એણે કંઈ જવાબ ના આપ્યો અને સુતા રહેવાનો જ ડોળ કર્યો. ખબર નહિ કેમ પણ આજે એને અબ્બુની બહુ યાદ આવતી હતી.
ફરી પાછી એ વિચારે ચડી :  ગમે તેટલી ગરીબી હતી અને સંજોગો પ્રતિકૂળ હતા પણ એના અબ્બુ એની પાસે હતા એટલે એ હંમેશા ખુશ રહેતી. અને અબ્બુએ પણ એને ક્યારેય એની અમ્મીની ખોટ વર્તાવા દીધી નહોતી. પોતે ભૂખ્યા રહી લેતા પણ એને ક્યારેય કોઈ વાતની ખોટ આવવા દીધી નહોતી. ગામની નજરમાં ભૂલકણો એ ડોસો પોતાની દીકરી  માટે ચોકલૅટ ક્યારેય નહોતો ભુલ્યો.  
ક્યાં એ દુનિયા હતી  કે જ્યાં પોતે ઢીંગલીની જેમ ઉછરેલી, કશુંય ના હોવા છતાં પણ,  અને ક્યાં આ દુનિયા, જ્યાં પૈસો છે, સુવિધા પણ છે. પરંતુ નથી પ્રેમ કે નથી એના અબ્બુ....

રઈસના માર એના કટાક્ષ અને અબ્બુ સાથે  સંપર્ક નહિ રાખવાની ધમકી તળે અબ્બુનું આ ફૂલ પીંખાઈ રહ્યું હતું. પણ આજે રાત્રીના ત્રણ વાગ્યા હોવા છતાં મરિયમની આંખોમાં ઊંઘ નહોતી અને એને મૂંઝવણ થતી હતી, ડર લાગતો હતો અને એ રડી  પડી - ધ્રુસકે ને ધ્રુસકે. 


આ બાજુ, મરિયમની આંખમાં ક્યારેય આંસુ નહિ જોઈ શકનાર અબ્બુને કદાચ ખબર પડી ગઈ હશે કે આજે એની મરિયમ રડવાની છે એટલે એ પણ ત્યાંથી દૂર જતા રહ્યા, હંમેશા માટે ...!!!!!

---------------------------------
Written by

Chintan Rajgor




છેવટે દીકરીનો કાગળ આવ્યો ખરો....
ઉતાવળે ઝપાટો માર્યો ને કવર ફાડી કાગળ ખોલવા જતાં જ ડોસો સાંભર્યો...
"કેટલો ખુશ નસીબ છું કે હું હયાત છું  મારી દિકરી નો કાગળ  વાંચવા માટે..બિચારો અલી ડોસો... હું કૈં જ ના કરી શક્યો એની માટે...મરિયમ નું શું..!? બાપડી ક્યાં હશે.? કેવી પરિસ્થિતિમાં હશે ...કાંતો... કેવી ક્રૂર દિકરી હશે, બાપ અહિં વિરહાગ્ની માં જીવી ને મરી ગયો..ને મરિયમ નો એક માત્ર પત્ર.. એ ય પાંચ વર્ષે..."
એક કઠોર અને નરમ પિતા નો ભાવ વ્યકત થઈ ગયો માસ્ટરનો.. પોતાની દીકરીનો કાગળ એક બાજુ રાખી વિચારવા લાગ્યા, "મરિયમ  ને વઢીં લઉ..દુઃખ હોય એને તો મદદ કરી લઉ" 
આજે ફરી મરિયમ નાં પિતા એ જન્મ લીધો.. પોસ્ટ માસ્તરનાં રૂપે..

ને એ ગયા 'કોચમેન અલીડોસા'ની કબર પર ફરી પાછા... થોડો ફાટેલો..ગંદો..પણ કાગળ હજુ ત્યાં જ હતો, 
સરનામું સ્પષ્ટ હતું મરિયમનું..
રાહત થઈ થોડી...કાગળ સાથે લઈ માસ્તર પાછા વળ્યાં.. પત્ર લખ્યો મરિયમ ને... 

ખાસ્સો સમય વીતી ગયો આ વાતને. માસ્તર પણ હવે કદાચ આ મરિયમ અને અલીનું આ પ્રકરણ  ભૂલી ગયાં હશે ને એવામાં એક વહેલી સવારે, 
'પોસ્ટ માસ્ટર છે..?' એક અણઓળખીતો અવાજ પોસ્ટ ઑફિસમાં ગુંજ્યો. 
'કોણ!?' માસ્તરનાં સવાલમાં સવાલ નહીં આશ્ચર્ય વધું હતું. 
'મરિયમ ને કાગળ લખ્યો તો ને?...હું આવી.'

મરિયમે પત્રની વાત કહી અને પોતાની ઓળખ આપી.
'આવ દિકરી!' માસ્તર નાં મુખેથી આવું સંબોધન!!!
આ એજ પોસ્ટ માસ્તર.. 'હા. પણ અહીં કાંઇ તમારી મરિયમ નું નામ નોંધી રાખ્યું છે?'.. જેનો આવો જવાબ હતો એક વૃદ્ધ ડોસા ને. નિષ્ઠુર...!
ને આજે,  'આવ દિકરી'!!!!! 
'તમે કાગળ લખ્યો તો? પણ કેમ..!? શુ અબ્બુ એ કહ્યું હતું...? અબ્બુ ક્યાં હમણાં? તમે મિત્ર એમનાં...? ક્યારે આવશે.. કાંઇ કહી ને ગયાં..?' મરિયમ એક શ્વાસે બધાં સવાલ કરી ગઇ. 
માસ્તરે માત્ર ડોકું હલાવી નકાર ભર્યો, તમામ સવાલોનો.
બોલે પણ શું  ???
'તો પછી ઇલાજ વાસ્તે પરગામ ગયા છે? પૈસા તો હશે ને એમની પાસે..!

... તમે લખ્યું તું.."તને યાદ કરે છે, તારા અબ્બુ" 
એમને મારો કાગળ તો મળ્યો ને..!?"

ને...'ને'.માસ્તર નું હૃદય ધબકારુ ચૂકી ગયું..
"હિંમત રાખ, મારે નિષ્ઠુર થવું પડશે, પણ સાંભળ બચ્ચાં , અબ્બુ ગયા ને લગભગ છ એક મહિના થયાં... તારો કાગળ વાંચ્યા વિના.."
ઋથલેસ ન્યૂઝ રિપોર્ટર ની માફક બોલી ગયા માસ્તર.. 
બે પળ માટે તો નીરવ અશાંત વાતાવરણ ને પછી મરિયમ નું આક્રંદ..

એક ટીપું બાઝ્યું માસ્તર ની આંખમાં. એ નહીં વાંચેલા કાગળને ભીંજવે ત્યાં સુધીમાં તો અલીની છેવટની અવસ્થા, મનોદશા કહી સંભળાવી.
'કાંઇ પણ ના બોલો' હવે મરિયમ થોડી સ્વસ્થ થઈ, દુઃખ શબ્દોમાં વ્યકત કરી શકવાં જેટલી જ.
આવું થઈ જ ના શકે.. 
સાચ્ચે..? 
ક્યાં છો અબ્બુ...સાંભળો મને..વાત કરો..ઘણું રહી ગયુ કહેવાનું, પૂછશો નહીં એકવાર.. કેવી સ્થિતિમાં છું..
ખુશ છું કે નથી...વઢો....ખીજવો..સાંત્વના દો.. તમારી જરૂર છે મને..એમ જ ચાલ્યા ગયા મને એકલી...." મરિયમ નું હૈયા ફાટ રુદન ચાલુ જ હતુ.

માસ્તરે ઉત્સુકતા વશ મરિયમનાં લખેલા કાગળ પર ઝડપથી નજર ફેરવી લીધી...નજર જરા સ્થિર થઈ  પિતા અને પતિને સંબોધતી ગુલઝાર સા'બની એક કવિતા પર..
"નિંદ્રા મે કિસને યાદ કિયો રે, જગાયે સારી રૈના રે 
પિયા જગાવે, જીયા જગાવે, દિયા જગાવે રે 
આવે રે હિચકી,આવે રે હિચકી,આવે રે હિચકી રે 
સંદેશા આયો ના, ચિઠ્ઠીયા ભી જાઈ સાવન મે સુખે નૈના રે 
તલૈયા સુખી, કિખડ સુખા, ભીતર સુખા રે 
ધુપ મૂંઢેરે ચઢ ગયો ઢોલા,જલ ગયો સારી છાંવ રે 
આંગન પાર કરું મૈ કૈસે, તલવે જલે મેરે પાંવ કે 
શામ ઢલે જો, ચાંદ ચઢે તો, ફિર ના રૂલઈયૉ રે 
મેરી જાન કી સૌગંધ હૈ, યાદ ના આઇયૉ રે 
ઑ... મન તરસે, ઘન બરસે, બદરી સુને ના રે 
તલૈયા, કિખડ, ભીતર સુખા રે"                        
                                                                        
એક નિસાસો. અફસોસ.  'માફ કરજે દિકરી, તારો કાગળ હુ વાંચી શકું, એટલું સામર્થ્ય નથી આજેય.' મનોમન માસ્તર પોતાની બીમાર દિકરી જોડે વાત કરી રહ્યાં હતાં.

---------------------------------
Written by

Maulik Pandya


અલી ડોસો, એક બાપ જે દિકરી મરિયમના કાગળની રાહમાં ઝૂરતો હતો તો આ તરફ મરિયમ પણ બાપની ખૈર-ખબર માટે ચાતકની જેમ રાહ જોતી હતી. કંઇ કેટલીય આશાઓ, સ્વપ્નો.... અરે! જિંદગીનો ખરો મતલબ જ મરિયમ માટે એ ડોસો હતો..
નાનપણથી જ માતાની ગેરહાજરી ક્યારેય વર્તાવા ન દેનાર બાપ, એના કપડાં, જૂતાંથી માંડીને બધી  વસ્તુઓ અને તમામ ખુશીની ફિકર કરતો બાપ, એની નાનકડી છીંકથી જેની દુનિયા આઘી પાછી થઈ જતી એ બાપ, ગરીબી છતાં હરહંમેશ દીકરીને દુનિયાની તમામ ખુશીઓ આપવા મથતો પોતાને પરી-રાજકુમારીની જેમ જ જતનથી જાળવતો બાપ!
કંઇ કેટલીય બાળસહજ ઈચ્છાઓ, જીદ અને હઠ પૂરી કરનાર બાપે પોતાના નિકાહ માત્ર એ જ આશયથી કરાવ્યા હતા કે બૂઢાપામાં પોતાની દારૂણ ગરીબીમાં દીકરીએ એની સેવા ચાકરી ન કરવી પડે.. 
વિદાય વેળા પણ શિખામણ આપેલી કે સાસરાને પોતાનું ઘર અને સાસુ/સસરાને અમ્મી-અબ્બા ગણવા.. પોતાની ફિકર ન કરવા અને સારાં નરસા પ્રસંગોએ કાગળ લખવો.. કાગળ..... પિતાએ જણાવેલું કે પોસ્ટઓફિસમાં કામ કરનાર લોકો તમારો સંદેશો પહોંચાડી દેશે.. નાનપણથી લાડ પ્યાર ખૂબ આપ્યાં અને ઘરનું તમામ કામ કરવામાં નિપુણ મરિયમને અક્ષરજ્ઞાન નહોતું મળ્યું.. 😯 
સાસુ સસરાનો સારો સ્વભાવ અને પ્રેમાળ પતિ.. જીવનમાં આમ જોવો તો કોઈ દુઃખ નહોતું.. એક નાની બાળકીના જન્મ બાદ એનો પરિવાર સંપુર્ણ બન્યો હતો.. બાળકીએ એનાં જીવનમાં પોતાના વ્હાલસોયા અબ્બુની યાદો પાતળી કરી પણ ક્યારેક અતિશય દુઃખથી અબ્બુની યાદ સતાવતી.... એમની શિકારની આદત, ઉંમર વધતાં બિમારી, રોજનું જમવાનું અને અનેક રોજબરોજની નાનીથી લઇ મોટી સમસ્યાઓ.. એ એકલાં માણસનું આ દુનિયામાં પોતાના સિવાય કોઈ નથી એ વિચાર એને અંદરથી કોરી ખાતો..

પોતાનું બાળપણ લાગણીથી તરબતર કરનાર પિતાને એમનાં બૂઢાપામાં પોતે કાંઇ મદદરૂપ નથી થતી .. આ વિચારો તેને અકળાવતા.. પતિ પૂછતો ક્યારેક પણ એ વાત હસીને ઉડાવી દેતી.. છેલ્લા અમુક દિવસોથી ખૂબ મૂંઝવણ અનુભવતી મરિયમ સિપાહી પતિએ  પગારમાંથી ઘરખર્ચ માટે આપેલ રકમમાંથી બચાવેલ પૈસામાંથી એ મહામહેનતે પોસ્ટઓફિસ પહોંચી અને અબ્બુની ખૈરીયત પૂછતો પત્ર લખાવ્યો..
પોસ્ટઓફિસમાં પાંચ વર્ષે એ પત્ર આવ્યો જેની રાહ રોજ સવારે શ્વાસોની જેમ નિયમિતપણે જોવાતી.. પોસ્ટમાસ્તરે પત્ર વાંચ્યો.... અને... હજી જવાબ આપવા બાબતે એ જ અસમંજસમાં છે કે અલી વતી વળતો જવાબ આપવો કે હકીકત જણાવી એક મધુર સંબંધનો કરુણ અંત આણવો.....
---------------------------------
Written by

Viraj Pandya



શિયાળાની ગાત્રો થીજાવી નાખતી ઠંડીમાં પોસ્ટમાસ્તરનાં  શરીરે પરસેવો વળી ગયો. એનાં કપાળ પર વાંરવાર આવતા પરસેવાનાં ટીપાં એ હાથરૂમાલ વડે લુંછતો એકજ વાત વિચારી રહ્યો હતો.....  પોતાના હાથમાંજે પત્ર છે એ લખાયો ક્યાં અને કેવી રીતે ....????
       
          લગભગ દસેક વાર એ પૂરો  પત્ર વાંચી ગયો હશે.  વાંચતા વાંચતા શરીરમાં મીઠી અજાયબ કંપારી અનુભવાતી હતી. જાણે એની આસપાસ કોઈ છે એવો ભાસ એનેે થઈ આવતો.  રાત્રિનાં બે વાગ્યાની નીરવ શાંતીમાં એનાં સિવાય લગભગ કોઈ જાગતું નહોતું.
અને વળી જયારે પોતે ભાન અનુભવ્યું   ત્યારે તો પોતે એકલો જ અલીની કબર પાસે હતો.  તો આ પત્ર પોતાની પાસે આવ્યો કેવી રીતે ? !!! એ પણ પોતાનાં હાથે લખાયેલો  !!!?  
અલીની કબર  પર જ્યારે  પોતે ગયેલો ત્યારે હાથમાં ફાનસ અને અલીની દિકરી મરિયમનો આવેલો પત્ર જ  હતાં.  પોસ્ટમાસ્તર સાહેબ વિચારોની હારમાળામાં ખોવાઇ ગયા.
     
          વરસો પહેલા અલી  કાયમ મરિયમનાં પત્રની રાહ જોતો  દરરોજ  પોસ્ટઓફીસ   આવતો . આ નિયમ એનાં મરવા સુધી અકબંધ રહેલો . એ દુનિયા છોડીને વિદાય  થયો એનાં આગલા દિવસ સુધી રોજ સવારે ચાર વાગે એ  આવી જ જતો . છેલ્લા દિવસે જતા - જતા એની વિનવણી હતી કે મરિયમનો પત્ર આવે તો કહેજો.  મરેલા આત્માની શાંતિ માટે જ પોસ્ટમાસ્તર સાહેબને થયું કે મરિયમનો  પત્ર અલીની કબર પર મુકી આવે તો એનાં ગયેલાં જીવને  જે રાહ હતી કે મરિયમનો કાગળ આવશેજ ., એ રાહમાં રહેલી એની આત્માને શાંતિ મળે.,   
આજ વિચારથી પોતે અલીની કબર પર મરિયમનો  કાગળ લઈને  પહોંચી ગયા.

            અલીની કબર પર પત્ર મૂકી એ પાછા ફરવા ગયા ત્યાં મનમાં અચાનક વિચાર આવ્યો કે આ બાપડી મરિયમને  તો ખબર પણ નહીં હોય કે પોતાના પિતા આ દુનિયામાં હયાત પણ નથી. થયુ લાવને પત્ર ખોલી વાંચી તો જોવ. ખબર નહીં ત્યાંજ બેસી એ પત્ર વાંચવા લાગ્યા. 
                 " અબ્બુ , અસ્સલામો અલયકુમ,
              બહુજ દુર છતાં તમારા  આત્માની સાવ નજીક રહેલી તમારી મરિયમનો  ખૂબ પ્રેમ.  ખબર નહી અબ્બુ પણ હમણાં - હમણાં તમે ખુબ જ યાદ આવો છો.  એવું નથી કે મેં તમને ક્યારેય યાદ નથી કર્યા , ઘણીખરી વખત મે તમને પત્ર મોકલેલ છે. નિકાહ પછી એક છોકરીનું જીવન સાવ જ બદલાઇ જાય છે અબ્બુ .    બહુજ ઇચ્છા હોવાં છતા પણ પોતાના અરમાનોને દફન કરી જીવતા શીખી જવાય છે, અબ્બુ તમે શીખવતા કે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ નાં ગુમાવવી , બરાબર એ વાતને યાદ રાખી હું  નિયમિત મારી ફરજ અદા કરૂ છું. 'ફેઝલ' આર્મીમાં હોવાથી ઘરની પણ પુરી જવાબદારી મારા પર રહે છે.  'ફેઝલ 'અને મારા પ્રેમ સ્વરૂપ દિકરી 'સહર 'ને  સાચવવામાં મારો દિવસ ક્યાં જતો રહે છે  ખબર  નથી રહેતી. 
             અબ્બુ તમને જોયા કેટલો  સમય વીતી ગયો.  તમારી દાઢી પણ સફેદ થઈ ગઈ હશે ને ?!  બુઢાપામાં તમે એકલા કઈ રીતે સંભાળતા હશો ખુદને? અબ્બુ મને  મારુ બચપણ બહુ યાદ આવે છે. અમ્મીની તો  સુરત પણ યાદ  નથી. મારા માટે તો અમ્મી ને અબ્બુ બનેં તમે જ છો.

              અબ્બુ ઘણાં સમયથી મને રોજ એક ખ્વાબ આવે છે '' 'તમે 'અને  'હું ' એક સુંદર ફૂલોનાં બગીચામાં હોઇએ છીયે. અને તમે મારા માટે સુંદર ફૂલો તોડીને  ભેગા કરતાં - કરતાં એટલાં દુર જતાં જાઓ છો કે હુ તમને  'અબ્બુ ' 'અબ્બુ 'કરીને શોધતી રાહુ છું, પણ તમે ક્યાંય નજર આવતાં નથી. " મારુ મન  બહુ વિહવળ થઈ જાય છે આ સપનું જ્યારે પણ આવે ,  'અબ્બુ 'ખુદા પાસે તમારી સલામતીની દુઆ માગતી રહું છું. આ વખતે 'ફેઝલ 'મને તમારી પાસે લાવવાનું વચન આપ્યું છે અબ્બુ.  બસ ખુદા તમને સલામત રાખે .
                                      તમારા જીગર નો ટુકડો  તમારી મરિયમનાં અલ્લાહ હાફિઝ.  "
       
                      

              પત્ર વાંચી લીધાં પછી  ખબર નહીં પોસ્ટ માસ્તરને ક્યારે ત્યાં જ ઊંઘ આવી ગઇ . આંખ ખૂલી તો હાથમાં મરિયમનાં આવેલા પત્રનો જવાબ લખાયેલ પત્ર હતો. મરિયમને કશી ચિંતા વગર ખુશ રહેવા અને સમય આવે પોતે જ મરિયમને મળવા આવી જશે એવું લખાયેલો પત્ર કોણ લખી ગયું ?
             ત્યાંથી પોસ્ટઓફીસ સુધી પાછું વળીને જોયા વગર પોસ્ટમાસ્તર  ચાલવા લાગ્યા મનમાં એકજ સવાલ પત્ર ક્યાં કોણે ? કેવી રીતે? 
              વિચારો માંથી બહાર આવી   પોસ્ટમાસ્તર  ફરી પરસેવો લૂછી  જીંદગીમાં કોઇના માન્યામાં નાં આવે એવી હકીકત સમજી ગયા. પોતાના દ્રારા  મરિયમને વળતો જવાબ લખાવામાં આવ્યો હતો.  મરિયમનાં સરનામે પત્ર પોસ્ટ કરતાં પોસ્ટમાસ્તરની આંખ પણ ભીની થઈ ગઇ હતી. 
       
              સંસારનાં કેટલા ગૂઢ રહસ્યો કુદરતે પોતાનામાં છુપાયેલા રાખ્યા છે ,  વિચારતાં પોસ્ટ માસ્તર ખિસ્સા માંથી સીગાર  કાઢી સળગાવી ઊંડો કશ લીધો ત્યારે ઘડિયાળમાં   સવારનાં ચાર વાગ્યાનાં ટકોરા પડ્યા બરાબર અલીને  આવવાનો સમય.  
      
---------------------------------


Written by 

Ankit Sadariya Patel



મરિયમની માં ગુજરી ગઇ ત્યારથી ઘરની બધી જવાબદારી મરિયમ પર જ હતી. મરિયમની માં નાં ગયા પછી એ બીજા લોકોનાં ખેતરમાં કામ કરી કરીને ઘર ચલાવતી. અબુ અલી તો ભટકતા શિકારી. આખો દિવસ વગડામાં રખડયા કરે, રાતે મોડાં મોડાં આવે ક્યારેક ના પણ આવે. માં ના ગયા પછી એને કોઈ પૂછવા વાળું નહોતું.
મરિયમના લગ્ન નજીકના સંબંધીઓની મદદથી એક દૂરનાં  ગામનાં  સૈનિકની નોકરી કરતા યુવાન સાથે નક્કી કર્યા હતાં. લગ્નની બધી તૈયારીઓ મરિયમે એકલી એ જ કરી હતી. અલી ડોસા ક્યારેક શિકાર કરવામાં તો ક્યારેક મચ્છીમારીમાં બીઝી રહેતાં. ક્યારેક વળી ઘરે પડ્યા હોઇ ત્યારે થોડા ઘણા બહારનાં કામ કરી આપે. ક્યારેક વળી હેત ચડે તો મરિયમ સાથે લાડથી વાતો કરવા માંડે. મરિયમ ક્યારેય એનાં અબ્બુને ઓળખી શકતી નહીં.
પતિના ઘરે આવ્યાં પછી મરિયમનું ખાલી લાગતું જીવન લગભગ ભરાઇ ગયું હતું. અબ્બુની ક્યારેક યાદ આવતી પણ રહી રહી ને પાછું યાદ આવતું કે એની વિદાય વખતે પણ અબ્બુ હાજર નહોતા. શુ એને મારી પડી હશે? પછી અંદરથી થતું કે બિચારા હવે તો વૃદ્ધ થઈ ગયા હશે, શિકાર કરી શકતા હશે કે કેમ? જમવાનું કોણ બનાવી દેતું હશે. પાછી ગામ ક્યારે જઈ શકાય એની રાહ જોતી રહેતી.
આજ તો પતિનો લશ્કરમાથી કાગળ આવ્યો હતો. એ જોઇ ને મનમાં થયું , લાવ ને હું પણ અબ્બુને એક કાગળ લખું. આમેય અંહી આવ્યાં ને ચાર પાંચ વર્ષ થઈ ગયા છે. કાગળ લખતાં લખતાં બધી લાગણીઓ એમાં ઠાલવી દીધી. 
પછી થયું શું અબ્બુ આ કાગળ વાંચશે? કોણ વાંચી દેશે એમને આ કાગળ? અને એ ક્યાં રખડતાં હશે, ઘરે આવતાં પણ હશે કે કેમ! આમ વિચારી કાગળ સંભાળી ને ગાદલા નીચે એમ જ મુકી દીધો. 

એક વર્ષ પછી મરિયમનો પતિ ઘરે આવ્યો ત્યારે એની નજર આ કાગળ પર પડી. પત્ર વાંચતાં વાંચતાં ખુદ પણ રડી પડ્યો. અને સીધો જ બાજુના ગામમાં જઈને પોસ્ટ કરી આવ્યો. જ્યારે મરિયમને આ વાતની ખબર પડી ત્યારે પતિને વળગીને પાછી રડી પડી.
---------------------------------
Written by

Harsh Pandya

475 words 




કોચમેન અલી ડોસા ની વાર્તા ધૂમકેતુની શિરમોર વાર્તા છે. ધૂમકેતુએ સ્વયં જે પોસ્ટ ઓફિસથી પ્રેરાઇને આ વાર્તા લખી એ પોસ્ટ ઓફિસ આજે ય ગોંડલમાં છે (આ વાત જયભાઈ એ એમના એક વક્તવ્યમાં કહી છે.) 

વાર્તા આમ જુઓ તો સીધીસાદી જ છે. પરંતુ, વિરહની વેદનાનો અંડર-કરંટ સતત છવાયેલો અને વહેતો જોવા મળે છે. તમે આ વાર્તા વાંચો, એક વાર, બે વાર..અનેક વાર ફરી ફરીને વાંચો એટલે પાપોનનું ‘પ્રેમ્સ થીમ’ કે પછી ‘ઇસ્સાક’ નું જીની રે જીની યાદ ચુનરીયા યાદ આવ્યા વગર રહે નહીં.

મરિયમના વિચારજગતને વિચારવાનું શરૂ કરીયે એટલે સચિન-જિગરનું જ ‘લાડકી’ અંદર વાગવા લાગે. મરિયમ શાંત અને ખુશહાલ યુવતી છે. પતિથી દૂર છે અને પિતા ય દૂર રહી ગયા છે. જીવનમાં મહત્વના બે પુરુષોથી દૂર રહીને એ ચોક્કસ હિજરાતી હોય. કોઈને કહે નહીં એવું શક્ય છે. પણ, અબ્બુ-પપ્પાની યાદ પર મરિયમને પતિની યાદ જેટલો જ હક છે. હવે રોટલા કોણ ટીપી દેતું હશે થી લઈને પાણીનું માટલું કોણ સાફ કરતું હશે એ સહિતની તમામ ચિંતાઓ ઓછી સંદેશાવ્યવહારની સગવડતાઓને લઈને વિચારીએ તો મરિયમને આવવી સ્વાભાવિક છે. 
મરિયમની પાસે હવે પરિવાર છે. એક રીતે પૂરા પરિવારની કમી પૂરી થઈ ગઈ છે. પણ અબ્બુની કમી લાગ્યા કરે છે. આ એની ચિંતા છે કે ખરેખર ટેલિપથી થાય છે કે અબ્બુ હવે બીમાર થતાં જાય છે, એમનો અંત નજીક છે એ નક્કી કરવું એના માટે બેહદ મુશ્કેલ છે. કોચમેન અલી ડોસા માટે જીવનનો તંતુ મરિયમનો કુશળ ખબરઅંતરનો એક પત્ર પર જ રહી ગયો છે. અલી ડોસા થી હવે શિકાર શું, ચાલવું ય દુષ્કર બનતું જાય છે એ એને બરાબર ખબર છે. 
બીજી બાજુ પોસ્ટ-ઓફિસ એ જડ વસ્તુ અને જડ લાગણીઓનું પ્રતિક છે એવું મને લાગે છે કેમકે એના સ્ટાફના સંવાદોમાં એ જડતા દેખાય છે. વાર્તાના અંતમાં અલી ડોસાની રાહનું બીજ પોસ્ટ-માસ્ટરમાં રોપાઈ જતું હોવાનું માલૂમ પડે છે જેને લીધે એને એવો આભાસ થાય છે કે અલી ડોસા પણ એજ રીતે મરિયમના પત્રની રાહ જોતા હશે. હજુ એ અલી ડોસા વિશે પૃચ્છા કરે ત્યારે એમને ખબર પડે છે કે ડોસા તો ઘણા સમય પહેલા જન્નત-નશીન થયા છે. અહીંયા ખરો પંચ છે. વૃદ્ધ અને કૃશ:કાય કોચમેન અલી ડોસાની તકલીફ અને વિરહ-વેદના હવે માસ્તર સમજી શકે છે.

આ મૂળ વાર્તા. હવે જો સિક્વલ પકડીએ તો એવું થઈ શકે કે પોસ્ટ-માસ્તર પોતે મરિયમને જવાબી કાગળ લખે. જણાવે કે એના અબ્બુ હવે આ દુનિયામાં નથી. અને પછી કદાચ થોડો સમય સાથે રહેવા પોતાની દીકરીને ય તેડાવે, જેથી થોડીઘણી સ્મૃતિઓ ભેગી કરી શકે, એટલે ભવિષ્યમાં પોતે ન હોય ત્યારે એની દીકરી એને વાગોળીને ખુશ થઈ શકે કે બીજી કોઈ ગિફ્ટને બદલે સ્મૃતિઓ વારસામાં આપી એ સારું કર્યું. મને લાગે છે કે પિતા તરીકે અલી ડોસા અને સંતાન તરીકે મરિયમ, આ બેય પાસે જે ખજાનો છે એ છે એકબીજાની સ્મૃતિઓ. જેનો શેષ ક્યારેય થતો નથી. ગમે તેટલા દૂર હો, સ્વજનની સ્મૃતિ જ્યારે આવે છે ત્યારે તમારી ઉંમર એકદમ ઘટી જાય છે કેમકે તમે સ્મૃતિઓના એવા પરદેશમાં પહોંચી જાવ છો જ્યાં તમે ખરેખર હો એવું ફરીથી અનુભવો છો, કેમકે જીવનની યાદનો એ ટુકડો તમે ફરીથી યાદ કરો છો.
---------------------------------

Written by 

Dhaval Khatsuriya


શિયાળાની એ રાત્રી પોસ્ટમાસ્ટરે પોતાની દીકરી માંદી હતી એટલે શંકા-કુશંકામાં માંડ માંડ વિતાવી. હાથમાં કોચમેન અલી ડોસાના નામનો મરિયમનો પત્ર... અહીં મરિયમના પત્રની રાહ જોતી અલી ડોસાની કબર... અને ત્યાં મરિયમના મગજમાં ચાલતું ઘમાસાણ...
પોતાની ચિંતા અને આ ઉપરાંતના સંસ્મરણો વાગોળ્યા કરે છે. અને એમજ એક વખત એ સ્મૃતિમાં ખોવાઈ જાય છે.


એકવાર મરિયમ અને એની સાથે જ શાળામાં અભ્યાસ કરતા વસીમ આગળ કોલેજમાં ભણવા માટે નજીકના શહેરમાં સાથે સાથે જ જતા હોય છે. અને એ સમયે અલીડોસા આખો દિવસ બસ શિકાર કરીને પડ્યા રહે છે... ઘરનું અને બહારનું પણ બધું જ કામની જવાબદારી મરિયમ પર છે. મરિયમ અને વસીમ કોલેજમાં સાથે ભણે અને શહેર સુધી રોજ સાથે સફર કરે એમાં જ એક મેકને દિલ દઈ બેઠા અને આખી જિંદગીની સફર સાથે જ ચાલવાના કોલ દઈ બેઠા. પછી વસીમને ટૂંક સમયમાં સિપાહીની નોકરી મળી. અને પંજાબના ફિરોઝપુરમાં પોસ્ટિંગ આવતા ત્યાં નોકરી એ ગયો. અને પછી તરત જ ખુબ સાદાઈ થી વસીમ અને મરિયમ પરણી ગયા. અને બન્ને ફિરોઝપુર જતા રહ્યા. ત્યાં વસીમને ગમે ત્યારે ડ્યુટી પર રહેવાનું થતું.

અહીં પણ મરિયમ ઘરની અને બહારના કામ બધી જવાબદારી હતી. ત્યાં મરિયમને ઘણી વાર અબ્બુની યાદ આવતી.
અને અમુક વાર તો આખો દિવસ મરિયમ બસ પિતામય બની જાતી. મરિયમ અને વસીમને એક પુત્રી હતી ઝુબેદા. ઝુબેદાને ભણાવવાની જવાબદારી બધી મરિયમ જ ઉઠાવતી. મરિયમ ઝુબેદાને ભણાવતી ત્યારે એક વખત પત્રલેખન શીખવતા શીખવતા પોતાને પણ અબ્બુને પત્ર લખવાનું સૂઝ્યું. પણ મન એટલા બધા વિચારોથી ઘેરાયેલું હતું કે કોઈ શબ્દ ના મળે.
છતાંય એણે કાગળ હાથમાં લઇ પત્ર લખવાની શરૂઆત કરી. અને એ પોતાની વ્યથા પત્રમાં નીચોવીને ઠાલવી દીધી. પોતાની બધી ચિંતા પત્ર માં પ્રગટ કરી દીધી.
અબ્બુની હાલત કેવી હશે? આવા શિયાળામાં સુઈ ગયેલા અબ્બુને ઠંડીથી બચવા કોણ ધાબળો ઓઢાળતું હશે? અબ્બુની માંદગીમાં  દવાનું ધ્યાન કોણ રાખતું હશે? અબ્બુની ઉંમરના હિસાબે આવક બંધ થઇ ગઈ હશે તો હવે ઘર કેમ ચાલતું હશે ? જમવાના સમયે જમવાનું મળતું હશે કે કેમ? અને જો જમવાનું મળતું હોય તો એમને જમવાના ટાઈમે જમવાનું કોણ પીરસતું હશે? પોતે પોતાની રીતે ચાલી શકતા હશે કે કેમ?
બચપણમાં તો અબ્બુ મને વાર્તા રાત્રે કહેતા કહેતા સુઈ જાતા.. હવે એમને મીઠી નીંદર આવતી હશે? હવે એ વાર્તાઓ કોણ સાંભળતું હશે? એમના કપડાં વાસણ હું ધોઈ દેતી.. એ બધા ઘરના કામ કોણ કરતુ હશે? એમને માથું દુખે ત્યારે માથું કોણ દાબી દેતું હશે?

કહેવાય છે કે વૃદ્ધ વ્યક્તિ ને એકલતા ખાઈ જાય છે તો અબ્બુ પોતાની એકલતા કેમ દૂર કરતા હશે? અબ્બુ મારી કેટલી ચિંતા કરતા હશે? એમના વૃદ્ધ શરીર પરની કરચલીઓ ઘણું કહી દેતી હશે.
માં વગર તો પહેલેથી જ જીવન ગુજારેલું પણ માં અને બાપ બંને વગર નું અનાથ જેવું જીવન કેટલું વેદનીય છે એ મરિયમે અનુભવ્યું. 
આ તમામ સવાલો ભરેલો પત્ર હાલ તો પોસ્ટમાસ્ટરના હાથમાં હતો. પણ પોસ્ટમાસ્ટર હવે એ પત્રનું શું કરવું એ વાતે પોસ્ટમાસ્ટર મુંઝાઈ ગયા.

---------------------------------

Written by

Himanshu Raste


મરિયમની વેદના વિશે વિચારતા થાય કે ૧૯૨૬ ના સમયની તે વખતે સ્ત્રીની પરિસ્થિતી શુ હશે.. ? શક્ય છે કે મરિયમના પતિ દેશ માટેના દ્વન્દ્વ મા દોરાયેલા હોય. ઘરની બધી જવાબદારીના ધીંગાણા વચ્ચે પિતા વિરહના ઘોડા પુરપાટ દોડતા જ હોય પણ કોઈ કારણસર પત્ર ન લખી શકવાનો વસવસો જીવનભર મરિયમને હવે ખોતર્યા કરશે..
દુહિતા ને પિતા એ તો  બ્રહ્માંડના શ્રેષ્ઠ સબંધોમાંનો એક.... દિકરીને લગ્ન મા બધું છુટે છે એના કરતા બાપ છુટે છે એનુ દુ:ખ સૌથી વધુ હોય.
અલી ડોસા ને પત્ર ના લખી શકવાના વસવસા સાથે પિતાના મૃત્યુના સમાચાર, દિકરીના પ્રાણ હરી લેવા માટે બ્રહ્માસ્ત્ર સમા, પણ આ બ્રહ્માસ્ત્ર નો વાર ખમી જાય એ શિકારીની દિકરી મરિયમ.
વિરહમા કદાચ આંસુ ન વહાવે પણ અંદર આજીવન દાવાનળ ઊકળતો રહે ને આખાય આયખામાં એક ઉણપ રહી જાય એ ખેદ એટલે મરીયમનો વિરહ...

પણ હવે મરિયમ બાપને બધે દેખે છે કોઇ પ્રેમ ભર્યા શબ્દો કાને પડે ને બાપ સાંભરે, કોઇ લાગણીઓની કરચલી વાળો ચહેરો દેખાય તો બાપ સાંભરે, પોતાના દિકરા-દીકરીમાં નાના નો અણસાર જોવેને બાપ સાંભરે, તપતા સુરજે ગુસ્સામાં, આથમતી સાંજે નિખાલસતામાં, રાતની હુંફ માં ને સવારની આઝાનમાં બધેજ...
આમ બધેજ ને આમ કશેજ નહી.... છે તો બસ વસવસો.!!
છેલ્લે બસ એમ કહીશ કે આ વિરહની લાખ્ખો લાગણીઓ આલેખવા નિ:શબ્દ લખવુ પડે આજ....
---------------------------------
Written by

Foziya Irfan



શહેરથી દૂર  સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલાઓ જોવા મરીયમને બહુ ગમતું. આ એનો નિત્યક્રમ હતો.રાજસ્થાન સરહદ નજીકના એક વિસ્તારમાં સરકારે સૈનિકોના પરીવારો માટે ફાળવેલા ક્વાર્ટરમાં એ હુસૈનની અમ્મી જોડે રહેતી. હુસૈન વધઘટ ડ્યૂટી પર લશ્કરી છાવણી પર રહેતો. એમ તો એ ખુશ હતી. પ્રેમાળ સાસુ એને દિકરી ની જેમ રાખતાં એમા હાલ તો ખાસ જ્યારે એને પાંચ વર્ષે સારા દિવસો જઇ રહ્યા હતાં. 


       આજે એને અબ્બા બહુજ યાદ આવી રહ્યા હતાં. પોતે નાના બનવા જઇ રહ્યા છે એ વધામણી અબ્બાને આપવા આતુર હતી. કાલે સવાર પડતાંજ ઘરકામ વહેલુ આટોપીને પોતે  અબ્બાને ખૂશખબરી આપતો લાંબો પત્ર લખશે અને સુવાવડ કરવા અબ્બા પાસે જશે. આમેય ઘણા વખત થી એ અબ્બાને પત્ર નથી લખી શકી.

અબ્બા કેમ હશે?શું  કરતાં  હશે?કોણ એમની ધ્યાન રાખતું હશે?.....પણ.... હવે આટલું વિચારવાનો કોઇ મતલબ હતો ખરી...?ત્યારે કેમ ના વિચાર્યુ જ્યારે પોતે હુસૈનના પ્રેમમાં પડી? ને એ પ્રેમનાં સ્વાર્થ ખાતર અબ્બાને એકલાં મૂકી આટલી દૂર આવી ગઇ.આંખોનાં ખુણા માંથી એક મોતી ખર્યુ..


     આકાશના સૌથી ચમકતાં તારામાં મરીયમને અબ્બાનો ચહેરો દેખાતો હતો. ભલભલા જાનવરને ભોંય ચાંટતા કરી દેનાર અલીની  જાન દિકરી મરીયમમાં ફસાયેલી હતી. અમ્મીનો તો ચહેરોએ યાદ નથી એટલી વહેલી ગૂજરી ગઇ હતી. મરીયમ ખાતર અલીએ બીજા નિકાહ ન જ કર્યાં. રસોઈ સાથે મરીયમને સાચવવાનું કામ અબ્બા ચીવટથી કરતા. માથું ઓળતા, નાનાંમોટુ ઘરકામ, રસોઈ કામ, કપડું લેતા ને આવું તો કેટલુંય કામ કરતાં....

     

પોતે ઉંમરલાયક થઇ એટલે અબ્બુએ એના નિકાહ હુશૈન સાથે કરાવ્યાં . હુશૈન લશ્કરમાં હતો અને મરિયમ પિતાને છોડી , પતિ સાથે ચાલી નીકળી.
       બસ..ત્યાર પછી અબ્બાને જોયા નથી. આંખો બંધ થાય ને અબ્બા દેખાય છે. હજી અબ્બાને વળગીને રડવું છે. આ ઉમ્મરે એકલા મૂક્યા માટે માફી માંગવી છે. આવનાર બાળકને અબ્બાના ખોળામાં રમતો જોવો છે..... એજ તંદ્રામાં મરીયમ ની આંખ લાગી જાય છે ને એટલામાં જ મધરાતની એક શાંત ઘડીમાં પેલો સૌથી ચમકતો તારો ચૂપચાપ ખરી પડે છે........



------------------------

કોઈ ફેમસ વાર્તાનાં પાત્ર પર લખવાનો આ પહેલો પ્રયાસ છે. તમને બધાની કલ્પના કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો.   

Guest Post : હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી


હવે પહેલા જેવી મઝા નથી રહી - અધીર અમદાવાદી

“હવે જેલના ભજીયામાં પહેલા જેવી મઝા નથી રહી”. 

અમદાવાદમાં રહેતા હશે એમને ખબર હશે કે આરટીઓ પાસે જેલના કેદીઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વિક્રય કેન્દ્ર છે અને ખાસ કરીને ત્યાના ગોટા-ભજીયા ખુબ વખણાય છે. પરંતુ અમે જેલના આ ભજીયાને વખાણ્યા એ એમનાથી ખમી શકાયું નહીં કે ગમેતેમ પણ એમણે ઉપર મુજબ લાગણી વ્યક્ત કરી.
અમે પૂછ્યું: ‘કેમ તમને શું ફેરફાર લાગ્યો?’
‘જે ફેરફાર હોય એ, પણ પહેલા જેવા નથી બનતા એ હકીકત છે’
‘પણ એનું કોઈ કારણ હશે ને?’
‘કારણ તો હોય જ ને, એમાં બનાવનાર કેદીઓ કંઈ આજીવન કેદવાળા થોડા હોય કે એકનો એક હાથ રહે?’
‘પણ તો આટલા વરસોથી બદલાતું જ હશે ને, તોયે ગમે તે સમયે આવો, લાઈન લાગેલી હોય છે’.
‘લાઈન લાગે એટલે ભજીયા સારા એવું થોડું છે, એમ તો મુંબઈની ચાલ સિસ્ટમ છે ત્યાં સંડાસમાંય લાઈન લાગે છે, તે સંડાસ સારું થઇ ગયું?’ વડીલે છેલ્લી કક્ષાની દલીલ કરી.
‘ધારો કે લાઈન એ પ્રમાણ નથી, પણ અમારા જેવાને તો ભજીયા સારા જ લાગે છે’
‘એનું કારણ છે કે તમને સારા શું એ ખબર નથી’
‘તો તમે કહો સારા એટલે કેવા?’
‘એવું વર્ણન ન થાય, તાજમહાલ જોવાનો હોય, એના વર્ણનથી ખબર ન પડે કે તાજમહાલ કેવો છે’
--
 ગાંઠીયા તો અસલ સૌરાષ્ટ્રના જ. ગમે તે ગામમાં જાવ, એકાદો તો અસલ ગાંઠીયા બનાવનાર તમને મળી જ આવે, શું?’
‘એટલે અમદાવાદમાં આટલી જગ્યાએ ગાંઠીયા મળે છે એ બધાં નાપાસ એમ?’
‘એમ જ સમજો, આ તો અટાણે ખાવાની ટેવ પડી એટલે ખાવા પડે છે, શું?’. એમણે ઉપકાર કરતા હોય તેવા ભાવ સાથે કહ્યું.
‘પણ અમદાવાદમાં ગાંઠીયા બનાવનારા અને વેચનારા કાઠીયાવાડથી આવ્યા છે, અને એવું એમની દુકાનમાં લખે પણ છે’
‘ગમે તે હોય, કદાચ ત્યાના ‘બી’ ક્લાસ કારીગરો અહીં એક્સપોર્ટ કરતાં હોય, શું?’
‘પણ એવું તો શું વધારાનું છે ત્યાના ગાંઠીયામાં, અહીં પણ ચણાના લોટમાં બને છે અને સિંગતેલમાં તળે છે. અને કપડા ધોવાનો પાવડર કદાચ બીજો નાખતા હોય એવું બને’ અમે તપાવવાની યથાશક્તિ કોશિશ કરી.
‘અરે, અહી સંભારો, ચટણી કંઈ મઝા નો આવે, શું?’
‘અરે કાચા પપૈયાના છીણમાં મરચું નાખવાનું બીજું શું, એમાં સૌરાષ્ટ્ર હોય કે અમદાવાદ પપૈયા અને એ પણ પાછાં કાચા, એના ટેસ્ટમાં શું ધૂળ ફેર પડે?’
‘તોયે ફેર પડે છે, શું?’
‘શું ફેર પડે છે?’
‘એ તો ત્યાના ગાંઠીયા ખાધા હોય એને ખબર પડે, કોઈએ કહ્યું છે કે ગાંઠીયા એ ચણાના લોટમાં લખેલી કવિતા છે, શું?’
‘સારું ત્યારે તમે કવિ સંમેલન ચલાવો, અમારે કોઈના ગાંઠિયાની નકલ નથી કરવી એટલે જ અમે ફાફડા અને પાપડીની શોધ કરી છે’
--
રોજ અમારી આજુબાજુ કોઈનું કોઈ કચકચ કરતુ મળે છે કે :
‘દિવાળીમાં હવે પહેલા જેવી મઝા નથી રહી’
‘હવે ખાડાના દાલવડા પહેલા જેવા નથી રહ્યા’
‘પુરુષોત્તમભાઈને અમે જે સાંભળ્યા એ તમે સાંભળ્યા જ નથી’
‘આઈસ્ક્રીમ? હવે તો એમાં ખાલી ફીણ આવે છે’
‘કાંકરિયા? ગેટ કરી નાખ્યા પછી પહેલા જેવી મઝા નથી રહી’
‘નવી ફિલ્મોમાં હવે જૂની ફિલ્મો જેવી મઝા નથી રહી. સ્ટોરી જેવું કશું હોતું જ નથી’.
‘વિરાટ કોહલી સારું રમે છે, પણ તેંદુલકર જેવો ગ્રેસ નથી એનામાં’.
--
અત્યારે યુવાનો પેક નુડલ્સ અને બનમાં બટર નાખીને ખાય છે, પણ આ મસ્કા બન કાલની મહાન આઈટમ બની જશે. ભવિષ્યમાં કોઈ એમ પણ કહેશે કે હવે પહેલાના જેવા બન પણ નથી રહ્યા અને પહેલાના જેવા બટર પણ. બધું આર્ટીફીશીયલ છે. ખબર નહીં સંતો, મોટીવેશનલ સ્પીકર્સથી માંડીને કેટલાય લોકો દિવસ રાત જ્ઞાન વહેંચે છે પણ હજુ માણસ કાલ છોડીને આજમાં જીવી નથી શકતો. રાજકોટમાં કેવી ચા મળે છે, એની વાત કરતાં ગળગળો થઈ ગયેલ નવયુવાન અમદાવાદની કટિંગ ચા, કે જેને લોકો હોંશે હોંશે પીવે છે, તેની મઝા નથી લઇ શકતો. આવતીકાલે આજનો યુવાન વડીલ થશે એટલે આજે જે વાતોમાં વડીલોને મઝા નથી આવતી તેવી જ કોઈ વાતને ઘરડો થતા પોતાના બાળકો આગળ મહાન બતાવશે.
--
સંત અધીરેશ્વરની અજ્ઞાનવાણી
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ એને ડેટોલ યાદ આવે તો સમજજો કે એ માણસ  પ્રેક્ટીકલ છે.  

- Adhir Amdavadi


About Writer


Dr. Devanshu Pandit, professor in CEPT university is also known as Adhir Amdavadi. He is currently writing a humour column in Times of India Group Gujarati newspaper Navgujarat samay. The title of his column is Cutting with Adhir Badhir Amdavadi. He started writing when in college, but formally he was invited to write for Mumbai Samachar, Asia's oldest newspaper in 2010, column name "Lat ni lat ane vat ni vat". It continued for five years. He enjoys emense popularity among youth on social media. 

In 2016 he published his first gujarati humour book, Cheeze Dhebra, which has got overwhelming response from Gujarati readers.

Blog www.adhir-amdavadi.com અધીર અમદાવાદીના હાસ્યલેખ ||
e-mail: devanshu@cept.ac.in  devanshupandit@gmail.com (personal)

દિવાળી આવી કે દેવાવાળી - Dhaval Khatsuriya

દિવાળી આવી કે દેવાવાળી -  Dhaval Khatsuriya


ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જ્યાં વિવિધ ધર્મના વિવિધ તહેવારો ઉજવાય છે. માટે અહીંની પ્રજા ઉત્સવપ્રિય રહી છે. તમામ તહેવારો ખુબ જ હોશથી ઉજવાય છે.
એમાંય શ્રાવણ માસથી દિવાળી સુધીમાં અનેક તહેવારો છે. શ્રાવણ માસ પૂરો થાય ત્યાં સુધીમાં રક્ષાબંધન, સાતમ આઠમ, અને અંતમાં ભાદરવી અમાસ (સૌરાષ્ટ્ર માં વિશેષ મહત્વ), પછી ગણપતિ ઉત્સવ ત્યારબાદ શ્રાદ્ધ અને પછી નવરાત્રી. આ બધા તહેવારો પુરા થાય ત્યાં સુધીમાં જ માણસ પોતે એટલો આર્થિક રીતે નિચોવાઇ ગયો હોય કે વધ્યું ઘટ્યું દિવાળીમાં રહે..
અને દિવાળીમાં તો આ બધા તહેવારોમાંથી સૌથી વધુ ખર્ચ થતા હોય, જો કે એક બાજુ એવી પણ છે કે આ બધું ચાલે છે એટલે જ દિવાળી તહેવાર દેખાય છે. દિવાળી હોય એટલે લોકોના ઘર ઝગમગતા હોય. અનેક વસ્તુઓ ઘરમાં નવી આવતી હોય અને અમુક વસ્તુઓ ભંગારમાં જતી હોય. ખુબ બધી ખરીદી કરવાની હોય. બજારોમાં ભીડ હોય..
ખર્ચમાં કોઈ કાપ નહિ.. કપડાંના ખર્ચાઓ, સાજ-શણગારના ખર્ચાઓ, મકાનના સુધારાવધારાના ખર્ચાઓ, બાળકોના ફટાકડાના ખર્ચાઓ, કલરકામ, સુંદર સુંદર ભોજન બનાવવાના ખર્ચાઓ તો કરવાના જ.
આવી કપરી પરિસ્થિતિમાં માણસ જાય ક્યાં.... આવક ઘટે અને ખર્ચ વધે ત્યારે બધું તંત્ર વિખાય જાય છે...  રોજની ૨૦૦-૩૦૦ રૂપિયા ખર્ચ કરતી ગૃહિણીઓ ઓચિંતા રોજના ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા વાપરતી થઇ જાય છે. રોજ સાંજે બજારમાં જવાનું થતું હોય.

એક દિવસ શૂઝ તો એક દિવસ કપડાં... પોતે તો ઠીક પોતાના મકાનને પણ નવુ બનાવી દે છે માણસો...
ઢગલાબંધ ખરીદી અને મુઠ્ઠીભર પગાર.. એમાંય આ વર્ષે દિવાળી અને નવરાત્રી બંને મોટા તહેવારો ઉપરાંત દશેરા અને શરદ પૂનમ બધા ખર્ચાળ તહેવારો બધા જ એક સાથે એક જ અંગ્રેજી મહિના ઓક્ટોબર મહિનામાં જ આવ્યા એટલે એક મહિનાના પગારમાં બધા તહેવાર કેમ કાઢવા એ વિચારે જ પુરુષો મુંજાઇ ગયા છે.
અત્યાર સુધી આ બધા તહેવારો અલગ અલગ અંગ્રેજી મહિનામાં આવતા એટલે બે પગારમાં બધું ગોઠવાઈ જતું...ઘરમાં પિતા પોતાના સંતાનો અને મહિલાઓની ખરીદી થઇ જાય પછી પોતાનું વિચારતો હોય છે પણ આ વર્ષે એ ખાલી વિચારવાનું જ રહી જાય એમ છે છતાં લોકો પોતાની અનુકૂળતા મુજબ દિવાળી ઉજવે જ છે.. અને ઘણા એવું વિચારીને જ માથે દેવું કરે કે દિવાળી પછી દઈ દઈશ.
અને પછી લાગે છે પોતાની દિવાળી આવી કે દેવાવાળી...

Dhaval Khatsuriya
dhaval5790@gmail.com